RSS

ભગવાનના છપ્પન જાતના પકવાન

19 Sep

દિવાળીનો પવિત્ર દિવસ ,સવારથી જ રાધાકૃષ્ણ ના મંદિરમાં ધામધૂમ થી સાંજના અન્નકૂટ ની તૈયારી શરુ થઈ ગઈ હતી .
આસોપાલવનાં તોરણો લટકતાં હતા , મંદિરને ફરતા આવેલા થાંભલાઓને ગલગોટા થી સજાવી દેવાયા હતા .આખું મંદિર એક નવું નવેલું શોભતું હતું ,મંદિરની ઘજા પણ લહેરાઈને મંગળ ગીતો ગાતી હોય તેવું લાગતું હતું …

બાજુમાં જ અડીને આવેલી એક નાનકડી ઝુપડપટ્ટીમાં બહાર બેઠેલી 5 વર્ષની મુન્ની એના કોરા ફગફગતા વાળ અને મોટી મોટી આંખોમાં દુનિયાભર નું આશ્ચર્ય ભરી આ સાજ સજાવટ જોઈ રહી હતી

મંગુ હાથમાં સવાર સવારમાં વીણીને કાગળ ભરેલો કોથરો લઇ ઝુંપડી પાસે આવી અને લાંબો હાથ કરી બોલી ‘અલી અહી સવારના પહોરમાં શું કરું છું ? ” લે હેંડ અંદર ”

મુન્ની એની માને પૂછે છે “બાજુમાં મંદિરમાં શું થાય છે ?”

માં જવાબ આપે છે “આજે દિવાળી છે સાંજે ભગવાન ને છપ્પન જાતના પકવાન મગસ ,મઠીયા ઘૂઘરા ખીર આવું બધું ભગવાન હારું લાવશે આરતી કરશે ભજનો ગાશે ..

તું હેડ અંદર તારે ને મારે આ બધું જાણી ને હું કામ છે ?”
“ના માં મારે આજે આ મગસ મઠીયા ઘૂઘરા બધું ખાવું છે હું આજે તારી જોડે સાંજે લગનવાડીની બહાર નહિ બેસું રોજ એકનું એક ખાવાનું હોય છે આજે મને આ તું કહું છું તે બધું ખાવું છે ”

છોડી ,જીદ ના કરીશ નહીતો ભૂખી રહીશ આખી રાત મંગુ બોલી ….
માં માં કહી રડવાનું ચાલુ કર્યું અને તેની માં માની ગઈ .

મંદિર બહાર બેસવાનું હોવાથી બંને ઠંડા પાણી થી નાહીને થીંગડા વાળા પણ ઘોયેલા ચોખ્ખા કપડાં પહેરી તૈયાર થયા

સાંજ પડી અને બધા હરીભક્તો સરસ મઝાનાં કપડાં પહેરી હાથમાં સરસ સરસ સુગંધી વાળા થાળ લઇ મંદિર માં જતા .

મુન્ની બોલી તે હે માં ! આ સરસ સુગંધી કઈ થી આવે છે ?
આ બધું ખાવાનું ભગવાન પાહે લઇ જાય છે ?
તે હે માં ભગવાન ખાય છે ?

“નાં બેટા તે કઈ ખાતા નથી આતો બધું આ લાયા છે તેજ વહેચી ને ખાઈ જવાના .
વધશે તો તને મને મળશે .” મંગું બોલી

પછી તો ઢોલ મંજીરા શરુ થયા આરતી પૂરી થઈ હવે વારો પ્રસાદનો આવ્યો .અંદર હવે જમવાનું શરુ થઇ ગયું હતું

આ બે જીવ રાહ જોઈ બેઠા હતા ક્યારે બધું પતે ને તેમના પેટ ભરાય

હવે તો બધા ધેર જવા માંડ્યા જેવી ભરીને થારીઓ લાયા હતા તેવીજ ભરેલી લઈને !!!

જતા જતા બે બેનો વાતો કરતા હતા “બેન આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય ફેકી નાં દેવાય વધેલો ઘેર લઇ જવાનો ”

વળી કોક જતા જતા થોડો પ્રસાદ આ માં દીકરીના ધાતુના છાબડામાં મુકતા જતા !!!!
છેવટ આખુય મંદિર ખાલી થઈ ગયું પણ આ છાબડા અડઘા ખાલી રહ્યા

છેવટ ઘેર જતા જતા મુન્ની બોલી ” માં કાલથી લગનવાડી બહાર જઈશું તઈ આપણાં છાબડા ભરાય જાય છે ”
-રેખા પટેલ (વિનોદીની)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: