અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ન્યુયોર્ક થી આવેલી ફ્લાઈટ લેન્ડ થતા પરદેશ થી દેશ આવતા મુસાફરોમાં રિયા શાહ પણ શામેલ હતી.
વેલકમ ફોઈ કહેતા બે યંગ ડેસિંગ યુવાનો મુખ્ય પ્રવેશદ્વારમાં સામે દોડી આવ્યા ,રિયાના હાથમાંથી હેન્ડબેગ લઇ વહાલથી ભેટી પડ્યા.
ઘરે આવતા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા તેને આવકારવા છેક બહાર આવી ગયા.
“દીકરી મારી બાર વર્ષે આવી છે ‘ કહેતા મમ્મી પપ્પા લગભગ રડી પડ્યા “.
પાતળાં સફેદ ચહેરા ઉપર એક સ્મિત ઉપસી આવ્યું ” મમ્મી હવે આવી છું તો બસ ખુશ થા અને રડવાનું બંધ રાખ” રિયા બોલી.
બીજા દિવસે સવારમાં રિયા નાહીને તેના સફેદ એનિમિક ચહેરા ઉપર ક્લીનીકનું ફાઉન્ડેશન લગાડી થોડી લાલાશ ભરી ,હોઠ ઉપર લાઈટ પીંક લીપસ્ટીક અને વાયોલેટ કલરના ડ્રેસ ઉપર ઉચી જાતના પ્રફ્યુમનો સ્પ્રે કરી નજીક વહેતી પાલી નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ.
દર્શન કરી બહાર નીકળતી હતી ત્યાજ શિવ ભટકાઈ પડયો
“રિયા તું? ક્યારે આવી ?રોકાવાની છુ ને ?”
“કાલે રાત્રેજ આવી ,પંદર દિવસ રોકાવાની છું , આવ તારી પાસે સમય હોય તો થોડી વાર આપણી જૂની જગ્યા આ નદીના કિનારા પાસે બેસીએ ” રીયાએ ચહેરા ઉપર સ્મિત ભરતા કહ્યું.
હા ચોક્કસ કહેતા શિવે ગભરાહટ થી આમતેમ જોયું અને રિયાથી થોડું અંતર રાખી મંદિરના પાછળના ભાગમાં આવેલા બાંકડા ઉપર બેઠક લગાવી.
શિવના ચહેરા ઉપર પડતી કરચલીઓ તેને ઉંમર કરતા દશ વર્ષ મોટો બતાવતી હતી ,પરંતુ સાચી જૂની લાગણીઓ દેખાવને હંમેશા અવગણતી હોય છે.
એકબીજાની આંખો માંથી અતૃપ્ત નીતરતો નેહ બંનેને પીગળાવે તે પહેલા ” ચાલ હું હવે જાઉં ફરી મળીશું “કહેતા રિયા ઉભી, જતા જતા બોલી,
“શિવ તું ખુશ છે ને તારી લાઈફ માં ?”
“હા રિયા બહુ ખુશ છું ,અને તું ? “બોલતા તેની આંખોમાં મનગમતું સાંભળવાની ઝંખના હતી.
આ ઝંખનાને પરિપૂર્ણ કરવા રીયા પીંક હોઠ ઉપર પ્લાસ્ટીકીયું સ્મિત રેલાવી બોલી ” ઓફ કોર્સ યસ ,શિવ આઈ એમ વેરી હેપ્પી ઇન માય લાઈફ ”
“તું ખુશ તો બસ હું પણ ખુશ છું ,આજે તે મને સાચો સંતોષ આપ્યો છે ,બસ તું હમેશા ખુશ રહેજે ‘ શિવે આંખોમાં પરાણે આવતી ભીનાશને રોકતા કહ્યું અને ત્વરાથી આગળ ચાલી ગયો.
ઘરે આવતા જ ભાભી બોલ્યા “આવી ગયા રીયાબેન બહુ વાર લાગી મંદિરમાં ”
હા ભાભી શિવ મળી ગયો તો બે વાત કરવા રોકાઈ ગઈ ,ભાભી શિવ પહેલા આપના ગામમાં સહુથી હેન્ડસમ યુવાન હતો અને આજે કેવો લાગે છે ! તે ખુશ તો છે એની લાઈફ માં ?”
ક્યા રીયાબેન તેની વાઈફ બહુજ ખરાબ સ્વભાવની સ્ત્રી છે ઝગડો કર્યા વિના કદી તેની સવાર થતી નથી અને રાત પડતી નથી, શિવભાઈની જીંદગી ખરાબ કરી નાખી છે .” ભાભી બોલતા બોલી ગયા પણ પછી ખ્યાલ આવ્યો રીયાબેન અને શિવ વચ્ચે પ્રણયના અંકુર ફૂટેલા હતા પરતું પપ્પાની બીકના કારણે રીયાબેન લગ્ન કરી પરદેશ ચાલી ગયા હતા.
શિવ સામે હૈયાનો ભાર હળવો કરવા આવેલી રિયા શિવને મળેલા સંતોષને અકબંધ રાખવા માગતી હતી આથી મનનો બધોજ ભાર દબાવેલો રાખીને સમય થતા પાછી અમેરિકા આવી ગઈ.હવે બે મહિના પછી થનારા ડિવોર્સ માટે એણે મનને મજબુત કરી લીધું હતું .
રેખા પટેલ (વિનોદિની)
ટુંકી વાર્તા : સાચો સંતોષ .
27
Nov