જ્યારે મેં તને જન્મ આપ્યો હતો.એ દિવસથી હું મારી જાતને તારા મહી પળપળ રોપતી રહી છું.તું જેમ જેમ વધતી ગઇ તેમ હું પણ તારામાં ઉછેર પામતી ગઇ હતી, જાણે કે હું ફરીથી મારી નજર સામે બાલ્યાવસ્થા પસાર કરી એક કીશૉરી બનતી હોય એવું અનૂભવતી રહી છું.
મને હજુ પણ યાદ છે.જે દિવસ તારો જન્મ થયો હતો અને તું મારા અસ્તિત્વથી વિખુટી પડી ત્યારે આપણી બંનેનાં આંખોમાં આંસુ હતા.તું મારી કુખની હુંફ છોડી જવાના દુઃખ થી આક્રંદ કરતી હતી અને હું ચુપચાપ સુખ અને દુઃખ મિશ્રિત આંસુ વહાવતી હતી.જ્યારે ડોકટર આન્ટીએ પહેલી વાર તારા નાજુક ફૂલ જેવા દેહને મારા હાથમાં સોપ્યો ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં મેં પહેલી વખત જાણે મારા આત્માને સ્પર્શ્યો હોય તેવી આહલાદક અનુભૂતિ થઈ હતી.તે ક્ષણ આજે પણ મને રોમાંચિત કરી દે છે.કારણકે એ એક સ્ત્રી માટે માતા બનવાનો એક અદભૂત પડાવ હતો. તે ખુશી અવર્ણનીય હોય છે ,ત્યારે દરેક માતા પોતાની જાતને કુદરત ની લગોલગ મહેશુસ કરતી હોય છે ,એક જીવને જન્મ આપવો એનાથી મોટી ગર્વની વાત શું હોઈ શકે ? મારી માટે તું જન્મથી જ મારું અભિમાન હતી.
આજે હું તને એક વાત આજે આ પત્ર દ્વારા જણાવું છું.જે આજ સુધી મેં કદી તને જણાવી નહોતી.
વહાલી દીકરી,તું જ્યારે મારા ગર્ભમાં ચાર મહિનાનો અંશ બની પાંગરી રહી હતી ત્યારની આ વાત છે.હું શરીરે બહુ નાજુક હતી અને પરદેશમાં હું અને તારા ડેડી એકલા રહેતા હતા.ત્યારે મારું ઘ્યાન રાખવા વાળું કોઈ ધરનું વડીલ અહીયાં નહોતું.તેવામાં મારી શારીરિક તપાસ પછી ડોકટરોએ મને અને તારા ડેડીને જણાવ્યું હતું કે તમારૂં આવનાર બાળક માનસીક કે શારીરિક ખોડ લઈને જન્મે તેવી શક્યતાઓ છે.આવા સમયે અહી જો માતાપિતા ઈચ્છે તો બાળકને ગર્ભમાં મિટાવી શકે છે.”
તને ખબર છે આ નિદાન સાંભળીને હું જરાં પણ વિચલિત થઇ નહોતી.કારણકે મારી દીકરી હું તો તારા મહી જીવતી હતી. હું મને કેમ મિટાવી શકું? જ્યારે પહેલી વહેલી વખત જાણ્યું હતું કે મારા ગર્ભમાં એક જીવ આકાર લઇ રહ્યું છે ત્યાર થી હું તેની મહી ફરી થી જીવંત થઇ ચુકી હતી ,જ્યારથી જાણ્યું હતું કે તું મારામાં આકાર પામી રહી છે ,એ દિવસથી પળ પળ મારી અંદરની એક માતા પણ તારી સાથે તાદાત્મય સાધતી હતી.
ડૉકટરોની વાત સાંભળીને મેં અને તારા ડેડીએ એક સાથે પળનો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો હતો કે,”અમારું બાળક છે.અમને જેવું પણ આવશે મંજુર હશે અને આજે તને જોઇને સાબિત થાય છે કે અમારી શ્રધ્ધા જીતી ગઈ છે.આજે માત્ર મને નહી પણ તને જોનારા દરેકને માણસને ગર્વ થાય તેવી મારી દીકરી મારા અસ્તિત્વનું પ્રમાણ બની મારી આજુબાજુ જાણે કે સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમે તેમ સતત ઘુમતી નજર આવે છે.
તું જાણે છે કે દીકરી વિષે તો લખાય તેટલું ઓછું છે. કોઇએ દીકરીને વહાલનો દરીયો કહ્યો છે. પણ હું તો દીકરીને પૃથ્વી માનું છું.કઈ કેટલા દરિયા તે તેની અંદર સમાવીને બેઠી છે.
કેટકેટલા અગણિત રૂપો તારી અંદર સમાએલા છે. તેની જાણ દીકરીને ખોળે ભરનાર જ સમજી શકે છે , દીકરીને પામનારા સમજી શકે કે “દીકરી વિના તો ઘર આગણે અંધારું છે”.
જ્યારે તારી કિશોરાવસ્થાં આવી ત્યારે તું કિશોરાવસ્થામાં તું તારા ડેડીની માં બની ગઈ હતી.હા આ સાવ સાચું છે.એનું પ્રમાણપત્ર આ રહ્યુ.તું તારા ડેડીને કહેતી કે,”ડેડી…, તમે આ કપડા પહેરો તો વધુ સારા લાગશે.ડેડી આમ નાં કરો તેમ નાં કરો….આહા કેટલી બધી સલાહ તું તારા ડેડીને આપતી અને કેટલી ચિંતા કરતી હતી.જાણે એક માં દીકરા માટે જેટલી ફિકર હોય એમ તું ડેડીની ચિંતા કરતી હોય છે.
દીકરી વીના સુની લાગે સંસારની વાડી
જાણે ફુલો વીના સુકી ભાસે વાડી રે લોલ
દીકરી એ ઉર્મીઓ કેરો પાંગરતો છોડ
એને સ્નેહના ખાતરથી સીંચવો રે લોલ
તું મને વારેવારે કહેતી રહેતી કે,”મમ્મી હવે તો તું તારી માટે સમય ફાળવ. કંઈક તારું ગમતું કાર્ય કર.અત્યાર સુધી અમને મોટા કરવામાં તારો બધો સમય ચાલ્યો ગયો.. જો મમ્મી અમે મોટા થઈ ગયા છીએ હવે તું તારી માટે જીવતા શીખ.ત્યારે તારી એ વાતો સાભળીને મને પણ થયું હવે હું મારી મનગમતી પ્રવૃત્તિ કરું અને જો આજે હું તારી માટે કંઈક લખવા યોગ્ય બની ગઈ છું.આજે મને ગર્વ છે હું તારી માં છું ત્યારે તને પણ ગર્વ છે તું મારી દીકરી છે. આ આપણો પરસ્પરનો પ્રેમ છે જે દરિયાથી વધુ વિશાળ છે અને આકાશનાં ધેરાવા જેટલો અફાટ છે.
વહાલી દીકરી,તારું બચપણ જવાની તૈયારીમાં હોય ત્યારે માની ચિંતા વધી જાય છે અને એટલે જ તારી ઉપર રોકટોક વધે છે.કારણકે મારે તને દુનિયાની નજરથી બચાવવી હોય છે.હું જાણું છું કે તું મારી સમજુ દીકરી છે છતાં પણ મને એક ડર સતત સતાવ્યા કરે છે કે મેં તેને આટલું વિશાળ ફલક તો આપ્યું છે પણ મારી આ પંખી જેવી દીકરીની ઉડાનમાં કોઇ વિધ્ન ના આવે.
તારા ડેડી તને એક શક્તિનું બિરુદ આપે છે તેમના મત પ્રમાણે તું દરેક સ્થિતિને આપમેળે જીતવાની તાકાત ઘરાવે છે. છતા પણ મારામાં માનો જીવ છે.એ વાત તું કેમ ભૂલી જાય છે કે આજ દિવસ સુધી મેં તને મારા આચલના છાંયડે સાચવી છે.હું નથી ઈચ્છતી કે બહાર ફરતા કોઈ ગીધની નજર સુદ્ધા તને સ્પર્શે.તું માનસીક રીતે મજબુત હો ભલે પણ શારીરિક રીતે એ બધાથી જરા ઉતરતી છો અને આજ કારણે તને કરાટે શીખવા હું જોર કરતી હતી.મારું તને રાત્રે વહેલા ઘરે આવી જવાનું કહેવાની પાછળ આ જ એક કારણ જવાબદાર હતું બાકી દીકરી એ માનો શ્વાસ અને બાપની વિશ્વાસ છે.
એક દિવસ તે મને ભોળાભાવે પૂછ્યું હતું કે “મમ્મી,તારે બે દીકરીઓ છે તો તને ક્યારેય દીકરો નથી તેની ખોટ નથી સાલતી?” ત્યારે મેં કહ્યું હતું કે,”દીકરી મારી, દીકરો હોય કે દીકરી,બાળકો તો બધા માતા પિતાને વહાલા હોય છે.હા…દીકરાની આશા દરેકને એટલા માટે રહેતી હોય કે દીકરો ઘડપણમાં લાકડી બની રહે.ચિતાને આગ આપે, બાપનું નામ રહે.જો આવી આશા મારા મનમાં જાગે તો એને હું સ્વાર્થની સગાઇ માનું છું.”
મારા માટે પ્રેમ એ દીકરો,વ્હાલ અને મમતા એ દીકરી…. તું જ કહે કે,વ્હાલ અને મમતામાં શું પ્રેમ સમાઈ નથી જતો ? આજે દીકરા કરતા આ બધી દીકરીઓ વધુ સારી રીતે કરતી આવી છે.આજે હું તને તારું આ સાચું મહત્વ જણાવું છું.તારી મમ્મી તો તારામાં દિકરો અને દીકરીનું બંનેનું સ્વરૂપ નિહાળે છે.કારણકે દીકરી એ માનું રૂપ છે તો બાપનું સ્વરૂપ છે.
દીકરીને બાપ પાસે પ્રેમ સિવાય કોઈ અપેક્ષા હોતી નથી.જ્યારે દીકરો તેની પત્ની સામે કે બીજા કોઈ દ્વારા થતી માં બાપની નિંદા સાંભળી લેશે.પરંતુ એક પણ દીકરી એવી જોવા નહી મળે,જે તેના માતાપિતાની થતી નિંદા ચુપચાપ સાંભળી શકે. આજનો જમાનો હોય કે પહેલાનું સંકુચિત માનસ ઘરાવતો સમય હોય દીકરી હંમેશા બાપનું નાક ઉચું રાખવા પોતાનાથી બનતું બધુજ કરી છુટવાની ભાવના રાખતી આવી છે .દીકરો નવી આવેલી પરણેતરને ખુશ રાખવા ક્યારેક ફરજ ચૂક થઇ શકે છે ,પણ દીકરી પારકા ગૃહે ગયા પછી પણ ઘરડા માં બાપની લાકડી બની રહે છે ,આજકાલ આ દાખલા સર્વત્રે જોવા મળે છે અને તેજ કારણ છે હવે જમાનો દીકરીઓના પ્રેમને મુલવતો થઇ ગયો છે. મને અભિમાન છે હું બે દીકરીઓની માતા છું
એક વાર દીકરીને સાસરે વળાવ્યા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી.છતાં પણ દીકરી સીધી કે આડકતરી રૂપે દીકરી માં બાપનો હાથ પકડતી હોય છે.એને મદદરૂપ થતી હોય છે.માટે હું કહું છું દીકરીને દરિયો નહીં પણ ઘરતી કહેવાય.જે અકુંરણ પામતા સબંધોને જીવન આપે છે અને પરિપકવ થયેલા સબંધોને સ્થિરતા આપે છે.તૂટી પડતા સબંધીને ટેકો આપે છે નવજીવન બક્ષે છે.આ બધું એક દીકરી ,એક બહેન ,એક પત્ની અને એક મા જ કરી શકે છે જે અંતમાં એક સ્ત્રી એક દીકરી જ છે.
પહેલા દીકરીનો જન્મ થતો ત્યારે કહેવાતું પાણો અવતર્યો,પણ હવે જમાનો બદલાય છે.હવે દીકરીનો જન્મ થયા છે ત્યારે કહેવાય છે કે ગયા ભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હશે કે દીકરી આવી અને ધણા લોકો એમ કહે છે ધરે લક્ષ્મીજી પધાર્યા છે.
આ કહેવત આજે ખરેખર સાચી લાગે છે કે ‘મા વિના સૂનો સંસાર’ તો ‘દીકરી વિના અધૂરો સંસાર.’દીકરી વિના જીવન અધૂરું છે.
એટલે જ દીકરી હું કહું છું,
જગતમાં બધા લોકો માતાનાં ગુણાગાન ફરતાં રહે છે,
પણ માતા બનવાં માટે દીકરી તરીકે જન્મ લેવો પડે છે
માત્ર દીકરી જ સંસારમાં એવી વ્યક્તિ છે જે બે કુટુંબને સાચવે છે.તેને યોગ્ય રીતે ન્યાય આપી , પ્રથમ પુત્રી બનીને પછી માતા બનીને જતન કરે છે સ્નેહની વર્ષા કરીને સિંચન કરે છે.
હવે તુજ કહે મને દીકરી કેમ વહાલી ના હોય …. મારી માટે દીકરીજ મારું વિશ્વ છે જેમાં અનેક વિશ્વો સમાએલા હું જોઉં છું.
-રેખા વિનોદ પટેલ
(ડેલાવર – યુએસએ)
ramimaulik
March 17, 2015 at 10:15 am
Nice!!