RSS

સંવેદનાનું સીમકાર્ડ :સ્વેચ્છાએ દાન

10 Feb

મારા નાનકડા ગામ સંતોષપુરામાં આખરે અમારી કુળદેવી લક્ષ્મી માતાનું મંદિરનું જીર્ણોધ્ધાર કરવાની ઘોષણા થઇ હતી.

છેલ્લા ઘણાં વખતથી ગામમાં કઈકને કઈક અમંગળ બનાવો બનતાં રહેતા હતા.ગયા વર્ષે અમારા પાછલા ફળિયાના બે નાના છોકરા રમતા રમતા કોઈને જાણ પણ ના આવે તે રીતે પાસેના કુવામાં ગબડી પડયા હતા.લોકો કહેતા હતા કુવાનું થાળું છોકરાઓના પ્રમાણમાં ઉચું હતું તો આમ કેમ બન્યું ?આજનાં દિવસે પણ  આ માત્ર કોયડો જ રહી ગયો,અને તેના થોડા જ મહિના પછી સાંજના સમયે ગામની બે બાયુંઓ તાજી કાપેલી જુવારનો ભારા માથે લઇ સીમમાંથી ઘેર આવતી હતી ત્યારે રસ્તામાં કાળોતરો ડંખી ગયો.બેઉને ઉચકી ભાથીજીના મંદિરે લઇ ગયા અને બાજુના ગામમાંથી ઝેર ઉતારવા મદારી તેડાવ્યો પણ બેઉ બાયું પોતાનાં નાના છોકરા અને એના ઘરના માણસોને એકલા મૂકી ઝેરની અસરમાં    લીલીકાચ બની સ્મશાને પહોચી ગઈ.

આ બનાવથી ગામ આખું ભયભીત બની ગયું હતું.આમ જ્યારે પણ કઈક આવા અમંગળ બનાવો બનતા તે બધા  જોડીમાં એટલે કે બે વ્યકિત આ બનાવનાં ભોગ બનતી હતી.ધીરે ધીરે ગામમાં અફવા ફેલાતી જતી હતી કે કોઇ આત્માનો ખરાબ પડછાયો ગામ ઉપર પડ્યો છે તો વળી કોઇ એમ  કહેતું કે ભગવાન કોપાયમાન બન્યા છે કશુક અમંગળ બનવાનું હજુ પણ બાકી છે.

આ દહેશતનાં કારણે ગામનાં લોકો સાંજ પડે એ પહેલા પોતાનાં ઘર ભેગા થઇ જતા હતાં.ગામની માંતા પોતાનાં નાના છોકરાઓને એકલા રમવા જવા દેતી નહોતી.જ્યારે અમારા ઘરે પણ સવિતા રવિને જરાય એકલો  મુકતી નહોતી.

એવામાં લક્ષ્મી માતાના મંદિરની પાછળ આવેલી નાનકડી ઓરડીમાં કોઈ સંતનું આગમન થયું.બે દિવસ ચાલેલા ભજન કીર્તન અને સત્સંગમાં બાદ લોકોને તેમની ઉપર શ્રધ્ધા બેસવા લાગી.બાપજીએ લોકોના દુઃખ ના ઉપાય તરીકે જાહેર કર્યું કે,”માતાના મંદિર માં ભગવાન વિષ્ણુની મૂર્તિ ખંડીત થઇ છે અને આના કારણે માતા કોપાયમાન બનીને ગામમાં અમંગળ બનાવો થકી એમનો કોપ લોકો પર ઉતરે છે.” બસ આવી વાતો તો હવા કરતા પણ વધુ વેગે ફેલાઈ જાય છે.પરિણામે ઘેર ઘેર આ વાતની ચર્ચા થવા લાગી.આખરે સરપંચે નક્કી કર્યું થોડો ખર્ચ એ પોતે ઉઠાવશે અને બાકીનો ગામ લોકોએ સ્વેચ્છાએ દાન આપી ભેગો કરવાનો રહેશે.ગામ આખુય આ માતાના કોપાયમાનની વાત સાંભળી દૃજી ઉઠયું હતું.સહુએ પોતાની યથાશકિત પ્રમાણે દાન લખાવા માંડયું. મારી અને સવિતાની ઈચ્છા હતી કે ઓણ  સાલ ખેતી સારી થઈ છે તો થોડું લક્ષ્મી માતાના નામે ઘર્મ કરી નાખીએ.

એ દિવસે રાત્રે વાળું કરી હું સવિતા સાથે આ બાબતે ચર્ચા કરતો હતો,ત્યારે એવામાં મારો સાત વર્ષનો રવી ત્યાં આવી ચડયો.તે અમારા વચ્ચે થતી વાતો બહુ ઘ્યાન પૂર્વક સાંભળતો હતો જે મારી ઘ્યાન બહાર હતું.

હું અને સવિતા માતાના નામે પંદર હજાર લખાવવું નક્કી કરતા હતા આ જોઈ રવિ વચમાં બોલ્યો,”પિતાજી,આટલા રૂપિયાને ભગવાન શું કરશે?એ તો સ્કુલ નથી જતા કે તેમને ખાવાનું પણ નથી જોઈતું કે નથી તેમને રહેવા માટે ઘરની ચિંતા છતાં પણ આખું ગામ ભગવાનને આટલા બધા કેમ રૂપિયા આપે છે ?
મેં જવાબ વાળ્યો “બેટા આ બધું આપણને ભગવાને આપ્યું છે તો આપણે તેમની માટે ખર્ચ કરવો જોઈએ”

મારા આ જવાબથી  હજુ પણ તેના મગજમાં ઉઠતા સવાલોનું નિરાકરણ નહોતું થતું,”પિતાજી,જો ભગવાન પાસે બધું હશે તો જ તે આપણને બધું આપે ને!!!  તો હવે તેને પાછું આપવાની શી જરૂર?”
તેના બધાજ સવાલોના જવાબો મારી પાસે નહોતા આથી મેં વાત ટુંકાવતા કહ્યું
” જો બેટા તું મોટો થઇ જઈશ પછી બધું તને આપોઆપ સમજાઈ જશે ચાલ હવે સુઈ જઈએ ” એમ કહીને મેં વાત વાળી લીધી

આ વાતને બે દિવસ પણ નહોતા થયા ત્યાં એક દિવસ અમારા ખેતરમાં કામ કરતો રાવજી ઘેર આવ્યો ,તે બહુ દુખી અને ચિંતિત હતો. આવતાની સાથે પરસાળમાં માથે હાથ દઈ બેસી ગયો.

“કાં રાવજી શું થયું,કેમ આમ સાવ દુઃખી થઈને બેઠો છું ?” મેં બહાર આવતાની સાથે જ પૂછ્યું
“સાહેબ શું કહું?….મારા નાનકાને પેટમાં પથરી થઇ છે,બે દહાડાથી પેટ પકડીને રડતો હતો.આજ સવારે હું તેને લઈને ગામના દવાખાને ગયો હતો. દાકતર સાહેબ કહે છે તેને શહેરના દવાખાને લઇ જવો પડશે કદાચ ઓપરેશન કરવું પડશે.”આટલું બોલતા તો એ લગભગ રડવા જેવો થઈ ગયો
“અરે !એમાં આમ સાવ ઢીલો શું થાય છે.પથરી થવી એ કાંઈ મોટી બીમારી નથી,અને ઓપરેશન થાય તો પણ એમાં કંઈ ડરવા જેવું નથી હોતું ” મેં રાવજીને  સમજાવતા કહ્યું
“હોવે સાહેબ એ તો ડોક્ટર સાહેબ પણ કહેતા હતા,પણ તેની માટે હું પૈસા ચ્યોથી લાઇશ?”
“તું દર વર્ષની ખેતી માંથી કઈ બચત નથી કરતો?” હું પ્રશ્ન પૂછી બેઠો પણ પછી મનોમન શરમાઈ ગયો કે માંડ બે ટંક પૂરું કરનારા આ મહેનત કશ માણસો બચત કંઇ રીતે કરી શકે?
“સાહેબ બચત તો કઈ નથી પણ આજ લગણ ભેગા કરેલા બે હજાર જેટલા રૂપિયા પડ્યા છે પણ દાકતર કહે છે કે આશરે દશ હજાર જેટલો ખર્ચ ઓપરેશનનો થશે.સાહેબ અમારા જેવાને વ્યાજે પણ કોણ આટલા રૂપિયા આલે? પેલા વજેસંગ શેઠ સામે કઈ મિલકત મુક્યા વિના એક  રૂપિયો પણ આલે એમ નથી અને ગામના સરપંચ સાહેબને ત્યાં ગયો પણ એ કહે અત્યારે રૂપિયા નથી જે થોડા હતા તે મંદિરના ખર્ચમાં આપી દીધા”

હું રાજજીની વ્યથાં સાંભળવામાં મશગુલ હતો.મને ખબર નહોતી કે આ બધી  વાતો મારો રવિ કાન દઇને સાંભળતો હતો.તેને નાનપણ થી આ રાવજી જોડે માયા બંધાઈ ગઈ હતી તેથી તેને દુઃખી થતો જોઈ તે અમારી નજીક આવ્યો અને રાવજીને કહેવા લાગ્યો,”રાવજી કાકા તમે ચિંતા નાં કરશો મારા પિતાજી પંદર હજાર ભગવાનને આપવાના છે તો તમે ભગવાનને જઈને કહેજો કે તમારે તમારા દીકરાને દવા માટે રૂપિયા જોઈએ છે.માં કહેતી હતી ભગવાન બહુ દયાળુ હોય છે તે તમને તેમાંથી થોડાક રૂપિયા ચોક્કસ આપશે ”

રવીએ ભોળપણ માં કહેલી વાત મારા કાન માંથી સીધી મારા મગજ સુધી પહોચી ગઈ એટલે તુરત મેં સવિતાને બુમ પાડી,”સવિતા….,જરા બહાર આવ તો”
તેના બહાર આવતા મેં લગભગ હુકમ ભર્યા અવાજે કહ્યું ” સવિતા જા અંદર કબાટમાંથી દસ હજાર રૂપિયા લઈને આવ,આ રાવજીને તેના દીકરાના ઓપરેશન માટે જોઈએ છે અને બાકીના પાચ હજાર કાલે લક્ષ્મીજી નાં મંદિરે લખાવી આવજે ”

સવિતા,રવિ અને રાવજીની આંખો હસી પડી અને સામે દિવાલ પર ટાંગેલા   કેલેન્ડરમાં લક્ષ્મીમા પણ સાક્ષાત હસતા હોય એવું મને લાગ્યું.
રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: