RSS

વાર્તા- “જિંદગી પ્યાર કા ગીત હૈ”.માર્ગી સપ્ટેમ્બર ૨૦૧૪નાં અંકમાં પ્રકાશિત

12 Sep
એક ચંચલ હરણી સમી ઊછળતી કૂદતી દસ વર્ષ બીના ઘરમાં પ્રવેશી..ઘરમા જેવી એ પ્રેવેશે,ઘરમાં એક એક આંનદ મોજુ પ્રસરી..દસ વર્ષની નાનકડી બાળા,એકદમ નિખાલસ અને નિર્દોષ રૂપ…હસે ત્યારે ગાલોમાં સહેજ ખાડા પડે,અને અવાજ જાણે એક કોયલ ટહુકતી હોય…એકદમ રૂપાળી અને ઉઘડતુ રૂપે અને લટકામાં એના હોઠ  પર બીરાજમાન એક તલ..
 
ઉછળતી કુદતી,કંઇક ગણગણતી રાબેતા મુજબ એ ઘરમા પ્રેવેશી અને અચાનક થંભી ગઇ અને એને જોયુ કે દિવાનખંડમાં આઠ-દસ અજાણ્યા ચહેરા બેઠા હતાં..એ બધાને જોતા જે એ એના રૂમમાં ચાલી ગઇ.એટલે  સ્મિતાબેન એની પાછળ ગયા અને બીનાનો હાથ પકડીને દિવાનખંડમા લઇ આવ્યા..
 
અને સ્મિતાબેને કહ્યુ,” અમારી દીકરી બીના છે.. અને બીના બેટા જો,આ આપણા નવા પાડોશી છે અને તારા પપ્પાનાં જુના મિત્ર છે અને એમના જ ગામના છે,હવે એ લોકો અહી આપણા બાજુવાળા મકાનમાં રહેવા આવ્યા છે.તારી જ ઉમરના 3 બાળકો છે.”
 
સ્મિતાબેન આ વાત સાંભળીને બીના ખુશ થઇ ગઈ વિચારવા લાગી કે સારૂં થયું હવે મને  નવા દોસ્તો મળશે.
 
થોડા દિવસોમાં નવા પાડોશી સાથે બંને ઘર એક હોય તેવો વાટકી વહેવાર વ્યવહાર બંધાઈ ગયો..અને અઠવાડિયામાં બે-ત્રણ દિવસ કોઇ પણ ઘરનાં એક જ રસોડામાં રસોઇ બનતી બંને પરિવાર એક ઘરના સભ્યોની સાથે ભોજનનો આંનદ માણતા થઇ ગયા
 
બંને ઘરમાં કુલ પાંચ બાળકો વચ્ચે પણ માયા બંધાઈ ગઇ જેમ જેમ સમય વીતતો ગયો  ,એમ બાળકોની ઉમર વધતા દોસ્તી અને પ્રેમ પણ ઘટવાને બદલે વધતો.બીના અને નવા પાડોસીના દીકરા વચ્ચે અતૂટ દોસ્તીનો નાતો બંધાય ગયો..
બચપણની એક આગવી દુનિયા હોય છે.
 
 પરંતુ જ્યારે યૌવન હુમલો છે ત્યારે બાળપણ ખુશીખુશી પીછેહઠ કરે છે.બીનાનામાંથી બચપણ ધીરે ધીરે સરકી ગયું હતું…એના ચહેરા પર એક યૌવનની લાલાશ ઉભરી આવી હતી..વિજાતિય સ્પર્શ અને લાગણીની ભાષા એનું શરીર સમજવા લાગ્યું હતું..એ હવે સપનાઓમાં આવતી રાજકુમારી સાથે પોતાની સરખાંમણી કરતી હોય એમ અરીસા સામે ઉભી રહેતી.
 
 ક્યારેક લડતા ક્યારેક મનાવતા સમય સાથે ઉડતા હતા..કોઈ એક  દિવસ એક નાની રકઝકમાં બંને રિસાઈ ગયા જીવનનો એક દિવસ તેમને એક ભવ જેવો લાગ્યો
આખર બકુલે પહેલ કરી ” કેમ હજુય મ્હો ચડાવીને ફરે છે આખી જિંદગી નહિ બોલવાની કે શું ? “
 
બોર બોર જેવા આંસુ બીનાના ગોરા ગાલ ઉપર ટપકી પડ્યા તેણે મ્હો ફેરવી લેતા કહ્યું તું નથી બોલતો..આ સાંભળતા બકુલના હોઠો ઉપર તેનું સદાયનું જીવંત હાસ્ય ફેલાઈ ગયું અને બોલ્યો ” એ દિવસ જીવનમાં કદી  નહી આવે કે હું તારી સાથે નાં બોલું ”  અને પળવારમાં ઝગડો બાસ્પ બની વિખેરાઈ ગયો..આવી કેટકેટલી સોનેરી ક્ષણોની ઝાંય હેઠળ બચપણ જવાનીના ઉમરે આવી ઉભું
 
બીનાની અને બકુલની દોસ્તીમાં હવે યૌવનની અનકહી કહી શકાય એવી મીઠી અને મનગમતી લાગણીઓનું આગમન થયુ,અણવ્યકત રહેતી લાગણીઓ હવે બંનેની આંખોની અસંજસની ભાષા બોલતી હતી..દોસ્તીના ક્યારામાં હવે પ્રેમનું અંકુર ફૂટી ચુકયું હતું..
બીના અને બકુલના સ્વભાવના કારણે બંનેમાથી કોઇ બોલવાનું હિમ્મત નહોતું કરી શકતું…જ્યારે  લાગણીઓ એક બીજા માટે આટલી બળવતર હોય ત્યારે “આઇ લવ યુ.” કે “હા..હું તને પ્રેમ કરૂં છુ.” એ શબ્દોની જરૂર પડતી નથી.આખરે દિલની પણ એક ભાષા હોય છે..પરંતુ
 
“હૈયામાં સંઘરેલા સબંઘો પણ જીવંતતા માગે છે
તે દરેક સબંધો લાગણી નું ખાતર પાણી માગે છે.”
 
બીના કે બકુલ એક બીજા સામે અંતરની લાગણી વ્યક્ત ના કરી શકયા પણ,વણકહ્યે એક બીજા ઉપર હકનો વધારો કરતા ગયા અને એક બીજાનાં સાનિધ્યમાં જવાનીના પગથીયા એક પછી એક ચડતા ગયા !!
 
        હવે બંને યુવાન હૈયા કોલેજમા આવી ગયા..બીના રોજ કોલેજે બકુલ સાથે જાય અને પાછી પણ બકુલ જોડે આવે.
 
         એક દિવસે બીના અને બકુલ કોલેજ થી ઘરે આવે છે અને બીના ધરમાં બંને પરિવાર ભેગા થયા છે અને બધાનાં ચહેરા પર ખૂશાલી દેખાય આવે છે.બીના અને બકુલને જોઇને બકુલની માતા તોરલબેન બીનાને બાથમાં લઇને કહ્યું કે,”બીના,આજે હું એકદમ ખૂશ છુ,તું મારા ઘરમા જ આવવાની છે.”
 
તોરલબેનની વાત સાંભળીને બંને યુવાન હૈયામાં આંનદની હેલી ઉછળી આવી.બીના તો શરમની મારી નજરોને જુકાવીને એના રૂમમાં દોડીને ચાલી ગઇ..અને બકુલ ચુપચાપ એના ઘર તરફ વળી ગયો.
 
બેઉ પ્રેમીઓ મનોમન એક થવાની ખૂશીને મંમળાવતા હતા…બીનાએ બારીને જરા ખોલીને બકુલના ઘર તરફ જોયુ અને શરમાયને સાસરીયાની કલ્પના કરીને બારી બંધ કરી દીધી..
 
બીચારી બીનાની કયાં ખબર હતી…આ નસીબ અને સમયનો ખેલ છે…પળભરની કાલ્પનિક ખૂશીને પણ ભરમાં કલ્પાંત રૂપે હક્કીતમાં બદલી નાખે છે..અને આવું જ અંમંગળ બીના સાથે બનવાનું હતુ…એ ભોળીને ક્યાં ખબર હતી..
 
બીના મીઠુ મીઠુ મલકતી પોતાના પલંગ પર માથા પર તકીયો રાખીને પોતાની મલકતા મુખને છુપાવતી હતી..ત્યા તો કોઇએ તકીઓ હટાવ્યો..બીના એ જોયું તો સામે તોરલબેન ઉભા હતાં.
 
તોરલબેન ફોડ પાડતા કહ્યું કે,”બીના,લંડન રહેતા મારા ફોઈના દીકરા ,”સૂર્ય” સાથે મે વાત ચલાવી હતી અને તારો ફોટૉ મોકલ્યો હતો…મારી બીનાનો ફોટૉ જોઇને કોઇ થોડી ના પાડી  શકે..એ લોકોએ તારા માટે હા પાડી છે….
 
તોરલબેને વાતને આગળ વધારતા કહ્યું,એ લોકો ગયા વરસે આવ્યા ત્યારે છોકરી માટે કહી ગયા હતા…અને મારી નજર સામે તારા જેવી ગુણિયલ અને રૂડી રૂપાળી છોકરી હોય તો મારે ક્યા બીજે ક્યા નજર દોડાવવાની જરૂર છે…સુર્ય તારાથી પાંચ વર્ષ મોટૉ છે..અને એ લોકોને ત્યાં ઘણા સ્ટૉર્સ છે…બસ હવે તારી હા નાં ઉપર બધું નિર્ભર છે..”
 
નીચી નજર રાખીને બીના તોરલબેનની વાતો સાંભળતી હતી,એટલે તોરલબેને બીનાની હડપચી ઉંચી કરીને અને કહ્યુ,”હવે મારી દીકરી લંડનમા રાણી બનીને રહેશે…” અને મજાક કરતા કહ્યું કે સાસરે જઇને તારી આ કાકીને ભૂલી ના જતી હો… ..”
 
જતા જતા તોરલબેન કહી ગયા…”એ લોકો ડીસેમ્બરમાં આવવાનાં છે અને ત્યારે જ ઘડીયા લગ્ન લેવાના છે….બસ હવે તો તું થોડા મહિના અમારી સાથે રહી શકશે..”
 
તોરલબેનની વાત સાંભળીને થોડી વાર સુધી અવાચક અને જડ થઇ થયેલી બીના અચાનક એના પંલગ પર ફસડી પડી અને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી, બીનામાં એટલી હિમ્મત નહોતી કે એના પરિવારના નિર્ણયની સામે થઇ શકે…
 
આ બાજુ બકુલ પણ સાવ ઉદાસ થઇને ફરતો હતો..એની પરિસ્થિતિ પણ બીના જેવીજ હતી.ખુદ એની માતાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો..પ્રેમનો એકરાર ના કરી શકવાના આવઢવની આવી ભારે કિંમત ચૂકવવી પડશે.એ બીના કે બકુલને ક્યાં ખબર હતી..કદી પણ એક બીજાની સામે કોઈ વાત છુપાવતા નહિ કશુજ ખાનગી રાખતા નહી… પરંતુ આ એક વાત એકબીજાને જાણ છે માની કદીયે કહી નહિ અને તેનું પરિણામ આટલું દર્દનાક આવશે તેની જાણ આ ભોળા જીવોને નાં હતી। ..
 
ડીસેમ્બર મહિના પહેલા બીનાને અભ્યાસ પૂરો કરવાનો હતો..બીના એની પરિક્ષાની તૈયારીમા ગળાડુબ હતી..કોલેજે હજુ બંને સાથે જ જતા હતા.કોલેજે જતી વખતે અને આવતી વખતે પણ બકુલ બીના સાથે પહેલા જેમ એકદમ ઓતપ્રોત થઇને વાત નહોતો કરતો…ખપ પુરતી વાતો કરતા છતાય એકબીજાના સાનિઘ્ય માટે ઝંખના રાખતા ,બંને ભારે સમજુ હતા અને પોતાના પરિવારના હિત જોખમાય એવું કશું કરવા માગતા નહોતા , ખાસ બીના એના પીતાની એકદમ વ્હાલસોયી દીકરી હતી અને બીનાના સ્વભાવમાં અને વર્તનમાં પણ એના પિતાની અસર દેખાવ આવતી હતી તેના પાતાની સામે કોઈ આગલી પણ ચીંધે તે તેને મંજુર ના હતું
 
 એક દિવસ કોલેજેથી આવી ઉદાસ બીના રૂમમાં બેઠી હતી ત્યારે એની માતા સ્મિતાબેન ત્યા આવ્યા અને માથા ઉપર હાથ ફેરવીને પૂછવા લાગ્યા,”બેટા તું ખૂશ તો છે ને ? હું અને તારા પિતાજી  બહુ જ ખૂશ  છીએ.” માતા અને પિતાની ખુશી સામે એક પુત્રી શું જવાબ આપે ?
 
બીના મનોમન વિચારતી આમ પણ બકુલે ક્યા કદી તેના પ્રેમ નો એકરાર કર્યો હતો ? છેવટ તેણે મનોમન માની લીધું કે આ એક પક્ષીય પ્રેમ હતો….. કદાચ !!!!
છેવટે બીનાએ મન માનવી લીધું અને સમય થતા સૂર્ય અને તેનું ફેમીલી આવી ગયું.છ ફૂત લાંબો અને સરસ દેખાવડૉ સૂર્ય સ્વભાવે બહુ સાલસ અને પ્રેમાળ હતો..લગ્ન ર દિવસ પહેલા સૂર્ય બીનાને મળ્યો પણ ખરો ત્યારે બીના એની સામે બહું બોલી ના શકી…
અને આ બાજુંની લગ્નની તૈયારી શરૂ થઇ ગઇ..ગામનું પહોચતું પામતું ઘર હોવાથી..
સુંદર મજાની ફૂલોની સજાવટ અને રંગબેરંગી તોરણૉ અને રોશનીથી ઘર શણગારવામા આવ્યું.સુંદર મજાનો માંડવો બંધાયો અને ઝબુકતી રોશનીથી તેને સજાવ્યો,અને બીનાને ગમતા જુહી અને લીલીના ફૂલોથી આખો માંડવો મહેકાવ્યો.
 
આ બધા કામમાં બકુલે સૌથી વધારે મહેનત કરી હતી,એમ વિચારીને કે તેની પ્રિયને માટે કરવાનું આ છેલ્લું કામ છે.અંદર દુલ્હનના જોડામાં સજેલી બીના બહુ ખૂબસૂરત લાગતી હતી.અદલોઅદલ જાણે કોઇ પરી સજી હોય એવી લાગતી હતી..આ સજાવટ અને શણગારમાં પણ બીનાની આંખોમાં અજબ ઉદાસી દેખાતી હતી,આ જોઈને તેની સખી તેની પાસે આવે છે અને પૂછે છે કે,”હવે શું દુખ છે તને કશું  ખૂટે છે ?
 
બસ આટલું પુછતાની સાથે આંખમાંથી બોર બોર જેવડા આંસુડા ખરી પડયા.પરાણે આંસુ ખાળતા તે જવાબ આપે છે,”જરા જઇને બકુલને અહી બોલાવી લાવ!”
 
થોડીવારમાં તેનો સૌથી વહાલો મિત્ર બકુલ અંદર આવે છે .બંને એકબીજાના હાથ ક્યાય સુધી પકડીને બેસી રહે છે બંનેની આંખોમાં દુનિયા આખીનું દર્દ હતું।  અચાનક બકુલ બોલી ઉઠે છે “બીના લગ્ન મંડપમાં નહી આવું શકુ,તને કોઈ બીજાની થયા કેવી રીતે જોઈ શકુ…”આટલુ બોલતા તો બકુલ જાણે અંદરથી તૂટી ગયો હોય જાણે શરીરમાંથી અત્મા નીકળતો હોય એવું અનૂભવવા લાગ્યો..              
 
બીનાની આંખોમાં એક ચમકારો થાય છે તે સમજી જાય છે આ જુદાઈનું દુખ બંને પક્ષે સરખું  છે.
 
રૂમમાથી જવાન ડગ ભરતા બકુલનો હાથ પકડીને બીના કહે છે,”હવે આ શક્ય નથી મારી વિદાઈ વખતે છેલ્લી ઘડી સુધી હું તને જોવા માગું છું હું જાણું છું..તું મારો બોલ કદી નહી ઉથાપે ..આજે બંને પાસે એક બીજાને કહેવા માટે  કોઈ પાસે શબ્દો નહોતા..બસ વહેવાને આંસુનો ખારો દરિયો હતો…” બીનાની વાતનો મૌનસુચક જવાબ “હા”નો બકુલની આંખોમાથી બીનાને મળી ગયો..        
 
ત્યા તો ગોર મહારાજનો અવાજ બંનેના કાને પડયો..”કન્યા પધરાવો સાવધાન…એક વાર બે વાર….અને ત્રીજો સાદ પડે એ પહેલા તો બીનાની સહેલીઓ બીનાને લેવા આવી પહોચી…ઉદાસ બકુલ બીના સાથે હળવે પગલે ચાલવા લાગ્યો….બાજોઠ પર બીના બેસી ત્યારે એની નજર બકુલ પર પડી….બીનાની નજરમાં પોતાના અસ્તિત્વની ઝાંખપ સહન ના થતા બકુલ બીનાની નજરથી દૂર સરી ગયો.
 
રંગેચંગે લગ્નવિધિ પૂરી થઇ…બીના હવે સપ્તપદીના બંધન તળે સૂર્ય સાથે બંધાય ગઇ હતી…બકુલ માટે એના હ્રદયની રાણી સૂર્યના અંતઃપૂરની પટરાણી બની ગઇ હતી…લાગણીનું યુધ્ધ એક દીકરીના પીતાપ્રેમ સામે હારી ગયું હતું….એક રેખા જે હથેળીમાંથી સરકીને બીજાની હથેળીમાં સ્થાયી બની ગઇ હતી…
 
લગ્ન પછી સૂર્ય અને બીના પાંચ દિવસ માટે માલદિવ હનિમૂન માટે ઉપડી ગયા..  ..હનિમૂનમાથી પાછા ફરીને સૂર્ય બીનાને પીતાને ઘરે મૂકીને લંડન રવાના થયો…અને જતા જતાં બીનાને જોરથી બાથ ભીડીને કહ્યું,”મારી વ્હાલી!બસ થોડા મહિના રાહ જોવાની છે…પછી તું અને હું લંડનમાં સાથે રહીને જિંદગીની મૌજ માણીશુ…”
 
હવે બીના રોજ સેથીમાં સીંદુર પૂરતી હતી…બકુલ સામે જ્યારે આવતી એકદમ સહજ બની જતી..બકુલ પણ બને ત્યાં સુધી અંદરની ભળભળતી વેદનાંને હોઠોનાં સ્મિત તળે છુપાવી રાખતો હતો…
 
બીના સૂર્યની હોવા છતા પણ એના દિલના એક ખૂણે બકુલ માટેની લાગણી અને પ્રેમ અકબંધ સચવયેલો હતો.
 
અંતે લંડન એમ્બેસીમાં બીનાની ત્યાં જવાની પરવાનગીના બધા કાગળૉ પૂરા થયા અને બીનાની લંડનની ટીકીટ અને વિઝાનુ કામ પુરુ થયું.
 
       લંડન જવાની આગલી ઢળતી સાંજે બીના બકુલ સાથે ગામની પાછળી કોર નદીના ઢોળાવ પાસે પોતાની ગમતી જગ્યાએ લટાર મારવા ગઇ..એક કલાક સુધી બંને ભારે મનથી આંખોમાં દુઃખ છુપાવતા વાતો કરી.. છુટા  પડતી વેળા એ બકુલે એક નવીનક્કોર ડાયરી અને ગોલ્ડન પેન બીનાને હાથમા આપતા કહ્યુ,”બચપણથી લઇને અત્યાર સુધી તારી સઘળી ખૂશી અને દૂઃખ મારી સાથે વહેચ્યા છે….હવે હું તારી નજરથી દૂર સાત દરિયા પાર રહેવાનો છુ,હવે જ્યારે પણ મારી યાદ આવે ત્યારે તારી ખૂશી અને દૂઃખની વાતને આ ડાયરીમા લખતી રહેજે. …
 
 જેવી બીના ડાયરીને ખોલે છે,પહેલા પાના પર બકુલનાં સુકાએલા આંસુના બેચાર ટીપા ઉપર નજર પડે છે…આ જોઇને બીનાની આંખોમાંથી બીજા ચાર ટીપા ટપકી પડે છે પેલા સુકા પાનને ફરી ભીનાશ આપવા ….બીનાના આંસુ અને બકુલનાં આંસુનું ડાયરીના પહેલા પાને મિલન થયું….જતી વેળા બીના એના હાથને બકુલના હાથની મજબૂત પકડમાથી ધીરે રહીને છોડાવે છે….હજું તો થોડે દૂર ગઇ ત્યાં તો અચાનક દોડીને બકુલને ભેટીને મન મુકીને રડવા લાગી…..બકુલે એને સધિયારો આપીને માંડ છાની રાખી અને બીનાને ઘર સુધી વળાવી આવ્યો..જ્યાં સુધી બકુલ આંખોથી દૂર ના થયો ત્યાં સુધી બીના એના ધરના દરવાજા પાસે ઉભી હતી…બકુલ નજરથી ઓઝલ થયો હોવા છતા….બીનાનો એક હાથ બકુલને આવજો કહેવા ઉંચો થયો હતો એ કેટલીય વાર સુઘી એમને એમ યથાવત રહ્યો
 
બીજે દિવસે બીના પોતાની સાથે પહેલી દોસ્તી કે પ્રીત કશું ના સમજાય એની યાદોનો સામાન અણકથ્ય અધૂરી કહાનીના પ્રકરણના અનેક હિસ્સા અને પીતા તરફથી મળેલી કપડાની જોડોનો સામાન લઇને રનવે પરથી બ્રિટીશ એરવેઝના વિમાનમાં  લંડન તરફ પ્રયાણ કર્યું
    **************************************
લંડના હિર્થો એરપોર્ટ પર વહેલી સવારે બીના ઉતરી.લગેજ ચેકીંગ બધી વિધિ પતાવીને એરપોર્ટની બહાર આવી તો સામે જ સુર્ય હાથમાં લાલ ગુલાબનો મોટૉ બુકે લઇને પોતાની પ્રિયાને આવકારવા હસતા મુખે ઉભો હતો….સુર્યએ બીનાને જોતા જ હાથમાં બુકે થામીને પોતાની બાથમા ભીડી લીધી….બીનાને થોડું અજુગતું લાગ્યુ પણ આજુબાજુ નજર ફેરવી ને એને ભાન થયું કે આ હિંદુસ્તાનનું એનું ગામ નથી..આ પરદેશની ધરતી હતી…અહીંયા જાહેરમાં આંલિંગન કરવું સહજ છે..
 
સૂર્યના આ ઉષ્મા અને પ્રેમ ભર્યા આવકારે બીનાના તપતા મનને રાહત મળી.
 
સમય તેની ગતિએ વધતો રહ્યો પણ.. આ છુટા પડેલા જીવો બીના અને બકુલ માટે સમય ત્યા જ રોકાઈ ગયો હતો..જે નદીના પટ પાસે છેલ્લે મળ્યા હતા..ક્યારેક બકુલ બહું ઉદાસ થતો ત્યારે આ જગ્યાએ આવીને કલાકો સુધી બેસી રહેતો
 
આ બાજુ બીના પણ હવે ઘીમે ઘીમે લંડનના વાતાવરણમા પોતાના રોજિંદા જીવનમાં ગોઠવાતી જતી હતી..ક્યારેક વતનની બહુ યાદ આવે તો ફોન કે પત્ર દ્વારા ત્યાં પહોચી જતી..જેટલી વાર બીના એ બકુલનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો એ બકુલ તરફથી કોઇ જવાબ નહોતો મળતો..શરુ માં તો લાગતું કે તેમનું નશીબ જ આળું છે પછી તેને સમજાવા લાગ્યું કે જાણીજોઈ બકુલ તેને અવગણે છે..અથાક પ્રયત્ન કરવા છતાં ક્યારેય તેની વાત બકુલ સાથે બીનાની વાત થઇ ના શકી..આ વાતનો અજંપો સતત બીનાના દિલમાં રહ્યા કરતો..આ બાબતથી પીછો છોડાવવા એ સુર્યના સ્ટૉર્સ પર મદદ કરવા પહોચી જતી..બીનાને સ્ટોર્સમા કામ કરતી જોઇને સૂર્યને મનોમન ખૂશી થતી હતી
 
બીનાને ક્યારેક કોઈ સાથે મનદુઃખ થાય કે જીવનમાં અડચણ આવે ત્યારે તે બકુલે આપેલી ડાયરીના પાના ભર્યા કરતી..આમ ને આમને આમ ત્રણ વર્ષ પુરા થયા..એક દિવસ બીનાને સારા દિવસો જાય છે એવુ ડૉકટરે કહ્યું…એ દિવસથી સૂર્યએ બીનાને સ્ટોર્સ પર આવવાની મનાઇ કરી દીધી..બાપ બનવાની ખૂશીના કારણે બાળકના જ્ન્મ પહેલા ઘણા બધા રમકડા અને ટેડીબેર વસાવ્યા હતાં આખા ઘરમાં ખુશીનો માહોલ હતો
 
 સમય જતા  બીનાએ રૂપાળી દીકરીને પૂજા જન્મ આપ્યો સમયની અછતના કારણે અને તેની ડીલીવરીના છેલ્લા સમયને કારણે બીના એના ભાઈના લગ્નમાં ના જઇ શકી.. 
 
પરિણામે બીનાને પીયર તરફથી વતન આવવાનો વારમવાર તકાજો થતો હતો.અંતે માતા પીતાના અને ભાઇ-ભાભીના આગ્રહના કારણે એ વીસ દિવસ માટે હિંદુસ્તાન એની દીકરી પૂજા સાથે રવાના થાય છે.
 
હિંદુસ્તાનની ધરતી પર ઉતરતાની સાથે બીનાના વિચારોમાં બકુલ ધોળાય ગયો..મનોમન બીના વીચારતી હતી કે,બકુલ સાથે મુલાકાત થશે અને કોણ જાણ એ મને કેટકેટલું સંભાળવશે….કેટલી ફરિયાદ એક સાથે મારી સામે કરશે….બચપણથી લઇને યુવાની સુધીની યાદોની મીઠી મુશ્કાન બીનાને ચહેરે આવી ગઇ,અને થોડી હળવાશ અનૂભવે છે.
 
પણ હાય રે કિસ્મત!!!…જેને નશીબમાં પોતાના પ્રિય પાત્રને મળવાનું જ નહોતું લખ્યું.
તે દરેકની માટે કંઈક ને કંઈક યાદ્ગીરી સ્વ્રૂપે ભેટ લાવી હતી બધાને હાથોહાથ આપી આવી ,તે ખાસ બકુલ માટે એ સુંદર કાંડા ઘડીયાર લાવી હતી જેમાં  એલાર્મ ફીટ કરેલું હતું અને રોજ સવારે આઠ વાગ્યાનો સમય જ્યારે તે સાથે સ્કુલ જતા તે ગોઠવશે,તેની ખાસ ઈચ્છા હતી કે જાતે તેના હાથે બાધી દેશે.
 
પણ અહી આવીને બીનાને જાણવા મળ્યું કે બકુલ તો એક મહિના માટે પોતાના નવા બીઝનેસ માટે ચાયના ગયો છે..જેટલી ખુશી તેને સ્વજનોને મળવાથી બીનાને થઇ હતી,  તેનાથી બમણૂ  દુઃખ તેના આપ્તજન બકુલને નાં મળવાથી થયું..બચપણનાં સાથીની માટે મિલનનું જે આંદોલનો તેના હૃદયમાં ઉપડયુ તે એક ઝાટકા સાથે આવેગરહિત બની ગયું.
 
પાછળથી બીનાને જ્યારે જાણવા મળ્યું કે તેના આવવાની બકુલને ખબર પડી એટકે બકુલે જાણીજોઇને તેની બીઝનેસ ટ્રીપ બીના જ્યારે અહીંયા હોય એ સમય દરમિયાન ગોઠવી હતી. મનોમન હતાશા સાથે બીના દુઃખી દુઃખી થઇ ગઈ.આ  આઘાતે તેને સમજાવી દીધું કે જેને જીવનનું એક કેન્દ્ર માની રહી હતી તે એક મૃગજળની પ્યાસ હતી.
 
 
બસ એક આઘાતે તેને સાવ એકાકી કરી દીધી। જેટલા દિવસો અહી રહીને બીના બધાની સાથે બહારથી બહુ સાહજિક અને ખુશ જણાતી પણ અંદરથી તૂટતી જતી હતી.છેવટે બીનાને પાછા ફરવાનો સમય આવ્યો..જવાના આગલા  દિવસે તેના વતન અને ઘરને બહુ ઝીણવટથી નીરખી લીધુ,જાણે કે હવે આ તેની છેલ્લી સફર હોય એવી રીતે બધું નિહાળતી રહી.બીનાને મળવા આવેલા તોરલબેનને વળગીને બીના બહુ રડી..એટલુ તે એ એના વિદાયના દિવસે પણ નહોતી રડી.અને ભેટ લાવેલું બકુલ નું ઘડીયાર તેમને સોપી દીઘું .ફરી એકવાર તેનું પ્લેન રનવે પરથી ઉડાન ભરી લંડન તરફ રવાના થયુ…લંડન સુધી પહોચતા….પ્લેનમાં સતત એની આંખના ખુણે ભીનાશ ચમકતી હતી….આપ્તજનને ના મળી શકાયું એની ઝાંખપ આંખોમા ચોખ્ખી દેખાતી હતી.
 
સમય સરતો ગયો અને આ બાજુ બીનાને ના પામી શકવાથી બકુલે જાણે ના પરણવાનું પ્રણ લઈને બેઠો હતો.કેટલા લોકોએ એને બહુ સમજાવ્યો..જવાબમાં બકુલ માત્ર્મા એટલુ જ કહેતો કે,” નિર્જીવ વૃક્ષ કદી છાયાં પણ આપી શકતું નથી..તો તમે એમાં ફળની આશા ના રાખો…મારી જિંદગીને પાનખર આ જીવન અડી ગઇ છે..”
 
દરેકની કેટકેટલી સમજાવટ નકામી પુરવાર થતી હતી.બકુલનાં માતા પિતાએ બકુલ માટે જે ભાવી જીવનની કલ્પનાના ફૂલોની માળા ગુથી હતી,તે સુકાતી જતી હતી.બકુલની  બંને બહેનો પરણીને સાસરે ગોઠવાઈ ગઈ હતી,અને માતાપિતા નિવૃત થઇ ગયા હતાં.  બીઝનેસનો બધો દોર બકુલનાં હાથમાં સોંપી નિશ્ચિંત હતા બસ આમ જ જીવન ગાડું મંથર ગતિથી વધતું હતું ,
 
એક દિવસ લંડનમાં કોઈ કારણોસર ઉદાસ બીનાએ તેની વહાલી ડાયરીમાં બે ચાર લીટીઓ ટપકાવી તેના મનના ભાવો કઈક અસ્પષ્ટ રીતે આલેખ્યા હતાં.જેમાં તેનું દબાવી રાખેલું દુઃખ દેખાઈ આવતું હતું.અને લખતા લખતા તે ડાયરી બેડના સાઈડ ટેબલ ઉપર મૂકી બહાર ગઈ..
 
અચાનક એ ડાયરી પર સૂર્યની નજર પડી.કુતુહલ વશ ડાયરી ખોલીને વાંચવાનો પ્રયાસ કર્યો..આમ તો સૂર્યને ગુજરાતી બહુ ઓછું આવડતું હતું,છતાય સૂર્ય આ લખાએલા ભાવને સમજી ગયો કે એકદમ ખૂશખૂશાલ રહેતી બીના,મારી સાથે સંપૂર્ણપણે તો ખુશ નથી.
 
હિંદુસ્તાનમાં જેની યુવાની સુધી ઉછેર થયો હોય,એવા પુરુષને માટે આ આધાતજનક વાત હતી..આ ઘટનાને કારણે સૂર્યના પૌરૂષત્વને એક ઊંડો ઘક્કો લાગ્યો..આ ઘટના બીના અને સૂર્ય વચ્ચે સમયાંતર મૌનની અને મૈત્રિભાવ કે લાગણીભાવ વિનાની એક અદ્રશ્ય દીવાલ ચણાવા લાગી.
 
આમને આમ લગ્નજીવન ગાડુ ગબડતું રહ્યુ..અને લગ્નજીવનનાં બાવીશ વર્ષ વિતિ ગયા..બહારના લોકો માટે એકદમ ખૂશખૂશાલ દેખાતા યુગલ જ્યારે,શયનકક્ષમાં હોય ત્યારે ખપપુરતી વાતો કરવા લાગ્યા છતાય બને વચ્ચે  લાગણી નો તંતુ મજબુત હોવાના કારણે જીવન સહેલાઇથી આગળ વધતું હતું અને તેમની વચ્ચેનો મજબુત સેતુ હતો ..બીના અને સૂર્યની વ્હાલસોયી દીકરી પૂજા..જેના કારણે આ સબંધોમાં જીવંતતા લાગતી હતી દુનિયામાં મોટાભાગના યુગલોનું ખાનગી જીવન જોતા,જાણે સંતાનોનાં ઉછેર માટે સહિયારૂં જીવન જીવતા હોય એવું લાગે..
 
આટલા વરસોમાં બીનાના માતા પિતા બે વખત લંડન આવીને પોતાની દીકરીનો સુખી સંસસાર જોઇ ગયા…..
 
હવે પૂજાના લગ્ન ત્યાનાં બ્રિટીશબોર્ન યુવક સાથે થઇ ગયા…પૂજાના પતિને પેરીશ જવાનું થયુ,એટલે પૂજા પણ એની સાથે પેરીશ જતી રહી…હવે બીનાને થોડી એકલતા નડતી હતી….એકલતાને ટાળવા બીના પેઇન્ટીંગ પર હાથ અજમાવ્યો….પોતાના ફાજલ સમયમાં પોતાનાં જીવનનાં રંગોને પોતાના ચિત્રમાં ઉતારતી હતી.અને સૂર્ય તેનો ફાજલ સમય ક્લબ અને મિત્રો સાથે વિતાવી દેતો
 
        એક દિવસ શીયાળાની ઘુમ્મસભરી ઠંડી રાત્રે બીનાને કાને એક ગોઝારી ખબર પડી…માન્ચેસ્ટરથી પાછા વળતી વખતે રસ્તામાં ઘુમ્મસનાં કારણે કાર પર કન્ટ્રોલ ગુમાવતા સૂર્ય અને તેના એક મિત્રનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું….બીનાને કાને આ ખબર પડતા જ જડ બની ગઇ…કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી…..બીજે દિવસે સૂર્યની લાશ ઘરે આવી….અને એને જોઇને બીનાના જડત્વમાં જાન આવી હોય એમ પોકે પોકે રડવા લાગી…..તેના જીવનનો રહ્યો સહ્યો રંગ પણ ઉડી ગયો .
 
સૂર્યના જવાથી બીના અંદરથી સાવ ભાંગી પડી હતી…સૂર્ય તેના  સાલસ અને પ્રેમાળ સ્વભાવ નાં કારણે અને બંને વચ્ચે અદ્રશ્ય દિવાલ હતી છતા,પણ કદી બીનાને કોઇ વાતની કમી ના રહે એ વાતનો હમેશા ખ્યાલ રાખ્યો હતો……ક્યારેક બીના એકદમ સરસ તૈયાર થઇ હોય ત્યારે સૂર્ય જાણે એવી રીતે જોતો કે જાણે આ પહેલા આવી સુંદર સ્ત્રી જોઇ ના હોય…ને પછી થોડી પળમાં એક ઘેરી ઉદાસી સૂર્યની આંખોમાં તરવરી ઉઠતી……
 
સૂર્યના અવસાન પછી ઘીમેઘીમે કરતા બીના અંતર્મુખી બનતી ચાલી.હવે ખાસ કારણ વગર બીના કોઈ સાથે બોલતી નહી.લગભગ એકાદ વર્ષ વિતિ ગયુ.એ દરમિયાન બીના એકલતા ટાળવા થોડા દિવસ પોતાની દીકરી પૂજાને ઘરે જઇ આવી પરંતુ તેની માનસિક અવસ્થમાં કોઈ ફર્ક  નાં જણાયો ….હવે સાસુને પણ તેની ચિંતા થવા લાગી..ક્યારેક તો બીના તેની જાતનું ઘ્યાન પણ રાખવાનું ચુકી જતી.
 
બીનાની આવી હાલત એના સાસુંથી ના જોવા અંતે બીનાને થોડા દિવસ હિન્દુસ્તાન મોકલવાની તજવીજ કરી,જેથી કરીને બીનાની માનસિક સ્થિતિમાં સુધારો આવે.
 
એક દિવસ સૂર્યના મિત્રનો સંગાથ મળતા બીના ઇન્ડીયા પોતાના ઘરે આવે છે ..બીનાની હાલત જોઇને એના માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા…આખા ગામમાં બીનાના રૂપની તોલે કોઇ છોકરી નહોતી…એ બીના આજે પચાશમાં વર્ષે રૂપ અને નૂર વિહોણી લાગતી હતી….બીનાને જોતા  જ એની વૃધ્ધ માંતાએ અને બે હાથ પહોળા કરી બાથમાં લઇ લીધી…મા દીકરી બેંઉની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા…..બીનાની પિતાની આંખો પણ ભીની થઇ ગઇ.
 
થોડા દિવસ માતા પિતા સાથે રહેવાથી બીના રાહત અનુભવતી હતી…બકુલને ખબર હતી કે હવે બીનાનો પતિ આ દુનિયામાં નથી…તેથી એ રોજ સાંજે ઘરે વહેલો આવ્યા લાગ્યો…અને સીધો બીના પાસે પહોચી જતો….પચાશ વર્ષ પાર કરી ચુકેલા હૈયાઓમાં શારિરીક નીકટતા કરતાં માનસિકતા કેળવી શકે એવા સાથીની જરૂર હોય છે…બીનાની જિંદગીમાં બકુલ હવે મલમનું કામ કરતો હતો….એક પુરુષ જાતનું મતલબી પણું છાને ખૂણે તો દેખાય જ આવે છે…..અને બકુલ જાણતો હતો કે બીનાનાં જીવનમા હવે મારા સિવાઇ કોઇ પુરુષ નથી….એટલે જાણે બીના માટે પાછલી કોઇ ફરિયાદ કરવાને બદલે બીનાને પળેપળ ખૂશ રાખી શકે એ બધો ખ્યાલ રાખવા માંડ્યો….
 
     બીનાને ક્યારેક સાંજે જ્યાં છુટા પડ્યા હતા એ નદી કીનારાવાળી જગ્યાએ લઇ જતો…ક્યારેક એની નવી કારમાં લોંગ ડ્રાઇવ પર લઇ જતો અને જતો અને પહેલાની જેમ બીના ક્યારેક ખોવાએલી લાગે તો હાથમાં તેનો હાથને પકડીને ઉષ્માનો સંચાર કરતો , બંનેનો પ્રેમ આત્માનો પ્રેમ હતો જે હમેશા શારીરિક આકર્ષણ થી પરે હોય છે.
 
બીનાને બકુલની સોબતની અસર દવા જેવી કામ કરી ગઇ…અહીંયા આવ્યાને ત્રણ મહિનામાં બીનાનો વાન ફરી ખીલવા લાગ્યો અને બીના પણ પોતાના શરીરનું ધ્યાન રાખતી હતી….દરેક કામ માં તેનો જીવ પરોવાતો ગયો,અને તેનામાં આવી રહેલા આવા પરિવર્તનથી ઘરમાં બધા ખુશ હતા..કહેવાય છે ને કે ક્યારેક દવા નહિ પણ દુવા કામ લાગે છે બસ આવું જ કૈક આ ઘટનામાં બન્યું હતું.!!
 
આ વાત બકુલની માતા તોરલબેનનાં ખ્યાલમાં પણ બરોબર આવી ગઇ હતી….તે જાણતા હતા કે બકુલના આજ દિવસ સુધી નાં પરણવાના નિર્ણય પાછળ બીના હતી તેથી મનોમન નક્કી કર્યુ કે એક બીજા માટે બનેલા હૈયાને આટલા વરસો નોખા પાડ્યા છે તો હવે બંનેને એક કરવાનું પુણ્ય કરી નાખવું જોઇએ.
 
તોરલબેનથી અજાણતા થયેલી ભૂલને સુધારવાનો મોકો હતો….એક દીવસ મોકો જોઇને બીનાનાં માતા-પિતા સમક્ષ આ પ્રસ્થાવ મુક્યો અને આ પહેલા લંડન તેમના ફોઈ એટલેકે બીનાના સાસુ ની સંમતી લઇ લીધી હતી , તેમની વાત સાભળતા બધાને એક આશા ભર્યા જીવનનો ચમકારો દેખાયો અને યોગ્ય સમયે બઘાએ સાથે મળી આવાત બકુલ બીના ને સમજાવી , બીના શરૂવાતમાં આનાકાની કરતી હતી પણ દરેકની સમજાવટ  કામ કરી ગઈ  અને છેવટે આવતા મહિનાનું એક સારૂ મુર્હત જોઇને બંનેના એક કરવાની તારીખ નક્કી કરી..
 
બીનાના વિઝા પુરા થતા હતા એ વિઝાની મુદતમાં વધારો કરવા માટે બીના અને બકુલ બંને સાથે મુંબઇ બ્રિટીશ હાઇકમિશ્નરની ઓફિસે જઈ આવ્યા
 
હવે બકુલ અને બીનાને એક થવાની તારીખ આવી ગઇ….પેરીશથી ખાસ બીનાની દીકરી પૂજા અને એનો પતિ આવી પહોચ્યા હતાં..બીનાના સાસુ ખાસ લંડનથી આવ્યા હતાં..બીનાને ફરીથી તૈયાર કરી અને સાદગીથી પાસેના મંદિરમાં વિધિવત બકુલ સાથે ફરીથી પરણાવી…
 
બીનાને સુંદર રીતે તૈયાર થયેલી જોઇને પૂજાના પતિએ મજાકમાં કહ્યું….”પૂજા સી’ઇઝ લુકસ લાઇક યોર ઓલ્ડર સિસ્ટર…..”
 
બધાને ચહેરે એક ખૂશી સભર સ્મિત આવી ગયુ….ફકત એક બીનાના ચહેરે આજે શરમનો ભાવ ઉપશી આવ્યો હતો…અને ગાલો પર લાલી ઉપશી આવી હતી….પૂજાએ એની મમ્મીના બંને ગાલોને ચૂમી લીધા…આને બોલી…”માઇ બ્યુટીફૂલ મોમ…લુકીંગ ગોર્જિયસ…..લવ યુ મોમ..ગોડ બ્લેસ યુ એન્ડ માઇ લવલી ડેડ…” આટલું બોલતા તેણે ઉપર આભ તરફ નજર કરી કે જાણે  દુરથી પણ સૂર્યનો આત્મા ખુશી પોતાની ચમકમાં    દર્શાવી રહ્યો એવું લાગ્યુ. 
 
રેખા પટેલ (વિનોદિની )
ડેલાવર ( usa )
Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: