RSS

એક ટહુકાની તરસ :

28 Jun

એક ટહુકાની તરસ :

આજે કોણ જાણે એક દર્દનો દરબાર ભરવાની ઈચ્છા થઈ આવી.
ઘેરાએલા આભનાં વરસાદી ઝાપટાં વડે સહુને ભીનું આમંત્રણ દીઘું.

ઢળતી સાંજે વીજળીના ચમકારા ને વાદળનાં ગડગડાટ સાથે સહુ પધાર્યા
મહોબ્બત-વિરહ ,પ્રણય-પ્રતીક્ષા, અને મિલન-જુદાઈ, સર્વેને સાથ દીઠાં.

આવો કહેતા કહેતા તો આંખો ભરાઈ આવી ,સાથે મન પણ ભરાઈ આવ્યું.
આજ તમને પણ મારા વ્હાલાઓની ઓળખાણ કરાવું..

આ મહોબ્બત ,એ ક્યારે કોને મળી જાય તે કહી શકાતું નથી ,
જેને મળે છે તેની માટે બહુ અઘરું બને છે તેને સાચવી રાખવાનું.

આ વિરહ,જેને પણ મળે છે તે નથી બોલી શકતું નથી ચુપ રહી શકતું
બહુ દર્દ આપે છે છતાં કોઈ સંપૂર્ણ પણે તેને છોડી શકતું નથી.

આ પ્રણય ,તેના અનેક રંગ,તોય તેને વ્હાલો એકજ નજદીકી કેરો રંગ.
આને પામનારા સાતમાં આસમાન સંગ ઉડતા રહે છે.

આ પ્રતીક્ષા ,સદાય શાંત રહેતી આ ક્યારેક બહુ આકરી લાગે છે,
જે આંખો સાથે તન મનને પણ થકવી નાખે છે.

આ મિલન ,જેના મેળાપમાં દુનિયાભરનું સુખ હાથવેત લાગે છે,
જ્યાં સમય પણ સર્વ હથિયાર હેઠાબે પળ રોકાતો લાગે છે.

આ જુદાઈ ,જે બહુ વસમી છે,આગ વિના સહુને પલપલ જલાવે છે.
આ દિવસો કેમેય નાં વીત્યા જાય ,કાળજાના કટકા કરતા જાય.

વર્ષો પહેલા સુકાઈ ગયેલા એ વૃક્ષના થડીયે આજ ફરી મહેફિલ જામી
એક પછી એક સહુ પોતપોતાના ગાણાં ગાવા બેઠાં

ચિમળાયેલા ફુલ જેવા એ દરેક નાં ફિક્કા હાસ્ય સંભળાતા રહ્યા.
ત્યાં હવા પણ ચિરાઈ જતા કાપડના ટુકડા જેવી થઈ અથડાતી રહી.

પણ મને બહુ સારું લાગ્યું, લાંબા સમય પછી એક હાશકારો જન્મી ગયો.
કદાચ આ વૃક્ષના પણ મારી સાથે આજ હાલ થયા હશે.

તેની જર્જરિત લાગતી એક ડાળીમાં લીલાશની લહેર દોડતી દેખાઈ ગઈ,
શું આમ બન્યું હશે કે મને હૈયા ધારણા આપવાની તેની આ ચાલ હશે?

અહી આટલી બધી વસ્તીમાં એક ટહુકાની તરસ હજુય યથાવત હતી
કારણ ગમેતે હશે ,અહી સહુ તરસ્યા હતા તે વાત સાચી ઠરી.

રેખા પટેલ(વિનોદિની)

 

Leave a comment