જવાનીમાં એકલતા વહાલી લાગે છે ,પરંતુ તેજ એકલતા ઘડપણમાં બહુ વેદનામય બની જાય છે .પોતે સજાવેલા માળામાં સંભાળેલા બચ્ચાઓ એક પછી એક બહાર પોતપોતાના માળાં વસાવવામાં મશગુલ થઈ જાય છે ત્યારે ઘડપણ સાથે એકલતા બહુ દર્દનાક લાગે છે.બે જીવો સુખ દુઃખ વહેચવા સાથે હોય છે ત્યારે રાત કઈક પણ વીતે છે પણ જ્યારે આ જોડું જીવનના છેવાડે આવી એકલું થાય ત્યારે તેમની મનોદશા વર્ણવી અઘરી બને છે…..
ચાર ઝાંખી પાંખી જાગતી આંખો સાથે પથરાતી જાય રાત
દિવસ એ જેમ તેમ ટુંકો થાય, કેમેય નાં વીતી જાય રાત,
અડઘી રાતે ડેલીએ ખખડાટ થાય,ત્યાં મને કોક વરતાય
“સાંભળો કહું છું જાગો છો? એમના હુકારે વીતતી જાય રાત
લઈ જાવા જેવું ના કશું બાકી છે,સઘળું વરસો લઇ ચાલ્યા
આ ભીનું મન ચુપચાપ સરકતું જાય ,જોડે સરતી જાય રાત
પાછલા પહોરે ઝાકળ સંગે ભીની થયેલી આંખો જરા મીચાય
સુરજ સાથ ઝંખનાઓ ફરી આછેરી કળાય,ગળતી જાય રાત
ના સળવળાટ જણાય ઉઠતા લાગે વાર,તો બીજુ મન થડાકાય,
ભરાએલ ગળફો રાહત આપે, ઉચાટ ખસેડી હટતી જાય રાત
ફરી એજ સુકી તરસી આંખો અને એક મેકનો અકબંધ સાથ
ના કોઈ આવ્યું આંગણ,ના આવશે બીજી આવતી જાય રાત
રેખા પટેલ (વિનોદિની)