શ્રાવણ મહિનાની ખુશ્નૂમાં સવાર હતી.ઝરમર વરસાદના ફોર તન સાથે મન પણ ભીજવી રહ્યા હતા.સત્ય એના ડેડીની હમણા જ જોઈન કરેલી બાંદ્રા વાળી ઓફિસે જવાં તેની બ્લુ બીએમ ડબલ્યુ લઈને જતો હતો.
અમીર લોકોને માટે તો ઠંડી અને ગરમી અને વરસાદની અલગ મઝા હોય છે.ગરમીમાં હિલ સ્ટેશનની સહેલગાહ અને શિયાળામાં ચોખ્ખા ઘી અને મસાલાથી બનેલા વસાણાઓનું સેવન અને ચોમાસાની મદભરી ઋતુમાં રાતની પાર્ટીઓમાં નશો અને ગરમાવો આપતા શરાબ અને શબાબ…..
સૂત્ય વહેલી સવારનો ટ્રાફિક ઓછો થયા પછી મસ્તીમાં વ્હીસલ વગાડતો વિદેશી મોંઘી કારને બેફિકરાઈથી ડ્રાઈવ કરતો સડસડાટ નીકળતો હતો.ત્યાં તેની નજર બાજુમાંથી પસાર થતા બસ સ્ટેશન ઉપર પડી એક વૃઘ્ઘ બીમાર સ્ત્રી સાથે એક યુવાન સુંદર યુવતી સલવાર કમીજ પહેરેલી અને છાતીનો ભાગ આખો સંતાય તેવી રીતે ઉપર ઓઢેલી ઓઢણી. કપાળ ઉપર નાની કાળી બિંદી.આ બધું ભેગું કરીને જોતા એક સુશીલ કન્યા લાગતી હતી.સત્યને એ ચહેરો જાણીતો લાગતા એનો પગ અચાનક બ્રેક ઉપર દબાય ગયો.
તેને પહેરેલા સન ગ્લાસીસ માથે ચડાવી કારનાં ડાર્ક વિન્ડો ગ્લાસ માંથી જરા નજર બહાર દોડાવી.ઓહો……. તેના બે હોઠ ગોળ થઈ ગયા “ઓહો રાતકો કુછ ઓર દિનમે કુછ ઓર “
હમણા બે દિવસ પહેલા દોસ્તો સાથે સત્ય મસ્તાના બારમાં ગયો હતો ત્યારે બારના ડાન્સ ફ્લોર ઉપર કેટલાક યુવાન સ્ત્રી શરીર કાન ફાડી નાંખે એવા અવાજ સાથે વાગતા અર્થવિહીન યા તો દ્વિઅર્થી શબ્દોવાળા ઘોઘાટિયા મ્યુઝીક સાથે અભદ્ર ભાવભંગિમાઓ સાથેનું બીભત્સ લાગે તેવું નૃત્ય કરતા હતા.સંગીતના તાલે થીરકતા આવા શરીરોના ચહેરા ઉપર પ્લાસ્ટીકીયા સ્મિત ચીપકાવેલું રહેતું પણ એની આંખોમાં કઈક અલગ ભાવ છલકાતા રહેતા
આવા માહોલ વચ્ચે એક માત્ર વીસ બાવીસ વર્ષની લાગતી યુવતી આંખોમાં શરમનાં ભાવ સાથે સંકોચથી નાચતી હતી.એને જોતા જ સમજી જવાય કે બારમાં આ નવી આવેલી યુવતી છે.બાજુના જ ટેબલ ઉપર નશાની હાલતમાં ઝૂમતા એક યુવાને જોશમાં આવીને આ યુવતીનો હાથ પકડી લીધો અને પેલી ગભરાઈ ગઈ.
હાથ છોડાવા ઘણા પ્રયત્નો કર્યા પણ પેલાએ બેહોશીની હાલતમાં વધુને વધુ જબરજસ્તીથી હાથ પકડી રાખ્યો સત્યએ એને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.પણ એ સત્યની એક પણ વાત સાંભળવાના મૂડમાં નહોતો.વિવશ આંખોમાં આંસુ તરી આવ્યા.બારના બાઉન્સર આવી પરિસ્થિતિ સંભાળે તે પહેલા સત્યથી આ અભદ્ર વર્તન સહન નાં થતા વચમાં પડી તેના મિત્રને ઘક્કો લગાવી દીધો અને છેવટે વાત મારામારી સુધી આવી ગઈ.છેવટે બધાએ વચમાં પડી વાતને વાળી લીધી.મીરાં સત્યની આ વગર ઓળખાણે કરેલી આ મદદને કારણે એક અહેસાનમાં દબાઈ ગઈ હતી.
આ યુવતી સત્યની વગર ઓળખાણે કરેલી આ મદદને કારણે એક અહેસાનમાં દબાઈ ગઈ હતી.આંખોમાં ભરાએલા આંસુને લુછતી તે બે હાથ જોડી સૂર્યને સામે આવી ઉભી રહી,”સાહેબ આભાર.”
સત્ય તેની આંખોમાં લાચારી જોઈ રહ્યો માત્ર એટલુ જ બોલ્યો નો પ્રોબ્લેમ,આઈ એમ સત્ય અને તમારું નામ?”
સૂરીલા અવાજમાં ,”મારૂ નામ મીરાં છે.” કહી જવાબ આપ્યો.
એક વાત કહું,મીરાં જે કામમા આપણું મન અને આત્મા ના માને એ કામ ના કરવું જોઈએ.”આમ કહી સત્ય એના મિત્રો સાથે બારની બહાર નીકળી ગયો હતો
ઓટોમેટીક ગ્લાસને નીચે ઉતારી સત્યએ બુમ મારી”હાલો કેમ છો મીસ ,ઓળખાણ પડી કે નહિ ?”
પેલી યુવતી નજર ઝુકાવી આમ તેમ જોવા લાગી જાણે કંઇજ સાભળ્યું ના હોય.
ઓ હેલ્લો મિસ,તમને જ કહું હું કેમ છો ?
“જી કેમ છો..પણ ઓળખાણ નાં પડી.” ઘીમા સ્વરે પેલી યુવતીએ જવાબ આપ્યો
ચાલો હું જ ઓળખાણ આપી દઉં.યાદ છે ન્યુ યરની રાત્રે મસ્તાના બારની ધટના.?”
ઓહ સોરી જેન્ટલમેન યાદ આવ્યું.આપ કેમ છો કેમ છો.” સત્યને અધવચ્ચે બોલતો રોકીને મીરાં ઉતાવળે બોલી.
એને ડર લાગ્યો કે સત્ય સાહેબ તેની બીમાર મા સામે જોશે તો છુપાવી રાખેલી વાત બહાર પડી જશે તો તેના માથે આભ તૂટી પડશે.
“ચાલ સારું થયું મીરાં તું ઓળખી ગઈ બાકી અહી તો “ગરજ સરી એટલે વૈદ વેરી” જેવું છે “
“સત્ય સાહેબ,આ મારી મા સવિતાબેન છે તેમને ફ્લુની અસર લાગે છે.અને સાથે દમના વ્યાધી છે.માટે હું એને હોસ્પિટલ લઈ જાઉં છું.અહી બસની રાહ જોઇને ઉભી છું.”
મીરાએ એની માતાને સત્યની ઓળખાણ કરાવતા કહ્યુ,”મા આ સત્ય સાહેબ છે.હું એક દિવસ રાત્રે હું મારી કોલ સેન્ટરની જોબ માટે જતી હતી ત્યારે અમારી વેનને પંચર પડ્યું હતું ત્યારે એમને અમને બધાને લીફ્ટ આપી મદદ કરી હતી.
મીરાની કોલસેન્ટર વાળી વાત પરથી સત્ય સમજી ગયો કે મીરાં તેની નાઈટ જોબને તેના પરિવારથી સંતાડવા માગે છે.સત્ય તેની ખુદ્દારી ઉપર ખુશ થયો..
-રેખા વિનોદ પટેલ