“મોમ મારું લંચ બોક્સ નથી ભર્યું ? ” હવે તું વહેલી નથી ઉઠતી લેઝી થતી જાય છે.
“સુમી મારા કપડા ક્યા ? આ શર્ટની બાંય ઉપર કેટલી ક્રીઝ છે , શું કરે છે તું આખો દિવસ ?, એક પણ કામમાં તારું ઘ્યાન નથી હોતું “.
“ભાભી આજે પરોઠાં માં સોલ્ટ ઓછું છે , મને બ્રેકફાસ્ટ સરખો જોઈએ છે હું લંચ નથી કરતો “.
…
સોરી કહી સુમીએ બધાને હસતે મ્હોએ વિદાય આપી , પછી વિચાર્યું લાવ જરા ફેસબુક જોઉં .. ત્યાંતો ટપ કરતા બે ચાર મેસેજ બોક્સ ઝબકી ગયા.
” કેમ છો બહુ દિવસ થી અમારી વોલ ઉપર દેખાયાજ નથી “.
” પહેલા મેસેજના જવાબ આપતા, ગુડમોર્નિંગ કહેતા, હવે તો હાઈ પણ નથી કહેતા “.
” પહેલા તમે આવા નહોતા , હવે અભિમાની બની ગયા છો “, વગેરે વગેરે …. ઓહ નકામું માથું ચકરાઈ ગયું
કોઈ ખુશ નથી મારાથી ….વિચારતી સુમી બધું ફટાફટ બંધ કરી સુમી બહાર બાલ્કનીમાં આવી ઉભી રહી.
સામે બગીચામાં બાળકો રમી રહ્યા હતા , પંખીઓ ઝાડની ડાળીઓ ઉપર ઝીણા ગીતો ગાતા ઝૂલી રહ્યા હતા ,
નાનો બાળ સુરજ આભ માથે હસી રહ્યો હતો , તેને હસતો જોઈ કુંડામાં રોપેલા સૂર્ય મુખી ઘીમું ખીલી રહ્યા હતા…અને આ બઘાને એક કરવા મંદ મંદ પવન વીંઝણ વીંઝતો હતો.
આ બધા એક થઇ જાણે કહી રહ્યા હતા …સુમી તું કેટલી સુંદર છે , તું કર્મ કર ફળની ઈચ્છા છોડ. “તું તને પણ પ્રેમ કર ” .
સુમી હસી પડી “હા બાબા હા ! “હવેથી હું જ મને પણ પ્રેમ કરીશ” .
રેખા પટેલ (વિનોદિની)