તૂટેલી ઝાંખી પડી ગયેલી ઇંટોની પાસે જતા
એક અજીબ મહેકથી નાક ભરાઈ ગયું
એક ચુંબક જેમ લોખંડને ખેંચે એ રીતે
હું ઘણી ના ના કરતા ખેચાતી ચાલી
આટલી પાસે આવીજ ગઈ છું તો થયું
એક વાર અંદર ઝાકી લેવાથી શું બગડી જશે?
નાની બખોલમાં ચહેરો અંદર ખોસી
ચોતરફ નજર ફેરવતા આશ્ચર્ય થયું
બધું એમ જ હતું જેવું વર્ષો પહેલા હતું,
તાજગી ભર્યું જીવંતતાથી થનગનતું.
શું કારણ હશે? અહી કોઈ આસપાસ દેખાતું નથી,?
બહાર કરોળિયાના જાળા છે.
ત્યાં તો એક અવાજ ગુંજ્યો,
આવ આ તો તારા આગમન ના એઘાણા થયા છે.
તારા પગલા પડયાને પતઝડ વીતી ગઈ
અને વસંતે ફૂલો વેરી ઓવારણા ભર્યા છે.
આ મારા પડેલા પગલાનું કારણ હશે કે
આ જગ્યા સાથે મારી યાદોનું ભારણ હશે?
નજરોમાં સચવાએલી લીલાશનું કારણે હશે કે
બધું સુંદર અને મહેકતું લાગ્યું હશે.
રેખા પટેલ (વિનોદિની )