માણસાઈને કોઈ સીમાડા નાં હોય …..
વ્હાલા પપ્પા .
કોણ જાણે આજે તમે મને બહુ યાદ આવી ગયા.કારણકે અમે નાના હતાં ત્યારથી તમે અમને બીજાઓને મદદ કરવાનું શીખવતા આવ્યા હતા. તમે કહેતા હતા કે આજે આપણે કોઈને મદદ કરીશું તો કોઈ આપણને કાલે જરૂર હશે તો આવીને મદદ માટે ઉભું રહેશે.પછી આગળ તમે કહેતા કે બેટા,””આ પ્રકૃતિનો નિયમ છે એક હાથ લે તો એક હાથ દે.”
પપ્પા,તમે જાણો છો?આપણે બધા સાંજે પરવારીને આપણા વરંડામાં સાથે બેસતા હતા અને આડૉસી પાડોસીમાંથી કોઇને કોઇ આપણી સાથે બેસવાં આવી જતું હતુ.જ્યારે અહીયાં અમેરિકામાં સામાન્ય રીતે સાંજ પડતા સહુ પોતપોતાના માળામાં ભરાઈ જાય છે.આખો દિવસ જોબ અને બીજા કામોમાં વ્યસ્ત લોકો સાંજે ઘરના સભ્યો સાથે થોડો બચેલો સમય વિતાવવા ઉતાવળા થતા હોય તે સ્વાભાવિક છે.આ જ કારણોસર આપણા દેશની જેમ લોકો એકબીજા સાથે બહુ હળતા મળતા નથી.સાંજ પડતા બહાર ઓટલે બેસી ટોળાંટપ્પા કરતા નથી.
પણ પપ્પા ! સમરમાં સાંજે થોડો સમય મળી જાય તો ક્યારેક આજુબાજુ રહેતા લોકો સાથે હાય હલ્લોનો સબંધ બંધાઇ છે.
પપ્પા,શરૂ શરૂમાં તો મને અહી બહુ અતડું લાગતું હતુ.મને થતું કે આ બધા જાણી જોઇને મારી સાથે નથી બોલતા.કારણકે હું ઇન્ડિયન છું.તો હું પણ જાણી જોઈ તેમની સાથે એક અંતર રાખતી હતી.હું વિચારતી કે હું ઇન્ડિયન છું તો શું થયું મને પણ મારૂં ઇન્ડીયન હોવાનું અભિમાન છે અને મને કોઈની જરૂર નથી. એ પછી હું પણ મારા કોચલામાં પુરાઈ રહેતી અને તમારી શીખ ભૂલી બધા સાથે માત્ર હાય હલ્લોનો સબંધ રાખતી હતી.ત્યાર બાદ ધીમેધીમે વરસો જતાં મને સમજાયું કે આ તો અહીનો રીવાજ છે કે કોઈને કારણ વગર ડીસ્ટર્બ નાં કરવા જોઇએ.
પપ્પા,ગઇ કાલે રાત્રે અહી વાવાઝોડાની આગાહી થઇ હતી.પાછળ ડેક ઉપર મુકેલા ખુરશી ટેબલ બધું અંદર લઇ આવવાની ચેતાવણી વારેવારે ટીવી ઉપર આવતી હતી.જેથી તેમાંની કોઈ વસ્તુ ઉછળીનેને બારી કે બારણાંના કાચ સાથે અથડાઇને બારી બારણાનાં કાચને તોડીને નુકશાન ના કરી શકે.તમારા જમાઈ કામ ઉપરથી બહારગામ ગયા હતા તેથી એ પણ બીજા દિવસે આવવાના હતા.રાત્રીના આઠ વાગ્યા હતા.હું જાતે બધું સરખું કરવા બહાર ગઈ.
બહાર ડેક ઉપર પડેલી લાકડાની ભારે બેન્ચને ખસેડતા મારી આંગળી તેમાં ફસાઈ ગઈ અને હું ચીસ પાડી ઉઠી ત્યારે, મને લાગ્યું કે મારી આંગળી કપાઈ ગઈ. મારી ચીસ સાંભળી નાનકડી આપણી આઠ વર્ષની રીના દોડતી આવી. પછી કોણ જાણે રીનાને શું સુઝ્યું તે દોડીને બાજુમાં રહેતા જ્હોન અને તેની વાઈફ કેથીને બોલાવી લાવી બંને દોડતા આવી ગયા હતા.મારી આંગળીને પરાણે લાકડાના પક્કડમાંથી છોડાવી આ દરમિયાન જ્હોનની આગળીમાં બેન્ચની એક ખીલી ઘુસી ગઈ હતી તેને પણ લોહી દદડતું હતું પણ બંને પતિપત્ની તેની દરકાર કર્યા વિના મારી આગળી ઉપર બરફ લગાવી મને તાત્કાલિક સારવાર આપવામાં વ્યસ્ત રહ્યા.
જે જહોન અને કેથી સાથે હું ખાસ વાત પણ નહોતી કરતી તે મોડી રાત સુધી પોતાના નાના બાળકોને ઘરે એકલા રાખી મારી સારવાર કરતા રહ્યા.મારી આંગળીનો જે સોઝો ચડ્યો હતો એ સહેજ ઓછો થતા છેવટે મારા કહેવાથી ઘરે પાછા વળ્યા.
પપ્પા નવાઈની વાત તો એ હતી કે બીજે દિવસે સવારે કેથી સવારના પહોરમાં ટી પોટમાં અમેરિકન સ્ટાઈલની લીપ્ટન ટીની પડીકી વાળી ચાય સાથે ગરમ કેક બેક કરી મારી માટે લઈને ઘરે આવી.આજે પહેલી વાર મને તમે અને મમ્મી બહુ યાદ આવ્યા અને તેને હગ કરતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.
પપ્પા કોણ કહે છે માણસાઈ ફક્ત દેશમાં જ છે અહી પરદેશમાં પણ મને દેશનો અનુભવ સતત થતો રહે છે .
મારી આંખો માંથી આંસુ વહેતા હતા ,આ આંસુ દર્દના નહિ પણ પસ્તાવાના હતા કે આટલા સારા માણસો માટે હું કેવું વિચારતી હતી.આજે મને તમારા શબ્દો બહુ યાદ આવતા હતા ” નેહા કોઈ પણ અપેક્ષા વિના બીજાની મદદ કરાવી જોઈએ તેનું મીઠું ફળ આપણી જરૂરિયાતના સમયે ચોક્કસ મળે છે ”
પપ્પા હવે હું આજુબાજુના બધા લોકો સાથે હળી મળીને રહું છું.આ જ કારણે હવે મને લાગે છે હું પણ તેમાની એક છું.હવે હું બહુ ખુશ છું.
હું ગયા વર્ષે ઇન્ડીયા આવી હતી ત્યારે ત્યાંથી તમે મને લઇ આપેલો હેન્ડવર્ક થી સજાવેલો બગલ થેલો અને નાનું પર્સ જે હજુ સુધી મેં વપરાશમાં નહોતા લીધા જે આજે મેં તમારા તરફ થી કેથીને ભેટમાં આપી દીધા,ત્યારે એ લોકોનાં ચહેરા પર જે ખૂશી હતી એ જોઇને મને લાગ્યું કે દરેક માણસનાં હ્રદયમાં એક ભગવાન બીરાજેલો હોય છે.બસ આપણી નજર એ ભગવાન સુધી પહોચવી જરૂરી છે.
પપ્પા,હવે આ પત્ર પૂરો કરૂં છુ.તમારી તબિયતનું ધ્યાન રાખજો અને દવા સમયસર લેતા રહેજો.
– રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
Ashok Vavadiya
April 22, 2015 at 5:20 pm
પપ્પા સાથેનો પત્ર વ્યવહાર ખૂબ ગમ્યો…. માણસાઈ મરી નથી નું પ્રમાણ છે આ પત્ર.
અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ.
rekha patel (Vinodini)
April 23, 2015 at 1:18 am
Thank you ashok Bhai
nkd2
April 24, 2015 at 6:22 am
ખૂબ સુંદર અને હ્રદય સ્પર્શી લેખ…અભિયાનમાં આપની કોલમીસ્ટ તરીકે પંસદગી થતા…અંતહકરણ પૂર્વક શૂભેચ્છા….ખૂબ ખૂબ આગળ વધો અને નામ કમાઓ..
neha
April 25, 2015 at 5:35 pm
ખુબ સરસ પત્ર ….વાંચી ને મને મારા પપ્પા યાદ આવી ગયા …… 🙂 અને ખુબ અભિનંદન અભિયાન માં જોડવા બદલ . આપની યાત્રા આગળ વધે અને આજ રીતે અમને લાગણી થી તરબોળ કરતી રહે. 🙂