પાપા…આજે ફરી રોટલી બાળી નાખી ને?”એક દસ વર્ષના બાળકનો મીઠો છણકો સંભળાયો.
એ સાથે એક બીજો અવાજ કાને પડયો નાનકા તારે રોટલી બહુ ચાવવી ના પડે ને માટે પપ્પાએ વધુ ચડાવી આપી છે” આ બીજો અવાજ હતો તેર વર્ષના તનયનો.
આ દ્રશ્ય જોઇને બહારનાં ઓરડામાં મિત્ર જયેશ સાથે બેઠેલા વસંતની આંખના કિનારે બે મોતી જેવા બુંદ ચમકી ઉઠયા.
પત્નીના મૃત્યુ પછી વસંત એકલે હાથે બંને બાળકોને સાચવતો સવારે તૈયાર કરી સ્કુલે મોકલતો , ત્યાર બાદ પોતે દુકાને જવા તૈયાર થતો ,બજારમાં તેની કાપડની સારી કમાણી કરતી દુકાન હતી , બપોરે રસોઈ માટે એક બહેન આવતા તો તે બાબતે ખાસ ચિંતા નહોતી ,છતાય ક્યારેક તે બહેનને બહારગામ જવાનું થતું ત્યારે જેવી આવડે તેવી રસોઈ વસંત બાળકો માટે બનાવી દેતો. આમ છેલ્લા ચાર વર્ષથી આ ક્રમ ચાલતો હતો .
શરુ શરૂમાં બાળકો દરરોજ તેમની મા વિષે પૂછતાં ,’મમ્મા ભગવાનના ઘરે થી ક્યારે પાછી આવશે? મમ્મા વગર નથી ગમતું . પણ વસંત બાળકોની મમ્માને ક્યાંથી લાવી આપે….બાળકોનાં નિમાણા ચહેરા જોઇને વસંતનું હૈયું ક્યારેક ભારે થઇ જતુ અને ભગવાન પર બળાપ કાઢતો હતો …પછી ધીરે ધીરે બધાજ ટેવાઈ ગયા હતા.
“કુદરતનો નિયમ છે,જે વસ્તુ કે વ્યકિતની કમી હોય એને સમય જતા એ કમી સાથે લોકોને જીવતા શીખવી દે છે”.
પરંતુ આજના વાર્તાલાપે જયેશને વિચારતો કરી મુક્યો અને મિત્રતાના ભાવે તે બોલી ઉઠયો “ભાઈ ,યુવાનીમાં આમ કઈ જીવી શકાય? તું તો હજુ માંડ પિસ્તાલીસનો થયો છે ,આવી ઘીખતી જુવાનીમાં કઈ સ્ત્રી વિના જીવી શકાય?”
જયેશ વાત તારી સાચી છે તારી ભાભીના ટુંકી માંદગીમાં થયેલા સ્વર્ગવાસ પછી તેના વગર જીવવું બહુ અઘરું બની ગયું હતું ,સંસારરૂપી રથના બે પૈડાં પૈકી એકનું જમીનદોસ્ત થવું એટલે શું તે કોઈ મારા જેવો કમભાગી જ સમજી શકે ” .
“બસ તો ભાઈ આ એકલતા છોડી દે ,આ આ છેલ્લા ચાર -પાંચ વર્ષથી તને એકલતાના તાપમાં બળતો જોઉં છું, તારા સુખદુઃખમાં હું અને તારી ભાભી છીએ પણ તારું રસોડું અને તારો ઓરડો તો તારી ઘરવાળી સાચવી શકે ને ! તેમાય તારા નાના બે બાળકો તેમનો તો વિચાર કરી જો …” બહુ સમજાવતા જયેશ બોલ્યો.
“બસ આ નાના બે દીકરાઓનો ખ્યાલ જ મને તેમની નવી મા લાવતા રોકે છે, તું મારા બચપણનો મિત્ર હોવાને કારણે બધું જાણે છે , મેં મારી મા નાનપણમાં ગુમાવી દીધી હતી અને અમે નમાયા ભાઈ બહેનો ઉપર નવી મા નો બહુ કેર હતો. અમારા તો એટલા સદ્ભાગ્ય હતા કે દાદીમાં જીવતા હતા તેથી એમની વાત્સલ્યતા સદા અમારા ઉપર તપતા વગડે છાંયડો બની રહી….કારણ હું તો માનું છું કે પુરુષ એક સ્ત્રી આગળ કોઈ એક ક્ષણે નબળો જરૂર પડી જાય છે અને તેવા સમયે તેનું ઘ્યાન બાળકો તરફથી ભટકી જાય છે ” અને આ સમયે મા અને અપરમા વચ્ચેનો પડદો ઉચકાઈ જાય છે”.
“હવે જો આવનાર સ્ત્રી મારા બાળકોને નાં સાચવી શકે તેવી હોય તો તેમનું બાળપણ રોળાઈ જાય અને હું આવો કોઈ ખતરો તેમની માટે ઉભો કરવા નથી માંગતો . બાકી રહી એક સ્ત્રીની જરૂરીયાત એ તો સમય જતા આપોઆપ ઠરી જશે અને તેને ઠારવા મારી મધુનો સ્નેહ પરોક્ષ રીતે સતત મારી સાથે છે ” કહી વસંતે આખી વાતને હસતાં હસતાં બીડું કરી આટોપી લીધી”.
આમ જ દિવસ ,રાત અને વરસોનો વધારો થતો હતો, બે આંખનાં રતન જેવા પુત્રો સાથે વસંતની ઉંમરમાં વધારો થતો રહ્યો.
યુવાન દીકરાઓ ભણી ગણીને લાયક બનતા વસંતે તેમને ઘંઘાની આટીઘુંટી શીખવી દીધી અને આજ સુધી વેઢારેલો ભાર હળવો થાય તેવા આશય થી ઘીખતી દુકાનનો હવાલો દીકરાઓને સોંપી દીધો. દીકરાઓના સુખે સુખી પિતાએ બંનેને તેમની મરજી મુજબની કન્યા સાથે પરણાવી સંતોષનો શ્વાસ લીધો .
દીકરાઓની વહુઓને સાસરામાં પહેલાજ દિવસથી મળેલી આઝાદી માં માત્ર એક સસરો સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવો લાગતો હતો. બરાબર પગ જામતા બંને પારકી દીકરીઓ આ બાપને પોતાના નાં ગણી શકી. હવે રોજ સવાર થી બંને ની કટકટ શરુ થી જતી ,પહેલા માત્ર બબળાટ કરતી પુત્રવધુઓ હવે ધીરેધીરે વસંતને સીધું ટોક્યા કરતી .
” પિતાજી આમ સવારના પહોરમાં અહી આંટા ના અમારો અમને કામ કરવામાં અડચણ આવે છે , સાવ નવરા હોવ છો તો આ બારી બારણાં ઝાપટી આપો તે તમારો સમય જાય અમને પણ રાહત રહે ,વળી ક્યારેક તો વસંતને સંભળાય તે રીતે પોતપોતાના વરને કહેતી ” શું બાકીની આખી જીંદગી અમારે સેવા કરવાની?” વસંતની આંખોમાં સુકાઈ ગયેલા આંસુ હવે ક્યારેક તગતગી જતા . રોજના કકરાટ થી બચવા અને પોતાની ગૃહસ્થી સાચવી રાખવાના લોભમાં દીકરાઓ પણ આંખ આડા કાન રાખી દુકાને ચાલ્યા જતા .
દુકાને તો દીકરાઓને હવે જરૂર નથી, બહુ કર્યું હવે તમે લહેર કરો કહી કહી વસંતને આવવાની નાં પાડી હતી અહી ઘરમાં આ બે પુત્રવધુઓ ની પ્રાયવસી માં ખલેલ પડતો હતો તો પ્રશ્ન હતો કે વસંત જાય ક્યા ? અને પોતાની ઉમરના દોસ્તો હજુ પણ પોતપોતાની ગૃહસ્થીની પળોજણમાં વ્યસ્ત હતા .
તે વિચારતો “કાશ એક દીકરી હોત તો સારું હતું કે ક્યારેક બાપની લાગણીઓને સમજી શકી હોય .આ દીકરાઓ તો પરણ્યા પછી લાડીના પ્યારા બની ગયા છે ”
માંડ સાઈઠે પહોચેલો વસંત હજુ પણ મજબુત અને યુવાન લાગતો હતો.. એક દિવસ પુત્રવધુએ સોંપેલા કામ બારી બારણા ઝાપટતા તેની નજર સામેની અધખુલ્લી બારી તરફ પડી જેમાંથી એક રૂપાળો વયસ્ક ચહેરો આંખોમાં દુઃખ ની છાયા ભરી તેને તાકી રહ્યો હતો . વસંતને થોડી શરમ આવી ગઈ કે આમ બૈરાઓનાં કામ કરતા કોઈ તેને જોઈ રહ્યું છે.
પણ હવે આ રોજનું થઇ ગયું હતું ,લાગણી ભૂખ્યો અને સાવ નવરો પડેલો વસંત પણ આ ચહેરાને દિવસ આખો ક્યાંકને ક્યાંક શોધી લેતો ,તે હતી સામે ઘેર રહેવા આવેલી નેહાની વિધવા મમ્મી, જે લગ્ન પછી દસ વર્ષમાં વિધવાનો ભૂરો સાડલો ઓઢી આજ દિવસ સુધી મનોમન સીઝાતી રહી હતી . હવે પાછલી ઉમરમાં બહુ સંકોચ સાથે એક માત્ર દીકરીના ઘરે રહવા આવી હતી .
વસંતને આમ કામ કરતા જોઈ તે બહુ સંકોચ અને દુઃખ અનુભવતી હતી. કારણ દીકરી પાસે થી એણે વસંતની આખી જનમ કુંડળી જાણી લીધી હતી , “એક સ્ત્રીને પાછલી જીંદગીમાં એકલા રહેવાનું એટલું તકલીફ ભર્યું નથી હોતું જેટલું એક પુરુષ માટે હોય છે” તેનું આ જાગતું ઉદાહર તે જોઈ રહી હતી . “બે યુવાન દીકરાઓનો પિતા અને આ હાલતમાં ?” શારદાનો જીવ કકળી ઉઠતો હતો.
ધીરેધીરે બે સમદુખિયા સ્મિત થી લઇ “જય શ્રી કૃષ્ણ” અને “કેમ છો? સારું છે” સુધી આવી ગયા હતા , હવે બંનેને એકબીજા માટે માંન અને લાગણી હતી તે દેખાઈ આવતી હતી . ક્યારેક શારદાની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ એકબીજાને જોતા નહિ તો વસંતને ચિંતા થઈ આવતી , અને આવા વખતે પાડોસીના ઘરે બહાર થી કેમ છે નેહા બેટા કહી ડોકિયું પણ કરી આવતો. છતાં પણ સમાજના મજબુત દાયરા બંનેની જીભે તાળાં લગાવી ચાવી પોતાની પાસે રાખી બેઠાં હતા.
વસંતનો જુનો દોસ્ત જયેશ આ બધી બનતી ઘટનાઓનો એક માત્ર સાક્ષી હતો , તે દોસ્તની સ્થિતિ અને મનોવ્યથા બરાબર સમજતો હતો ,જે મિત્ર બે દીકરાઓને ગળે વળગાડી જુવાની પચાવી ગયો હતો તે આજે પાછલી અવસ્થામાં એકલો બની લાગણી ભૂખ્યો બન્યો હતો.. અને કદાચ સામા પક્ષે શારદાબેન ની પણ આજ હાલત હતી.
બહુ કોઠાસૂઝ ઘરાવતો જયેશ એકવાર સમય જોઈ નેહા અને તેના હસબન્ડને મળ્યો .દીકરી જમાઈ ભણેલા અને સમજુ હતા ,તેઓ મા ની મનોવેદના અને એકલતાને બરાબર સમજી ગયા હતા.
હવે જયેશની નજર વસંતના બે દીકરાઓ ઉપર ઠરી હતી , એકવાર દુકાને જઈ આડી તેડી વાતમાં તેમના પિતાએ વેઠેલા દુઃખ અને સંતાપને કહી બતાવ્યો ,અને તે પણ સમજાવ્યું કે આજે તો તેઓ બંને તેમના સંસારમાં સુખી છે પણ હવે એકલા પડેલા પિતાનું શું ?
બીજો એક પ્રશ્ન તેમને પૂછ્યો “શું તે દિવસના કમસે કમ બે કલાક પિતાને આપી શકશે ? ”
જવાબમાં દીકરાઓની નીચી આંખ જોઈ જયેશે ,જેમ નેહાને સમજાવી હતી તે આખી વાત આ બંને ભાઈઓના મગજમાં ઉતારી દીધી.
બસ જયેશ તેનું કામ કરી આગળ વધી ગયો. હવે જવાબદારી હતી વસંતના બે દીકરાઓની. બહારના દેશોની નકલમાં હવે ઇન્ડીયામાં પણ ફાધર્સ ડે , મધર્સ ડે ઉજવવા લાગ્યા છે તેનો ફાયદો માતાપિતાને અચૂક થાય છે.
બરાબર ફાધર્સ ડે ની વહેલી સવારે મોટો દીકરો તનય અને નાનો જય બહાર ડાઈનીંગ ટેબલ ઉપર તેના પપ્પાની રાહ જોતા બેઠા હતા. તેમની બહાર આવતા બંને બોલ્યા ” પપ્પા આજે આપણે સામે રહેતા નેહાબેન તેમના પરિવાર સાથે આપણા ઘરે ચાય પીવા આવે છે. નેહા તેના પરિવાર સાથે આવતી દેખાઈ . બધાએ સાથે ચાય નાસ્તો કર્યા પછી તનયે ઉભા થઇ “પપ્પા લો તમારી ભેટ” કહી એક કાગળ ખિસ્સામાંથી બહાર કાઢયો અને વસંતભાઈના હાથમાં પકડાવ્યો જેમાં લખ્યું હતું
” વસંતભાઈ (પપ્પા )અને શારદા મા ” “અમારા જીવનમાં સદા તમારી છાયા રહે “, પછી નીચે લખ્યું હતું “હેપ્પી ફાધર્સ ડે ”
વસંતભાઈ આ બધું અવાચક બની જોઈ રહ્યા હતા . તેમણે વારાફરતી બધા તરફ નજર કરી તો શારદાબેન સાથે બધાની આંખોમાં મુક સંમતી સાથે હોઠો ઉપર મંદ મુશ્કાન તરતી હતી.
જયેશભાઈ હસતા ત્યાં આવી ચડયા ” અલ્યા વસંત તે તો ભારે કરી તારા જેવી “ફાધર્સ ડે” ની ભેટ તો ભાગ્યેજ કોઈ પુત્રો પિતાને આપી શકે ”
વસંતભાઈ જયેશભાઈના ગળે વળગી આજે વર્ષો પછી ખુલ્લા મને રડી પડયા પણ આજે સહુ કોઈ જાણતા હતાકે આ ખુશીના આંસુ નીતરતા હતા.
રેખા વિનોદ પટેલ. ડેલાવર (યુએસએ)