પ્રિય સખી ,
હું જાણું છું હોળી ધૂળેટી તારો પ્રિય તહેવાર છે ,કારણ તું રંગોની માલીકણ છે, સાતેય રંગોને તારી આસપાસ લઈને ફરે છે ,
તું હંમેશા મને ધુળેટીમાં રમવા લેવા આવે છે અને હું દરેક વખતે તને કોઈને કોઈ બહાના હેઠળ નિરાશ કરું છું,
તું હંમેશા રંગો સાથે સાતતાળી રમતી હોય છે અને હું તને ખુશ જોઈ હું પણ ખુશ રહું છું ,તારા અને મારા સ્વભાવની આ એક અસમાનતા છે બાકી તો તું મને બહુ વહાલી છું
તારી મહી ક્યારેક દોસ્તીનો સફેદ રંગ ફરફરતો હોય ,ક્યારેક પ્રેમનો ગુલાબી,તો લાલ ગુસ્સાનો ,વળી ક્યારેક બધાથી દુખી થઈ નિરાશાનો ઘેરો રંગ કે વિરક્તિનો ભગવો રંગ તું ઘારણ કરે છે. તો વળી ખુશમિજાજી હરિયાલી જેવી લીલીછમ તો ક્યારેક વાદળા સંગે હોડ લગાવતી તું વાદળી બને છે ,ક્યારેક ચાંદની જેવી ચમકતી તો મિજાજે સૂર્ય જેવી સોનેરી લપકારા કરે છે …….
જ્યારે હું રંગો થી દુર ભાગુ છું, મારી માટે એકજ તરલ હવા જેવો રંગ છે સ્નેહનો ,જેમાં બધા જરૂરી રંગો ભેગા કરી મનગમતા રંગને મેળવી લઉં છું ,
સખી ! આ વખતે હું ઘુળેટીમાં રંગ રમવા આવીશ ,પણ તારી સાથે નહિ ભવન સાથે રંગ રમવા આવીશ, તેની સાથે હું સાથે રંગોના ખેલ રમીશ .
હા ! તારા જીવનમાં છવાયેલા ભૂખરા છેતરપિંડી ના રંગને દુર કરવા માટે આવીશ.
હું જાણુ છુ ભવન સાથે તું આજકાલ ગુલાબી રંગે રંગાઈને બધું વિસરી બેઠી છે ,આજે તને મારી સમજાવટ ની કોઈ અસર થવાની નથી કારણ તારા જીદ્દીપણા ને હું વર્ષો થી પિછાણું છું ,
સખી હું ભવનને બરાબર જાણું છું, તે કોઈજ પ્રકારે તારે યોગ્ય નથી . તેનામાં ખુદ્દારી જરા પણ નથી જે તારામાં ભારોભાર ભરેલી છે . તેના શબ્દકોશમાં ઈમાનદારી શબ્દ નથી અને સબંધોમાં વફાદારી છે જે તારી પ્રકૃતિ છે , રૂપ ગુણમાં તે તારાથી સાવ ઉતરતો છે. હા તારાથી એકજ વાતે ચડિયાતો છે અને તે છે છેતરપીંડી અને વાક્પટુતા જે તારામાં ક્યાય દેખાતી નથી , મારી પ્રિયે તું સાવ નાદાન અને ભોળી છે અને તેથીજ ભવનના ફેલાવેલા રંગોની મોહજાળમાં સંપૂર્ણ ઘેરાઈ ચુકી છે .
હું ભવનના માત્ર કાળા રંગને બહુ સમયથી ઓળખું છું, કારણ તે કેટલીય વાર મારા ઉપર આ રંગનો છંટકાવ કરવા આવી ચુક્યો છે પરતું મારી પ્રકૃતિ તેના રંગને રંગવિહીન કરવામાં સફળ રહી છે.પણ તારા મેઘધનુષી રંગોનું રક્ષણ કરવા હું આજે ગુલાબી રંગને મારા મહી ધારણ કરી ભવન સાથે ધૂળેટી રમવા આવીશ અને તે પણ તારી સામેજ અને ત્યારે તું તેની સાચી રીતે ઓળખી સકીશ
હું જાણું છુ સખી તું આ સહન નહિ કરી શકે ,પરંતુ ભવનના કાળા રંગને તારી સામે લાવવા અને તને એ રંગ માંથી છુટકારો અપાવવા આ એકજ માર્ગ બાકી છે ,નહિ તો તેના રંગમાં રગદોરાઈ તારા જીવનના અવનવા રંગોનું મલીનીકરણ થઇ જશે જે હું મારા જીવતે જીવત નહિ જોઈ શકું
તું મારી સહિયર માત્ર નથી પણ મારા મનમાં સમાએલી મારી પ્રતિકૃતિ છે ,જ્યારે તું સાચી વાત જાણશે ત્યારે તું હંમેશની માફક આવીને મારે ગળે વળગી પડશે।
ચાલ સખી હવે સમય ઓછો છે ,,તારા જીવનના ગ્રહણને દુર કરવા મને ગુલાબી રંગો થી સજવા દે ….જો સખી પૂનમ સામેજ છે કોઈ આભે ચમકતો ચન્દ્ર તારી રાહ જોતો તને મળી જશે.
તારી પ્રિય સખી..રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર યુએસએ