પિંજરામાં કેદ કોણ?
——————–
ડીસેમ્બરની કડકતી ઠંડી હતી. મારા પાંચ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ઘરમાં આવેલા સન રૂમના વિન્ડો ગ્લાસમાંથી મકાનના પાછળના ભાગમાં નજર પડી.ત્યા મે જોયું કે એક તાજું જન્મેલું નાનકડું પીળું ચકલીનું બચ્ચું ઠંડીમાં થરથર ઠુંઠવાતું હતું.ત્યાં જઇ એને કોમળતાથી હાથમાં ઉચકીને ઘરમાં લઇ આવી.એને ગરમ રૂમાલમાં વીટાળી તેને ગરમાટો આપ્યો.સાથે સાથે મારા સ્નેહની ગરમી પૂરી પાડી અને તેને નામ આપ્યુ,’સોના’
નાનકડા બચ્ચાનો બહુ લાડકોડથી મારા બચ્ચા જેમ ઉછેરવાનું શરૂ કર્યુ.એના માટે આવ્યું એક નાનું મઝાનું પીંજરું.અને અંદર હિચકો લગાવ્યો.એક નાનકડો અરીસો મુક્યો.નાની નાની ઘૂઘરીઓ લગાવી.સાથે લગાવી ‘સોના’નામની તકતી.
જેમ જેમ ઉછેર થતો હતો એમ મારે સોના સાથે ગજબની માયા બંધાઈ ગઈ.રોજ સાજે કામ ઉપરથી આવું અને તેના બંધ પિંજરા પાસે જાઉં ત્યા તો મને જોઇને પાંજરામાં ઉછળકુદ કરતી કિલકારી કરી મુકે.સાવ પાસે જાઉં અને મારી ટચલી આંગળી પીંજરામાં નાખું તો મારી આંગળીને ચૂમવા અધીરી થઇ જતી.સ્પર્શ અને સંવેદનાં નાતે મારી અને એની વચ્ચે મમતાનો એક મીઠો અહેસાસ બંધાય ગયો હતો.
અને હું પણ દિવસ આખાનો થાક ભૂલી જતી અને તેની સાથે રમતમાં મશગૂલ બની જતી હતી.
ત્યારે મને મારી માં યાદ આવી જતી.એ પણ મારી પાછળ આમ જ દોડતી રહેતી.અને હું પણ માંને જોઈ આમ જ ઘેલી થતી હતી.આખો દિવસ માનો સાડલો પકડી આજુબાજુ ઘુમરાતી રહેતી હતી.
સોના મારી અને મારા ઘરની હેવાઈ બની ગઈ હતી.અને સમજદાર થઇ ગઇ હતી.આથી હવે તેને પીંજરાની પણ જરૂર ના હતી.એને પીંજરામાંથી બહાર કાઢુ ત્યારે હું મારું કામ કરતી હોંઉ ત્યારે મારી આસપાસ મંડરાયા કરે.ક્યારેક ખભા ઉપર બેસે તો વળી તે મારા હોઠોને પણ ચૂમ્યા કરે.એનું વ્હાલ જોઇને ક્યારેક હું મારું કામ છોડી તેની આસપાસ ફરતી રહેતી હતી.
એવાં શીયાળા પૂરો થતા ઉનાળો આવ્યો.મારા મનને હાશ થઇ કે હવે બહાર ખુલ્લી હવામાં ફરવા જવાનું મળશે.આ કાતિલ શીયાળાના પાંચ મહિના તો જાણે મણે સોનાના પીંજરા જેવા લાગતા હતા.હવે હું રોજ સાંજે મારા ઘરથી થોડે દુર આવેલા બગીચામાં ચાલવા જતી હતી.એક દિવસ એવી બહાર જવાની તૈયારી કરતી હતી ત્યા તો સોનાને જાણે મારી સાથે આવ્યું હોય એમ આવવા ચી..ચી..ચી.. કરી મૂકી.હું મનમાં હસીને વિચારવાલાગી કે હવે તું પણ મોટી થઇ ગઈ છે.
તેને પીંજરામાં લઇ હું બગીચામાં પહોચી ગઈ.કૂણાં કૂણાં પાંદડા અને ઝીણાં ફૂલોથી ભરેલા એક વૃક્ષની નીચે એક બાંકડા ઉપર પીંજરું મૂકી હું ચાલવા નીકળી જતી.થોડું આગળ ચાલી પાછળ વળીને જોયું તો સોના ગભરાએલી મૂંઝાયેલી લાગતી.એ દ્રશ્ય જોઇને મને મારો કોલેજનો પહેલો દિવસ યાદ આવી ગયો.હું પણ આમ જ મુઝાઇ ગઈ હતી.પછી સમય જતા ટેવાઈ હતી અને નજીકમાં જ થોડા ચક્કર લગાવી સોનાને લઇ ઘરે આવી.
હવે તો આ રોજનું થઇ ગયું હતું.સોનાને બહારની હવા લાગી ગઈ હતી.બગીચામાં તેના જેવા પાંખોવાળા ઘણા જીવોને જોઈ તે હરખાઇ જતી હતી.કેટલાક તો તેની નજીક આવી કાનમાં કંઈક કહી જતા હતાં.
એક દિવસ બહાર ચાલવા જવાના સમયે મારી એક સખીનો ફોન આવ્યો.અને વાતો વાતોમાં ચાલવા જવાની ઉતાવળમાં સોનાનાં પિંજરામાં બાકડા પર મુકીને ચાલવા માંડી.હું એ ભૂલી ગઈ કે પિંજરાનું બારણું અધખુલ્લું રહી ગયું હતું.એને બાંકડા ઉપર મૂકી સોનાને દૂરથી વ્હાલ કરી ત્યા જ નજીકમાં મારી નજર સામે પીંજરૂ રહે એ રીતે ચાલતી હતી.
થોડીવાર પછી હું પાછી આવી અને સામેનું દ્રશ્ય જોઈ અવાક બની ગઈ.સોના પોતાની પાસે આવેલા એના જેવાજ એક સોનેરી સાથી સાથે ઘડી બે ધડીમાં અલોપ થઇ ગઈ.
જે રીતે હું એમનો હાથ પકડીને જેમ ઉડી હતી એવી જ રીતે સોના ઉડી ગઇ.
હું ગભરાઈને આમતેમ જોવા લાગી.દુર ઉચે વૃક્ષની ટોચે સોના એના જેવા જ બીજા સાથી સાથે ચાચમાં ચાંચ પરોવી બેઠી હતી.મને યાદ આવી ગયું બસ આમ જ હું તેમનો હાથ પકડીને ઉડી હતી.ત્યારે મારી માના મનની સ્થિતિ પણ કદાચ આવી જ હશે.
ગભરાએલી,મુઝાએલી અને દુઃખી…….
હું જોઉં છું તો મારું પીંજરું ખાલી હતું.મારા હૃદયની જેમ જ સ્તો !!!
શું મારો પ્રેમ ઓછો હશે કે બે ચાર વખતની તેના આ નવા સાથીની મુલાકાત તેને ઓગાળી ગયો?શું હું સોનાના જવાથી દુખી છું કે તેની ખુશીમાં ખુશ છે?… માની જેમ જ
શું સોનાના મારા જીવનો ભાગ હતી કે પિંજરામાં કેદ હતી,????
રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ )