RSS

સબંઘોને પેલેપાર.

04 Apr

Displaying IMG_20150404_152403.jpg
મિલન બેટા! કેટલી વાર છે તને? જરા ઉતાવળ કર….,બે કલાક પછી તારે એરપોર્ટ જવા નીકળવાનું છે અને તું હજુ સુધી તૈયાર નથી થયો, હે ભગવાન!શું થાશે મારા દિકરાનુ?”મીતા બહેને દાદર પાસે ઉભા રહીને મિલનને બુમ પાડી. બસ બે મિનીટ મોમ,ત્યા જ ઉભી રહે,હું આવું છું.” કહેતો મિલન બબ્બે દાદરા ઉતરતો નીચે આવીને મીતાબેનને વળગી પડ્યો , “અરે છોડ મને, સાવ પાગલ છે હવે બાવીસ વર્ષનો થયો તોયે સાવ બાળકની જેમ આવી રીતે માને વળગી જવાય” પણ મીતાબેનની વાત સાભળે તો મિલન નહી!!! મિલન મીતાબેનને પોતાના કસરતી હાથોમાં ઉઠાવી ગોળગોળ ફેરવવા લાગ્યો.મીતાબહેન મિલનના મમ્મી કરતા એની મોટી બહેન જેવા વધુ લાગતા હતાં.એકદમ દેખાવડા પાતળી દેહલતા ઘરાવતા ઘનીક પરિવારના મીતાબેન માંડ પાત્રીસ ચાલીસનાં લાગતા હતા “છોડ મને બેટા હવે બસ કર!” કહેતા મીતાબહેન આંખમાં ભરાઈ આવેલા પાણીને લૂછતાં બોલ્યા,”બેટા….,તારા વગર મારા દસ મહિના વિના કેમ જશે?તું તો લંડન તારા કામમા બીઝી રહીશ અને અહી તારા ડેડી એના કામમાં બિઝી હોય તો આ તારી મોમ એકલી પડી જશે” “અરે મારી ભાગ્યવાન, તને એકલી નહિ પાડવા દઉં ,તારો દીકરો પાછો નહિ આવે ત્યાં સુધી તને હેરાન કરવા માટે હું મિલન બની જઈશ” કહી કેતનભાઈ પાસે આવીને મીતા બહેનને ફરી ઉચકીને ફેરવવા લાગ્યા !! અને બોલ્યા “બસ ખુશ હવે ” “શું તમે પણ બેઉ બાપ દીકરો.”કહી મીતાબેન એક મુગ્ધાની જેમ શરમાઈ ગયા ….. બાપ દિકરાની મીતાબેન સાથે આ રોજની મસ્તી મજાક હતી,પરતું આજે મીતાબહેન દુખી હતા.કારણકે તેમનો વહાલો દીકરો દસ મહિના માટે તેમની નવી લોન્ચ થતી વિદેશી ઓટોમોબાઈલ કંપનીની ટ્રેનીંગ માટે દસ મહિના ઘરથી દુર લંડન જતો હતો.

“મીતા,સાંભળ!આપણી પાસે બે ભારતીય બ્રાન્ડની મોટરકારના શો રૂમ છે. હવે આપણે જે નવી ફોરેનની મોટરકાર માટેના શો રૂમ શરૂ કરી રહ્યા છીએ ઓટોમોબાઈલ્સ વર્કશોપ અને ટ્રેઇનીંગ માટે તેમનું પ્લાનિંગ બહુ પરફેક્શન માગે માટે તેમની સર્વિસની ટ્રેનીંગ વિષે જાણવું શીખવું જરૂરી છે. કોઇ બહારના માણસ કરતા આપણા ધરના માણસને જાણકારી હોવી જરૂરી સમજુ છુ.માટે આ બધી માહિતી માટે ,શોરૂમની ડીઝાઈન પ્લાનિંગ અને વર્કશોપની પૂરી ડીટેઇલ માટે આપણા મિલનને ઇંગ્લેન્ડ જવું જરૂરી છે.”

“બસ બસ કરો હું બધુજ સમજી ગઈ છું હવે ,તમે બાપ દીકરો મને સમજાવવાના બધા જ પ્લાન પહેલેથી રેડી કરી રાખો છો. પણા યાદ રાખજો! આ ઘરમાં વહુ હું મારી મરજીની અને મારી પસંદગીની જ લાવવાની છું! અત્યારથી કહી રાખું છું તમને બંનેને.”કહી ખોટૉ ગુસ્સો કરતાં મીતાબેન રસોડામાં તરફ વળ્યાં.

ડેડી…..,મમ્મીની આ વાતાથી મને ક્યારેક બીક લાગે છે!જો મોમ મોના વિશે જાણશે ત્યારે શું થશે? મમ્મી હંમેશા મારી બેટર હાફ માટે ગુજરાતી વૈષ્ણવ છોકરી માટે આગ્રહ રાખે છે? જ્યારે મોમ જાણશે કે મોના એક વણિક જૈન છે તો શું એ આ વાત સ્વીકારશે?”મિલને દુખી થતા કહ્યું “સાંભળ બેટા,પણ તે ક્યા હજુ મોનાને પ્રપોઝ કર્યું છે અને ક્યા મોનાએ તને એના દિલની વાત કરી છે,અત્યારથી તું આટલી ચિંતા શાને કરે છે? તું કશી ચિંતા નાં કરીશ.બધું બરાબર થઇ જશે.અને તારી મમ્મી કંઇ સાવ જુનવાણી નથી.જરૂર પડે તો હું એને મારી રીતે સમજાવીશ..પણ પહેલા તું તારી ટ્રેનીંગ પૂરી કરીને આવી જા.પછી બધું થઇ રહેશે..ચાલ હવે તારી મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો ખાઈ લે નહિતાર તે એરપોર્ટ સુધી દોડતી આવશે.”કેતનભાઈ હસતા હસતા મિલનના ખભે હાથ રાખીને એના પુત્રને એક મિત્રની જેમ સલાહ આપતા હતાં.

“ડેડી,તમારી વાત પણ સાચી છે અને મને મોના પસંદ છે,પણ હજુ તેના મનની વાત મને જાણ નથી..હવે હું લંડનથી પાછો આવીને એને રૂબરૂ પૂછી લઈશ.જેથી મારા મનનો સંશય દુર થઇ જાય “મિલને જવાબ આપ્યો મમ્મીના હાથનો નાસ્તાને આરોગી મિલન એના ડેડી સાથે એરપોર્ટ જવા નીકળ્યો.મિલનને જતો જોઇને મીતાબેનની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેલા લાગ્યા…મીતાબેન જાણી જોઇને એરપોર્ટ મિલનને વળાવવા ગયા નહી.મિલનને ડેડીની કોઈ ચિંતા નહોતી કારણ તે જાણતો હતો કે ડેડી જમાના સાથે
તાલમિલાવી ચાલનારા આઘુનિક વિચારસરણી ઘરાવતા બીઝનેસમેન છે. બ્લેક બીએમ ડબલ્યુ એરપોર્ટ પાસે ઉભી રહી અને બંનેને દરવાજા પાસે ઉતારી ડ્રાઈવર ગાડીને પાર્કિંગ લોટમાં પાર્ક કરવા ગયો..જેવા કારમાંથી બાપ બેટા ઉતર્યા ત્યા જ સામે મોના હાથમાં સુંદર ફૂલોનો બુકે લઈને મિલનના બીજા મિત્રો સાથે આવી હતી.

કેતનભાઈને તો પહેલેથી વણિક જૈન છોકરી મોના પસંદ હતી.સુંદર સુશીલ એવી મોના મિલન સાથે શોભે એવી જ હતી.અને મોના પણ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં થોડા સમય પહેલા જ જોડાઈ હતી.મોના મિલન જેવા ધનિક કુટુંબમાંથી નહોતી આવતી પરંતુ ઉચ્ચ મઘ્યમવર્ગીય ખાનદાની માતા પીતાનું સંતાન હતી.કેતનભાઇને આવો કોઈ વાંધો નહોતો પણ કદાચ મીતાબેન વાંધો લે એ જ ડર કેતનભાઇના મનમા હતો.કારણકે મીતાબેનને મિલનની વહુ માટે બહુ ઉચ્ચા સપના હતા. કેતનભાઈને અત્યારે આવા વિચારો આવતા જોઈ મનોમન હસી પડ્યા અને મિલનને છેલ્લી મીનીટે બાકીની સલાહ ફરી ફરી આપવા લાગ્યા. “મિલન બેટા,પહોચીને તરત ફોન કરજે અને એરપોર્ટ રીસીવ કરવા માટે મારા ખાસ મિત્ર ભરત પટેલ આવશે અને તુ તો ભરતઅંકલને સારી રીતે જાણે છે.અને ત્યાંથી તને ટ્રેનીગ માટે ક્યા જવું તે બધું સમજાવી દેશે” જી ડેડી….જી ડેડી બોલતા આંખ બંધ કરી મનોમન મીતાબેન બાય બાય કરી લીધુ, મિલનની આંખોની કિનારી ભીની થઇ ગઇ ગઇ.. બોલ્યો “મિસ યું મોમ..”

મિલન છેવટે બધાને બાય બાય કરી..છેલ્લી એક નજર મોના ઉપર નજર નાખી કે મોનાની આંખોમાં એની માટે તરસ જેવું છે કે નહી? પણ મિલનને કઈ એવું દેખાયું નહી કે પછી મોનાની ઝુકેલી આંખોમાં એ તરસનું રણ સંતાઈ ગયું!! સમય થતા બ્રિટીઝ એરવેઝનું પ્લેન ઘીરે ધીરે ટેકઓફ કરીને જમીનથી ઉંચે હવાને આંબવા લાગ્યું.મિલનની સીટ બીઝનેસ ક્લાસની હતી..નરમ લેઘરની પહોળી,મુલાયમ અને આરામદાયક સીટ પર આરામથી લબાવ્યુ.ત્યા જ એક રૂપાળી એરહોસ્ટેસ આવી વિવેક પાસેથી તેનો કોટ લઈને સાઈડના વોર્ડરોબમાં ભરાવી દીધો..તે ગરમ ટોવેલના ટુકડા ચીપીયામાં ભરાવી દરેકને ફ્રેશ કરવાનો પ્રયત્ન કરતી હતી..ત્યાર બાદ ફ્રેશ જ્યુસના ગ્લાસ ટ્રેમાં લઈ આવી. જોકે મિલન માટે આ બધું કઈ નવું નહોતું આ પહેલા પણ તે મમ્મી ડેડી સાથે આખું યુરોપ ફરી આવ્યો હતો.

બસ આ બધી હિલચાલ જોતા જોતા મિલની આંખો મળી ગઇ અને જ્યારે આંખ ખુલી ત્યારે પ્લેન લંડનના હિથ્રો એરપોર્ટની આજુ બાજુ લેન્ડીંગની સૂચના માટે ચકરાવા લેતું હતું. કસ્ટમની વિધિ પતાવીને મિલન એક હેન્ડબેગ અને એક મોટી ટ્રાવેલર બેગને ટ્રોલીમા નાખી અને ટ્રોલીને ધસેડતા બહાર દરવાજા સુધી આવ્યો. ત્યાં પહેલેથી રાહ જોતા ભરત અંકલને બહાર જોયા.મિલને નીચે નમી અને ભરતભાઇને જયશ્રી કુષ્ણ કર્યા..ભરતભાઈ પણ દોસ્તના એકના એક દીકરાને દિલથી આવકાર્યો..તેમની સાથે લંડનના હેરો સ્થિત તેમના ઘરે લઇ આવ્યા ઘરમાં કાકી અને નિશા તેની રાહ જોતા બેઠા હતા. નિશા ભરતભાઈની મિલનની હમઉમ્ર લંડન બોર્ન મોર્ડન યુવતી હતી। બે વર્ષ પહેલા જ્યારે તે લોકો અહી ફરવા આવ્યા હતા ત્યારે ભરતભાઈ અને કેતનભાઈની ખાસ ઈચ્છા હતી કે આ દોસ્તી રીસ્તેદારીમાં બંઘાઈ જાય.અને મિલન આ માટે તૈયાર હતો પરંતુ વીસ વર્ષની નિશા બહુ મોર્ડન વિચારો ઘરાવતી યુવતી હતી.એની સમજ મુજબ આ બે ચાર વર્ષ મોજ મસ્તી માટેના હતા અને હજુ તે કોઈ લગ્ન બંધન માટે તૈયાર નહોતી.

આમ પણ થોડો વખત અહી રહ્યા હોવાથી મીતા બહેનને પણ નિશા વહાલી હતી.પરંતુ તેમના મિલન માટે અનુરૂપ ના લાગી..કારણ કે પોતે થોડા ભારતીયતામાં રહેનારા હતા આથી આ વાત અહીજ સંકેલાઈ ગઈ હતી…. “આવ દીકરા કેમ છે,જર્ની કેવી રહી?”ઘરમાં પ્રવેશતા જ મિલનને આવકારો આપતાની સાથે ભરતભાઇના ધર્મપત્ની મીરાકાકી બોલી ઉઠ્યા.અને નિશા પણ “હેય મીલન હાઉ આર યુ?”કહેતી મિલને હગ આપી વોર્મ વેલકમ કર્યું.અને મિલનને જોતા એની આંખોમાં કૈક ચમક આવી અને મિલનના બંને ખભા પર હાથ રાખી નિશા બોલી,””યુ આર લુકિંગ મોર હેન્ડસમ ઇન પાસ્ટ ટુયર્સ” અને એક આંખ મીચકારી હસી પડી. સામે મિલન પણ બોલી ઉઠયો,”એન્ડ યુ આર બ્યુટીફૂલ એસ ઓલ્વેઝ”ત્યારે મિલને જોયું કે સ્ત્રી ભારતીય હોય કે કોઇ અન્ય દેશની હોય કોઇ એને “બ્યુટીફૂલ” કહે ત્યારે ચહેરા પર એક યુનિવર્સલ ભાવ આવી જાય છે..આવુ જ કંઇક નિશાના ચહેરા પર જોયું.

બીઝનેસ ક્લાસની આરામદાયક બેઠકમા પૂરતી ઊંઘ ખેચી હતી તેથી થાક જેવું નહોતું.મિલન ફ્રેશ થઇને ચા નાસ્તા માટે ડાઈનીંગ ટેબલ ઉપર આવ્યો જ્યાં બઘા તેની રાહ જોતા બેઠા હતા. નાસ્તાને ન્યાય આપતા આપતા ભરતભાઈએ કહ્યું” તારા ડેડીના જણાવ્યા મુજબ મેં તારી ટ્રેનીંગની બધી વ્યવસ્થા કરી નાખી છે.આજે ગુરુવાર છે અને શુક્ર-શનિ અહી રોકાવાનું છે અને રવિવારે તારે ટ્રેનીગ માટે અહીંથી લગભગ કલાક દુર બ્રાઈટન જવાનું છે.. “બ્રાઈટન!!” “અંકલ સાચુ કહું બ્રાઇટનમા રહેવાનું અને ટ્રેઇનિંગ લેવાની એટલે મને કામ સાથે આંનદ પણ મળશે,એટલે પપ્પાને તુરતં જ હા પાડી હતી.

યાદ છે આપણે લાસ્ટ ટાઈમ ત્યાં ગયા હતા ત્યારે આપણે બધાએ ખૂબ મજા કરી હતી..અને આમે પણ મને દરિયા કિનારો બહુ ગમે છે.ઘણી વાર મુંબઈમા પણ અવારનવાર દરિયાની મોજ માણવા મિત્રો સાથે પહોચી જાંઉ છુ.

શુક્ર શનિના વિક એન્ડના બે દિવસમાં મિલન નિશાની કંપનીમાં આખું લંડન ફરી વળ્યો..લંડને એક એવી જગ્યા છે જ્યાં વારંવાર જાઓ તોય નવી લાગે..પણ આ વખતે મિલનને કંઈક નવું જાણવા મળ્યું કે નિશાને એક બ્રિટીશ બોય ફ્રેન્ડ છે ડેવિડ… મઝાનો જોલી હેન્ડસમ લુકિંગ યુવાન હતો. કોઈ બ્રિટીશ કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરતો હતો. મોનાએ આ વાત હજુ સુધી ઘરમાં કોઈને કરી નહોતી.પરંતુ એક દોસ્ત હોવાને નાતે તેને મિલન સાથે મુલાકાત કરાવી હતી…લંડન બ્રીજ,ચેરીંગ ક્રોસ,પીકાડેલી સર્કસ,વિકટોરીયા કેશિનો,માડામ તુસાડ જેવી અનેક નામી જગ્યાઓની મુલાકાત લઇને ફરીથી જુની મુલાકાત મિલને તાજી કરી..લંડન શહેર જેમ જેમ જુનું થાય છે એમ એની તાજગી વધતી રહે છે. મિલનને આ બધા દ્રશ્યો જોઇને મનમા મોનાની યાદ આવી ગઇ…શુ કરતી હશે મોના હિંદુસ્તાનમાં….?

ભરત અંકલ તેને જાતે તેને મુકવા આવ્યા હતા , મિલનને તેને દરિયાથી નજીકમાં જ નાના બ્રિટીશ સ્ટાઈલના બે બેડરૂમ સાથે કિચન વાળુ એક ઘર કંપની તરફથી રહેવા માટે મળ્યું હતું.એમા જુનવાણી બ્રિટીશ સ્ટાઈલનું ફર્નીચર તથા સરસામાન મૌજુદ હતો..એટલે  મિલનને કોઈ ખાસ અગવડ પડે તેમ નહોતું બસ જમવાની વ્યવસ્થા કંપની તરફથી  નજીકની એક ઇન્ડિયન રેસ્ટોરેન્ટમાં કરી આપી હતી..આ વ્યવસ્થા જોઇને ભરતભાઇ શાંતિથી ઘરે પાછા જવા માટે લંડન રવાના થયાં

મિલનનો આખો દિવસ ટ્રેનીંગમાં પૂરો થઇ જતો હતો.સાંજે ટ્રેનીંગ સેન્ટરના મિત્રો સાથે આમ તેમ ફરવામાં  પસાર કરતો.અને મોટે ભાગે વિકએન્ડમાં બધા મિત્રો ભેગા મળી બ્રાઇટન  પિયર ઉપર જઈ બીયર પીતાં..ક્યારેક વીકેન્ડમાં ભરતભાઇને ધરે જઈ આવતો હતો.આમને આમ મહિનો પસાર થવા આવ્યો..મિલનને  હવે મમ્મી,ડેડી અને દોસ્તો યાદ આવતા હતા. એવામાં સેન્ટરના ઇન્ચાર્જે તેને એક મેસેજ આપ્યો કે તેને હાઉસ બીજા એક સભ્ય સાથે સેર કરવાનું

છે..આ વાતથી મિલન ખુશ થયો અને એને હાશ થઇ કે કોઇ કંપની મળવાથી  વધુ ગમશે.. શીયાળાની શરૂઆત હોવાથી,સાંજે વહેલા અંઘારુ થયા પછી ઠંડીમાં બહાર પણ રોજ જવાનું ગમે નહી.ઘરમાં કોઈ સાથે હોય તો ક્યારેક બીયર પીવામાં પણ કંપની મળશે!! આજે રવિવાર હતો..સવારથી તે એ આવનારની રાહ જોતો હતો.અંતે કંપનીની વેન આવી  વેનમાથી એક  મેક્સિકન અમેરિકન યુવતી બે કેરિયર બેગ અને હેન્ડબેગ લઈને નીચે ઉતરી અને ઘરમા આવતાની સાથે એ યુવતીએ મિલનને હસીને હલ્લો કર્યું. “હાય યંગમેન!આઈ એમ લીનેટ કુમર”કહી હાથ લંબાવ્યો. અને હાથ મિલાવતા મિલન તો અવાચક બની ગયો.અને સમજી ગયું કે તેને આ યુવતી સાથે હાઉસ સેર કરવાનું છે.અને એ પણ આટલી સુંદર સ્ત્રી?કદાચ  ઉમરમાં કદાચ તેના કરતા દસ બાર  વર્ષ મોટી લાગતી હતી પણ સ્ત્રીઓનું હમેશા રૂપ આકર્ષે છે નહી કે એની ઉંમર..અચાનક વિચારોમાં બહાર નીકળીને લીનેટ હાથને સહેજ ભાર સાથે દબાવીને કહ્યું,   “આઈ એમ મિલન પટેલ ફ્રોમ ઇન્ડીયા.” સામાન ગોઠવતા ગોઠવતા મળતાવડા સ્વભાવ વાળી લિનેટ સાથે સામાન્ય પરિચય થયો. લીનેટ અમેરિકન મેક્સિકન માતા પિતાનું ફરજંદ હતી ……ગોરી લીસ્સી ત્વચા પાતળું ઘાટીલું નાક,પાતળા લાલચટ્ટ હોઠ,સમદરની ગહેરાઈ લઈને ફરતી પાણીદાર આંખો ,અને મેક્સિકન હોવાના કારણે કાળા અને ઘાટ્ટા વાળ તેને વઘુ રૂપને ઔર નિખાર આપતા હતાં.

મિલને વાતો વાતોમાં જાણી લીધું તે અમેરિકાના વર્જીનીયામાં એકલી સ્વતંત્ર રહેતી હતી અને કંપનીએ તેને અહી નવ મહિના માટે મોકલી હતી.સ્ત્રી તેની ઉંમર કારણ વિના છુપાવતી નથી તેમ જણાવતી પણ નથી.આથી મિલન તેની સાચી ઉંમર જાણી ના શક્યો પરંતુ જે કઈ હોય આકર્ષક લાગતી હોય ત્યા સુધી દરેક ઉમરે સ્ત્રી પુરુષોને ગમતી જ હોય છે..અને લીનેટ મિલનને નજરમા જ આકર્ષક લાગી હતી. હવે ઘરમાં બે જણ હોવાના કારણે સાજે થોડું ઘર ઘર જેવું લાગતું હતું.શરૂશરૂમાં લીનેટ ખાસ વાતો કરતી નહી.ખપ પુરતો વહેવાર રાખતી કામ પરથી આવ્યા પછી થોડીવાર બહાર ટીવી જોઈ તેની રૂમમાં ભરાઈ જતી.પણ હવે ઘીમેઘીમે તે ખુલતી જતી હતી આમ છ મહિના નીકળી ગયા. હવે મિલન સાચે જ કંટાળી ગયો હતો ક્યારેક તો તેને થતું કે એક  વિક માટે ઇન્ડીયા જઈ આવે.. પછી ડેડીના શબ્દો યાદ આવી જતા હતાં “જો ભાવિનું ઘડતર કરવું હોય તો પરિશ્રમ અનિવાર્ય છે,બાપદાદાના ભૂતકાળની તેમના વૈભવની ગાથા ગાવાથી આગળ બધી શકાતું નથી.માટે હંમેશા બાપ કરતા દીકરો સવાયો બને તોજ ક ઇક મેળવ્યું ગણાય.

ડેડીએ જતી વખતે કહ્યું હતું કે,”મિલન બેટા….,અત્યારે તું વડલાનું એક નાનું ફળ છે તારામાંથી મારે આખો વડલો ફેલાતો જોવો છે ” એ પછીના વિકએન્ડમાં સવારથી જ ખુશનુમા વાતાવરણ હતું.ઠંડી હવે ઓછી થતી જતી હતી સમરની શરૂવાત હતી.બંને કોફીના માગ હાથમાં લઈને બહાર નાના વરંડામાં ઉભા હતા તો મિલને અચાનક પૂછ્યું,”આજે આપણે બીચ ઉપર જઈશું? લંચ પણ ત્યા સાથે લઇશુ જો  તમે આવો તો મને ગમશે!!અને આશ્ચર્ય વચ્ચે લિનેટે સ્મિત સાથે સહમતી આપી.

સ્વીમીંગ કોસ્ચૂમ ઉપર બીચ ટોવેલ લપેટી આંખો ઉપર ગોગલ્સ ચડાવી લીનેટ તેની સાથે બીચ તરફ જવા નીકળી તો તેની સાથે પગલા ભરતો  મિલન મનમાં પોરસાતો હતો કે સુંદર કંપની તેને મળી છે.તેને લીનેટની કંપની બહુ ગમતી અને હવે તે પણ તેની સાથે સમય વ્યતીત કરતી હતી. ક્યારેક કિચનમાં કઈક બનાવે તો મિલન માટે થોડું અલગ રાખી દેતી..સવારે કોફી બનાવી દેતી.લાંબો વખત સાથે રહેવાથી એક આત્મીયતા કેળવાતી જતી હતી.  બીચ જોતા લીનેટમાં રહેલી એક મુગ્ધા કન્યા જાણે વળ ખાઈ બેઠી હોય એમ ટોવેલને રેતીમાં ફેકતા ટુપીસમાં સીધી દરિયાના પાણીમાં સરકી ગઈ..એક તરસી માછલી જાણે પાણી જોતા મચલી ઉઠે,એમ જ દરિયાને સ્વીમીંગ પુલ બનાવી તરવા લાગી મિલન તો એને જોતોજ રહી ગયો.લીનેટનું આ સ્વરૂપ તે પહેલી વાર જોતો હતો.તે દરિયામાં જવાનું જવાનું ટાળી તે બીચ ટોવેલ પાથરી ત્યાજ આડો પડયો.

લીનેટને આમ ટુ પીસના કોસ્ચૂમમાં તરતી જોઈ તેને મોના યાદ આવી જતા તેનું મન બેચેન બનતું હતું..બેચેનીમાં સાથે લાવેલી બિયરની બે બોટલ ગટગટાવી ગયો પરંતુ આ બીયરના હલકા નશાએ તેની આગમાં ઘી હોમવાનું કામ કર્યું.અને અધુરામાં પુરુ અચાનક વાદળાં ઘેરાતા વરસાદ શરુ થઇ ગયો..લીનેટ સહિત અન્ય લોકો દરિયામાંથી બહાર નીકળી પાસેની રેસ્ટોરેન્ટનાં સેડ નીચે ઉભી રહી ગયાં. મિલન તો વરસતા વરસાદમાં બસ એમ જ પડ્યો રહ્યો,મિલનને આમ ભીજાતો જોઈ લીનેટે બે ત્રણ વાર બુમ મારી “હેય મેન વોટ આર યુ ડુઈંગ ? હજુ વેધર કઈ એટલું ગરમ નથી કે તું આમ વરસાદમાં  પલળે છે ” જાણે કોઈ અલગ દુનિયામાં પહોચી ગયેલો મિલન ખાસ્સી વિસ મિનીટ સુધી વરસાદમા પલળતો રહ્યો.

છેવટે વરસાદ ઓછો થતા લીનેટ તેનો હાથ પકડી લગભગ ઘસેડતી ઘર તરફ લઇ ગઈ ગુસ્સામાં જાણે કેટલુય બોલતી રહી જાણે પોતાના કોઈ સ્વજનને ઘમકાવતી હોય.ઘરે પહોચતા પહેલા મિલનને ઉપર ઉપરી છીકો ચાલુ થઇ ગઈ.નાક,આંખો લાલ થઇ ગઇ. આ દ્રશ્ય જોઇ લીનેટને કોઈ એલર્જી જેવું લાગતું હતું  મિલનને કપડા બદલવા મોકલી તેણે કોફી બનાવી આપી.ગરમ કોફીના બે મગ લઇને મિલનના રૂમમાં પહોચી,અને જુવે છે તો હજુય છીકો ખાતો મિલન બ્લેન્કેટ ઓઢી બેડમાં સુતો હતો !! આર યુ ઓકે મિલન? કહેતી તે પાસે આવી અને કોફીનો મગ હાથમાં પકડાવ્યો “મિસ લીનેટ લાગે છે મને એલર્જી એ ઉથલો માર્યો છે , ઇન્ડીયામાં પણ આમ ક્યારેક થઈ જતું કહી ઘ્રુજવા લાગ્યો” મિલન બોલ્યો લીનેટે તેને કપાળે હાથ લગાવી જોયો તો તેનું શરીર તાવથી ગરમ થયેલું હતું તેને ચિંતિત જોઈ મિલન બોલ્યો “ડોન્ટ વરી મારી પાસે તેની દવા છે બસ હવે આ બે ત્રણ દિવસ ચાલશે” મિલનના કહ્યા પ્રમાણે તેના કબાટ માંથી દવા કાઢી એને દવા આપી.અને ક્યાય સુધી મિલનની પાસે બેસી રહી ક્યારેક માથા ઉપર વિકસ લગાવતી ક્યારેક તાવ ચેક કરતી રહી , મોડી રાતે મિલન સુઈ ગયો પછી તે રૂમમાં ગઈ ….

બીજા દિવસે પણ ઘરે રહી મિલનની સારવાર કરી તાવ મિલનને હતો પણ જાણે અસર લીનેટને થઈ હતી તેનો ચહેરો નંખાઈ ગયો હતો.મેક્સિકન સ્ટાઈલમાં બીન્સ સૂપ બનાવી તે બાઉલ લઈને મિલન પાસે આવી.અને સૂપમાં ચમચો હલાવતા બોલી ” લે આ સૂપ પીલે તને સારું ફિલ થશે અને તેના કપાળને હાથ અડાડી જોયો ત્યાજ મિલને તેનો હાથ પકડી લીધો અને લિનેટને પોતાની નજીક ખેચવાની કોશિશ કરી.અચાનક મિલનની આવી ક્રિયાથી લિનેટનો ચહેરો મિલનની આખોની નજીક આવી ગયો..અને એની  ભૂરી આંખોમાં કૈક શોધવાની કોશિશ કરતો રહ્યો..

     જાણે કાંઇ બન્યુ ના હોય એમ  લીનેટે મિલનનો હાથ પોતાના હાથમાં લીઘો અને બહુ પ્રેમ થી સ્વસ્થ અવાજે કહ્યું ” લિસન મિલન! હું તારી ઉંમર અને તારી મનોસ્થિતિ સમજી શકું  છું.ભલે આપણે જુદા જુદા દેશના અને જુદી જુદી રહેણીકરણી વાળા છીએ પણ આખરે મનુષ્ય છીએ.. હું તારી આંખોમાં આકર્ષણ જોઈ શકું છું.પરંતુ માય બોય હું તારાથી બમણી ઉંમરની સ્ત્રી છું.તું બાવીસનો છે હું ચાલીસની છું.પણ હા.. લાગતી નથી તે વાત જુદી છે પરંતુ ઉંમર તો ઉંમરનું કામ કરે જ છે.હું તારા મારી પ્રત્ય્રના લગાવ ને અવગણતી નથી પરંતુ કદાચ આ તારી અણસમજ હશે કે કદાચ તું તારા ઘર તારા પરિવારથી દુર છે તો તેમની પડેલી ખાલી જગ્યાને કારણે તું મારી નજીક આવ્યો હશે.પણ માય બોય,મેં આજ સુધી તને મારા વીશે નથી જણાવ્યું પરંતુ તારી ગેરસમજ દુર કરવા હું મારી કહાની તને કહું છું ” અચાનક લિનેટની આંખોમાં આવેલા આંસુઓને પરાણે ખાળતા તેને આગળ ચલાવ્યું “વર્જીનીયામાં અમારો સુંદર સંસાર હતો હું મારો હસબંડ જ્હોન અને મારો દીકરો માઈક..બધા સુખમાં દિવસો વિતાવતા હતા.જ્યારે માઈક દસ વર્ષનો થયો ત્યાંએ એક કાર એકસીડન્ટમાં મારો પતિ  જ્હોન ગોડ પાસે પહોચી ગયો.એ પછી હું અને માઈક એકબીજાના સહારે જીવતા હતાં.. બરાબર વર્ષ પહેલા મારો દિકરો માઇક સોળ વર્ષનો માઈક થયો અને આવી જ એક ટુંકી માંદગીનો શિકાર બનતા માઇક પણ મને છોડીને એના ડેડ પાસે પહોચી ગયો..એ પછી થોડા વખત તો હું ડીપ્રેસનમાં રહી હતી.ત્યાર પછી મારા ફેમિલીની સહાયથી આજે જે છું એ બનીને અહી આવી છું.”ભાવુક બનીને વાતો કરતી વચ્ચે વચ્ચે લિનેટ મિલનના માથા પર અને કપાળ પર હાથ ફેરવતી હતી…સ્પર્શ એ જ હતો પણ હવે એ સ્પર્શનો ભાવ મિલનને બદલતો લાગ્યો.

સ્વસ્થ થઇને લિનેટે તેની વાત આગળ વધારતા કહ્યુ,”તને જોયો ત્યારથી મને માઈક તારામાં દેખાતો હતો.બસ તારા જેવો અને તારા જેવા જ કાળા જથ્થામાં વાળ અને આવી જ કાળી તેના ડેડ જેવી આખો અને શરીરનો બાંધો પણ જાણ્ંએ તારો જેવો જ..”આટલું     કહેતા લીનેટ ધ્રુસકે ઘ્રુસકે રડી પડી. મિલન તેના વાંસા ઉપર હાથ પસવારી રહ્યો પછી ધીરેથી બોલ્યો,”લીનેટ મોમ!રીયલી  આઈ એમ સોરી,મને મારા વિચારો ઉપર શરમ આવે છે..પ્લીઝ મને માફ કરીદે ” જાણે ભવોભવથી છુટા પડેલા માં દીકરો હોય તેમ બંને એકબીજાને સહારો દેવા લાગ્યા આ ઘટના બન્યા પછી..મિલન જાણે સગો દિકરો હોય એ રીતે લિનેટનો એનો ખ્યાલ રાખતી હતી..એને જે ભાવતુ હોય એ ડીસ બનાવી આપતી..હવે પહેલા કરતા બંને એકદમ નજીક આવી ગયા હતા.જે રીતે મીતાબેન સાથે મિલન વર્તન કરતો હતો એ જ રીતે લિનેટ સાથે વર્તતો હતો, ક્યારેક લિનેટ વાચતી હોય ત્યારે અચાનક પાછળથી આવી મિલન તેને વળગી પડતો અને મજાકમાં કહેતો,”હાઇ માય ગર્લ ફ્રેન્ડ કમ મોમ.”અને લિનેટ મિલનની આ બાળ હરકત સામે પોતે પણ બાળક જેવી બની જતી..
બંને ટ્રેનીગ પૂરી થવાનો સમય નજીક આવી ગયો હતો.હવે એક અઠવાડિયું બાકી રહ્યું હતું. એ દિવસે સાંજે કોફી પીતા પીતા લીનેટ ઉદાસ થઇ ગઈ.આ જોઈ મિલને પૂછ્યું “શું થયું લીનેટ મોમ કેમ સેડ લાગે છે ?” “ઓહ નથીંગ માય સન,કઈ ખાસ નથી.બસ તારાથી દુર જવાનું તો ઉદાસ થઈ જવાયું.” “મોમ એક કામ કરીએ તું આમ પણ અમેરિકાથી ઇન્ડીયા વચ્ચેના ડીસ્ટન્સ છે એની  અડધે અહી ઇંગ્લેન્ડ સુધી તો આવી છે.. જો તું મારી સાથે થોડા દિવસ ઇન્ડિયા આવશે તો મારા ફેમીલીને ગમશે અને તને પણ  નવો દેશ પણ જોવાશે “મિલન ખુશ થઇ બોલ્યો.” અઠવાડિયા પછી ટ્રેઇનિંગ પૂરી થતા બંને સાથે એકજ ફ્લાઈટમાં ઇન્ડીયા પહોચી ગયા. મીતાબેન અને કેતનભાઈ તેને રીસીવ કરવા એરપોર્ટ આવ્યા હતા. મીતાબેનની આંખો તો દીકરાને જોઈ છલકાઈ ઉઠી.મિલન સિક્યોરીટી ચેકિંગ પતાવી જેવો બહાર નીકળ્યો ત્યા જ મીતાબેન તેને વળગી પડ્યા અને દિકરાને પાછો આવ્યાની ખૂશી એની આંખોની ભીનાશમા ચમકતી હતી.

આજે મિલન એની મોમની જેમ બોલ્યો “ઓહ!આ મમ્મી શું કરે છે,છોડ મને,સાવ પાગલ છે.હવે હું બાવીસ વર્ષનો થયો છુ અને આમ બાળકની જેમ મને વળગી પડી છે” .

“ચાલ ચાલ હવે મારી સ્ટાઇલ મારી સામે ના અપનાવ.દિકરો ગમે તેટલો મોટૉ થયો હોય મા માટે એ દિકરો બાળક જ રહે છે”. મીતાબેન અને મિલનની વાતો સાંભળીને બધા હસી પડ્યા. કેતનભાઇને જોતા મિલન,”ઓહ માઇ  ડેડી “કહેતા એને ગળે વળગ્યો. આ દરમિયાન મીતાબેન મિલન સાથે અમેરિકન ગોરીને જોઇને મનોમન કેટલાય વિચારો કરી ચુક્યા હતા. તેમાય પાછું ઘરે જતા કારમાં થી મિલન લીનેટના ખભે હાથ મુકીને હસી હસીને વાતો કરતા કરતા.કારની વિન્ડૉમાથી બધું બતાવતો હતો. આ બધુ જોઈ તે બહારથી હસતા પણ અંદરથી ગભરાતા હતા..આમ વાતોમાને વાતોમાં ઘર આવી ગયું ગેસ્ટ રૂમમાં લીનેટનો સામાન મૂકી તેને ફ્રેશ થવાનું કહી મિલન તેના જેવો એના રૂમમાં ગયો.તુરત જ એની  પાછળ મીતાબેન પહોચી ગયાં.,તેમની આંખોમાં સેકડો સવાલો તરવરતા હતા અને ચિંતા તેમના બ્યુટીફૂલ ચહેરા ઉપટ નીતરતી હતી.

મિલન તેની વહાલી મોમને વધારે સતાવવા નહોતો માગતો.મોમના ચહેરાના ભાવને કળી જતા વિચાર મગ્ન મીતાબેન સામે ચપટી વગાડીને કહ્યુ, “મોમ..તુ જે વિચારે છે એવું કાંઇ નથી..એ કોઈ મારી ગર્લ ફ્રેન્ડ નથી એ મારી બીજી મોમ લિનેટ મોમ છે. એ થોડા દિવસ અહી મારી સાથે ઇન્ડિયા ફરવા આવી છે ત્યાં બ્રિટનમાં મારી સાથેજ મારા હાઉસમાં રહેતી હતી.” ત્યાર પછી મિલને તેની બીમારી અમે તેમાં લીનેટ મોમની પ્રેમ ભરી સારવારની બધી વાત કહી અને સાથે સાથે લીનેટના જીવનની આખી વાત કહી સંભળાવી.જાણે મીતાબહેન નાં માથેથી ભાર ઉતરી ગયો અને ખુશ થયા કે સારું કર્યું કે તું તેને અહી લઇ આવ્યો,એને પણ  થોડા દિવસ અહી રહીને સારું લાગશે. “ચાલ આજે હું પણ તને એક સરપ્રાઈઝ આપીશ ” ખુશ થતા મીતાબેન બોલ્યા “શું મમ્મી ? ” “મેં તારા લગ્ન માટે છોકરી નક્કી કરી લીધી છે.”મીતાબેન ઠાવકું મો રાખી બોલ્યા મોમ કોણ છે મને કહ્યા વિના ? પૂછ્યા વિના? મિલન લગભગ ચિલ્લાઈ ઉઠ્યો “જો દીકરા જેમ તું બીમાર પડ્યો અને લીનેટે તારી સેવા કરી તેથી તે એને માં બનાવી “બસ એ જ રીતે જ્યારે હું બહુ બીમાર હતી અને કોઈએ મારી પોતાની બની સેવા કરી મેં એને મારા ઘરની વહુ બનાવવાનું નક્કી કર્યું ” મીતાબેન બોલ્યા. મીતાબેનની વાત સાંભળીને મિલનની આંખો સામે મોનાનો ચહેરો તરવરી ઉઠ્યો ….

બારણાની વચ્ચોવચ્ચ ઉભા રહી કેતનભાઈ આ બધો ખેલ જોતા હસતા હતા ,છેવટે અંદર આવી બોલ્યા.”બસ કર મીતા..તુ મારા દીકરાને એટલો નાં ડરાવ ” અને કેતનભાઇએ મિલનને આખી ઘટના ટુંકમા કહી.”બે મહિના પહેલા તારી મમ્મી બહુ બીમાર હતી,અને તું ચિંતા નાં કરે માટે તને જાણ નહોતી કરી.એ સમયે કદાચ તારો  ફોન નહોતો લાગતો માટે,તારી ખબર પૂછવા તારી ફ્રેન્ડ મોનાનો ઘરે ફોન આવ્યો.અને તેનો ફોન તારી મમ્મી એ લીધો વાત કરતા મોનાને  ખબર પડીકે મીતા બહુ બીમાર છે તો જોબ ઉપર રજા મુકી તે બે દિવસ અહી આવીને મીતાની સેવા કરી.બસ ત્યારથી તારી મોના તારી મમ્મીની માનીતી બની ગઈ છે.” કહી કેતનભાઇ હસવા લાગ્યા ખૂશખૂશાલ મિલને અચાનક  મીતાબેનને ઉચકીને આખા ઘરમાં ગોળ ગોળ ફરવા લાગ્યો..અને લિનેટ અને કેતનભાઇને કહેવા લાગ્યો..”જુઓ આ મારી ગ્રેટ મોમ.મારા પપ્પાની ભાગ્યવાન.”
 આ દ્રશ્ય જોઇને લિનેટની આંખો ભીંજાય ગઇ.. તેણે મીતાબેન પાસે જઇને ગળે મળીને કહ્યુ
“યુ આર રીયલી સુપરમોમ.”

-રેખા વિનોદ પટેલ ડેલાવર (યુએસે )

 

2 responses to “સબંઘોને પેલેપાર.

  1. પ્રેમપરખંદા

    April 4, 2015 at 12:24 pm

    લાગણીસભર…. આંખ છલકાઈ ગઈ.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: