આભાર , સાવ સરળ લાગતો આ શબ્દ હકીકતમાં બહુ ભારે છે , કારણ સાચી લાગણીઓનાં બદલામાં પાછા અપાતા આ શબ્દમાં વજન ઘણું વધી જતું હોય છે . “આ ભારને” હું આભાર માનતા નમ્રતાથી પાછું વાળવાનો એક પ્રયાસ કરું છું.
સાચુ કહું તો અહીં ફેસબુકમાં આવીને મેં ખરેખર ઘણું અચીવ કર્યું છે, મારી પ્રગતિ થઈ તેનાથી વધારે મને એટલો બધો પ્રેમ મને અહી આવીને મળ્યો કે જેની મને કલ્પના પણ નહોતી , આજે આટલી બધી “બર્થડે વીશીસ” મળતા હું મારી જાતને ઘન્ય અનુભવું છું , આપ સહુનો આભાર માત્ર શબ્દોથી માનું તે પુરતું નથી છતાં પણ દિલ થી થેક્યું કહી ફૂલ નહિ તો ફૂલની પાંખડી અર્પું છું .
અહીં ફેસબુકમાં આવવાનો મારો આશય માત્ર જુના મિત્રોને મળવાનો અને મારો સમય પસાર કરવા માટેનો હતો બધાને લખતા જોઇને મને આવડે એ રીતે શબ્દો સાથે રમત કરી થોડી ઘણી કવિતાઓ રચતી હતી..ધીરે ધીરે કવિતાની આગળ વધીને મનની વાતો અને સંવેદના પર લખવાની શરૂઆત કરી..અને એ બધુ ફેસબુકની નોટ્સમાં મુકીને શેર કરતી હતી..એ પછી મારો હાથ લેખન પર બેસતો ગયો અને વાર્તાની શરૂવાત કરી..
બસ પછી લેખનકાર્ય પર મને સારી ફાવટ આવી ગઇ ,તો લેખનક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું …કારણકે લેખન એવી પ્રવૃતિ છે મન,મગજ અને આત્માને પરિશુધ્ધ આંનદ આપે છે.
જોકે આ કામ મારૂ નિંજાનંદલક્ષી હતું પરંતુ આપ સહુના સાથ સહકાર પછી લાગ્યું કે તેને દુનિયા સમક્ષ મુકવું જોઈએ ,કહેતા જરાય અતિશયોક્તિ નથી કે આ બધું આપ સહુ મિત્રોના સાથ વિના અશક્ય રહ્યું હોત. આજે મારું એક ચોક્કસ સ્થાન બની રહ્યું છે તેના માટે હું આપની આભારી છું . મે લખેલી ઘણી બધી ટુંકી વાર્તાઓનો એક સંગ્રહ પુસ્તક રૂપે પ્રગટ કરવા માંગુ છુ…અને ટુક સમયમાં પુસ્તક દિવાળી પછી મારું પુસ્તક બહાર પડશે ” ટહુકાનો આકાર ” અને આશા નહિ પણ વિશ્વાસ છે કે તેમાં પણ તમારા બધાનો મને સંપૂર્ણ સહકાર મળવાનો છે.
આ તો થઈ મારી એકલીની વાત.. પણ હું મારું મંતવ્ય જણાવું તો દરેક વ્યક્તિની અંદર એક અલગ કલાકાર જીવતો હોય છે ,જિંદગીમાં મોટે ભાગે એક એવો અવસર આવે છે જે અંદર છુપાયેલી કલાને બહાર કાઢવા માટે નિમિત બને છે..અને એ પછી બસ એ કલાને ઉત્સાહથી બહાર કાઢવાની જરૂર છે..શરૂઆતમાં ભલે થોડી જહેમત ઉઠાવવી પડે.એ પછી જુઓ તમને કેટલું આંતરિક સુખ મળે છે!!!
આમ જુઓ તો વ્યક્તિત્વને ખીલાવવા માટે કોઈ ઉંમરબાધ નડતો નથી.. ભારપૂર્વક કહુ છુ કે દરેક વ્યક્તિએ પોતાનું આંતરિક વ્યક્તિત્વ ખીલવીને અંદરથી સમૃદ્ધ થવું જોઈએ!
દરેક ઉત્તમ સર્જક પોતાની આગવી સૂઝ અને પ્રતિભા ઘરાવે છે..અને જો વ્યક્તિમાં પાકી નૈતિક સમજ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ હોય તો તે સાચી કળા ખીલવી શકે છે
ભારપૂર્વક કહુ છુ કે દરેક ચાલીસ વર્ષ પછીની વ્યક્તિએ પોતાને ગમતી કોઈ પણ પ્રવૃતિને જીવનનો એક ભાગ બનાવી લેવી જોઈએ , હું આ ખાસ ઉંમરની વાત કરું છું કારણકે આ ચાલીસ પછીની ઉંમરનો પડાવ એક એવી અવસ્થા છે.. જો તમે નવરા બેસીને અને નવરા મગજ સાથે રહેશો તો જલ્દી વૃઘ્ઘવસ્થાની નજીક પહોંચી જશો ,આ સમયે તમારા સંતાનો ઉડવાને થનગનતા હોય છે..જેમને પોતાની પ્રગતિ માટે તમારી માટે સ્થિર રહેવાને સમય નથી અને ના એવી કોઇ જરૂર છે. કારણકે સંતાનોની પ્રગતિમાં આપણે માં-બાપ અવરોધ બનવા માંગતા નથી.
આ આપણા બધાની એકજ સરખી વ્યથાની વાત છે , બચ્ચા મોટા થતા ઉડવાના જ છે આ અફર નિયમ છે . આવા સમયે કોઈ પણ પ્રવૃત્તિ હોય તો પરોવાએલું રહે કારણ સહુ જાણે છે કે “ખાલી મન શેતાનનું કારખાનું ” છે
હા જો તમે કામ કરતા હો કે પોતાનો ધંધો કરતા હો તો અલગ વાત છે. પણ જે સામાન્ય ગૃહિણી છે જેને મોટે ભાગે ‘હાઉસવાઇફ’ જેવું રૂપકડુ નામ આપવામા આવ્યુ છે..આ ગૃહિણીએ એની જિંદગીના સોનેરી કહી શકાય એવા પાછલા ૨૦ કે ૨૫ વર્ષ આ ઘરના માળાને અકબંધ રાખવામાં,અને પરિવારને હૂફ આપવામાં અને પરિવારની એકતા ટકાવી રાખવા વિતાવ્યા હશે..એવી ગૃહિણીઓ માટે આ સમય તકલીફદાયક બની રહે છે. અને વધારામાં એનાંમાં આવતો માનસિક અને શારિરીક બદલાવ એના માનસિક સંતુલનને પણ ડામાડોળ કરી નાખે છે …
આ વાત ફક્ત સ્રીઓને જ લાગુ પડે એવુ પણ નથી. ચાલીસી વટાવ્યા પછી પુરુષોને પણ આવી કેટલીક સમસ્યાઓ સતાવે છે.
કારણકે પુરુષો પોતાની યુવાનીમાં જીવનનો એક મહત્વનો હિસ્સો કુટુંબના જીવન નીર્વાહને સરળતાથી આગળ ચલાવવામાં વપરાઈ ગયો હોય છે. ત્યારે ઘણી બધી જવાબદારીમાંથી મુકત થયેલા પુરુષ માટે થોડી રાહત અને શાંતિનો માર્ગ ખુલ્લો થાય છે. કારણકે આ સમયે સંતાનો મોટા થઇ ગયા હોય છે ત્યારે એને સમજાય છે કે જુવાનીની છલકાતી મૌસમ પાનખરી પત્તાની માફક પીળાશ પકડવા લાગી છે.
તેમની જીવનસંગીની જે લગ્ન પછીના શરુવાતના દિવસોમાં તેમનો પડ્યો બોલ ઝીલતી હોય છે તેજ હવે તેની ઉંમરના આ પડાવે શારીરિક માનસિક રીતે કંઈક અંશે બદલાવ લાવે છે જેના કારણે થોડી અતડી કે ચીડચીડી બની જતી હોય છે…જોકે બધા યુગલોને આ સમસ્યા નડતી હોય એવું જરૂરી પણ નથી. જ્યારે પુરુષનું ચિત્ત ડામાડોળ બની જાય છે,ત્યારે પુરુષગત સ્વભાવને વશ થઇ બહાર બીજી સ્ત્રી કે બીજા કોઈ ખોટા માર્ગે ચડી જાય છે , થોડુંક ફ્લર્ટિંગ કરતો પણ થઇ જાય છે જેના કારણે ઘરમાં અને સમાજમાં તેનું માન ભંગ થવાની ભીતિ વધી જાય છે.
આવા સમયે જો ચાલીસી પછી કોઇ શોખ કે અન્ય એક્ટીવિટીમાં ડુબી જશો તો તમને આગળ વધવામાં મદદરૂપ થાય છે. તમારી અંદરના કલાકાર જીવને બહાર લાવવાથી માનસીક પ્રગતિ પણ થાય છે અને જિંદગીમાં એક પ્રિમિયમ કવોલિટીના આંનદની અવધિ શરૂ થાય છે..
જીવનમાં ફેરફાર કરવો જરૂરી છે. પણ હા ! ચાળીસ એટલે જીવન સીરીયસ કરવાની જરૂર નથી. બસ ફક્ત થોડાક ઠેહરાવની જરૂર છે બાકી તો જિંદગી જેમ જીવતાં હોવ એમ જ જીવી શકાય છે. આપણી અંદર રહેલા બાળકને ક્યારેય મારવાના દો , તેની જીવંતતા એજ જીવનની સાચી ખુશી છે
તરબત્તર આંનંદમાં અને રોનકમય રહેવું એ જિંદગીનું સાચુ અભિવાદન છે..પોઝિટીવનેસ હોય તો કશુ અશક્ય નથી. માટે મિત્ર વર્તુળ પણ એવું જોઇએ જે તમારામાં રહેલી કલા અને પોઝિટીવનેશને સતત પ્રોત્સાહન આપતા રહે. જે તમારી ભાવનાઓને સમજે તમારી પ્રગતિ જોઈ ખુશ થાય . આ તબક્કે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું . ફરી એક વખત આભાર સાથે આજની પોસ્ટને વિરામ આપું છું.
કરો દિલથી યત્ન પછી જુવો મજાનો એ રસ્તો મળે છે,
તહી સામે ચાલી તમારી ગમતી જગાનો નકશો મળે
રેખા પટેલ ( વિનોદિની )