પ્રિય કોકિલા,
આજે તારો પત્ર મળ્યો.
“તું લખે છે હવે હું તારે લાયક નથી રહી,કારણકે ઘરમાં અજાણતા લાગેલી એક આગનાં જવાળાની ઝપટે આવી જવાને કારણે મારું સૌદર્ય ઝંખવાય ગયું છે. મારા ગુલાબી ગાલ ઉપરના એ તારા પ્રિય કાળા તલને બદલે એક મોટો સફેદ ડાઘ સદાને માટે જગ્યા લઇ ચુક્યો છે.”
પ્રિયે, હું તારા રૂપને ચાહતો હતો તે વાત સાચી છે પરતું હકીકતમાં તારા રૂપ કરતા તારા અંદર રહેલી આંતરીક સૌંદર્યની ઝાંખીને કારણે તું મને વધુ આકર્ષી ગઈ છે.
તને પહેલી વાર મેં જ્યારે જોઈ હતી ત્યારે કોઈ ભૂખ્યા બાળકને જોઈને તે તારું ટીફીન બોકસ તેની આગળ ખાલી કરી દીધું હતું.
બીજી વાર રસ્તાની એક બાજુ ઉપર પડેલા એક નાના કુરકુરિયાને બચાવવા તારે બસ ગુમાવવી પડી હતી.
ત્રીજી વાર એક વૃદ્ધાને ઘક્કો દેનાર કોઈ છેલબટાઉ યુવાન સાથે તું અકારણ ઝગડી પડી હતી.
હા પ્રિયે તારું આ રૂપ મને બહુ આકર્ષી ગયું હતું .હું આજ રૂપ પાછળ પાગલ થઇ ગયો હતો.
હું જાણું છું મારું એ ગમતું રૂપ આજે પણ એવુંને એવુ જ જીવંત છે અને તું સદા કાળ યૌવનવંતી રહેવાની છો.
સાચું સૌંદર્ય તારી આંતરિક સુંદરતા છે.તેના જ પ્રત્યાઘાત રૂપે બાહ્ય સુંદરતા નીખરી ઉઠે છે.
પ્રિયે,મુજ અમીરને આમ અધવચાળે ગરીબ ના બનાવ.
તારો એક માત્ર અમીર સાથી
રેખા પટેલ (વિનોદિની )