વ્હાલા ભાઈ જીગર ,
જો આપણો મનગમતો તહેવાર આવ્યો રક્ષાબંધન , હું તને બહુજ યાદ કરું છું , આજે પત્ર સાથે તારી માટે હાથે બનાવેલી રાખડી અને તારી રક્ષા માટે ખાસ ભગવાન પાસે દિલ થી પ્રાર્થના પણ કરું છું , બહેન માટે ભાઈ પાસે હોય કે દુર તેની પ્રાર્થનામાં તે હંમેશા રહેતો હોય છે.
આજે તને આ પત્ર લખવાનું કારણ એજ છે કે હું ગઈ કાલે મારી મિત્રને મળવા ગઈ હતી ત્યાં એક ભાઈ બહેનના પ્રેમની અદભુત વાત સાંભળવા મળી જે જાણતા હું તને આ પત્ર લખતા મારી જાતને રોકી શકતી નથી કારણ છે તારું ફાસ્ટ ડ્રાઈવિંગ ..”ઉતાવળમાં થયેલી એક ભૂલને ભોગવવા આખો જન્મારો ઓછો પડે છે”
વાત એમ બની હતી કે એક અમેરિકન યુવાન ભાઈ-બહેન મોડી રાત્રે પાર્ટીમાંથી ઘરે પાછા આવી રહ્યા હતા, બહેનની ના કરવા છતાં ભાઈ મેક વધારે પડતો દારુ પી ગયો હતો . જેના કારણે બહાર થી ઓકે લાગતો તે ડ્રાઈવીંગ કરતા સ્ટેરીંગ વ્હીલ ઉપર કંટ્રોલ ગુમાવી બેઠો અને સ્પીડમાં આવતી ગાડી હાઈવેના રસ્તાની સાઈડે આવેલી લોખંડની રેલિંગને જોરથી અથડાઈ પડી, જ્યાં મેકનાં પેટમાં સ્ટેરીંગ વ્હીલનો ભાગ ઘૂસી જતા તેની બંને કીડની ઉપર વધારે પડતી ઈજા થઇ આવી . જેનાં કારણે મેકની બંને કીડની નકામી થઇ ગઈ . તેની બહેનને પણ થોડું વાગ્યું હતું પણ તેને માત્ર બહારી ઘા હોવાના કારણે થોડા સ્ટીચીઝ માત્ર આવ્યા હતા.
આ એકસીડન્ટ ને નજરે નિહાળનાર એક દંપતી એ તુરંત 911 કોલ કરી પોલીસ અને એમ્બ્યુલન્સ ને બોલાવી દીધી , તુરત મળેલી સારવારના કારણે મેકની જિંદગી બચાવી લેવાઈ છતાં પણ મેકને લાંબો સમય હોસ્પીટલમાં રાખવામાં આવ્યો હતો તેને એક સ્વસ્થ કીડની વિના તેને લાંબો સમય બચાવવો મુશ્કેલ હતો.
“ઇન્ડીયા હોય કે અમેરિકા આ ભાઈ બહેનનો સબંધ હંમેશા સ્વાર્થથી ઉપર રહેલો હોય છે . આ લાગણીથી જોડાએલા સબંધની ખાસીયત દરેક જગ્યાએ એક સરખી જડી આવે છે ”
મેકની બહેને પોતાની કીડની સ્વેચ્છાએ ભાઈને આપી બંનેના લોહી એક છે તેની સાચી પરિભાષા બતાવી દીધી. અહી નાં કોઈ રાખડીની જરૂર હતી નાં કોઈ મેડલ ની બસ અહી સ્વાર્થ વિનાનો પ્રેમ અને સમર્પણ ભાવ માત્ર હતો..
“ઇન્ડીયા હોય કે અમેરિકા આ ભાઈ બહેનનો સબંધ હંમેશા સ્વાર્થથી ઉપર રહેલો હોય છે . આ લાગણીથી જોડાએલા સબંધની ખાસીયત દરેક જગ્યાએ એક સરખી જડી આવે છે ”
મેકની બહેને પોતાની કીડની સ્વેચ્છાએ ભાઈને આપી બંનેના લોહી એક છે તેની સાચી પરિભાષા બતાવી દીધી. અહી નાં કોઈ રાખડીની જરૂર હતી નાં કોઈ મેડલ ની બસ અહી સ્વાર્થ વિનાનો પ્રેમ અને સમર્પણ ભાવ માત્ર હતો..
જીગર, તું મારાથી નાનો હોવાના કારણે મને નાનપણ થી હંમેશા તારી બહુ ચિંતા રહી છે, અને તેજ ભાવમાં આવીને તને કેટલીય વખત નાં ગમે તેવી રીતે ટોક્યો હશે પણ ભાઈ આ પાછળ બહેનનો માત્ર એકજ ભાવ રહેલો હોય કે ભાઈનું હમેશા ભલું થાય . આજે પણ આજ ભાવના સાથે ટકોરું છું કે જીવન બહુ અમુલ્ય છે તેની યોગ્ય જાળવણી કરવી તે આપણા હાથમાં રહેલી હોય છે બાકીનું ઈશ્વર આપોઆપ સંભાળે છે.
ભાઈ, આતો અમેરિકા હતું જ્યાં યોગ્ય સમયે સારાવાર મળી જવાના કારણે આ ભાઈ બહેન આજે હસતાં જોવા મળ્યા છે . અમેરિકામાં જ્યારે પણ રસ્તામાં કોઈ નાનો મોટો અકસ્માત જોવા મળે કે ત્યાંથી પસાર થનારા તરત 911 કોલ કરી દેતા હોય છે , અને ગણતરીની ક્ષણોમાં તો એમ્બ્યુલન્સ સાથે પોલીસ કાર અને જરૂરીયાત પ્રમાણે ફાયરબ્રિગેડ પણ હાજર થઇ જાય છે . એકસીડન્ટ માં ઘાયલની સ્થિતિ જો ગંભીર જણાય તો ગણતરીની ક્ષણોમાં હેલીકોપ્ટર દ્વારા ઘાયલને હોસ્પિટલ પહોચાડી દેવાય છે .ભાઈ અહી અમેરિકાની પોલીસ વ્યવસ્થા અને એમ્બ્યુલન્સને કોઈ ના પહોચી શકે ,
જોકે હવે આપણા દેશમાં પણ નંબર 108 ડાયલ કરતા ઝડપથી ઈમરજન્સી મદદ મળી જાય તેવી ગોઠવણ થઇ છે જેનો લાભ જનતાને મળતો થયો છે આ સારી વાત છે.
ભાઈ, તને અહીના ટ્રાફિક વિષે જો ખ્યાલ આપું તો અમેરિકાની ટ્રાફિક વ્યવસ્થા બીજા દેશોની સરખામણીમાં બહુ વ્યવસ્થિત અને સુરુચિ પૂર્વકની હોય છે,અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા તો ખાસ વખાણવા લાયક છે , થતા એકસીડન્ટ નિવારવા માટે અહી જગ્યા જગ્યા ઉપર પોલીસની કાર સ્પીડ મોનીટર વડે દરેકની કારની સ્પીડ જોતી હોય છે ,જરૂર કરતા વધારે ઝડપથી કોઈ કાર ચલાવે તો તરત તેની કાર રોકાવી તેની પાસે દંડ રૂપે રકમ વસુલ કરે છે સાથે સાથે સ્પીડ અને ગુનાના પ્રમાણમાં ટીકીટ આપે છે. અને આવી ત્રણ ટીકીટો મળે તો તેનું લાયસન્સ પણ અમુક સમય માટે રદ કરી દેવાય છે ……
વધારામાં અહી DUI “ડ્રાઈવીંગ અંદર ધ ઇન્ફ્લ્યુએન્સ” ની ટીકીટ મળે છે , એટલે કે કોઈ પણ જાતના નશા હેઠળ ડ્રાઈવિંગ કરનારને આ પ્રકારની ટીકીટ મળતી હોય છે . જેમાં તે વ્યક્તિને ભારે પોઈન્ટ મળે છે જેમાં તે તેનું લાયસન્સ પણ જપ્ત થઈ શકે છે . અહી કાર વિના દરેક ની હાલત અપંગ જેવી થઈ જાય છે માટે બધાજ આ બાબતે બહુ સાવચેતી રાખે છે જેથી નકામા એકસીડન્ટ નિવારી શકાય છે .
પરતું મારી એક વાત યાદ રાખજે કે સમય એક એવી વસ્તુ છે જે હાથ માંથી નીકળી જાય પછી પાછી મળતી નથી માટે તેને સાચવીને ગણતરી થી વાપરવી જોઈએ , માત્ર ક્ષણોની ઉતાવળ જિંદગીની તમામ ક્ષણોને ઝુટવી શકે છે.” માટે હવે તું હંમેશા રોડ ઉપર ડ્રાઈવિંગ કરતા તારી આ બહેનના શિખામણના બે શબ્દોને યાદ રાખજે, બસ આજ મારી તને રક્ષાબંધન છે .
લી. તારી બહેન નેહા નાં આશિષ
રેખા વિનોદ પટેલ
ડેલાવર .
ડેલાવર .