સેજપુર નામે ઉત્તર ગુજરાતનું એક નાનકડું શહેર.
આ નાનકડા શહેરના એક વિસ્તારમાં છબી એના માતા પિતા સાથે નાનકડા પોતીકા મકાનમાં રહેતી હતી.ચાર વર્ષની ઉમરથી બોલકી અને વિચારશીલ છબીના નાનકડા મગજમાં અવનવા સવાલો ઉગતા હતા અને એના કારણે એની માતાને આખો દિવસ દરમિયાન અવનવા સવાલોનાં જવાબ આપવા પડતા હતાં.
” મા ,બજારમાં ઠેરઠેર લાલ,લીલા અને સફેદ રંગના ઝંડા કેમ લટકાવ્યા છે? મા આ તોરણો પણ આ ત્રણ કલરના છે કેમ છે ?”
“છબી બેટા….,કાલે પંદરમી ઓગસ્ટ છે ભારતનો આઝાદી દિવસ છે.આ આઝાદી ગાંધીજી સહીત બધા નેતાઓએ અંગ્રેજો સામે લડત ચલાવીને અપાવી હતી. સડસઠ વર્ષ પહેલા આપણા દેશને આઝાદ દેશ થયો હતો.એટલે આ દિવસને મનાવવા આ ઝંડા અને તોરણ લગાવ્યા છે.” છબીના સવાલનો એની માતાએ જવાબ આપ્યો.
“મા…..,આઝાદી કોને કહેવાય ? ” નાનકડી છબી તેના ભોળપણ મા બહુ અઘરું પૂછી બેઠી હતી.
બે મિનીટ વિચાર કરી છબીને જવાબ આપતા કહ્યું “બેટા….., આઝાદી એટલે તું કોઈની રોકટોક વગર તારા મનગમતું કામ કરી શકે અને કાંઇ પણ બોલી શકે..જેમ તું ઘરમાં તારી મરજી મુજબ તારી ઢીંગલી સાથે રમે છે,દોડાદોડી કરે છે,એ આઝાદી છે બેટા “
જેમતેમ છબી માની વાત સમજવાનો પ્રયત્ન કરવા લાગી
બીજા દિવસે છબી બજારમાં ફરવા નીકળી એક દુકાનવાળા ને કોઈ બે ચાર મવાલી જેવા ગુંડા માણસો ધમકાવતા હતા.અહી દુકાન રાખવી હોય તો ભાઈને ખુશ રાખવા પડશે અને બદલામાં પેલો દુકાનદાર ભાઈ ભૂલ થઈ ગઈ માફ કરો કહીને ગલ્લામાંથી રૂપિયા કાઢી પેલાના હાથમાં મુકતો હતો.એ દુકાનદારની આંખોમાં ભય ચોખ્ખો દેખાતો હતો.
આ દ્રશ્ય જોઈને છબી માને પૂછવા લાગી
“મા ,આ દુકાનવાળા અંકલને પેલા બધા કેમ વઢે છે.?”
“બેટા તે લોકો ગંદા છે.અંકલ બીચારા સારા છે એટલી એની પાસે પૈસા માગે છે,અને અંકલ ના આપે તો આ રીતે હેરાન કરે છે.” મા બોલી
“હા મા સમજી ગઈ આ અંકલ આઝાદ નથી.” બોલી છબી નાચતી કુદતી આગળ ચાલી.
થોડે આગળ ગઈ ત્યાં રસ્તાની બાજુમાં ફૂટપાથ ઉપર એક નાકાકડો છોકરો બુટ પોલીશ કરવાની પેટી લઈને બેઠો હતો.ત્યાં એક સજ્જન લાગતા ભાઈ તેમના બુટને પોલીશ કરાવતા હતા પેલા છોકરાથી ભૂલથી સજ્જનના મોજાને પોલીશ રંગ લાગી ગયો. એટલે ગુસ્સે થઇને પેલા ભાઈએ પગથી ધક્કો મારીને છોકરાની પેટી અને સામાન નીચે પાડી નાખ્યો.અને છોકરા સાથે મારપીટ કરવા લાગ્યા.
આ જોઈ છબી બોલી ઉઠી “મા આ અંકલ શું કરે છે કેમ મારે છે આને ?”
“બેટા એ છોકરો ગરીબ છે અને એ અંકલ પૈસાવાળા છે.અને અંકલના મોજા આ છોકરાથી ભૂલથી ખરાબ થઈ ગયા માટે તે ગુસ્સ થઈ આમ મારે છે”
“સમજી ગઈ મા !!! આ છોકરો પણ આઝાદ નથી” છબી દુઃખી થતા બોલી
મા શું સમજાવે આ બાળકીનો હાથ પકડી મંદિર તરફ વળી ,બહાર ચંપલ કાઢી પગથીયા ચડતી હતી. ત્યાં મંદિરના પુજારી એક ગરીબ લાગતી મહિલાને જોરજોરથી બુમો પાડી લઢતા હતા .
” બહાર નીકળ અહીથી કેટલીવાર કહ્યું છે તને કે દર્શન કરવા તારે મંદિરની અંદર નથી આવવાનું, દર્શન કરવા હોય તો મંદિરની બહારથી કરીને ચાલતી થા.”
આ દ્રશ્ય જોઇને છબી બોલી,”મા…..,આ તો પેલી આપણા ઘરનું આગણું વાળવા આવે છે તે ગંગુબેન છે.એને કેમ પુજારી દાદા વઢે છે?”
છબીની માતા હવે છબીના સવાલા જવાબ આપવામાં સક્ષમ નહોતી.થોડી પળ જવાબ ના આપી શકતા,છબી સામેથી બોલી ઉઠી,””મા…..હવે હું સમજી ગઈ કે આ ભગવાન અને આ ગંગુબેન બંને આઝાદ નથી’
મા હું સાચું કહું છું ને?” ભોળા ભાવે છબી બોલી પડી
છબીની માતા પાસે આનો કશો જ જવાબ નહોતો.તે ચુપ રહી ગઇ, છેલ્લા સડસઠ વર્ષથી આપણી અંદર આરામ ફરમાવતા એક આઝાદ નાગરિકની જેમ.
આઝાદ તન
ક્યા છે આઝાદ મન ?
કેવી આઝાદી ?
રેખા પટેલ (વિનોદિની)