સંતાકૂકડી ની રમત થી શરુ થયેલી તેની અને રાજની દોસ્તીને આજે બાર વર્ષ પુરા થયા ત્યારે યૌવન નાં પહેલા પગથીયે બેસતા જ તે પૂછી બેઠી
“બાલ્યાવસ્થાથી શરુ થયેલો આપણો પ્રેમ,આપણી દોસ્તી શું સદા કાળ ચિરંજીવી રહેશે ?
“હા સખી કેમ નહિ મારું વચન છે તને આપણો પ્રેમ સદા કાળ જીવંત રહેશે “રાજ તેની મધુર મુશ્કાન સાથે બોલી ઉઠયો
ભાવિના ગર્ભમાં શું છુપાએલું છે તેની ક્યા કોઈને જાણ હોય છે?
ઢોલ નગારા વાગ્યા બે દિલોને છુટા પડવાનો સમય આવી ગયો ……
વિદાયની વસમી વેળાએ આંખોમાં આંસુની હેલી ભરી રાજનો હાથ પકડી તે પૂછી બેઠી
” શું આટલો જ આપણો સાથ ? હું નહોતી કહેતી આપણે સાથે નહિ રહી શકીએ ”
“સખી આપણે સાથે નથી પણ આપણો પ્રેમ અને દોસ્તી સદા જીવંત રહેશે, હું સાથે ન હોવા છતાં પણ તારી સાથેજ હોઈશ”
સમય લાગે છે તેટલો સહજ નથી હોતો ,
ભગ્ન સબંધોમાં દૂરતા મલમનું કામ પણ કરી જતી હોય છે , સમય અને સ્થળને અનુરૂપ થઇ તે અતીત થી દુર થતી ચાલી ,
તેવામાં આભ ઘરતી એક કરે તેવા સમાચાર આવ્યા ,હાથે કરીને રાજ આ ફાની દુનિયા છોડી ગયો…..
“અરેરે દુષ્ટ તને આ શું સૂઝયું ,તું તારા વચન થી પણ ફરી ગયો ? શું મેં તને ઓળખવામાં ભૂલ કરી ?” તે હૈયાફાટ રડી પડી
ત્યાંજ તેના મોબાઈલમાં વોઈસ મેલ આવ્યો ” સખી તને વચન આપ્યું હતું સદા આપણો પ્રેમ જીવંત રહેશે ,પણ લાગ્યું તારી દૂરતા મારા વચનમાં બાધા નાખે છે .
તો બસ સદા કાળ તારા મહી વસવા માટે હું તારા આવનાર બાળકના એઘાણની રાહ જોતા રહી તારી આસપાસ રહીશ “
આટલું સાભળતા તે ત્યાજ ઢળી પડી . આખરે નિદાન આવ્યું “શી ઇસ પ્રેગનેન્ટ ”
“ઓહ રાજ ! કમ બેક શુન “………………..
રેખા વિનોદ પટેલ(વિનોદિની)
ડેલાવર (યુએસએ )