
હું જાણું છું તું મારા પત્રની આતુરતાથી રાહ જોતી હશે.કારણકે તારા કાળજાનો આ ટુકડો દુર પરદેશમાં તારી આંખોથી દૂર વસે છે.મમ્મી તું મારી જરા પણ ચિંતા કરતી નહી.ભલે તારી દીકરી પરદેશમાં રહેતી હોવા છતાં દેશમાં રહેતી હોઉં તેવો અનુભવ કરું છું.મમ્મી….,તને ખબર છે ! મારી બાજુમાં રહેતી મિસ મારિયા જે ઉંમરમાં આમ તો તારાથી દસ વર્ષ મોટી છે છતાં તેને જોઉં છું ત્યારે તું યાદ આવે છે. ગઈ કાલે સવારે શનિવાર હતો તો સવારના પહોરમાં ડોરબેલ વગાડી મને બહાર બોલાવી કહે …. નેહા તું કહેતી હતીને કે તે અહીનો ગરાજ સેલ નથી જોયો તો ચાલ આજે તને હું ગરાજ સેલમાં લઇ જાઉં.એ મને તેની સાથે મારા ઘરથી થોડે દુર બાજુની સોસાઈટીમાં ભરાએલા કોમ્યુનીટી ગરાજ સેલમાં લઇ ગઈ.અહીના ગરાજ સેલમાં આખી કોમ્યુનીટી વાળા ભેગા થઇ પોતાના ઘરમાં ભેગી થયેલી બીન વપરાસની નવી જૂની વસ્તુઓને એક્ઠી કરી તેને સાવ નજીવી કિંમતે વેચવા પોતપોતાના ઘરની બહાર ચાદર પાથરીને કે ટેબલ ઉપર વસ્તુઓ ગોઠવીને બેઠા હતા.અહીંયા આપણા દેશની ગુજરી બજારમાં થતો હોય એવો કોઈ શોરબકોર ના હોય.બધા જાણે પીકનીકમાં આવ્યા હોય એમ વાતો કરતા કરતા પોતપોતાની મસ્તીમાં પોતાનો માલ સામાન વેચતા અનેખરીદતા હતા.કેટલાક નાના બાળકો પોતાનો ટોવેલ અલગ પાથરી નાની પિગી બેંક બનાવી જુદું વેચાણ કરતા હતા તો કેટલાક બાળકો આપણું લીંબુ પાણી “લેમોનેડ” કહી વેચતા હતા.
સાચું કહું આ બધું જોઇને મને આપણું માર્કેટ યાદ આવી ગયું.જાણે દેશની ગુજરી ભરાઈ હોય તેમ લાગતું હતું.
વધારે સારી અને મઝાની લાગતી વાત એ હતી કે અહી સામાન્ય રીતે ભાવ તાલ થતા નથી.છતાં અહીયાં બે ડોલરની વસ્તુમાં પણ લોકો ભાવતાલ કરતા હતા.આ જોઈ મને હસવું આવ્યું અને મે આનું કારણ મિસ મારિયાને પૂછ્યું તો મમ્મી ખબર છે તેને મને શું કહ્યું ” નેહા ડીયર,જે આનંદ આપણને મોટા મોલમાં નથી મળતો તે લેવા તો આપણે અહી આવીએ છીએ.”પછી એ મને કહે કે,”તું પણ બારગેઇનીંગ કરવાનો આનંદ ઉઠાવી જો,તને બહું મઝા આવશે.
મમ્મી….,તેને હું કેમ સમજાવું કે આપણે તો રોજ દેશમાં આવા ભાવતાલ કરતા આવ્યા. છીએ.કોઇક વાર પેલા શાકવાળા જોડે ભાવતાલ કરતા હોઇએ અને છેવટે કઈ નાં ચાલે તો ભાઈ ઘાણા મરચા મફત આપ કહી તે પણ પડાવીએ છીએ,અને શાકવાળા ભાઈ પણ બહેન તમે હદ કરો છો કહીને થોડા ઘાણા મરચા થેલીમાં નાખી દેતા. હા મમ્મી ! દેશ યાદ આવે છે છતાં અહી પણ મઝા છે.
મમ્મી….,પહેલા તો મને આ બધુ સાવ થોડુ અજબ લાગ્યું.આ રીતે કોઈની વપરાએલી વસ્તુ કેમ લેવાય ? પછી મિસ મારિયાએ સમજાવ્યું જો ડીયર.આ બધું કઈ જુનું નથી હોતું.આમાની કેટલીક વસ્તુઓ તો સાચેજ રેપર ખોલ્યા વિનાની પેક હતી.તું જાણે છે મમ્મી!અહી અમેરિકાના લોકોને આડેઘડ શોપિંગ કરવાની ટેવ હોય છે.સસ્તું છે નવું છે તો ખરીદી લો.પછી આમ જ વસ્તુ વપરાય કે નહી તે જાણવાની કોશીસ કર્યા વગર તેનો ખડકલો થતો જાય છે , છેવટે વર્ષમાં એકાદ દિવસ નક્કી કરી આખી સોસાયટી વાળા પોતપોતાના ઘરમાંથી વધારાની વસ્તુઓ વેચી તેમાંથી ફરી બીજી વસ્તુઓ માટે જગ્યા કરે છે.
આ ગરાજ્સેલ નો મતલબ સાવ એવો નથી કે અહી મળતું હોય તે સઘળું જુનું અને નકામું હોય ,ક્યારેક જૂની ઘર સજાવટની વસ્તુઓ પણ જેને આપણે એન્ટીક કહીએ છીએ તેવી વસ્તુઓ અહી થી તેવી જડી આવે છે ,અહી ક્યારેક ગાર્ડનીંગ માં વપરાતા સાઘનો જે બહાર કરતા અડધાથી ઓછી કીમતે મળી આવે છે , મમ્મી હવે જ્યારે આવું કશું જોઈતું હશે તો હું પણ જરૂર અહી નજર નાખી લઈશ.
વાતવાતમાં મને જાણવા મળ્યું કે મિસ મારિયા અહી થી સારી પણ વસ્તુ નજીવી કિંમતે ખરીદી ચર્ચ અને બીજી જગ્યાએ દાન કરે છે.મને મારિયાની આ વાત બહું ગમી ગઇ.કારણકે મમ્મી,તું જાણે છે પપ્પા દર મહિનાની પાંચમી તારીખે તને અમુક રૂપિયા એમ કહીને આપતા કે આ જુદા રાખજે,કોઇ ધર્માદાનાં કામ માટે આપણે કામમાં લેવાના છે.મમ્મી,મારિયાની આ ભાવના જોઇને મેં પણ થોડા નવા રમકડા અને બે બ્લેન્કેટ ખરીદી કર્યા.તેની આમ તો બજારમાં કિંમત સો ડોલર થતી હશે પરંતુ અહી મને પંદર ડોલરમાં બધું મળી ગયું.હવે કાલે હું તેની સાથે અહી પાસેના ચર્ચમાં જઈશ અને આ ખરીદી કરેલી વસ્તું ચર્ચમાં આપી દઇશ.
ઘરે પાછા ફરતા મિસ મારિયાની એક વાત મને સ્પર્શી ગઈ હતી ” જો નેહા, મને જરૂરીયાત વાળાને આપવું બહુ ગમે છે.તું જાણે છે હવે હું જોબ કરતી નથી તો મારે પેન્શન સિવાયની બીજી કોઈ ઇન્કમ નથી.માટે હું આવા ગરાજસેલમાં જઈને વસ્તુઓ એકઠી કરી જરૂરીયાત વાળાને વહેચું છું.ત્યારે મને એક અજીબ સંતોષ થાય છે.”
મમ્મી જો હું આવા સુંદર મન ઘરાવતા લોકોની વચમાં રહું છું.
શું ફર્ક પડે છે આ મંદિર નથી પણ ચર્ચ છે.આપણા મંદિરમાં જેમ ઈશ્વર હોય છે અહી પણ ઈશ્વર જ છે.નાના અને ગરીબ બાળકો ત્યાં પણ છે તો અહી પણ અનાથ કે એકલવાયા બાળકો કઈ ઓછા નથી.તે જ મને સમજાવ્યું હતું કે જો હૃદયમાં ભાવ હોય તો ભગવાન બધે જ છે.તો મમ્મી હવે મારી ચિંતા કરવાનું છોડી તું પણ તારા રોજીંદા કાર્યમાં મન પરોવજે.
-લી. તારી સમજદાર દીકરી
-રેખા વિનોદ પટેલ
ડેલાવર(યુએસએ)
Sanatkumar Dave
May 4, 2015 at 12:20 pm
dearest રેખા બેટા વાહ અને ગરજ સેલ લઘ્ભગ બધા દેશોમાં…(વિદેશો)….
બીજું અહીં GOODWILL શોપ પણ હોય છે જેની વાત આપ જાણતા જ હસો…
કોક વખત તેનો ઉલ્લેખ કરતો લેખ પણ લખજો..
બાકી આ અમોને ખુબજ ગમ્યું કે…..
ઘરે પાછા ફરતા મિસ મારિયાની એક વાત મને સ્પર્શી ગઈ હતી ” જો નેહા, મને જરૂરીયાત વાળાને આપવું બહુ ગમે છે.તું જાણે છે હવે હું જોબ કરતી નથી તો મારે પેન્શન સિવાયની બીજી કોઈ ઇન્કમ નથી.માટે હું આવા ગરાજસેલમાં જઈને વસ્તુઓ એકઠી કરી જરૂરીયાત વાળાને વહેચું છું.ત્યારે મને એક અજીબ સંતોષ થાય છે.”..
સલામ મારિયા બહેન…
આશીર્વાદ…તને બેટા…હ્રીદયથી….
gbu jsk
દાદુ…
rekha patel (Vinodini)
May 4, 2015 at 2:09 pm
Thank you dadu
Hitesh Rameshbhai patel
May 4, 2015 at 3:27 pm
Nice thinking and written , keep it up