આજ તહેવારનો દિવસ હતો એટલે
મારા સ્વભાવ પ્રમાણે
હુ તેમની મનગમતી સાડી પહેરી સજી ધજી તૈયાર થઇ.
ખબર નહી આજે આ અરિસો પણ
રોજ કરતા બહુ વહાલો લાગ્યો, થોડી વધારે વાર ત્યાં ચીટકી રહી.
સેથીમાં સિંદુર ભરતા અચાનક થોડીક છાટ
નાક ઉપર આવી પડી
સેથીનો સિંદૂર એટલે પતિના વ્હાલની
નિશાની એ વાત યાદ આવી.હોઠ અકારણ હસી પડ્યા.
આજે તેમની રાહ જોતા લાગ્યુ કે મારા સમયની ચાલ બહુ ઘીમી છે.
સમયના એ બહુ પાક્કા છે તો કેમ આજે આવવામાં આટલી વાર લાગી ?
ત્યાં એમની કારનો હોર્ન સાંભળ્યો અને
મારા ધબકારા તેજ ચાલવા લાગ્યા
હું બારી તરફ લપકી,જરા નીચી નમીને જોવા લાગી
એ જ્યારે આવે ત્યારે આ રીતે જોવાનું બહું ગમતું
પણ આ શું?
એમના જે હાથમાં હંમેશા મારી માટે ગુલદસ્તો રહેતો અને હોઠો ઉપર મંદમંદ મુશ્કાન.
આજે એ જ હાથ સાથે કોઇના અંકોડા ભીડેલા હતા, મુશ્કાન તો યથાવત હતી.
કદાચ એ આ નિર્ણય લેવામાં જ મોડા પડ્યા હશે.
મારા તેજ ધબકારા અચાનક બંધ થતા લાગ્યા …
તેમની ઉપર આવવાની રાહ જોયા વિના હું નીચે ઉતરી આવી.
“ઘરમાં અને તેમના હ્રદય માંથી એક સાથે. “
-રેખા પટેલ(વિનોદિની)