ટુંકી વાર્તા : મહેનત
“સવિતા તું આજે ફરી કામ કરવા મોડી પડી છું ” રીના ગુસ્સે થતા બોલી.
હા બહેન થોડું મોડું થઇ ગયું ,મારો ગટુ માંદો પડયો છે ,મને છોડતો જ નહોતો પરાણે રડતો મુકીને આવી છું ” સવિતા દુઃખી થઈને બોલી.
“ગમે તેમ હોય હવે હું રોજ રોજ આ બધું નહિ ચલાવી લઉં, તારે કામ ના કરવું હોય તો નાં કહી દેજે ” રીના અકળાઈને બોલી.
નાં બહેન કામ તો કરવુજ છે ને , મહેનત કરીશ તો બે રોટલા ભેગી થઈશ ,કાલ થી મોડું નહિ કરું ” કહેતી સવિતા વાસણો ઉટકવા બાથરૂમ તરફ ચાલી ,
તેની આંખોમાં દર્દ સ્પસ્ટ વંચાતું હતું પણ રીનાને એ જોવાનો સમય નહોતો ,તેને તો તેના ફસ્ટ ગ્રેડમાં ભણતાં દીકરા રજત માટે તેની ભાવતી ચીઝ મેક્રોની અને પાસ્તા સેલેડ બનાવવું હતું માટે સવારથી કામમાં બીઝી હતી.
બે હાથે બને તેટલું કામ ઝડપથી પૂરું કરવા માટે સવિતાએ હાથ ચલાવવા માંડ્યા , લગભગ બે કલાકમાં તેનું કામ પૂરું થઈ ગયું .
“બેન હવે હું જાઉં ,કાલે સમયસર આવી જઈશ ” તે બોલી.
” આજે જલ્દી કામ પતાવ્યું , બરાબર કર્યું છે કે પછી વેઠ ઉતારી છે ” મેક્રોની બનાવતા રીના બોલી.
“બધુય બરાબર કર્યું છે બેન ,તમે જોઈ લ્યો પછી હું નીકળું “.
નાં થોડી વાર પછી જજે , આજે રજતને કેક ખાવી હતી તું સોસાયટીના નાકે આવેલી બેકરી માંથી તે લઇ આવ” કહેતા પૈસા અને થેલી તેને પકડાવી દીધી.
બહેન મારે વહેલા ઘેર જવું છે ગટુ ….પણ તેને સાંભળવા રીના ત્યાં રોકાઈ જ નહોતી અને સવિતાના બાકીના શબ્દો ગળામાં અટકી ગયા.
આટલી ઉતાવળ પછી પણ સવિતા ત્રણ કલાકે ઘેર પહોચી શકી. બહાર ઓસરીમાં જૂની ગોદડીમાં લપેટાએલો તાવ થી તપતો પાંચ વર્ષનો ગટુ તેને જોતાજ વળગી પડયો ” મા કેમ મોડી આવી” ?
“લે જો બેટા તારી માટે ચોકલેટ લાવી છું ” કહેતા બેકરી ઉપરથી રૂપિયાની ચોકલેટ લાવી હતી તે ગત્તુંના હાથમાં મુકી અને માં દીકરા બંનેની આંખો હસી ઉઠી.
સ્કુલ છુટતાં રજત ઘરે આવ્યો ” મમ્મી બહુ ભૂખ લાગી છે તમે શું બનાવ્યું મારી માટે “?
આજે તારી ફેવરીટ ચીઝ મેક્રોની “.
રજત ઝડપભેર હાથ ઘોઈ ડાઈનીંગ ટેબલ ઉપર બેસી ગયો અને ટેબલ પછાડતાં ” મમ્મી હરીઅપ ,બહુ ભૂખ લાગી છે “.
” ખુશ થતા રીનાએ કોર્નીંગનાં બાઉલમાં મેક્રોની આપી , રજતે એક સ્પુન મ્હોમાં મૂકી ” છી આતો ટેસ્ટલેસ છે , મારા ફ્રેન્ડની મમ્મી બહુ સરસ બનાવે છે , મારે નથી ખાવી ” કહી ત્યાંથી ઉભો થઈ તેની વિડીયો ગેમ જોવા બેસી પડયો .
રીનાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા ” મારી સવારની મહેનત “
રેખા પટેલ (વિનોદિની)