
“શોભાબેન તમારો અમેરિકાથી પત્ર છે “કહેતા ટપાલી કાકાએ ઝાપેથી બુમ પાડી ,
“હા કાકા આવી “કહેતા શોભા બહાર આવી ,હવે પહેલા જેટલી ના તો પત્ર લેવાની દોડાદોડી કરતી હતી ,ના તો મનને કોઈ તાલાવેલી હતી. છતાં આવેલા પત્રને વાચવાની ઈચ્છા તો પ્રગટી જ જતી કારણ પત્ર લખનાર આખરે તેના બે બાળકોનો પિતા હતો અને તેનો કહેવાતો પતિ હતો.
સુબોધને અમેરિકા ગયાને આજ કાલ કરતા પંદર વર્ષ પુરા થયા . ઈલીગલ ગયેલા સુબોઘને ભારત પાછા આવવામાં ડર હતો કે એક વાર વતન આવી જઈશ તો ફરી અમેરિકા પાછું નહિ જવાય ,અમેરિકાના ડોલર સામે પત્ની અને બાળકોનો પ્રેમ વામણો પુરવાર થયો , અને આ એક ડરના કારણે તે દસ વર્ષ અહી આવી નાં શક્યો અને છેવટે લીગલ થવા માટે અમેરિકા રહેતી સુઝાન સાથે ટેમ્પરરી લગ્ન કરી લીધા. હવે સીટીઝન સીપ લઈને આવીશ કહેતા આજે પંદર વર્ષ થઇ ગયા હતા . હવે અમેરિકાથી આવનારા કેટલાક તો કહેતા હતા કે સુબોઘ સુઝાન સાથેજ રહે છે અને શોભાના આ બાબતે પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે તે તેની સાથે પેઈન્ગ ગેસ્ટ તરીકે રહે છે જેથી ઇમિગ્રેશનમાં બધું લીગલી બતાવી શકાય.
શોભા કઈ બહારના ગ્રહની વ્યક્તિ નહોતી ,એક પુરુષ માટે દસ પંદર વર્ષથી પત્ની અને કુટુંબ થી દુર એકલા અમેરિકા જેવા દેશમાં રહેવાનો મતલબ સમજી શકતી હતી ., તે પુરુષની જરૂરીયાત જાણતી હતી ,છતાં તેની પાસે સુબોઘની વાતને સ્વીકાર્યા વિના ક્યા છૂટકો હતો.
પચ્ચીસ વર્ષની યુવાન પત્ની અને ચાર અને બે વર્ષના નાના બાળકોને તેમના ઉજવવળ ભવિષ્યના ઓઠા હેઠળ પાંચ વર્ષ માટે એકલા મૂકી સુબોધ અમેરિકાના સોનેરી સ્વપ્ન લઇ ઉડી ગયો હતો . સુબોઘના પ્લસ પોઇન્ટમાં એક વાત હતી કે તે નિયમિત ડોલર મોકલતો હતો , હા છેલ્લા ચાર વર્ષથી ખર્ચો વધુ છે અને મોઘવારી પણ વધી ગઈ છે નાં બહાના હેઠળ રકમના લગભગ અડઘો ઘટાડો થઇ ગયો હતો.
શોભા હવે ટેવાઈ ગઈ હતી અને વધારામાં એકલતા ભાગવા તે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હોવાના લીઘે હવે સુબોધના ડોલર ઉપર બહુ આધારિત નહોતી આથી રકમ ઘટતા તેને કહી ઝાઝો ફેર નહોતો પડ્યો। બસ બચત ઓછી થતી હતી। પણ સામા છેડે હવે બાળકો સમજણા અને મોટા થઈ ગયા હોવાનો સંતોષ પણ તરવરતો હતો
શોભાનો મોટો માનસિક સહારો હતો “મનન” .
મનન સાથે શોભાની મુલાકાત આજથી દસ વર્ષ પહેલા મોટી દીકરી રૂચાના પેરેન્ટસડે ઉપર થઈ હતી , મનનની દીકરી શિવાની પણ રૂચાની સાથેજ ભણતી હતી ,મનનની પત્નીના મૃત્યુને બે વર્ષ વીતી ગયા હતા , તેના મા પપ્પા ઘરે હતા આથી ઘરની કોઈ ચિંતા તેને નહોતી પણ દીકરીની મા અને બાપ બની શિવાનીને સાચવવામાં મનનને ઘણી તકલીફ પડતી હતી ,
એક સરખી મુશ્કેલી ઘરાવતી બે વ્યક્તિ બહુ ઝડપથી મિત્ર બની જતી હોય છે . બસ શોભા અને મનન આમ ક્યારેક મળી જતા , અને સુખદુઃખની વાતો કરી લેતા આમ કરતા મનના જાણી ગયો હતો કે શોભા બાળકોના સ્કુલ ગયા પછી બહુ એકલતા અનુભવે છે આથી તેણે સામે ચાલી શોભાને કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરવાની સલાહ આપી , અને એક જગ્યા ખાલી થતા મનનની ઓફિસમાં તેનીજ ઓળખાણ થી શોભાને સારી નોકરી મળી ગઈ.
મનન શોભાના દરેક દુઃખમાં સાથ આપતો હતો, એક દિવસ શોભાનો નાનો દીકરો રવિ એક રીક્ષાની અડફેટમાં આવી ગયો ત્યારે મનન બે દિવસ ખડે પગે ઉભા રહી પોતાનું લોહી આપી રવિને મોતના મુખ માંથી બચાવ્યો હતો, બસ ત્યારથી શોભાને મનન માટે માન સાથે સાચી મિત્રતાની લાગણી બંધાઈ ગઈ હતી.
બંને એક સરખી એકલતા ભાંગવા અઠવાડિયામાં ચાર દિવસ ફોન ઉપર વાતો જરૂર કરી લેતા ,શોભા પણ શિવાનીને માની જેમ પ્રેમ કરી તેની ટીનેજર અને પછી આવતી યુવાનીની અવસ્થા ને ઘ્યાનમાં રાખી રુચા સાથે બેસાડી સલાહ સૂચન આપતી તો સામા છેડે મનન ટીનેજ થયેલા રવિની જરૂરીયાત સમજીને તેને સાથ આપતો . આમ બે પરિવાર નનામી પ્રેમના બંધને જોડાઈને જીંદગીને સરળ બનાવી જીવતા હતા.આ એક આવેલા પત્રથી જીવન જાણે શાંત પાણીમાં અચાનક જોરદાર ઘાથી આવી પડેલા પથરાને લીધે રચાતા વમળની માફક હલબલી ઉઠયું . પત્રમાં લખેલી ચાર લીટીમાં સુબોધ કાયમ માટે ભારત આવી રહ્યો છે ની વાત હતી , વાત તો જાણે ખુશ થવાની હતી ,શોભાને ખુશી સાથે કોઈ આશંકા જન્મી ગઈ ,આમ અચાનક આટલા વર્ષે હવે જ્યારે બાળકોને તેની જરૂર નથી અને એક રીતે પોતે પણ ટેવાઈ ગઈ છે ત્યારે સુબોધનું આમ પાછા આવવાને કોઈ કારણ ?
છેવટે એ દિવસ આવી ગયો ,એરપોર્ટ લેવા આવેલો શોભા સાથે રુચા અને રવિ કદી યાદ ના હોય તે પપ્પાને મળવા ઉત્સુક હતા, સુબોધને જોતા બંને એક મિનીટ અટકીને મમ્મી સામે જોયા પછી તેની મુક સંમતિ લીધા પછી વળગી પડયા ,બસ લોહી ને લોહીનો પુકાર હોય છે.. પણ શોભાનું શું ?
માત્ર પાંચ વર્ષના લગ્ન જીવનમાં મળેલા પ્રેમને પંદર સોળ વર્ષનો વસમો વનવાસ વેઠયા પછી લગભગ તે ભૂલવા આવી હતી કારણ તે માનતી હતી કે પ્રેમમાં પૈસો નહિ સાથ મહત્વનો હોય છે ,દરકાર મહત્વનો હોય છે .
સુબોધના આવવાને કારણે શોભાના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું ,અહી આવવાના કારણમાં શોભાના પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે બસ અમેરિકાથી મન ભરાઈ ગયું છે હવે અહી શાતિથી રહેવું છે , જોકે તે સાથે કોઈ ઝાઝી મૂડી લાવ્યો નહોતો કે આખી જીંદગી આરામ થી રહી શકાય. સાંભળવામાં આવ્યું હતુકે અમેરિકન પત્ની સુઝાને બધું પોતાને હસ્તક કરી લઇ સુબોધને ધક્કો માર્યો હતો અને હતાશ થયેલો તે હવે શાંતિ અને આરામની શોધમાં શોભાની પાસે પાછો આવ્યો હતો .
ચાર દિવસની રજા પછી શોભાએ ફરી નોકરી ઉપર જવાનું શરુ કર્યું ,જે સુબોધને પસંદ નહોતું છતાં પત્નીને કહેવાના ઘણા બધા હક તેણે જાતેજ ગુમાવ્યા હતા . થોડા દિવસો માં તેને સમજાઈ ગયું કે મનન ની ખાસ જગ્યા શોભાની અને બાળકોની જિંદગીમાં બની ચુકેલી છે , આટલા વર્ષો અમેરિકા જેવા વિકસિત અને સ્વતંત્રતા ઘરાવતા દેશમાં રહ્યા પછી પણ તેનામાં રહેલો ભારતીય પતિ વળ ખાઈ બેઠો થઈ ગયો હતો.
હવે મનન નું ઘરે આવવું પણ બંધ થઇ ગયું હતું. શોભાને આ વાતનું બહુ દુઃખ થતું હતું કે જે માણસે છેલ્લા દસ વર્ષમાં એક સ્વજનની જેમ પોતાની અને બાળકોની દેખભાળ કરી છે તેને આમ અચાનક છોડી દેવાનો તે માણસાઈ અને દોસ્તીના દાવે અયોગ્ય કહેવાય . છતાં સુબોધને ના ગમે તેવું તે કરવા માગતી નહોતી ,આથી તે મનન સાથે ફોનમાં વાત કરી લેતી , હવે તો હદ થઈ કે જ્યારે સુબોધે ,શોભાને મનન સાથે મળવાની કે ફોન ઉપર વાત કરવાની મનાઈ ફરમાવી દીધી.
આજે સવાર સવારમાં ગુસ્સાને લઇ સુબોધ બોલી ઉઠયો ” શોભા “ક્યા સબંધે ” તું મનનને તારા સુખ દુઃખની વાતો કરે છે, આટલા લાંબા ફોન કરે છે ? મારી મનાઈ હોવા છતાં તું તેને મળે છે ? બોલ શું સબંધ છે તારે અને એને?
આજ સુધી સમાજના દાયરાઓને ઘ્યાનમાં રાખી શોભા એકલે હાથે ઝઝૂમી હતી આથી તે શારીરિક અને માનસિક રીતે મજબુત બની ગઈ હતી , સુબોઘની વધુ પડતી જોહુકમી સહન નાં થતા તેણે પહેલી વાત તેના વિચારો સ્પષ્ટ રીતે પતિ સામે મુક્યા……
” જુવો સુબોઘ તમે મારા બાળકોના પિતા છો વાત સાચી પણ તેમને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યા હતા?
તમે મારા પતિ છો વાત સાચી પણ ભર જુવાનીમાં હું જ્યારે એકલી હતી , દુનીયાની નજરો મને વીંધતી હતી ત્યારે તમે ક્યા હતા ?
માત્ર પતિ કે પિતાનું લેબલ લગાડી દેવાથી કે ચાર રૂપિયા આપી દેવાથી જવાબદારીઓ માંથી છટકી નથી જવાતું ,તે જવાબદારીઓ પૂરી કરવાથી સાચું સગપણ બતાવી સકાય છે .”
“ક્યા સબંધે ? ” આ એ સબંધ છે જેનું કોઈ નામ નથી.” ” મનન ભલે સગપણની દ્રષ્ટીએ અમારા કઈજ નથી પરંતુ આજે તે અમારી જિંદગીનો અતુટ હિસ્સો બની ગયા છે ,માત્ર તમારા આવવાથી હું કઈ તેમને ઘક્કો મારી દુર કરવા નથી માગતી , હા તમે પણ અમારી જિંદગીનો એક મહત્વનો ભાગ છો એ વાત સાચી અને જો આ વાત ને સમજી તમે પણ મનનને અપનાવશો તો તો તેમનાથી વધુ સારા મિત્ર તમને બીજા નહિ મળે “શોભા ઉશ્કેરાટમાં લાબું બોલી ગઈ .
ત્યાર બાદ શોભાએ મનનના તેમના જીવનમાં થયેલા પ્રવેશ થી લઇ આજ સુધીની દરેક વાતો કહી સંભળાવી , શોભાના મ્હોએ થયેલા નિખાલસ ખુલાસાને કારણે સુબોધના મનની કડવાહટ ઘોવાઈ ગઈ.
શોભાના ગયા પછી એકલો પડેલો સુબોધ વિચારે ચડ્યો. હા વાત તો સાચી જ છે ! જ્યારે શોભાને અને બાળકોને તેની જરૂર હતી ત્યારે તે બિન જવાબદાર બની ડોલર કમાવા પાછળ ઘેલો થયો હતો ,એકલા હાથે ઝઝુમતી પત્નીને જો મનને મીત્રતાના ભાવ સાથે સાથ આપ્યો હોય તો એક પતિ તરીકે ઉદારતા દર્શાવી મારે પણ તેમની લાગણીઓને સમજવી જોઈએ ,આ એક રીતે જોતા પોતાના કુટુંબને સાચવી મનને મને તેના અહેસાન હેઠળ રાખ્યો છે ,હવે મનનને મારો મિત્ર બનાવીશ તોજ હું તેણે મારી ઉપર કરેલા આ અહેસાનને કઈક અંશે ઓછા કર્યાની લાગણી અનુભવી શકીસ .
તે રાત્રે સુબોધે સામે ચાલી મનન અને શિવાનીને જમવા માટે આમંત્રણ આપી દીઘું………..
રેખા વિઓદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુએસએ )
Like this:
Like Loading...
Related