ડૉ.મણિયાર સાહેબ
સાહેબ,અમે નાના હતાં ત્યારથી જોતા આવ્યા છીએ કે આપણા ગામમાં જે લોકો નશાનાં રવાડે ચડી ગયા હતા એવા લોકોને તમે નશાથી મુક્ત કરવાનાં તમારા અભિયાન આજે યાદ આવી ગયુ .
તમે જાણો છો કે “ડ્રગ્સ” આજે આ શબ્દ પણ માત્ર અમેરિકા જ નહિ આખી દુનિયા માટે સરદર્દ બની ગયો છે.એક અહેવાલ પ્રમાણે ૨૦૧૦મા અમેરિકામાં ચાલીસ હજાર લોકોએ પોતાની જાન ગુમાવ્યા હોવાનો છે.ડ્રગ્સની ખરાબ આદતના કારણે વિશ્વમાં કેટલા લોકો મોતને ભેટે છે.
કેટલાક લોકો જીવનની કડવી વાસ્તવિકતા સામે લડવાને બદલે.એનાથી દુર ભાગે છે.અને તે માટે પહેલો સહારો નશામાં શોધે છે.આજે જ્યારે માનસિક તાણ, ચિંતા અને હતાશા જેવી તકલીફો વધે છે ત્યારે સાથે સાથે વ્યસનોનું પ્રમાણ બફામ પણે વધી રહ્યું છે.અમેરિકા જેવા વિકસિત દેશોમાં હ્રદયરોગ પછી માનસિક રોગોનું સ્થાન આવે છે!આવા લોકો જલદી ડિપ્રેશન અનુભવે છે.અહી મોટાભાગે મા-બાપ હંમેશા બીઝી રહેતા હોવાથી બાળકો અને યુવાનોને જરૂરી કૌટુબિક હૂંફ અને ટેકો, મળતો નથી અને માનસિક અસલામતી અનુભવે છે અને ધીરેધીરે નશાના બંધાણી બનતા જાય છે .
ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોની એક ખાસ અને સાંકેતિક સંજ્ઞા કે ભાષા હોય છે.દીવાલો ઉપર ચિત્ર કરેલા હોય જેને “ગ્રીફીટી” કહે છે.આ નશો કરનાર તે સમયે પોતાનું બધુ દુઃખ અને વાસ્તવિકતા ભૂલી જાય છે.પોતાની અલગ સ્વપ્ન સૃષ્ટીમાં પહોચી જાય છે અને જેવી નશાની અસર ઓછી થયા ત્યારે પહેલા કરતા વધુ હતાશા અનુભવે છે અને ફરી ફરી આ ડ્રગ્સ લેવા લલચાય છે આરીતે તેના બંધાણી બની જાય છે.આવા લોકોને જોઇને મણિયાર સાહેબ તમારૂં નશા મુક્ત કરવાનું અભિયાન યાદ આવી જાય છે. તમે પણ ઘરે ઘરે જઈ લોકોને દારૂના નશા માંથી છોડાવવા સમજાવતા અને જરૂરી શિક્ષણ આપતા હતા ,ત્યારે માત્ર આ કાર્ય અમે સારું છે કહી બિરદાવતા પરતું આજે તમારું એ નશા મુક્તિ અભિયાન સામે મારું મસ્તક ઝુકી જાય છે અને તમે અમારા ગુરુ હતા નું ગૌરવ પણ થાય છે
આપણા દેશની વાત કરીએ તો ભારતની યુવાપેઢી પણ નશાની બંધાણી બની રહી છે, નશીલા પદાર્થોના વ્યસનનું દૂષણ મેગા સીટીથી માંડી નાનાં નાનાં ગામડાંઓ સુધી પહોચી ગયુ છે…. ભારત નું ભાવી પણ દિવસે દિવસે નશામાં ઘેરાતું જાય છે.મોટા શહેરો અને નાનાં નગરોમાં આ પ્રકારના નશાઓનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલે છે.
આપણે જો આપણી સંસ્કૃતિ અને નૈતિકતાને ભૂલી બીજાની દેખા દેખી ખોટા રવાડે ચડીએ તો બીજા સમક્ષ આંગળી ચીંધવાનો આપણને કોઈ અધિકાર નથી.અમેરિકા હોય ,બ્રીટન હોય કે ભારત.ડ્રગ્સ એક માથાભારે નશો છે જે આજના યુવાધનને શક્તિવીહીન કરી રહ્યું છે. હજુ આપની પાસે સમય છે જો સમય રહેતા આંખો ખુલ્લી રાખી આ બાબતે ચોક્કસ પગલા લેવામાં આવે તો ઘણું સુધારી શકાય તેમ છે .
-રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુ.એસ.એ)