RSS

જીવનના કોઈ પણ તબકકે જુઠ્ઠું શું કામ બોલવું પડે છે ?

29 Jul
જીવનના કોઈ પણ તબકકે જુઠ્ઠું શું કામ બોલવું પડે છે ?

મોટે ભાગે આ  પ્રશ્નનો  સાચો જવાબ કોઈની પાસે નથી અને દરેક માણસ પાસે  એક જ જવાબ સાંભળવા મળે છે કે,” કોઇને નુકસાન ન થતું હોય તેવું અસત્ય ઉચ્ચારવામાં કોઈ વાંધો નથી,અથવા કોઇનું હિત જળવાતું હોય તો એક બે વાર અસત્ય બોલવું પડે છે.

હકીકતમાં આ આપણા મનને તથા જે તે વ્યકિત માટે આપણે અસત્યનો આસરો લેવો પડે છે એ વ્યકિતને રાજી રાખવાની વાત છે.બાકી કોઈ પણ પરિસ્થિતમાં ઉરચારાયેલું અસત્ય કદીય સત્યના ત્રાજવે તોલી શકાતું નથી.કારણકે સત્ય એ સૂરજ જેવું છે અને અસત્યનાં  તારા માફક એ ખરી પડવાનો ભય હોતો નથી.

રોજે રોજનાં વ્યવહારમાં આપણે કેટલું સાચું બોલીએ છીએ અને કેટલું ખોટું બોલીએ છીએ એના વિશે ક્યારેક આપણે શાંતિથી  વિચારવું જોઇએ.

આપણને નાનપણથી વડીલો અને શિક્ષકો પાસે સત્ય બોલવાની શીખ આપવામાં આવે છે.નાના બાળકને મા હંમેશા કહેતી આવે છે” બેટા સાચું કહી દે આ કોણે તોડયું ? આ કોણે લીધું ? જુઠું બોલે તેને ભગવાન પાપ કરે છે… વગેરે વગેરે. સ્કુલમાં શિક્ષકો ગાંધીજીના સત્યતાના પ્રયોગો કહી સંભળાવતા. જુઠ નાં બદલામાં તેમની ડાંટ કે માર મળતો હતો. સમજણ આવ્યા પછી વડીલો શાસ્ત્રોની ભાષામાં સત્યના ઉપદેશ આપતા હતા.

વાત સમજવાની અહી આવે છે કે આપણને સત્યતાના પાઠ ભણાવનાર પોતે જીવનમાં કેટલું ઉતારીને આપણી સમક્ષ આવ્યા હોય છે?અને આપણે પણ આમાંના એક જ છીએ.

મા શું દરેક વખતે સાચું કહેતી?  સૂઈજા નહીતર બાવો આવશે ? શું ખરેખર બાવો આવતો હતો ?

શિક્ષક કહેતા સાચું બોલજે તો શું તે ભણાવતી વખતે પોતાનો સમય બચાવવા ગોટાળા કરી બાળકોને ચાલો પતિ ગયું કહી સમજાવી દેતા તો શું એ વધુ સાચું ગણાય?

સૌથી મોટું અસત્ય તો ઘર્મના નામે આડંબર ચાલે છે.અસત્યને તાર્કિક સત્યનું આવરણ ચડાવીને સ્વર્ગમાં જવાના નુસ્ખા બતાવા છે આ બધામાં સત્ય કેટલું?

“જો આપણે કર્મ અને પાપ પુણ્યમાં વિશ્વાસ રાખતા હોઇએ તો સત્ય અસત્યનું ફળ મળ્યા વિના રહેતું નથી !”

એક અસત્યને છુપાવવા અનેક જૂઠનો સહારો લેવો પડે છે,અને આ કંઈ નાનીસુની વાત નથી આની માટે ગજબની હિંમત જોઈએ.મારો આ બાબત માટે એક જ સવાલ એ છે કે જો એક જૂઠને છુપાવવા આપણે આટલી હિંમત દાખવીએ છીએ તો તેને બદલે એક સત્ય માટે આપણે હિંમત એકઠી કેમ નથી કરી શકતા.?

કદાચ આપણા નૈતિક આત્મબળમાં ખામી રહેલી હોય છે અને આજ કારણે આપણે “એક સત્ય સંતાડવા સો જુઠનો સહારો લેવાનું પસંદ કરીએ છીએ” .

આ વાતને અનુસંધાને એક દાખલો આપું છુ.પરિણીત યુવતી સ્મિતાને એક વખત તેના જુના મિત્રને મળવા જવાનું થયું.તેના પતિને આ સામે કોઈ વાંધો આવે તેમ નહોતો.છતા પણ સ્મિતાને એમ લાગ્યું કે આ વાત મારા પતિને નહી ગમે તો?આવુ વિચારીને બજારમાં કામનું બહાનું કાઢી તે મિત્રને મળી આવી.

ત્યાર બાદ સ્મિતાને બજારમાંથી શું ખરીદી લાવી એના બદલામાં સ્મિતાને જુઠું બોલવું પડયું. તેમાય બીજા દિવસે સ્મિતાના પતિને એના જ કોઇ મિત્રએ સ્મિતાને કોઇ પુરુષ મિત્ર સાથે કોફી હાઉસમાં જોઈ હતી એ વાત કહેતા સ્મિતાના પતિએ વધુ પૂછપરછ કરી અને એક વાતને છુપાવવા માટે બીજા પચાસ જુઠ  બોલવાના થયા.હવે જો એ સાચી વાત જણાવે તો તેને પતિની નજર માંથી ઉતરી જવાની બીક હતી..પરિણામે  સ્મિતા તેના પતિની સામે નજર મિલાવવા અસક્ષમ હતી.એક બોલાએલું અસત્યને છુપાવવા અનેક જૂઠના આશરા લેતા લોકોમાં નૈતિક આત્મબળ રહેતું નથી.એમના ચહેરા પર ભોંઠપ તરી આવે છે.હમેશાં એક વાત યાદ રાખવી કોઇ નજીકની વ્યકિત માટે કોઇ પ્રકારની શંકા કે વાત મનમાં ઉઠે તો સામે વાળી વ્યકિતને ચોખ્ખુ પુછી લેવાની હિમંત કેળવવી જોઇએ.કારણકે સત્ય હમેશાં કડવું હોય છે પણ સરવાળે તો લીમડા જેવું ગુણકારી હોય છે.

હાલમાં ફેસબુક અને વોટસએપસ જેવાં માધ્યમોનાં કારણે સ્કુલનાં સમયનાં મિત્રોથી લઇને એક સમયનાં નજીકનાં મિત્રોને દુર વસતાં હોઇએ છતાં પણ રોજ બરોજનું કનેક્ટ રહેવું આસાન બની ગયું છે.પતિ અને પત્ની બંને પાસે આધુનિક મોબાઇલ હોવાથી ફેસબુક અને વોટસએપની સુવિધા ધરાવતાં હોય છે. ઘણી વાર એવું બને કે પતિ અથવાં પત્ની કોઇ એનાં મિત્ર સાથે ફેસબુક કે વોટસએપ પર લાંબો સમય વાતો કરતાં હોય અને કોઇ એકનાં ધ્યાનમાં આવી જતાં પુછે કે આટલી વાર કોનાં સાથે તું બિઝિ હતી કે બિઝિ હતો? આવી પરિસ્થિતિમા ઘણી વાર કોઇ પણ પાત્ર અસંતોષકારક જવાબ આપી શકે છે, અને આમ થતા સામે વાળાના મનમાં જરૂર ક્ષણભર માટે પણ શંકા ઉત્પન્ન થાય છે . પતિ અથવાં પત્નીએ પોતાનાં નજીકનાં મિત્રોની જાણકારી ચોક્કસ એક બીજા સાથે આપલે કરવી જોઇએ જેથી આવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા ના રહે અને ક્ષણીક જુઠનો આસરો ના લેવો પડે.

સામાન્ય રીતે દરેકના દાંપત્ય જીવનમાં પણ અનેક તડકી છાંયડી અને ચઢાવ-ઉતાર આવતા રહે છે. ત્યાં રેલ્વેના બે સમાંતરે ચાલતા પાટા ઓની માફક પતિ પત્નીએ એકબીજાને અનુસરીને ચાલવાનું રહેતું હોય છે.સમય અને સંજોગો ક્યારેક તેમને સત્ય અસત્ય વચમાં લાવીને મૂકી દે છે આવા સમયે પોતાના દાંપત્ય જીવનને મઘમઘતું રાખવું હોય તો તેમનું ખોટું બોલવું જરૂરી થઇ પડે છે.એકાદ જુઠ જો જીવનની સડસડાટ દોડતી ગાડીમાં ઈધણનું કામ કરતી હોય તો અહી કશું જ ખોટું નથી..પણ આને આદત બનાવવું હરગીજ જરૂર નથી.અને એક વાર સાથીદાર સામે જુઠ બોલવાની ટેવ પડી જશે ત્યાર બાદ આ હિમ્મત વધતી જશે.પરિસ્થિતિ અને મોકો અને સમયની નજાકત પ્રમાણે એક વાર બોલાયેલું અસત્ય તો છેવટે તો અસત્ય જ રહેવાનું છે.
                                                            
એટલા માટે જ કારણ વિના સત્યને અસત્યનું આવરણ પહેરાવવાની ભૂલ નાં કરાવી જોઇયે. તડકો અને છાંયડો દરેકના જીવનમાં આવે છે આવા સમયે  પોતાના મક્કમ મનોબળથી રોજના વ્યવહારમાં આવતી અડચણો અને અંતરાયોને સહેલાઇથી પાર ઉતારી શકાય છે અને અહી સત્યના હલેસાં બહુ મદદરૂપ બને છે. “આપણા અંતરનું જ્ઞાન આપણી બુદ્ધિ ,સાદગી અને આંડંબર કે દંભ વિનાઓ વ્યવહાર સત્યના માર્ગે ચાલવા ટેકારૂપ બની રહે છે.”

પરંતુ કહેવત છે કે “સતનો મારગ એ શૂરાનો મારગ ”  આ વાત પણ એટલીજ સાચી છે.  વિષમ પરિસ્થિતિમાં સત્યપાલન કરનારને  તેની પરાકાષ્ઠા સમજાય છે.એને પણ લાગે છે કે માર્ગ જેટલો માનીએ એટલો સહેલો નથી. વાંચવામાં અને સાંભળવામાં આ બધું સહેલું લાગે છે પરંતુ આચરણમાં મુકતી વેળાએ સત્ય ખાંડાની ઘાર છે વાત સમજાઈ જાય છે .

ક્યારેક સત્યનું પાલન કરનારને વધારાનું દુઃખ સહન કરવું પડે છે , વ્યવહારિક લાભોથી તેઓ વંચિત રહી જાય છે. ક્યારેક અન્યાય અને એકલતા સહન કરવા પડે છે. આ વાત તદ્દન સાચી છે “સમય વર્તે સાવધાન” બસ સત્યનું પણ આવું જ છે.જ્યાં સત્ય ઉચ્ચારવાથી હોબાળો મચી જતો હોય એવી પરિસ્થિતિમાં અસત્ય કદી ઉચ્ચારવું નહી એના કરતાં બહેતર એ છે કે ચુપ બેસી રહેવાનું ડહાપણ દાખવવું જોઇએ.

નીરજ તેની ઓફિસમાં એકાઉન્ટ ની નોકરીમાં નવો નવો જોડાયો હતો.નાનપણથી સત્યના પાઠ શીખતો નીરજ અહી પણ એ જ પ્રમાણે વર્તતો હતો. શરૂશરૂમાં બીજા કર્મચારીઓ તેની આ ટેવથી અજાણ હતા.આવા સમયે નવરાશમાં તેઓ બોસની ગોસીપ કરી લેતા.એક વખત અચાનક બોસ ત્યાં આવી જતા બધા ચુપ થઈ ગયા.આ જોઈ તેમણે  નીરજ ને તેમની કેબીનમાં બોલાવી પૂછપરછ કરી અને જોબમાં સત્ય બોલવું વિચારી નીરજે સાચી કહીકત જણાવી દીધી . હવે એક સત્યના બદલામાં તે બોસને વ્હાલો થયો પણ ઓફિસમાં એકલો પડી ગયો.

એવામાં એક વખત ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાંથી ઓડીટ આવ્યું.આવા સમયે સત્યનું સત પ્રતિસત પાલન કરનારા નીરજને પૂછવામાં આવેલા બધા સવાલોના જવાબો સાચા આપી દીધા.એના બોસે સંતાડી રાખેલી બધી વાતો અને ફાઈલો સામે ચાલી તેમની હાથમાં મૂકી દીધી.બસ હવે વધારે શું જોઇયે એક સમય સત્યનો સાથ આપી બોસનો વ્હાલો બની બેઠેલો નીરવ નોકરીમાંથી પણ હાથ ધોઈ બેઠો “જેમ શબ્દોની ,ખુશીઓની અને દુઃખને વ્યક્ત કરવાનો એક સમય હોય છે તેવુ જ સત્ય માટે પણ છે.”મોકો જોઇને વાર કરવો જોઇએ એ જ રીતે મોકો જોઇને સત્ય ઉચ્ચારવું હિતાવહ છે.

એક મોટો એવો વર્ગ પણ રહેલો છે જે સત્યને કાયમ અવગણે છે.પ્રામાણિકતાને નેવે મુકીને મૌજ અને મસ્તીમાં જીવે છે,અને આમ કરવા છતાં તેઓ જલસા કરે છે.ત્યારે આપણું  અંતરમન આપણને સવાલ કરે છે કે આમ કેમ?

ત્યારે ચોકકસ સવાલ મનમાં થાય કે”સત્ય કી બોલ બાલા ,અસત્ય કા મુંહ કાલા”શું આ વાત પોકળ છે?એમને ધેર તો લીલા લહેર છે “..અહી આપણે સમજશક્તિ ને આગળ લાવવી પડે છે.ચમકતું હોય એ બધું સોનું નથી હોતું.કારણકે ઉપરછલ્લુ આ દેખાતું તેમનું સુખ હકીકતમાં તેમને અંદરથી એટલું સુખી નહિ રાખતું હોય જે આપણને બહારથી દેખાય છે।  કારણ અસત્ય અને અવિચારી માર્ગથી મળતું સુખ હંમેશા જલ્દી છીનવાઈ જવાની ભીતિ આપતું હોય છે.માટે જેવા છે તેવા જ દેખાવાની ટેવ રાખનારને અસત્યનો આશરો લેવાની જરૂર રહેતી નથી.ખોટા આડંબર,દંભ અને મોટાઈના દેખાડા અસત્ય તરફ ધકેલે છે”.

“આપણી સાચી સફળતાનો આંક માત્ર બાહ્ય સમૃદ્ધિ ઉપરથી નક્કી કરી શકાતો નથી તેની માટે મનની આંતરિક શાંતિ પણ એટલી જ મહત્વની છે. અને આ તોજ મળે છે જો આપણું જીવન કોઈ પણ પ્રકારની ભીતિ થી પરે હોય.

સત્ય એ સુર્ય જેવું છે.તમે એને અસત્યનાં કાળા વાદળો પાછળ ગમે તેટલું છુપાવવાની કોશિશ કરશો એક દિવસ તો આ અસત્યનાં કાળાવાદળો હટી જશે ત્યારે સત્ય સૂર્યની જેમ ઝળહળ થઇને સામે આવશે..                        

-રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ )

Advertisements
 

One response to “જીવનના કોઈ પણ તબકકે જુઠ્ઠું શું કામ બોલવું પડે છે ?

  1. મૌલિક રામી "વિચાર"

    July 30, 2015 at 4:56 am

    very very true rekhaben!!

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: