RSS

Monthly Archives: November 2015

તારી યાદ

તારી યાદ
હું તને કાલે પ્રેમ કરતી હતી,
આજેય કરું છું
આ માટે
તારૂ સમીપ હોવું ક્યા જરૂરી છે ?
તારી હયાતીમાં
હું સંપૂર્ણ તારામય હતી
આજે પણ તું યાદ આવતા
ત્યાજ અટકી જાઉં છું…..
હા ! તારા સાથ મહી,
મનનો મોરલો વઘુ ટહુકતો હતો.
દિવસ આખો સોનેરી રહેતો
ને રાત આખી મીઠી નીંદર રહેતી…..
તારા સંગમાં,
માન મોભાનો ક્યાં રંજ હતો?
ના ઊંચ નીચના ભાવ હતા….
બે પળની તકરાર, પળભર માં દોસ્તી,
બધેજ મસ્તીની વસ્તી હતી….
તારા સાથમાં
ખુલ્લી આંખોમાં સપના હતા
આજે બંધ આંખે આવતા સપનામાં
તુ છે….
આજે શરીર સાથે ક્યાંક મન પણ તૂટે છે
જાણે પાનખરમાં પાંદડા તૂટે છે.
છતાય મારા મહી તારો અહેસાસ
મારા મનને જીવંત રાખે છે.
ઓ મારા બચપણ તું હજુય જીવંત છે
હા ! મારા મહી …..

                                                    રેખા પટેલ (વિનોદિની)

)

 

જિંદગી ક્ષણો.

જિંદગી ક્ષણો….
ઓ માનવી તારું સુખ ચેન ક્યા ખોવાયું ?
આવ સાથે મળી એ અધુરપ ને શોધી નાખીએ.
જે અસુખ તને અંદર જકડતું જાય છે,
થોડી નવરાશ વીણી તેને મનમાં ખુલ્લું કરીએ.
આ જિંદગીની રોમાંચક ક્ષણોને પકડીએ ,
ભારે મનથી,હવાથી નાજુક ક્ષણો નહિ પકડાય.
તેને મુઠ્ઠીભર કરવા હળવા રહીએ,
જેને પામવાની ઈચ્છા ટળવળતી રહી છે,
તેને પકડવાનો જાદુ શીખી લઈએ.
ખુશીઓનો તું કદી સંગ્રહ નાં કરીશ,
ખુશ છુ ! તો આવ ઉજવી નાખીએ.
નહીતર ક્યાંક તે હવાની જેમજ છટકી જાશે,
આવને અડધી અડધી વહેંચી લઈએ.
રેખા પટેલ (વિનોદિની )

 

“પાનખરમાં કુદરતની સમીપે “

FullSizeRender.jpg m

માનનીય ચારુ મેડમ ,
આજે તમને પત્ર લખવા બેઠી છું તેનું ખાસ કારણ તમારો પ્રવાસ શોખ. હજુ પણ યાદ છે જ્યારે સ્કુલના એ સોનેરી દિવસોમાં તમે અમને પ્રવાસમાં લઈ જતા હતા ત્યારે ગાઈડ કરતા વધારે રસપ્રદ માહિતી તમે અમને આપતા હતા.. આજે પણ એ દિવસો યાદ રાખી હું બહાર ફરવા જતા પહેલા જે તે જગ્યા વિશેની માહિતી ઈન્ટરનેટ દ્વારા મેળવી લઉં છું . કારણ ફરવાનો મારો શોખ આજે પણ યથાવત રહ્યો છે. ચારુ મેડમ , અત્યારે અહી અમેરિકામાં ફોલ એટલેકે પાનખર ની સિઝન શરુ થઈ ગઈ છે, આ સિઝન માં અહી વૃક્ષોના ખરતા પાન અવનવાં રંગો ધારણ કરે છે.

સૌ પહેલા ડેલાવર થી કારમાં સાત કલાક ડ્રાઈવ કરી અમે ન્યુયોર્કના કેનેડાની બોર્ડર તરફ એક નાનકડાં ગામ લેક પ્લેસીડ પહોચ્યા. જે એન્ડ્રોનડક માઉન્ટેન ની તળેટીમાં ત્રણ બ્યુટીફૂલ લેક થી ઘેરાએલું ગામ છે . ખીણો અને પર્વતોની હારમાળામાં આવેલું આ ગામનું અનોખુ સૌંદર્ય આ સિઝનમાં આસપાસ ઉગેલા પીળા લાલ પડતા જતા પાનાઓ થી રંગોમાં ઘેરાઈને મંત્રમુગ્ધ કરી મુકે તેવું લાગતું હતું . અહી આવેલા મિરર લેકના શાંત પાણીમાં આજુબાજુ રહેલા માઉન્ટેન અને તેની વનરાજીનું પ્રતિબિંબ નીચે મિરર મુક્યો હોય તેવું આભાસી લાગે છે.

અહીનો વ્હાઈટ ફેસ માઉન્ટેન ,અમેરિકાનો પાચમાં નબરનો ઉંચો માઉન્ટેન છે, જે દરિયાથી 5944 ફીટ ઊંચાઈ ઉપર છે જ્યાં અવનવી હાઈકિંગ ટ્રેલ બાનાવી છે.  જ્યાં સમરમાં નેચરના શોખીન અનેક લોકો પોતાના હાઈકિંગ ના શોખને પુરા કરવા આવે છે, અને વિન્ટર માં અહી સ્કી માટે છે.
છેક ઉપર ચડીએ ત્યાં જુના કિલ્લા જેવી રચાયેલી પત્થરોની ઈમારત વચ્ચેથી નીચે જોતા લાગે કે કુદરત પણ અહી બેઘડી રોકાઈ ગઈ છે.  દુર દેખાતી વેલીમાં પાણીથી ભરેલા ચમકતા લેક , અને વચમાં આવતા વાદળોના ગોટા બધું મળી એક અદભુત દ્રશ્ય ખડું કરી દેતા હતા. આ રૂપનું વર્ણન શબ્દોમાં ગમે તેટલું કરીએ તોય અધૂરૂં લાગે છે , સાચી અનુભૂતિ તો જાત અનુભવે જ થાય છે.

લેક પ્લેસીડમાં 1932 અને ત્યાર પછી 48 વર્ષ પછી 1980 માં અહી વિન્ટર ઓલેમ્પિક રમતો જેવીકે આઈસ હોકી,  સ્કી વગેરે રમાઈ હતી. મહારાજ્ય ન્યુયોર્કનું આ એક નાનકડું ગામ જ્યાં શહેર નો એક પણ અંશ જોવા મળતો નહોતો. કુદરત સાથે જોડાએલું આ ગામ અદભુત હતું .

એક દિવસ અહી રોકાઈ અમે કેનેડા જવા નીકળ્યા લગભગ બે કલાકના ડ્રાઈવ બાદ બોર્ડર ક્રોસ કરી અમે કેનેડીયન ગવર્મેન્ટ હેઠળ આવેલા ક્યુબેક ના  મોન્ટ્રીયલ શહેરમાં પહોચ્યા , નવાઈની વાત એ હતી કે કેનેડામાં આવેલું આ શહેર આખું ફ્રેંચ શહેર લાગતું હતું. આટલુજ નહિ આ શહેરની મુખ્ય ભાષા આજે પણ ફ્રેંચ છે ,આજે પણ અડઘા કરતા વધારે લોકો આજ ભાષામાં વાત કરતા જણાય છે. જે પેરિસ પછીનું સહુ થી વધારે ફ્રેંચ બોલતું શહેર છે. કેનેડાના આ ભાગમાં ફ્રેંચ વર્ચસ્વ વધુ છે પરતું 500 કિલોમીટર દુર આવેલા ટોરન્ટો શહેરમાં બ્રિટીશ વર્ચસ્વ ચોક્ખું જણાઈ આવે છે. સામાન્ય રીતે ખુબજ વેલ ઓરગેનાઈઝ અને પીસફુલ રહેલા આ દેશમાં પણ આંતરિક બ્રિટીશ અને ફ્રેંચ કોલોનીનો છુપો મતભેદ જણાઈ આવે છે .

અમે વેસ્ટ ડાઉન ટાઉન માં આવેલા માઉન્ટ રોયલ નામના સ્થળ ઉપર પહોચ્યા . એ સ્થળ  764 ઊંચાઈએ હિલ ઉપર આવેલું છે .  જ્યાંથી આખું શહેર બરાબર દેખાય છે ,શહેરની સુંદરતા જોઈ અહી ચડીને આવ્યા હતા તેનો થાક વિસરાઈ જાય છે.  રાત્રે અહી લટાર મારવા નીકળ્યા ત્યારે જાણે પેરિસમાં ફરતા હોઈએ તેવો ભાસ ઉભો થતો હતો. અહી તમે કોઈને પણ રસ્તા વિષે જાણકારી  માંગો તો તરત તેમનો સ્માર્ટ ફોન હાથમાં લઇ ડીટેલ માં માહિતી આપી દેતા આ જોઈ લાગ્યું કે યુરોપની જેમ અહી પણ ગુગલમેપ નો વપરાશ વધુ છે. અહીનું બીગ ઓ સ્ટેડીયમ પણ જોવા જેવું ખરું જ્યાં 1976 માં સમર ઓલેમ્પિક રમાઈ હતી.

બે દિવસ રોકાઈને ફરી બોર્ડર ક્રોસ કરી અમે પાછાં અમેરિકાના વરમોન્ટ સ્ટેટના એક નાનકડાં ગામ સ્ટોવ પહોચ્યા જે અમારુ લાસ્ટ ડેસ્ટીનેશન હતું . ચારુ મેડમ આ ગામ એટલે કે જાણે પાનખરમાં કુદરતનું પહેલા ખોળા નું બાળ ,અદભુત સુંદર લાગતા આ ગામની વિશેષતા હતી કે પાનખરમાં જેટલું શોભતું તેટલુજ આ ગામ વિન્ટરના સ્નોફોલમાં સહેલાણીઓ થી ઉભરાઈ જતું . અહી આવેલા સ્મગલર નોચ સ્ટેટ પાર્ક અને સ્મગલર નોચ સ્કી એરિયામાં આવેલા હજારો વૃક્ષોના પાન કલર ફોલમાં મરુન ,લાલ કેસરી ,પીળા અને બાકી રહેલા લીલા રંગની સાથે સાથે ભેળવાઈ ને અદભુત સૌદર્ય ઉભું કરી દેતા હતા  . તેમાય ત્યાં માઉન્ટેન ની ટોચે જવા માટે બનાવાએલા ગંડોલા માં બેસીને ઉપર જતા આખુય દ્રશ્ય આંખોમાં સમાતું નથી. અહી બહુ મોટા સ્કી રિસોર્ટ પણ આવેલા છે .યુરોપ થી અને કેલીફોર્નીયા તરફથી ખાસ સ્કી નાં શોખીનો આવતા હોય છે .
પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન આ પ્રવાસના સંભારણા રૂપે મેં ઘણા ફોટા ક્લિક કર્યા છે .  “દરેક પ્રસંગના ફોટા લેવાનો શોખ વર્ષો પછી જૂની થઇ ઝાંખી પડતી જતી આપણી સ્મૃતિઓ ને તરોતાજા રાખે છે  “. ચારુ મેડમ સમયના અભાવે હું આપની રજા લઈશ …નેહાના પ્રણામ rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ (યુએસએ )