RSS

Monthly Archives: October 2014

શબ્દને ઢાળી ગવાતું હોય છે,

શબ્દને ઢાળી ગવાતું હોય છે,
મૌનને માણી લખાતું હોય છે.

સ્વજનોથી રાખશો નાં દૂરતાં
તેમના સંગે જીવાતું હોય છે.

યાદ આવે છે ઘણું વરસાદમાં
આંખનું કાંજલ રેલાતું હોય છે

માણજો મૌસમ બધી સહુ સાથમાં
પાનખરજા તા સૌં રાતું હોય છે

જિંદગી ઝાકળનાં જેવું નામ છે
બે ઘડીમાં ચમકી જવાનું હોયછે

ચાલ રેખાની બધી સમજો તમે
જે હથેળીમાં લખાતું હોય છે
રેખા પટેલ (વિનોદિની )
ગાલગાગા-ગાલગાગા-ગાલગા

 
Leave a comment

Posted by on October 9, 2014 in ગઝલ

 

સંવેદનાનું સીમકાર્ડ ; પોતાનાજ ઘરમાં પરાયું.

એરઇન્ડીયાનું પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટનાં રનવે ઉપર હળવા આચકા સાથે લેન્ડ થયુ.અમેરિકાથી ભારત આવેલો શૂભમ બહુ ખુશ હતો એને જલ્દી પોતાના વતનની ધરા  પર પગ મુકવાની ઉતાવળ હતી તેથી પ્લેનમાંથી નીચે ઉતારવા ઉતાવળ કરતો હતો.

આજે દસ વર્ષ પછી ભારતની તેની માતૃભુમી ઉપર પગ મુકતો હતો,બહુ ખુશ હતો કે કેટલા વર્ષો પછી તે આજે માં બાપ,  ભાઈ ભાભી અને તેમના દીકરા દીકરીને મળવાનો હતો.જ્યારે એ સુરત છોડીને અમેરિકા ગયો ત્યારે મોટા ભાઇના બંને બાળકો નિરાલી આઠ વર્ષની અને સુરજ દસ વર્ષનો હતો આજ એ બંને યુવાનીના આરે આવીને ઉભા હતા.

પોતાના સગા સબંધીઓને ગળે લગાડવા ઉતાવળો થતો હતો.છેવટે કસ્ટમની વિધિ પતાવીને સાથે બે બેગો અને હેન્ડબેગને ટ્રોલીમાં નાખી ઉતાવળે એક્ઝીટ ડૉરમાંથી બહાર નીકળ્યો.એની નજર બ્હાવરી બનીને સગાઓને શોધતી હતી.એને આશા હતી એવું બન્યું. માં બાપ સુરતથી મુંબઈ સુધી આવવાનું ટાળી ઘરે રાહ જોતા હશે અને ભાઈ અને સુરજ હશે સાથે ગોપાલ પણ આવ્યો હશે? ગોપાલ તેનો બચપણ થી જવાની સુધીનો સાથીદાર હતો અને એ પણ તેના આવવાની કાગડોળે રાહ જોતો હતો.

આ ત્રણેને સાથે જોઈ ટ્રોલી છોડી દોડ્યો સીધો અને તેમને વળગી પડ્યો.સુરજે આગળ વધી સામાન લઇ લીધો.હસી ખુશી ટોળટપ્પા કરતા મુબંઈથી સુરતની પાંચ કલાકની મુસાફરી ક્યારે પૂરી થઇ ગઈ,એ ખબર પણ ના પડી.

સુરત આવીને જેવી શુભમની ગાડી ઘરના આંગણામાં આવીને ઉભી રહી.તુરત જે   માં બાપા ઘરમાંથી દોડતાં બહાર આવ્યા.શુભમને જોઇને માંનું હૈયું કાબુમાં ના રહ્યુ અને શુભમને ગળે લગાડીને બોલી,”મારા દીકરા…………આવી ગયો……. કેટલા વર્ષે મારા લાલનું મ્હો જોયું.”અને એની મા ખુશીની મારી રડી પડી.બાપાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા,”મારા દીકરા”કહીને શુભમના        માથા ઉપર કટલા વર્ષે બાપુનો હાથ ફરી વળ્યો.

શુભમ ભારત આવવાનો હતો એ પહેલા તો શું લઇ આવવું એનુ લાંબુ  લીસ્ટ ભારતથી આવી ગયું હતું. સુરજ અને નિરાલીએ તો ઈન્ટરનેટ દ્વારા કઈ વસ્તુ અમેરિકાના ક્યા સ્ટોરમાં મળે છે તે પણ જણાવી દીધું હતું.આ બધી મોંઘી વસ્તુઓ લેવાની હોવાથી શુભમની પત્ની માસુમ અકળાતી હતી અને મનોમન વિચારતી હતી કે એ લોકોને ક્યા કમાવવા જવું પડે છે!એ લોકોને થોડી ખબર છે કે હું અને શુભમ કેટલી મહેનત કરીને અહીંયા ડોલર કમાઇએ છીએ.આ વાત એ લોકોને ક્યાંથી સમજાય?એટલે તો એ લોકો આટલી મોંઘી વસ્તુઓ મંગાવે છે.છતા પણ શુભમ એની પત્નીનાં અણગમાને એક બાજુ રાખીને બધાની પંસદગીની વસ્તુઓ  હસતા મ્હોએ લઇ આવ્યો હતો.

સુભમના ઘરમાં આવ્યો એના થોડા સમયમાં બધી જ બેગ ખુલી ગઈ હતી.પોતાની પસંદગીની વસ્તુઓ આવી હતી તેથી બધા ખુશ દેખાતા હતા અને પોતાના પરિવારજનોનાં ચહેરા પર ખૂશી જોઇને શુભમ પણ ખુશ હતો.

આજથી દસ વર્ષ પહેલા શુભમને અમેરિકા જવાનું ઘેલું લાગ્યું હતું.આથી વીસ વર્ષની ઉંમરમાં એક ગેરકાયદેસર ડાન્સ ગ્રુપમાં જોડાઈને તે અમેરિકા પહોચી ગયો.ત્યાં સમય જતા સુભમ ગેરકાયદેસર નાગરીક તરીકે રહેવા લાગ્યો.અમેરિકામાં ઇલલીગલ ઇમિગ્રઆન્ટસ હોવાથી એ હવે ભારત આવી શકે તેમ નહોતો અને જો આવે તો પણ પાછું ના જઈ શકાય.આ જ કારણે એને ગ્રીનકાર્ડની રાહ જોવામાં દસ વર્ષ વીતી ગયા અને અત્યાર સુધી તે જે કમાતો તેનો મોટા ભાગનો હીસ્સો અહી દેશમાં આ પોતાના આ ફેમીલી માટે મોકલતો રહ્યો અને ખુશ થતો રહ્યો.

આખરે ગ્રીનકાર્ડ ધરાવતી માસુમ સાથે લગ્ન થતા શુભમને સમય જતા ગ્રીનકાર્ડ મળ્યું અને છેવટે આજે દસ વર્ષે ભારત આવવાનું મળ્યું.

શુભમ અને માસુમના લગ્ન થયા પછી ઘર ખર્ચ વધી ગયા હતા છતાં પણ દેશમાં રહેતા ભાઈ ભાભી અને તેમના બાળકોના ખર્ચને પહોચી વળવા પોતે પોતાના ખર્ચમાં કરકસર કરીને તો ક્યારેક માસુમને નાખુશ કરીને પણ ભારતમાં રહેતા એના પરિવારને ડોલર મોકલતો રહ્યો હતો.

ભારત આવ્યા પછી શરૂવાતના ચાર દિવસ તો શુભમ બહુ ખુશ હતો.ઘરમાં તેના મોકલાવેલા ડોલરના કારણે બધી જ સગવડતા હતી.ભાઈએ બાપદાદાનું  જુનું ઘર તોડાવીને નવું બનાવડાવ્યું હતું અને બે વર્ષ પહેલા જૂની ગાડી હવે રીપેરીંગ માગે છે, અને નવી  ગાડી હોય તો બા બાપાને બહાર આવવા જવાની સરળતા રહે કહી નવી ગાડીની માગણી થતા તેણે ડોલર ટ્રાન્સફર કરાવ્યા હતા..

આજે શુભમને એ દિવસ યાદ આવી ગયો કે.ત્યારે અમેરિકામાં તેની જૂની સેકન્ડહેન્ડ ખરીદેલી ટોયેટા વધારે જૂની થઇ ગઈ હતી અને વિન્ટરની શરૂવાત થવાની હતી અને માસુમ ના રોજ ટોકવાથી તે નવી ગાડી લેવાનું વિચારતો હતો. બરાબર એ જ વખતે ભાઈનો દેશમાંથી ફોન આવ્યો હતો કે તેમની ઈચ્છા નવી કાર લેવાની છે. અને પોતે ડોલર મોકલવાની હા કહી હતી ..જ્યારે આ વાત માસુમે જાણી તે ગુસ્સે ભરાઈ હતી અને બે દિવસના અબોલા પછી આખરે તેને  હા કહી હતી.

ચાલો આજે આ ઘર આ કાર વાપરવાનો મોકો મળ્યો એમ વિચારી શુભમ ખુશ હતો.રોજ એ માસુમને ફોન કરી માસુમ સામે પોતાની ખુશી વ્યક્ત કરતો હતો.

હવે શુભમને અહી આવ્યે પંદર દિવસ થઈ ચુક્યા હતા.એક દિવસ તેને જુના દોસ્તોને મળવા માટે રાખ્યો હતો.આખો દિવસ બઘા સાથે ટોળટપ્પા માં વીતી ગયો. વાતો વાતોમાં એક મિત્રે તેને જણાવ્યું કે,” અહી તારા ઘરે ખેતીનું કામ પણ બધું ભાગ ઉપર આપી દીધું છે,અને તારા મોટા ભાઈ કશુ જ કામ કરતા નથી તેમને તો બસ લહેર છે.ખેતીમાંથી સારી એવી આવક થાય છે અને વધારામાં તું તેમને રૂપિયા મોકલ્યા કરે છે.તેમનો દીકરો સુરજ પણ ગાડીમાં ફરીને લીલા લહેર કરે છે. તારા ડૉલરનાં પ્રતાપે આ બધા કેટલા જલસા કરે છે.સાચે તારો ભાઇ તો  નશીબદાર છે.”

મિત્રનીઆ વાતથી  શુભમને વિચારતો કરી મુક્યો…એ વિચારવા લાગ્યો કે,પોતે બે છેડા ભેગા કરવા આખો દિવસ કામ કરે છે અને સાથે સાથે માસુમ પણ નોકરી કરે છે અને અહી બધાને કેટલી શાંતિ છે.વધારામાં થોડા થોડા સમયે હું ડોલર અહી ટ્રાન્સફર કરાવું છું.એ લોકોને મારી અને માસુમની કામ કરીને કેમ ઘર ચલાવીએ છીએ,અને  એ લોકોને અહીંયા ડોલર કંઇ રીતે મોકલીએ છીએ.એની સમજાય ક્યાંથી?આસાની ડોલર મળતાં હોય તો અમારી હાલતનો એ લોકોને ક્યાંથી વિચાર આવવાનો?

એ રાત્રે શુભમ થોડો મોડો ઘરે આવ્યો.બારણું ખાલી  વાસેલું હતું. આથી સહેજ હાથ લાગતા તે ખુલી ગયું અને અંદર થતી વાતચીત તેના કાને પડી. જે શુભમે સાંભળતાં એનું લાગણીશીલ હ્રદય થડકારો ચુકી ગયું અને રડી પડયુ!!

“પપ્પા હવે અંકલ કેટલું રોકવાના છે?મારે મારી ગાડી જોઈએ છે.એ જ્યારથી અમેરિકાથી આવ્યા છે મારી ગાડીનો જ ઉપયોગ કરે છે” સુરજ બોલ્યો

“બેટા! પંદર દિવસ પછી  શુભમ અંકલ પાછા જવાન છે,એટલા દિવસ તું ગાડી વગર ચલાવી લે.અંકલ ક્યા અહી કાયમ રહેવાનો છે?”શુભમના મોટાભાઈએ સુરજને જવાબ આપ્યો

સારું છે એ અહીયા કાયમ રહેવાના નથી.મને આખો દિવસ તેમનું કામ કરવાનું ગમતું નથી.મારે બપોરમાં ટીવી સીરીયલો પણ તેમના લીધે જોવાની રહી જાય છે.”શુભમનાં ભાભી મ્હો મચકોડી બોલ્યા.

“હા મમ્મી….., મને પણ મારો રૂમ પાછો જોઈએ છે જે તે કાકાને આપ્યો છે.  તને તો ખબર છે કોઈ મારો રૂમ વાપરે તે મને જરાય પસંદ નથી.” શુભમની ભત્રીજી નિરાલી મોટા અવાજે બોલી

“બસ કર નીરાલી…..,જરા ધીરે બોલ.બા બાપા સાંભળી જશે નકામી બડબડ કરશે. મને પણ ક્યા આ બધુ ગમે છે.મારે કેટલા દિવસથી રોજ ખેતરમાં કામ કરવાના બહાને જવું પડે છે. બસ આ થોડા દિવસ પછી આપણે કાયમની શાંતિ જ છે ને.. શુભમના મોટાભાઈએ નીરાલીને ઠપકો આપતાં બોલ્યા.

આ બધાની આવી વાતો સાંભળીને શુભમના પગ નીચેથી ઘરતી ખસી ગઈ.
શુભમને બારણે જોતા જ ભાભી બોલ્યા,”આવી ગયા શુભમભાઈ…ચાલી તમારી માટે ગરમ રોટલી બનાવી દઉં ,હું ક્યારની રાહ જોતી હતી.”શુભમનાં ભાભી દેખાડૉ કરતા બોલ્યા.

આવ ભાઈ શુભમ! આજે બહુ બહાર ફર્યો. જોને આ સુરજ અને નિરાલી ક્યારના કાકા ને યાદ કરતા હતા.” શુભમનાં મોટાભાઈ બોલ્યા.

પણ આજે સુભમ ને પોતાનાજ ઘરમાં પરાયું લાગવા માંડ્યું.એ વિચારવાં લાગ્યો કે જ્યારે માણસની જરૂર હોય ત્યારે આપણા જ લોકો કેટલા કૃત્રિમ બની શકે છે.શુભમ રાહ જોતો ક્યારે બાકીના દિવસો પુરા થાય અને તે પોતાને ઘેર માસુમ પાસે અમેરિકા પાછો ફરે.

અચાનક ત્રણ દિવસ પછી શુભમે એનાં મોટાભાઇને વહેલી સવારે કહ્યુ.હું આજે બાર વાગ્યાની વોલ્વોમાં મુંબઇ જવા નીકળું છુ.આજ રાતની મારી અમેરિકાની ફલાઇટ છે.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)

 

સંવેદનાનું સીમકાર્ડ : ચાલ જિંદગી જીવી લઈએ .

ચાલ જીંદગી જીવી લઈએ ..

સુખી ગુજરાતી પરિવારનાં નીરુ અને દીપકના અરેન્જ મેરેજ હતા. બંને સ્વભાવે મીઠાબોલા મળતાવડા અને એટલા જ સમજદાર હતા. લગ્ન પછી થોડા સમયમાં બંને એકબીજાને પુરક થઇ ગયા. માબાપનાં સંસ્કારોને કારણે ઘર પરિવારના સુખને પોતાનુ સુખ માનીને એક બીજા સાથે ખૂશ રહેતા હતાં.

દીપક આઇટીનો સોફ્ર્વેર એન્જીનીયર હતો. થોડા વખત પહેલાજ એને અહી અમદાવાદની એક પ્રતિષ્ઠિત સોફટવેર  કંપનીમાં સારા પગાર વાળી નોકરી મળી હતી. છતાં તેનું સ્વપ્નું હતુકે આઈટી ના ભણતર બાદ થોડો સમય માટે પણ અમેરિકા જવું ,દરેક ભણેલા સ્વપ્નિલ યુવાનોની જેમ તેને પણ અમેરિકા જઈ પોતાનું નશીબ અજમાવવું હતું. કારણ તે સાંભળતો જોતો આવતો હતો કે ત્યાં આ ભણતરની બહુ માંગ છે તેમને ઉચા પગારની નોકરી સહેલાઇ થી મળી સકે છે તેણે અમેરિકાની ઘણી બધી કંપનીઓમાં જોબ માટે અરજી ફોર્મ ભર્યા હતા

એની પત્ની તો નીરૂને અહી દેશમાં જ રહેવું હતું. પરતું તે દીપકના સ્વપ્નને પોતાનુ સ્વપ્ન સમજી તેના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેવા તૈયાર હતી

શરૂઆતનાં આ બે વર્ષ સંસ્કારી પરિવારમાંથી આવતા આ બંને માટે સુખ ચેન ભર્યા હતા. દિપક નોકરી ઉપરથી સીધો ઘરે આવી જતો.ત્યાં સુધીમાં નીરુ ઘરનું  બધું  કામ પતાવી દેતી હતી.તેના સાસુ સસરા પણ બહુ સમજુ અને આઘુનિક વિચારસરણી ઘરાવતા હોવાથી દીપકના ઘરે આવ્યા પછી તેમને પૂરી આઝાદી આપતા હતાં. જેથી આ નવ પરણિત જોડાને પુરતી આઝાદી અને સમય મળે કે એક બીજાને સારી રીતે સમજી શકે.

અઠવાડિયામાં ચાર દિવસ દીપક નીરુ સાથે ઘરની બહાર ફરવા નીકળી જતો અને નીરુ પણ સાંજ પડતા સજી સવરીને પરણ્યાની રાહ જોતી હોય. નીરૂ હમેશાં  દીપકને ગમતા રંગોના ડ્રેસ અને સાડીઓ પહેરતી અને આધુનિક મેકઅપ કરીને તૈયાર થતી.ત્યારે રૂપાળી તે વધુ રૂપાળી લાગતી અને દીપક પણ જાણે દીપકની આજુબાજુ મંડરાતું પતંગિયું હોય તેમ નીરૂની આજુ બાજુ ભમ્યા કરતો.

“જાનુ તારી આગળ તો બધી હોરોઈનો પણ ઝાંખી પડી જાય છે ,હું કેટલી નશીબદાર છું કે તું મારી જીંદગીમાં આવી છે ”
દીપક તમારા કરતા હું બધું લકી છું આટલા પ્રેમાળ સાસુ સસરા અને મઝાનું ઘર મને તમારા કારણે મળ્યા છે ”
“ઓહો તો એમ કહેને તને મારા મળવાની ખુશી નથી પણ સારા સાસુ સસરા મળ્યા તેની ખુશી જીવનમાં વધુ છે ” કહી મ્હો ફુલાવી બેસી જતો
ઓહો મારા વાલમજી તમે છો તો મારી દુનિયા આબાદ છે ” કહી વહાલ થી નીરુ તેને મનાવતી
અને મીઠો ઝગડો બે યુવાન બદનમાં તોફાન ભરી જતો અને આખો ઓરડો મઘમઘી જતો.

એક દિવસ ઘરના દરવાજે આંતરદેશીય પત્ર આવ્યો કવર જોતાજ દીપક સમજી ગયો કે આ પત્ર અમેરિકાથી આવ્યો હતો. દીપક શ્વાસ રોકીને પત્ર ફોડવા લાગ્યો.વાચીને એની આંખોમાં ખૂશીની ચમક આવી ગઇ અને બોલ્યો,”ઓહ માય ગોડ!!! નીરુ ડાર્લિગ કમ હિયર…જો આ કેવા  ગુડ ન્યુઝ આવ્યા છે..આઈ ગોટ જોબ ઇન અમેરિકા….નીરુ ડાર્લિંગ તું જોજે અમેરિકાં ગયાં પછી આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઇ જશે.કાયમ માટે અમદાવાદ તડકાથી છુટકારો થશે.”

નીરૂ દીપકને આટલો બધો ઉત્સાહી અને ખુશ જોઈ ખુશ હતી .

વિદેશ જવાની ઘેલછામાં કેટલાય યુવાનો દેશની ધરતીને છોડી આગળ વધવાના સપના જોવામાં માં બાપ મિત્રોની લાગણીઓને પળવારમાં ભૂલી જાય છે.જો કે  દિપક માટે તો સારું હતું કે તેની કંપનીનાં નિયમો પ્રમાણે તેને ફેમીલી સાથે એટલે કે નીરુ સાથે અમેરિકા જવાના વિઝા મળવાના હતા.

માં બાપ તો દીકરા વહુની ખુશીમાં પોતાનું સુખ જોતા હતા આથી તેમની જુદાઈના દર્દને હસતા મ્હોએ જીરવી લીધો . કોલ લેટર આવ્યાનાં  ગણતરીના દિવસોમાં દિપક અને નીરું સ્વજનોને દેશમાં છોડી અમેરિકામાં ડોલર કમાવવા ઉપડી ગયા.

અમેરિકામાં આવ્યા પછી તુરત દિપકને રહેવાની વ્યવથા જાતે કરવાની હતી.આથી થોડો સમય મિત્રના ઘરે અમેરિકાના ફ્લોરીડા સ્ટેટ, માયામીમાં રહ્યા અને આજ મિત્રની ઓળખાણથી એક બેડરૂમ કિચન હોલનું નાનકડું એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું.

અહી તો શરૂઆત એકડો ઘુંટવાથી કરવાની હતી.દેશની જેમ મિત્રો સગાવહાલાઓ ઘર શોધવાથી વસાવા સુધીના વહારે ના આવે અહીંયા તો બધું એકલાએ કરવું પડે છે.અહીંયા આવી દિપક અને નીરુને સમજાયું કે માત્ર એક જણનાં પગારથી ધર ચલાવવું અધરૂ પડે છે.અહીયા તો મહિનો પૂરો થતા ઘર ખર્ચ,કારનો હપ્તો અને બીજા બીલ મ્હો ફાડીને ઉભા રહી જતા.આથી ના છુટકે દીપકે નીરૂને આ જોબ માટે હા કહી.

આ બાજુ નીરુએ પણ નજીકના ગ્રોસરી સ્ટોરમાં જોબ મેળવી લીધી.પણ સમસ્યા એ હતી કે આ ગ્રોસરી સ્ટોર ચોવીસ કલાકનો હતો અને નીરૂને નોકરી નાઇટ સિફટમાં મળી હતી.રાત્રે નવ વાગે જવાનું અને સવારે છ વાગે પાછુ આવવાનું હોય.

પણ થાય  શું!!! આ ક્યા પોતાનો દેશ હતો કે માં બાપ ખર્ચો ઉઠાવે કે અને બાપીકું મકાન હોય તો ભાડુ ભરવાનું ના આવે.રોજ બરોજના ખર્ચા વધતા જતા હતા અને તેને પહોચી વળવા કામ અત્યંત જરૂરી હતું .

હંમેશા સારસ બેલડીની જોડી તરીકે ઓળખાતું આ જોડું હવે દિવસ રાતમાં વહેચાએલા કામના બોજા હેઠળ કચડાઈ ગયું. એક નોકરીએથી  ઘરે આવે ત્યારે બીજાને નોકરીએ જવાનો સમય થઈ ગયો હોય.અઠવાડીયાં ભેગા રહેવા માત્ર  એક રવિવાર મળતો.એમાં આખા વીકનું કામ અધુરૂં કામ,ઘર સામગ્રીની ખરીદીમા  પૂરો થઇ જતો.બે માણસને એક બીજાની ખૂશી અને દૂઃખ વહેચવા માટે અનૂકૂળ નવરાશની પળ ના મળવાને કારણે આવા દોડાદોડીના માહોલમાં પ્રેમભર્યા સંવાદોનું બાષ્પીભવન થઇ જતું હતુ. સબંધોમાં સ્નેહનું પાણી ખૂટે છે ત્યારે લાગણીનો છોડ સુકાતો જાય છે.

આખરે દિપક અને નીરું વચ્ચે આવું જ બન્યું.નીરુ અને દીપક વચ્ચે હવે પ્રેમભર્યાં સંવાદોને  બદલે એક ઘર્ષણ રહેતું હતું.હવે એનો બાકીનો સમય એક બીજાને સમજવા કરતા એકબીજા ઉપર દોષારોપણ કરવામાં પૂરો થઇ જતો હતો.

એક દિવસની વાત છે.આજે નીરુને જોબ ઉપર વહેલી જવાનું હોવાથી એ વહેલી તૈયાર થઇ હતી એટલે દિપકે એને પૂછ્યુ,”

“નીરુ કેમ આજે કલાક વહેલી જાય છે?
“આજે મારે ઓવર ટાઈમમાં છે અને સ્ટાફનાં ચાર માણસો આજે રજા પર છે?
“હા..હા…તારે તારી જોબ પહેલા આપણા ઘરના કામ અને મારામાં જરા તારૂં ધ્યાન  રહેતું નથી.હવે તો બસ તને કામ અને ડોલર દેખાય છે  “દીપક ગુસ્સે થતા બોલ્યો.

“દિપક એવું નથી? જરા મને સમજવાની કોશિશ કરો. હું જાણુ છુ કે તમને હવે મારામાં રસ નથી રહ્યો. ઇન્ડીયા હતી તો હું મારી જાત માટે પણ સમય કાઢી લેતી હતી અને અહી આવી હું વાર તહેવાર અને મારી જાત સુધ્ધાને ભૂલી ગઈ છું ,શું તમને દેખાતું નથી મારી જીંદગી કેટલી હદે બદલાઈ ગઈ છે . તમે જાણો છો કે હુ આખો દિવસ ઘર અને ગ્રોસરી સ્ટોરની લેબર જોબમાં થાકી જાઉં છુ, તમને મારી કોઈ કિંમત જ નથી.”નીરુએ આજે ગુસ્સે થવાને બદલે પોતાની લાચારી અને વ્યથાને રડતા રડતા દિપકને કહી …. આજે નીરુની આ વાત દિપકને સાચે અસર કરી ગઇ.

નીરૂને આમ રડતા જોઈ દીપકને બહુ દુઃખ થયું.દિપકે નીરુને બે હાથ ફેલાવીને બાહોમાં લઇને વાસાં પર હાથ ફેરવીને સાંત્વનાં આપતું કહ્યુ ,”ચાલ નીરુ! ચાલ હવે આ બધું છોડી દઈયે હવે આ અમેરિકા અને ડોલરનો મોહ છોડીને આપણાં દેશ પાછા ફરીએ નહીતો હાલ પુરતું આપણે આવીજ રીતે દિવસો વિતાવવા પડશે કમસે બધું બરાબર ગોઠવાય નહિ ત્યાં સુધી તો ખરુજ …. અને આપણા દેશમાં ઘર છે ,મા બાપ છે, દોસ્તો છે. નીરુ હું પણ કેટલા દિવસો થી હું વિચારું છું કે આ બે વર્ષમાં તારું સાચું રૂપ ઝંખવાઈ ગયું છે. આનું સાચુ કારણ પણ  હું “હા

જાણું છું અને એટલે જ મેં નક્કી કર્યું છે મારો પ્રોજેક્ટ બે મહિના પછી પૂરો થાય છે,એ પછી નીરુ  ડાર્લિંગ આપણે દેશ પાછા ચાલ્યા જઇશું”.

“બસ અમેરિકા જોઈ લીધું અને ડોલર પણ ગણી લીધા અને વધારામાં તારી મહેનતને કારણે થોડી બચત પણ થઇ છે.તે લઇને હવે ચાલ ફરીથી આપણી આપણા દેશની મોકળાશભરી જિંદગી મન ભરી જીવી લઈયે,ચાલ જીંદગી જીવી લઈએ ” નીરૂની કમર ફરતે બંને હાથ વીટાળી દીપક આગળ બોલ્યો  “હા મારી જાન અહી જીંદગી છે ખુશી પણ છે પરંતુ તેની એક કીમત પણ આપવી પડે છે ,જે અહીની દોડમાં ગોઠવાઈ જાય છે તે ફાવી જાય છે બાકી તારી મારી જેમ કેટલાક ભાગી પણ જાય છે ” કહી દીપક હસવા લાગ્યો

“નીરુ આંખોનાં આસુંમાં ખૂશીનો દિપક ચમકતો હતો. એક વેલી મજબુત વૃક્ષને વિટાઈ જાય એ રીતે દીપકને લપેટાઈ ગઈ  ,”દિપક તમે મારા મનની વાત કહી દીધી.”

-રેખા વિનોદ પટેલ
ડેલાવર, યુએસએ

 

જોઇ લે તું વરસાદ મારી આંખમાં

જોઇ લે તું વરસાદ મારી આંખમાં
ભીજાંઇ તારી યાદ મારી આંખમાં

ખાલી કર્યો છે મેય હૈયા ભાર આજ
તેથી છે આ અવસાદ મારી આંખમાં

સાબુત છે મારી ડાયરીમાં મ્હેક આજ
ખૂશ્બૂનો છે સંવાદ મારી આંખમાં

અજવાશ તારો સાચવ્યો સપનામાં મે
અંધારૂં છે આબાદ મારી આંખમાં

કાગળ ઉપર બહુ ચીતરી છે લાગણી;
શબ્દોની છે તું દાદ મારી આંખમાં

તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું
ટહુકાની છે તાદાદ મારી આંખમાં
-રેખા પટેલ (વિનોદીની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા

 
Leave a comment

Posted by on October 1, 2014 in ગઝલ

 

સંવેદનાનું સીમકાર્ડ :જમના પણ આખરે માણસ છે.

ઘરમાં બધા સભ્યો મનીષા પણ લાડમાં સહુ “મની” કહેતા….. કારણકે મનીષના  જન્મ પછી પિતાજીનાં ધંધામાં હમેશાં ચડતી રહી હતી.પહેલા  બે ટેક્ષીના માલિક હતા એનો આજે ટ્રાન્સપોર્ટનો અને લકઝરી ટેકસીનો રેન્ટકનો મોટૉ કારોબાર   ચાલતો હતો “મની ટ્રાન્સપોર્ટ”નાં નામની બસો અને લકઝરી ટેકસીઓ  દોડતી હતી.

મનીષાનાં જન્મ પછી કદી ઘરમાં કોઈએ દુખ નહોતું જોયું.ત્યારથી ચાંદીની ચમચી તેના મ્હોમાં હતી..મની પાણી માગેને દુઘ હાજર થઇ જતું.મોટી થતા માને હંમેશા થતું કે દીકરી તો સાસરામાં શોભે અને સાસરામાં સમાવવા માટે બધુ ઘરકામ આવડવું જોઈએ.તેથી હમેશાં મનીષાને કામ કરવા માટે અને રસોઈ શીખવા માટે ટોકતા રહેતાં હતા.એમાં મનીષાનાં દાદી તો કહેતા આ છોકરીનું શું થાશે.ત્યારે મનીષા પિતાજી મનીષાનો પક્ષ લેતા અને કહેતા જયાં સુધી સાસરે ગઇ નથી ત્યા સુધી મારી દીકરીને જે રીતે જીવવું હોય એમ જીવવા દો.વધારા મનીષાની માતાને કહેતા કે,”બસ કર શશી આખો દિવસ તું તેની પાછળ નાં પડ્યા કર તેને રસોઇ શીખવે એ જ  ઘણું છે.એ જ્યારે સાસરે જશે ત્યારે એની સાથે ઘરકામ કરવાળી  કાયમની કામવાળી મોકલીશ.તું તેની ચિંતા ના કર અને મારી નસીબદાર દીકરીને હેરાન નાં કરીશ.”

પિતાજીના આવા બચાવના કારણે મની હમેશાં માની ડાટથી બચી જતી છતાં પણ રસોઇ બનાવતા તે મા અને દાદી પાસેથી બરાબર શીખી ગઈ હતી.

લાડકોડમાં ઉછરેલી મનીષા કોલેજના દિવસોમાં પિયુષને પ્રેમ કરવા લાગી હતી. સમય આવતા તેને માં અને પિતાજીને આ વાત ઘરમાં કરી.શરુશરુમાં બધાએ આ વાતનો સખત વીરોધ કર્યો  ખાસ કરીને તેના પિતાજીએ.કારણકે તે સમજતા હતા કે આટલા લાડકોડ અને વૈભવમાં ઉછરેલી મનીષા એક મધ્યમવર્ગનાં     કુટુંબના પીયુષ એની જીવનશૈલી પ્રમાણે લગ્ન પછી સવલત આપી નહી શકે.

મનીષાએ આ બાબતે દલિલ કરતા કહ્યુ,પપ્પા…..,હું જાણું છું કે તમે મને બહુ પ્રેમ કરો છો અને મારા સુખી ભવિષ્યના વિચારે મને પીયુષ સાથે લગ્ન કરવાની નાં કહો છો.પણ તમે વિચારો કે  જેને હું પ્રેમ કરું છું તેનાથી દુર રહીને શું હું ખુશ રહી શકીશ?”

અંતે મનીષાની કાલકુદીએ  બધાને પીગળાવી દીઘા અને વાજતે ગાજતે પીયુષ અને મનીષાના લગ્ન લેવાઈ ગયા.. પીયુષને અહી શહેરમાં જ નોકરી મળી ગઈ હ્તી આથી શહેરના બીજા છેડે તેને ત્રણ બેડરૂમનું એપાર્ટમેન્ટ ચન્દ્રેશભાઈએ એની દીકરીને નામે કરી આપ્યું હતુને કહ્યા પ્રમાણે તેમના ગામડેથી આવેલી પંદર વર્ષની જમાનાને મનીષા સાથે કામ કરવા માટે મોકલી આપી.

મનીષા ખુશ હતી બસ બેજ જણાની રસોઈ કરવાની બાકીનું બધું કામ જમના  કરી આપતી હતી. સવારે ઉઠે ત્યારથી જમાના સામે ઉભી હોય અને હસતા મુખે મનીષાનાં કામ કરવા તૈયાર હોય.”લાવો બેન,હું ચાય બનાવી લઉં.તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં હું વાસણ માંજી દઉં.બેન શાક સુધારી આપું..અરે! ત્યાં સુધી કહેતીકે ચાલો મનીબેન તમારામાથામાં તેલ નાખી દઉં અને સરસ માલિસ કરી આપુ.

આ રીતે જમાનાનાં સારા સ્વભાવ કામ કરી આપવાનો ઉત્સાહને કારણે મનીષા નાનામોટા દરેક કામ માટે જમાના ઉપર આધારિત હતી.

આમને આમ મનીષાના લગ્નને પાચ વર્ષ પુરા થયા.હવે તેના ઘરમાં એક મજાની બાળકી રમતી હતી,એનું નામ પાડતુ હતુશિવા.હવે શિવાને સાચવવા રમાડવા માટે પણ જમના જોઈએ.ક્યારેક તો પીયુષ કહેતો પણ ખરો “મની,તું આમ આખો દિવસ જમના ઉપર આધાર ના રાખ,આપણે થોડુક કામ તું જાતે કરતા રહેવું જોઇએ  ક્યારેક જમનાં નહિ હોય તો તને મુશ્કેલી પડશે.”

બે મહિનાં પછી સાચે જ આવુ બન્યું.મનીષાના ઘરે જમનાની માનો ફોન આવ્યો “બેન જમનાના લગન એ બહુ નાની છ વરસની હતી ત્યારનાં નક્કી કરી રાખ્યા છે.હવે તેને સાસરે વરાવવાનો ટાઈમ થયો છે તો મનીબેન,હવે જમાનાને તમારે  અમારા ધરે પાછી મોકલવી પડશે.

જમનાની માતાની વાત સાંભળીને મનીષાને તો ઘોળે દિવસે તારા દેખાવા લાગ્યા.એને પીયુષને કહ્યુ,”જમના જો પરણીને સાસરે જશે તો આ ઘરનું અને મારું શું થશે? પીયુષ હું નથી ઇચ્છતી કે જમના સાસરે જાય.”

મની….,આપણા સ્વાર્થ માટે કઈ તેની જિંદગી ના બગાડી શકાય.છતાં પણ એક કામ થઇ સકે કે જમના નાં વરને હું મારી ઓફિસમાં પ્યુનની જગ્યા ખાલી થઇ છે ત્યાં ગોઠવી દઉં તો જમાના અહી કાયમ માટે રહી શકે.”મનીષાની તકલીફનો તોડ કાઢતા પીયુષે ઉપાય સુજવ્યો.

પીયુષની વાત મૂજબ નક્કી થયું કે જમના એક મહિનો ગામ જાય અને પછી તેના વર જોડે અહી શહેરમાં કાયમ માટે આવી જાય.આ બાજુ જમના ગામ ચાલી ગઈ જોડે મનીષાની શાંતિ પણ લેતી ગઈ.

વહેલી સવારે ઉઠતાની સાથે જ મનીષા સીધી કિચનમાં દોડી.ચાની તપેલી ચડાવી સાથે સાથે દાળનું કુકર ચડાવ્યું.બીજી બાજુ કથરોટમાં રોટલી માટેનો લોટ બહાર કાઢ્યો.દોડાદોડીમાં કથરોટને હાથ વાગતા લોટ ફરશ ઉપર વેરાઈ ગયો.આખી જીંદગીમાં મનીષાએ કશુજ ખાસ કામ કર્યું નહોતું.અચાનક બધું કામ  એક સાથે આવતા તે રડી પડી.તેને આમ રડતા જોઈ પિયુષે તેને ચુપ કરાવતા કહ્યું ” ચિંતા ના કરીશ હું લંચ બહાર ખાઈ લઇશ. હું નાહી લંઉ મારે ઓફિસે જવાનું મોડું થશે.”

પીયુષ જાતે જ દિકરી શિવાને તૈયાર કરી ઓફીસ જતી વખતે એને બાલ મંદિર મૂકીતો ગયો.

મનીષાને ઘરનું કામ જોઈને તેને ચક્કર આવી ગયા પણ આ તકલીફ  કોને કહે?

બપોર સુધીમાં મનીષા થાકીને લોથપોથ થઇ ગઈ.આટલા કામ પૂરા કરતા એને    વિચારતી કરી દીધી કે,બીચારી જમનાં આખો દિવસ બધું કામ હસતા મ્હોએ કેવી રીતે કરતી હશે?

મનીષાને એક જૂની ધટનાં યાદ આવી.એક દિવસની  જમનાને થોડું સર દર્દ હતું અને તે દિવસે ધાર્યા સમયે કામ પૂરું નાં થયું અને પીયુષ ઘરે આવી ગયો તો તે જમના ઉપર બહુ ગુસ્સે ગઈ હતી,”તું હવે કામચોર થતી જાય છે તારું ઘ્યાન કામમાં હોતુ જ નથી.તારે તો બસ આખો દિવસ તને ટીવી જોવું હોય છે.”મનીષાની ગુસ્સાભરી ટકોરનાં લીધે જમના ઢીલી થઈ ગઈ હતી.

આ ઘટનાનાં બોધપાઠથી મનીષાને  આજે બહુ લાગી આવ્યું કે તે કેટલી કઠોર બની હતી.બીચારી જમના કેટલું કામ કરતી હતી અને મે એને ક્યારેય મદદ કરી નથી.

આજે મનીષાને  આ બધું જાતે કર્યા વગર હવે છૂટકો ન હતો.ણ આજે તેને નક્કી કરી લીધુ કે હવે જ્યારે જમનાં પાછી આવશે તો તેને દરેક કામમાં મદદ કરશે। કામવાળી પણ આખરે માણસ છે તેને પણ બે જ હાથ હોય છે.

-રેખા વિનોદ પટેલ
ડેલાવર(યુએસએ)