સરલાનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો.ચાર ભાઈ બહેનોમાં ત્રીજા નંબરે સરલા હતી.ઘરમાં વધું સભ્યો હોવાથી રૂપિયા પૈસાની ખેચનાં કારણે હંમેશા મનગમતી વસ્તુઓનો અભાવ રહેતો હતો.
સરલા આમ પણ બીજા ભાઈ બહેનોમાં વધારે શોખીન હતી.વધું પડતી મહત્વાકાંક્ષી, આત્મકેન્દ્રીય,ફેશન પરસ્ત હતી. અને બદલાતા જમાના સાથે એ બદલતી રહેતી હતી.પોતાનો શોખ ગમેતેમ કરીને પુરા કરવાનો પ્રયત્ન કરતી રહેતી હતી.છતાં પણ અભાવોના ફૂલો દિવસે દીવસે તેની યુવાની સાથે વધુ ખીલતા જતા હતા.
બે મોટી બહેનોના લગ્ન પછી હવે તેનો વારો હતો.થોડી ઘણી બચત બંને બહેનોના લગ્નમાં ખર્ચાઈ ગઈ હતી.હવે તેના માં બાપ ગમે તેમ કરીને આ પ્રસંગ આટોપી લેવાની વેતરણમાં હતા.એવામાં એક સામાન્ય પરિવારમાંથી સરલાનું માંગું આવ્યું.સરલાનાં લગ્નની ઉતાવળમાં સારૂં ઠેકાણું હોવાંથી તુંરત હાં ભણી દેવામાં આવી.
મુકેશ એમકોમ કરેલો સામાન્ય પરિવાર માંથી આવતો સંસ્કારી યુવાન હતો.દેખાવમાં ઠીકઠાક હતો.છતા દેખાવડી સરલાએ લગ્ન માટે તરત હા કહી એવું એક માત્ર કારણ એ હતું કે મુકેશ તેના માં બાપનું એક માત્ર સંતાન હતું.શહેરમાં તેના માતા પિતા સાથે નાનકડા પોતીકા મકાનમાં રહેતો હતો.
શોખીન મિજાજની સરલાને લગ્ન પછી સમજાઈ ગયું કે મુકેશની પ્રાઈવેટ ઓફિસમાંની નોકરીમાં શહેરમાં રહેવાથી ખાસ બચત થતી નથી.અને આ રીતે તેના અધુરા શોખ ક્યારેય પુરા નહિ થઈ શકે.આમ તો મુકેશ એને બહુ જ પ્રેમ કરતો.પણ સરલા માનતી હતી પૈસા વિનાંનાં પ્રેમથી કઈ પેટ નાં ભરાય.
શહેરનું આ બે રૂમનું મકાન સરલાને અને એનાં વિશાળ સપનાઓને નાનું પડતું હતું.આ જ કશ્મકશમાં સરલાનાં લગ્નને એક વર્ષ પુરું થયું.
હવે સરલા રોજ રોજ મુકેશને વધુ કમાણી કરવા દબાણ કરતી.ક્યારેક તો મેણા મારતી કે, “તમારામાં કશું કરવાની તાકાત જ નથી.બાજુ વાળા રમેશભાઇ પાસે પાંચ વર્ષ પહેલા કશું નહોતું.આજે એની પાસે કાર છે.અને આંખું મકાન પાડીને નવેસરથી બનાવ્યુ.”
સરલાની રોજની કચકચથી ત્રાસી જઈને મુકેશે પોતાનું મકાન વેચીને માતા પિતા સાથે ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા.એને મકાન વેંચીને આવેલા પૈસાથી નાનકડો ઘંધો શરુ કર્યો.
આ બાજુ જલદી પૈસા કમાવાની જીદમાં મુકેશ નીતિ અનીતિ બધું ભૂલી ગયો.અને આ બાબતમાં મુકેશની બુદ્ધિ અને આવડત સાથે નશીબ પણ સાથ આપતું હતું.જોતજોતામાં તેને ધંધામાં સારું એવું નામ કમાઈ લીધું.અને જેમ પૈસો વધે એમ પૈસાની લાલચ વધતી જાય છે..અને જ્યારે પુરુષનાં મન ઉપર પૈસો હાવી થઇ જાય છે.ત્યારે લાગણીના સ્પંદનો,પ્રેમ જેવું બધું એક ખુણામાં રહી જાય છે.હવે મુકેશ રૂપિયા કમાવાની હોડમાં ગળાડૂબ ખુપવા લાગ્યો.પહેલા સમયસર ઘરે આવતો મુકેશ ધંધાકીય કારણોસર વધારે પડતો બહાર રહેવા લાગ્યો અને નવા નવા કલાયન્ટો સાથેની ઓળખાણ જેમ વધતી હતી સાથે સાથે સંસ્કારોને પણ ભૂલવા લાગ્યો.
ભાડાના ઘરમાંથી મુકેશે વિશાળ લોન વાળો બંગલો બનાવ્યો.અને બે ગાડીઓ વસાવી લીધી.શરૂ શરૂમાં આ સુખ સાહ્બી અને એશોઆરામના કારણે સરલાને સોનાના દિવસો અને ચાંદીની રાતો લાગવા માડી.
આ બાજુ એના સાસુ સસરા પોતાના વૃદ્ધાવસ્થાના દિવસોને શાંતિથી જીવવા ગામડે રહેવા ચાલ્યા ગયા હતા.પહેલેથી એક બાળક બસ છે એવી માન્યતા ધરાવતી સરલાએ મુકેશની ઇચ્છા હોવા છતા બીજું સંતાન પર રોક લગાવી હતી.એકના એક દીકરાને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દૂર કોઈ હિલસ્ટેશની હોસ્ટેલમાં દાખલ કરાવ્યા પછી સરલાવિલાસમાં સરલા જાણે મહેલોમાં મ્હાલતી હોય તેવું અનુભવવા લાગી હતી.
ઘરમાં સરલા સીવાય કોઇ ના હોવાથી થોડા જ સમયમાં સરલાને આ બધું ભેકાર લાગવા માંડ્યું.કારણકે તેને પ્રેમ કરનાર પતિ હવે તેનાથી દુર રહેવા લાગ્યો. ક્યારેક તેને સાંભળવામાં આવતું કે બિઝનેશ ટુર ઉપર તે નવી નવી છોકરીને કંપની માટે લઇ જાય છે.
સમય જતા એકલતા ખાવા દોડતી હતી.સરલાને હવે આવડું મોટું ઘર હવે માત્ર મકાન લાગતું હતું.સમય જતા માત્ર વિચારો સાથી બન્યા હતા.હવે તે વિચારતી કે
“કયું સુખ સાચું હતું??
આ ભૌતિક ચીજ વસ્તુંઓથી ખરીદેલું સુખ કે
લાગણી અને પેમ ભર્યા હ્રદયમાંથી ઝરતું સુખ”?
-રેખા પટેલ (વિનોદિની)