આજે મારા મનને ઉચાટ હતો.એ ઉચાટનું કારણ હતું અમારા વ્હાલા બા.હું સવારથી જોતી હતી બાની જીભે શ્રીનાથજીનું સતત સ્મરણ ચાલુ હતું અને ચહેરા ઉપર એક આશંકાનો ઓછાયો સ્પષ્ટ દેખાઇ આવતો હતું.એનું કારણ હતું મારા ગર્ભમાં પાંગરતો મારો ચાર માસનો ગર્ભ.એવું પણ નહોતું કે મારૂ આવનારૂ બાળક પહેલું બાળક હતું પણ બે દીકરીઓ પછી ખાસ બાના આગ્રહને વશ થઈ અમે આ ત્રીજા બાળક માટે વિચાર્યું હતું. તેમના અતિ આગ્રહને વશ થઈ અને ખાસ મારા આવનારા બાળકની સ્થિતિની જાણ માટે હું આજે સોનોગ્રાફી ટૅસ્ટ માટે તૈયાર થઇ હતી .આવનાર બાળકની જાતી ગમે તે હોય હું તેને હર્ષથી આવકારવા થનગનતી હતી અને મારા સાથમાં સાથ આપવા મારા પતિ શ્રીકાંત પણ તૈયાર હતા.એક રીતે જોઇએ તો ગર્ભ પરિક્ષણ ગેરકાઇદેસર છે.છતાં પણ ઘરનાં વડીલનાં આગ્રહ અને આગલા સંતાનોમાં બે દીકરી હોવાથી આ કામ માટે મે મારી જાતને તૈયાર કરી હતી.
હું જાણતી હતી કે શ્રીકાંત અને બાને બે દીકરીઓ પછી તેમનો વારસદાર તરીકે દીકરો જોઈતો હતો.એક માં તરીકે હું પણ ઇચ્છતી હતી કે એક દીકરો હોય તો સારું,પણ મને કઈ શ્રીકાંત કે બા જેવો દીકરાનો મોહ નહોતો.મારે મન મારા સંતાન દીકરી હોય કે દીકરો હોય મારા માટે જીગરના ટુકડા હતા .
શ્રીકાંત મારી સાથે આવવવાના હતા પણ આજે એને કોઈ કારણોસર શહેરથી બહાર જવાનું થતા હું એકલી ડોક્ટર સ્મિતાબેન શાહની હોસ્પીટલમાં પહોચી ગઈ.આ મારી ત્રીજી પ્રેગનેન્સી હતી દરેક વખતે ડોક્ટર સ્મિતાએ જ ડૉકટર તરીકે પ્રસુતી કરી હતી.તેથી મારે તેમની સાથે હવે એક પોતીકી ઓળખાળ થઈ ગઈ હતી.
મારો નબર આવતા હું તેમની કેબિનમાં દાખલ થઈ
“આવ…..,ઘરતી કેમ છે તું? તારી તબિયત કેમ છે? ” કહેતા તેમણે મને સસ્મિત ચહેરે આવકારી અને બોલ્યા,”જો આજની સોનોગ્રાફી તારા ગર્ભમાં રહેલા બાળકની તંદુરસ્તીની જાણ માટે જ કરવાની છે.છતાં તારા આગ્રહને વશ થઇને જો શક્ય હશે તો બાળકની જાતી વિષે જણાવીશ.પરંતુ દીકરી હોય તો પણ તારી હાલત જોતા આ સ્થિતિમાં એબોર્શન શક્ય નહી બને.”
“હા સ્મીતાબહેન હું જાણું છું અને મારે એવું કંઈ જ કરવું પણ નથી.આતો મારા સાસુના આગ્રહથી હું આ કામ માટે રાજી થઈ છું”.મેં દ્રઢતા થી જવાબ વાળ્યો.
લગભગ અડઘો કલાક ચાલેલી સોનોગ્રાફીની પ્રક્રિયા દરમિયાન મારી બેડનાં બાજુમાં રહેલા ટીવી મોનીટર માં હું મારા બાળકનો બનતો જતો આકાર જોઈ ખુશ થતી હતી.આ બધું જોવામાં હું સદંતર ભૂલી ગઈ હતી કે આ છોકરો હશે કે છોકરી ? હું તો બસ આ અદભુત દ્રશ્યને માણી રહી હતી,અને ભગવાન પછીની બીજી મને મળેલી આ સ્ત્રી શક્તિને પામીને મનોમન પોરસાતી હતી. એક બાળકને જન્મ આપવો એટલે કે જાણે શૂન્યમાંથી વિરાટ સર્જન કરવું.જીવનું સર્જન કરવાની શકિત કુદરત પછી એક નારી જ કરી શકે છે.
ડોક્ટર સ્મિતાના અવાજે મારી તંદ્રા તોડી નાખી,” ઘરતી….,તારા ગર્ભમાંનું બાળક દીકરો છે”.
મારી આંખોમાં ખુશીના આંસુ ચમકી ગયા.કારણકે હું મારા પતિનું અને મારા માં સમાન સાસુનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહી હતી.
બધી ડૉકટરી તપાસ પતાવી હું ઘર તરફ રવાના થઇ.રસ્તામાં કેટલાય વિચારો સામા પ્રવાહની જેમ ધસી આવતા હતાં અને હું મને કમને આ વિચારોને પાછા ધકેલવા પ્રયત્ન કરતી ….. “શું દીકરા, દીકરીમાં ફર્ક કરવો જરૂરી છે? શું ફર્ક પડી જાય છે બંનેમાં કે આજનો ભણેલો ગણેલો સમાજ પણ દીકરીઓને આવકારી ખુશ નથી થતો.હા દીકરો કુળમાં બાપનું નામ રાખે છે પણ દીકરીઓ બે કુળમાં બાપનું માં ઉજાળે છે આ વાતને કેમ ભૂલી જવાય છે? દીકરો અર્થીને કાંધો આપે છે તો દીકરી જીવતરને કાંધો આપે છે તે કેમ કરીને ભૂલી જવાય ?
મહા પરાણે મારા મનને શાંત કરીને એક નવો નિશ્ર્ચય મનોમન કરીને હું ઘરમાં પ્રવેશી. મારા અંદર પગ મુકતાની સાથેજ બા સામે ઘસી આવ્યા.કઈ પણ બોલ્યા વિના મારા માથેથી પાણી વાળી બહાર રેડી આવ્યા પછી હાથ પગ ઘોઈ મારી પાસે આવી ત્વરાથી બોલ્યા “ધરતી શું શુભ સમાચાર લાવી ?”
મારા નિશ્ર્ચયને અમલ મુકવા માટે પ્રતિબધ્ધ હતી અને એનો અમલ કરવા માટે મારી સાસુ સામે આંખોમાં એક ચમક દેખાડી આવીને લુપ્ત થતી બતાવી અને નીચું જોઇને બોલી”બા દીકરી છે.”
બાના ચહેરા સામે જોવાની મારી હિંમત નહોતી.બાના દિલને દુભાવતા મારું મન કોચવાતું હતું છતાં પણ તેમને દીકરા અને દીકરીનાં ફર્કમાંથી બહાર કાઢવા માટે મારે આવુ કરવું જરૂરી હતું.
બા પણ મારી જવાબ સાંભળીને કંઇ પણ બોલ્યા વિના એનાં ઓરડામાં ચાલ્યા ગયા.ના મને પાણીનું પૂછ્યુ કે ના જમવાનું પૂછ્યું.મારું ભૂખ્યું પેટ પોકાર પાડતું હતું.આથી જાતે રસોડામાં જઈને મેં હસતા મુખે શાંતિથી ભરપેટ જમી લીધું.
આખો દિવસ ઘરમાં એક અજબ શાંતિ પથરાએલી રહી. સમય થતા ઝરણા અને પાયલ સ્કુલથી ઘરે આવી ગયા.આમ તો રોજ બા તેમને નાસ્તો બનાવી આપતા પણ આજે આ બધું કામ મારે કરવું પડયું .છેક સાંજે શ્રીકાંત ઘરે આવ્યા ત્યારે જ બા તેમના ઓરડામાંથી બહાર આવ્યા. બાનો ઉતરેલો ચહેરો જોઈ તે પણ સમજી ગયા કે શું સમાચાર આવ્યા હશે.બધા ચુપચાપ ખાઈને ઉભા થયા.
બધાએ જમી લીધા પછી બાનાં દુઃખી ચહેરા પર નિરાશા જોઈને શ્રીકાંત બોલ્યા “બા આપણા નશીબમાં દીકરાનું સુખ નહી હોય.હવે દીકરાને ભૂલીજા.જો આપણા હાથમાં કશું નથી.આ બધું તારા શ્રીનાથજી બાવાની કૃપા છે કે આપણે બધા ખુશ અને સુખી છીએ,અને આજે જ મને કંપનીમાંથી બઢતી મળી છે.તો તું એમ સમજ કે ઘરમાં લક્ષ્મીના પગલા પડવાના.” હું શ્રીકાંતનીસમજ ઉપર વારી ગઈ.
પણ થાય શુ?બાને તો બસ વારસદાર જોઈતો હતો.અંતે આખા દિવસનું મૌન તોડી બા બોલ્યા,” ધરમાં લક્ષ્મી તો આ બે પહેલેથી જ તારી વહુ લાવી છે. મારે તો મારા કુટુંબનો વંશવેલો આગળ વધારનાર દીકરો જોઈએ છે.જેની પાછળ તારું નામ રાખે તેવો એક વારસદાર જોઈએ છે.
મારી તરફ જોઇને બા બોલ્યા,” હું તો કહું છું વહુ!આ વખત એબોર્શન કરાવી દ્યો અને ફરી એક વખત પ્રયત્ન કરી જુઓ સહુ સારા વાના થશે.”
બાની વાત સાંભળતાં હું સફાળી ઉભી થઈ ગઈ અને મક્કમતાથી બોલી,જુવો બા…….,આ બાબતે આવો વિચાર જ ના કરશો.આ કોઈ કાળે શક્ય નથી. આવનાર બાળક દીકરો હોય કે દીકરી મારે મન બેવ સરખા છે,અને હા બા,હું અને તમે પણ દીકરી તરીકે જ જન્મયા હતાં.જો આપણા મા બાપ તમે આ જેમ કહો છો તેવું વિચારી આપણા જન્મને અધૂરા માસે રોક્યો હોત તો શું અહી આ જગ્યા ઉપર ઉભા રહી શક્યા હોત ?” મને પહેલી વખત આમ ગુસ્સે થઈ જતા જોઈ બધા થિજી ગયા.પછી કોઇ આગળ બોલ્યા નહી.બા એનાં રૂમમાં ચાલ્યા ગયા.બાના ગયાં પછી શ્રીકાતે મારા બરડા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને શ્રીજીબાવાની છબી તરફ આંગળી ચીંધીને બોલ્યા,”એ જે કરે છે એ સારા માટે જ કરે છે.”
આ ધટનાં બન્યા બાદ શરૂ શરૂમાં બા મારા ખાવા પીવાનું ઘ્યાન રાખતા નહોતા.હું બધું હસતા મ્હોએ જાતે કરતી અને શ્રીકાંત પણ મને ઘરકામ અને બીજા કામોમાં યથાશક્તિ મદદ કરતા હતા.છેવટે મને સાતમો મહિનો બેસી ગયો. હવે બાના માખણ જેવા હૈયા ઉપર પરાણે લગાવેલું નારિયેળ જેવું સખત કવચ ધીરેધીરે તૂટી રહ્યું હતું અને અંદર રહેલી મીઠાશ અને નરમાશનો અનુભવ મને થવા લાગ્યો હતો. હું પણ જાણતી હતી કે બાના મીઠા સ્વભાવને લાંબો સમય વહેતો રોકવો શક્ય નહોતો.હું પણ જાણે કઈ નથી બન્યું એમ સમજી બા સાથે સ્નેહથી વર્તતી હતી.આમ પણ મારા માટે મારા સાસું મારા મન મારી જનેતાથી કઈ કમ નહોતા.
બા સવાર પડતા મને હાથમાં બદામ કેશર વાળા દુઘનો પ્યાલો પરાણે પકડાવી દેતા.હું જ્યા સુધી એ દુધ પી ના લઉ ત્યા સુધી મારે સામેથી હટતા નહી. ત્યાર પછી મારે શું કરવું શું ના કરવુ,શું ખાવું વગેરે નો આખો ચાર્ટ બતાવી જતા.બપોર પછી એક કલાક મને ભગવદ ગીતાનો પાઠ સંભળાવતા સાજે રામાયણ વાંચતા. ટુકમાં જણાવું તો મને મારા વ્હાલસોયા બા પાછા મૂળ સ્વરૂપે મળી ગયા હતા.
મારી આટલી કાળજી લેતા જોઈ બાજુ વાર કમલા કાકી એક વખત બોલી પડયા “બોન…..,તમારી વહુ તો તીજી દીકરી જણવાની છે તો શું કામ આટલો હરખ કરો છો .આ વહુની પહેલી સુવાવડ નથી કે તમે આટલી કાળજી રાખો છો?
ત્યારે બાના મ્હોએ બોલાએલા શબ્દો મારી આખી જિંદગીનો એવોર્ડ બનીને રહી ગયા.
“કમળાબેન ઘરતી પહેલા મારી દીકરી છે પછી એ મારી વહુ છે.એક માં દીકરીની સુવાવડમાં એને કદી દુઃખી કરે? બાવાની જે મરજી હશે એ પ્રમાણે જ થવાનું છે.દીકરી અવતરે કે દીકરો અવતરે,પણ મારી દીકરીને કશું દુઃખ નાં પડે તે મારે જોવાનું રહ્યું અને આવનાર બાળકને મારા ઘરના સંસ્કાર આપવા તે મારી ફરજ બને છે.”
બાની આ વાત સાંભળીને મને આજે લાગ્યું કે હું જીતી ગઈ.
પુરા સમયે એપ્રિલની પહેલી તારીખે વહેલી સવારે મને વેણ ઉપડયું,અને તુંરત જ શ્રીકાંત મને લઈને હોસ્પીટલ પહોચી ગયા.થોડી વાર પછી બા ઝરણા અને પાયલ સાથે આવી પહોચ્યા.
એક અસહ્ય,અવ્યક્ત એવી વેદના પછી મેં આ ઘરતી ઉપર એક નવો જીવ મારી કુખે અવતતણ પામ્યો.માં અને બાળક ને જોડતી એક મહત્વની નાળ કપાતા મારું બાળક જુદાઈના દર્દથી રડી પડયું અને જેને નવ મહિના મારા પોષણથી પોસ્યું હોય તેવા મારાજ અંશને ઘરતી ઉપર અવતરતા જોઈ હું ખુશી થી હર્ષાશ્રુ વહાવી રહી ,તેનું ગોળ મટોળ પૂર્ણિમાના ચન્દ્ર જેવું મુખડું જોતા મારી આંખોમાથી અવિરત અશ્રુધારા વ્હેવા લાગી.આ જોતા સ્મિતાબહેન બીલ્યા,ધરતી…..બરાબર શ્રીકાંતભાઈ જેવો જ દેખાય છે તારો દીકરો ”
સ્મિતાબેન બહાર ગયા અને બધાને અંદર આવવાનું કહી આવ્યા.
આછાં ભૂરા કપાળમાં વીટાવેલો રતુંમડો સફેદ ગલગોટો જોતા શ્રીકાંત સાથે બાના હાથ પણ લંબાઈ ગયો.આ જોઈને સ્મિતાબહેન બોલ્યા,”આવનાર બાળકના હાથ પગ બધું સલામત છે કે નહી.તે બરાબર ચકાસી લ્યો જરા ”
આટલું સાંભળતાં બાએ બાળકને પોતાના હાથમાં લઇ ઝડપથી વિટાળેલ કપડું હટાવી નાખ્યું અને તેમની આંખો હતી તેના કરતા બમણી મોટી થઇ ગઈ મારા દીકરાને શ્રીકાંતનાં હાથમાં મૂકી મારી પાસે આવી પહોચ્યા અને મને “મારી દીકરી” કહી મારું કપાળ ચૂમી લીધું .
શ્રીકાંત મોટેથી બોલી ઉઠ્યા “સાવ નકામી છે,આ તમારી વહુ…જોયુંને બા!આ તમારી વહુએ બધાની સાથે મને પણ એપ્રિલ ફૂલ બનાવી ગઈ.”
મારી આંખના ખૂશીના આંસુઓને જોઇને બધાની આંખોમાં હર્ષનાં આંસુઓ છલકી આવ્યા.
પાયલ અને ઝરણા તો આ બધાની અલિપ્ત થઇને પોતાનાં નાના ભાઇને,”ભયલુ…ભયલુ કહેતી ખીલખીલ હસતી હતી.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસે )
Sanatkumar Dave
May 10, 2015 at 1:34 am
વાહ રેખા બેટા વાહ….અતિ સુંદર…તે વાર્તા થકી એક સુંદર ઉપદેશ પણ આપ્યો….
વધુ તો શું લખું……
gbu jsk
દાદુ…
મૌલિક રામી
May 10, 2015 at 2:55 am
Superb!!!very nice!!
Kishor
May 10, 2015 at 6:20 am
Very nice story with the great massage salute to all mothers
Mukund R. Dave
May 10, 2015 at 6:34 pm
આવું પણ ક્યારેક બને છે. જોકે ટેકનોલોજીને કારણે કેટલીય ગર્ભસ્થ પુત્રીઓ જન્મ પામતા પહેલાં મેડીકલ waste તરીકે કચરા-પેટીમાં ફેંકાય છે. સમાજ સામે વાત્સવિકતાનો દર્પણ ધરતી સુંદર ચેતોવિસ્તારક વાર્તા.