સામાન્ય માનવી હોય કે સર્જક હોય દરેકના મનમાં એક અજબ ખાલિપો ભરેલો હોય છે.ખાલિપાનો મતલબ એટલે એકલતાં નહી. કોઇ પણ સ્થુળ અથવા સજીવ ઉણપનો અહેસાસ એટલે ખાલિપો.
આ ખાલીપો આપણને શુન્યતા સુધી પણ ખેચી જતો હોય છે આને આપણે કહીએ છીએ કે તેની જીવન પ્રેત્યેની ઘટતી જીજીવિષા.
અશાંત મનને કોઈ એક વસ્તુથી સંતોષ મળતો નથી અને ત્યારે આપણે તેને ભરવા નકામી ચીજો ભેગી કરવામાં પરોવાઈ જઈએ છીએ અને આપણે સ્વયંમથી મુખ ફેરવી લઇએ છીએ.
આજ ખાલીપો આપણને સત્ય અને સ્વયંમની ખોજ સુધી પણ લઇ જાય છે
જો આજ જીવનને સહેજ અલગ દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો જીવન બદલાઈ જાય છે.
નવી વસ્તુઓના ગ્રહણ માટે જગ્યા હોવી જરૂરી છે.આપણા વિચારોમાં જો ખાલીપો વર્તાશે તો જ નવું કંઈક વિચારવાની શક્તિનો વધારો થશે.
આને દરેકને વ્યક્તિ પોતપોતાની સમજણ અને વૃત્તિઓ ના જોરે ભરવાનો પ્રયત્ન કરે છે ,આપવાની અને ભોગવવાની તાકાત પ્રમાણે આ ખાલીપો ભરાતો અને સર્જાતો જાય છે.
આને તૃષ્ણા અને લોલુપતાની કમજોરી ના બનાવતા તેને આશા અને નવીનતમ શક્તિઓ થી ભરવામાં આવે તો આપણે ઘણું કરવાને શક્તિમાન થઈ શકીએ છીએ.
“દુઃખ અને એકલતામાં શાહમૃગની માફક જમીનમાં મ્હો સંતાડીને જીવ્યા વિના,જે કંઇ બન્યુ છે એ બધું ભૂલીને પોતાના વિચારો અને કર્મોથી ઉન્નત શિરે જીવવું એજ પ્રગતિ છે.”એકલતામાં સ્વયંસ્ફૂર્તિનો ઘોધ વહેતો હોય છે આવા વખતે તેને પારખવો અને તેમાંથી ઉત્પન્ન થતી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આજ ખાલીપો ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે.આપણને મળેલી સુંદર કૃતિઓમાં જે તે સર્જકનો ખાલીપો મહત્વનો ભાગ ભજવે છે.
આ ખાલિપા તત્વનાં કારણે દુનિયાની મહાનતમ કૃતિઓ મળી છે.
મીરાની કૃષ્ણ પ્રત્યેની અસિમ પ્રેમ ભક્તિ,કાલીદાસની કૃતિ શંકુતલા,કવિ કલાપીના અંતરમાં મોંધીબા પ્રત્યે ઘરબાએલો પ્રેમ,ખલિલ જીબ્રાનની કૃતિ પ્રોફેટ હોય કે કવિ ગેટેનો ચાલાર્ટ પ્રત્યેનાં અસિમ પ્રેમનાં કારણે સર્જાયેલી કૃતિ “વર્ટેર” કે પછી ક.મા.મુનશીનાં લીલાવતીનો પ્રેમ ,રમેશ પારેખની સોનલ હોય કે આસિમ રાંદેરીની લીલા હોય.આ બધું એક ખાલીપાથી સર્જાએલું સાહિત્ય છે એ સ્વયંભૂ અને અંતઃ સ્ફુરિત છે.આ સાહિત્ય એકાએક નથી સર્જાતું એમાં એક પાત્રની કમી મહત્વનો ભાગ ભજવે છે, અહી જીંવંત અથવાં મૃત વ્યકિતની કમીથી સર્જાતો ખાલિપો લેખન સુધી દોરી જાય છે.
“એકલતામાં ઉદ્વેગને દુર રાખી તે સમયને મનગમતી પ્રવૃતી થી તેને ભરવામાં અલગ આનંદ છે.”
“નિજાનંદમાં મસ્ત બનો તો સ્વયં જેવો કોઈ સાથી નથી
સરિતા વહેતી જો અટકે તો સાગરમાં એમ ભળતી નથી. “
આપણા અંતરમનમાં જે તે ભાવનાઓ વિકસાવવી હોય તો તેની માટે જરૂરી સાધના અને પુરુષાર્થ જરૂર પડે છે અને વધારે જરુર્રી બને છે તે માટેનું વાતાવરણ.તમે દુઃખ કલેશ ભર્યા વાતાવરણમાં જીવની શાંતિ માટેની શોધ કરવામાં મુશ્કેલી અનુભવશો તેવી જ રીતે શાંત અને પ્રેમભર્યા માહોલમાં ત્રાસ અશાંતિને વહાલ નહિ કરી શકો .
તમારી આસપાસ ખાલી પડેલું વાતાવરણ હશે તો તેમાં તમે મનગમતું વિચારી તેને સર્જનાત્મક રીતે ઉપયોગમાં લઇ શકશો. હંમેશા વિચારોને ઉર્ઘ્વગતિ માન રાખો,વિચારોની અઘોગતી તમને ક્યારેય આગળ નહિ વધવા દે. આ માટે ખાલીપો સર્જાવાની જરૂર નથી પરતું જો જીવનના કોઈ એવા વળાંકે ખાલીપો મળી આવે તો તેને પ્રેમ થી અપનાવી તેનો સદુપયોગ કરી લેવો જોઈએ.. અસ્તુ
રેખા પટેલ (વિનોદિની) 11/17/14