RSS

સંવેદનાનું સીમકાર્ડ ;ખુશીનો અહેશાસ

10 Sep

આજે સવારથી હું બહુ ટેન્શનમાં હતો.એક મહિનામાં રીક્ષા ચલાવી પચાસ હજાર રૂપિયા હું કેવી રીતે ભેગા કરીશ?આખી જિંદગી તનતોડ મજુરી કરી રીક્ષા ચલાવી અને માંડ દોઠ લાખ રૂપિયા અને આ ચાર તોલા જેટલું સોનું જમા કરી શક્યો છું.એ  મારો નફો ગણો કે મૂડી જે કાંઇ હતું આ મારી જિંદગીનું જમાં ખાતું હતું.

મારી દીકરીને ગ્રેજ્યુએટ થઇ ગઇ.દીકરાને બીકોમ કરાવી બેંકીંગ સવિર્સનો  કોર્સ કરવા દાખલ કર્યો હતો,બસ હવે હું રાહ જોતો હતો કે ક્યારે બંને ભણીને પોતપોતાની નોકરીએ લાગે તો અમારા સારા દિવસો આવે.

એ જ કારણસર હું અને રમીલા ભગવાનને પ્રાર્થનાં કરતા કે,”બસ અમારું જીવન તો જેમ તેમ ગયું પણ દીકરા દીકરીનું જીવન સુધરી જાય અને બે પાંદડે સુખી થાય.
 
થોડા દિવસ પહેલા તો લાગતું હતુ કે અમારી પ્રાર્થના ફળી ગઇ.જ્યારે અમારી દીકરી નીલાને એક અમારા ઘર કરતા સારા ઘરના સુનીલનું માગું આવ્યું. કારણકે અમારી નાતમાં  છોકરીઓ બહુ ભણતી નહી.પણ અમારી નીલા ભણી હતી અને વધારેમાં તેની મા જેવી દેખાવડી પણ હતી.
 
સુનીલ એક ફેકટરીમાં સારા હોદા ઉપર હતો.અહી ભોપાલ શહેરના બીજા છેડે તેમનું નાનું પણ પોતાનું ઘર હતું.જ્યાં તેની નાની બહેન અને માં બાપ સાથે રહેતો હતો.

“હાશ રમીલા ! આ નીલાનું બહુ સારે ઠેકાણે ગોઠવાઈ ગયું હવે જોજે ને ઉપર વાળો આપણા કાન્તિને પણ આમજ ગોઠવી દેશે”નીલાનું સગપણ નક્કી થયાં પછી હાશકારો થયો.         

“હા તમારી વાત સાચી છે.આપણે કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નથી.તો આપણું કશુ ખોટું ઉપરવાળો નહિ થવા દે….બસ હવે કાન્તિનું નોકરીનું ગોઠવાઈ જાય પછી હું તમને આ રીક્ષા ચલાવવા દેવાની નથી.”

બધાય ખુશ હતા બાદ આ દિવાળી પછી લગન નક્કી થયા.અને હું દીકરી જવાની વાતથી દુઃખી થતો.છતાંત દીકરી પારકું ધન માની એ સારે ઠેકાણે જવાની છે,એમ  વિચારી ખુશ થતો હતો.
 
પચાસ હજાર રૂપિયા લગ્ન પ્રસંગના જમણવારમાં ખર્ચાઈ જશે.બાકીનાં રૂપિયામાં નીલાના કપડા,કરિયાવરની વસ્તુઓ આવશે.આમ બધો હિસાબ અમે મનોમન માંડી રાખ્યો હતો.હું માનતો હતો કે અમારે ક્યાં ખોટા ખર્ચા કે દેખાડા કરવાના હોય.એટલે થોડી કરકસરથી પણ આ પ્રસંગ પાર ઉતરી જશે

હવે હું વધારેને વધારે સવારીઓ શોધતો.જેથી જે કઈ વધારાની બચત થાય.એમાંથી રમીલા અને કાન્તીને પણ સારા બે જોડ કપડા કરાવી દેવાય.

બસ હવે લગ્નને મહિનો આડો રહ્યો ત્યાજ એક સવારે વેવાઈ મળવા આવ્યા,અને બોલ્યા,”ભીખાભાઈ….., લગનના વહેવારની વાત કરવી હતી,માટે હું એકલો જ તમને   મળવા આવ્યો છું.”એમની વાત સાભળતા મારા પેટમાં ફાળ પડી.
“હા…હા,બોલોને વેવાઈ,શું કામ અચકાવ છો?”મેં પરાણે હસતું મ્હો રાખી મેં ઠાવકો જવાબ આપ્યો.
“જુવો વેવાઈ,અમને છોકરી સારી જોઈતી હતી અને એ તમારી નીલા દીકરી છે.પણ અમારી ઈચ્છા એવી છે કે,તમે જોડે પચાસ હજાર રોકડા આપો.જેથી હું સુનીલ અને નીલાના ભવિષ્યનું વિચારી શકું.”વેવાઈ દાણો દબાવી બોલ્યા
 
વેવાઇની વાત સાંભળીને મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ.”હવે ક્યાંથી લાવું એક મહિનામાં પચાસ હજાર”એ વિચાર કરતાં કરતાં,”ભલે કહીને વેવાઈને વિદાય કર્યા।

અમારા સગાઓ પાસેથી જાણવા મળ્યું કે વેવાઈની દીકરીના લગ્ન નક્કી થયા છે.તેમાં સામે વાળાએ પચાસ હજાર દહેજમાં રોકડા માગ્યા હતા.જે અમારા વેવાઈને અમારી પાસે ખંખેરવાણ માંગતાં હતા.

“નીલા…, હું કાન્તીના લગ્નમાં આ ચીલો આગળ નહી વધવા દઉ પણ આ વખતે શું કરીશું” હું માથે હાથ દઈ બેસી ગયો. પણ હવે તો આ લગ્ન પતાવ્યા વિના છુટકો જ ક્યા હતો.નહીતર દીકરી નાતમાં બદનામ થઇ જશે

પરંતુ એક મહિનામાં આટલા રૂપિયા લાવવા?મારો એક બાપનો જીવ હતો.કેમેય કરીને દીકરીનું ભવિષ્ય બગડે એ હું કેમ જોઈ શકું?સવાર સાંજ બસ હું રીક્ષા દોડાવ્યે રાખતો હતો. આજે આખો દિવસ સવારી મળતી રહી.સાંજ પડતા તો થાકીને લોથપોથ થઇ ગયો હતો. રાતના દસ વાગ્યા હતા.આ છેલ્લી સવારી વિચારીને રીક્ષામાં બેઠેલી સવારીને શહેરથી દુર આવેલી રામ ગલીમાં છોડી ઘરે આવ્યો.

રીક્ષાને ફળિયામાં રાખીને ઘરમાં અંદર જતો હતો ત્યાં મારી નજર પાછલી સીટમાં પડેલી એક બેગ ઉપર પડી.હું એ બેગ ઉઠાવી અંદર આવ્યો અને બેગ ખોલીને જોયું તો,મારી આંખો ચાર થઇ ગઈ.અંદર રૂપિયાની થપ્પીઓ હતી.ગણીને જોયા તો પુરા બે લાખ રૂપિયા હતા.

આ રૂપિયા જોઇને તુરત જ વિચાર આવ્યો,”નીલાના લગ્ન માટે અને કાન્તીના ભવિષ્યની વ્યવસ્થા એક જ બેગમાં થઇ ગઇ.”
 
ત્યાજ રમીલાનો સ્નેહ ભર્યો હાથ મારા ખભે અડ્યો”આજ સુધી આપણે અનીતિનું ખાધું નથી.  તો હવે આ પારકાં ધન પર નજર કેમ ખરાબ કરવી.”

રમીલાની વાત સાંભળીને મારી આંખો ખુલી ગઈ.હું સ્વપ્ન છોડી બહાર આવી ગયો …
બેગને બરાબર તપાસી તો પાછળથી એક ઘરનું સરનામું લખેલી ચિઠ્ઠી જડી આવી.

એ બેગ હાથમાં લઇને,”રમીલા હું આવું છું”કહેતા બેગ લઇ નીકળી ગયો !!

હું સરનામા વાળી જગ્યા ઉપર પહોચી ગયો.એક બારી ખુલ્લી જોઈ મેં અંદર નજર નાખી તો ત્યા એક લગભગ મારી જ ઉંમરના એક ભાઈ ત્યાં બેસીને રડતા હતા.અને આ એ જ ભાઈ હતા જે મારી રીક્ષામાં બેઠા હતા.બાજુમાં તેમના પત્ની પણ આમ જ રડતા હતા.અને ખુણામાં તેમનો યુવાન દીકરો ખાટલામાં બીમાર પડ્યો હતો.બાજુમાં બેઠેલીપત્ની તેનો હાથ પકડીને ઉદાસ બેઠી હતી.

પેલા ભાઇ બોલ્યા,”આ મારી જ ભૂલ છે.બે લાખ ઉછીના મળ્યા હતા.જેનાથી હું દીકરાની કીડનીનું ઓપરેશન કરાવી શકત,પણ બહુ ચિંતામાં અને વિચારોમાં હું આખી બેગ  રીક્ષામાં ભૂલી ગયો.અને હાથે કરીને મારા દીકરાનું મોત માગી આવ્યો”આટલું બોલતા જ એસજ્જન ચોધાર આંસુ રડી પડ્યા.

મેં પળનો વિલંબ કર્યા વિના ખાલી વાસેલું બારણું ખોલી અંદર પહોચી ગયો.અને તેમની સામે એમની જ  બેગ મૂકી દીધી.બેગને જોઇને ત્યા બેઠેલાળ્ બધાની નજરમાં જાણે એક જીવંતતા છવાઈ ગઈ.ઉપરવાળાને હાથ જોડી આકાશ તરફ મીટ માંડી.

અને હોઠો ઉપર મારી માટે આશીર્વાદ વરસતા રહ્યા.બસ હું ખુશીથી ભરેલા  હદયને લઇ ઘરે આવ્યો.બરાબર ત્યા જ મારા ઘરે વેવાઈના સમાચાર આવ્યા કે તેમની દીકરીના વેવિશાળ દહેજના વિરોધનાં કારણે સગપણ તોડી નાખ્યું છે.અને અમે પણ નીલા દીકરીને પહેરેલા કપડામાં ઈચ્છીએ છીએ.

મારા અને રમીલાના હાથ આપોઆપ ઉપર વાળા સામે જોડાઈ ગયા.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ )

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: