RSS

આંખોના ભૂરા દીવડા

09 Aug

બે સફેદ એમ્બ્યુલન્સ ભયાનક અંધકાર ચીરતી સાયરન વગાડતી હોસ્પીટલના દરવાજે આવી પહોંચી..જેવી બંને એમ્બયુલન્સ પહોચી તુંરત બે સ્ટ્રેચર લઇને દોડતા આવેલા કર્મચારીઓએ બંને એમ્બયુલન્શના દર્દીઓને હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા.

ઇમરજન્સી કેસનાં કારણે નર્સો અને ડોક્ટરોની દોડાદોડી વધી ગઇ.એમાનાં એક દર્દીને ઓપરેશન થિયેટરમાં અને બીજાને તાત્કાલીક આઈ સી યુ માં ખસેડવામાં આવ્યા.

સહુ પહેલા ડોકટરે સાથે આવેલા દર્દીના સગા પાસે કેટલાક કાગળિયા સહી કરાવ્યા
જેનો અર્થ થતો હતો કે સર્જરી દરમિયાન જો પેશન્ટ ને કઈ પણ થાય તો તેની જવાબદારી હોસ્પિટલની નહિ હોય.

આમ પણ આ બંને કેસ જ એવા હતા કે ડોક્ટરની દવા કરતા દુવાની વધુ જરૂર હતી.

આજથી બાર વર્ષ પહેલા સાગર જન્મ્યો ત્યારે વધામણા આપતા નર્સ બોલી હતી કે મહેતા સાહેબ બાળકની “મા” ભુરી લખોટીઓ ગળી ગઈ હતી કે શું?એ અદ્દલ ભૂરા દરિયાને સમાવતી બે માસુમ તગતગતી આંખો લઈને જન્મ્યો હતો અને આથીજ એનું નામ પણ ફોઈબાએ સાગર પાડ્યુ હતું.

તોફાની દરિયાને પણ શરમાવે તેવો સાગર સુખી મા બાપનું એક માત્ર સંતાન હતો,તેને આખી દુનિયા જોવાનો એક ગાંડો શોખ હતો.એ નાનપણથી હંમેશા કહેતો “મોટા થઇને મારે આખી દુનિયા જોવી છે” પણ કોણ જાણે છેલ્લા છ મહિનામાં એવો અસાધ્ય રોગ લાગુ પડ્યો કે શરીરનું નુર ઝંખવાતું ગયું ઘીરે ઘીરે શરીરના માંસનું પાણી થતું ગયું.

એ પછી એની બે તગતગતી આંખો એવીને એવી જ રહી,ફર્ક માત્ર એટલો હતો કે એમાં હવે લાચારી ટપકતી હતી.

ડોક્ટરોની આંખોમાં પણ નરી લાચારી દેખાતી હતી ……. એમાનાં એક ડોકટરે કહ્યુ,”શરદ ભાઈ……,બસ હવે અમારા હાથમાં કશુ જ નથી રહ્યું.વધારે તબિયત ખરાબ થાય ત્યારે દોડી આવજો.”

અત્યાર સુધી હિંમતનું પોટલું માથે લઈને ફરતી સાગરની માં શાલુ મહેતા,આ સાંભળતાં બેહોશ બની ત્યા જ ઢળી પડી.એ પણ છેવટે એક મા હતી.દીકરાની કટોકટી ભર્યા દિવસોમાં તેની મજબુત ટેકો બની ઝઝુમતી રહી.સાગરની એક પણ ઈચ્છા તેણે પૂરી ના કરી હોય તેવું બન્યું નહોતું.સાગરની સામે શાલુની આંખોમાં ઉદાસી ઝબકતી નહોતી.બધું દુઃખ જાણે તેની કાળી આંખો અંધારિયો કુવો બની પી જતી હતી.પરંતુ એકાંતે નાયગ્રાનો ધોધ બની બધા દુઃખો ઘસમસતા પ્રવાહની જેમ પટકાતા હતાં.

છેવટે એ દિવસ આવી પહોચ્યો જેને આખો મહેતા પરિવારનાં સભ્યો એ દિવસ આવે એવું ઇચ્છતા નહોતા.બેભાન થઇ ગયેલા સાગરને અહી હોસ્પીટાલમાં ભરતી કરવામાં આવ્યો હતો.અહીંયા એને જીવતદાન દેવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા હતા

પેપર ઉપર સહી કરતા શરદ મહેતાની આંગળીઓ ધ્રુજી ઉઠી ………………..

બરાબર સામેની બેંચ ઉપર એવો જ એક રાજપૂત પરિવાર ઉચક જીવે બેઠો હતો.જેમનો દસ વર્ષનો દીકરો રામ ટ્રેક્ટર ઉપર બેસીને તેના બાપુ સાથે ખેતરેથી આવતો હતો.રસ્તાની બાજુમાં આવેલો થાંભલો માથામાં અથડાતા લોહીનો ફુવારો વછુટ્યો હતો.એને માથામાં વધારે પડતું વાગ્યું હતું અને આંખોમાં પણ લોહી ઘસી આવ્યા હતા.આથી એબ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે અહી લઇ આવ્યા હતાં.

અંદર ડોક્ટર સર્જરી કરી રહ્યા હતા.થોડા કલાકો બાદ ઓપરેશન થિયેટર બહારની લબક ઝબક થઇ રહેલી લાલ બત્તી બંધ થઇગઈ.ઓપરેશન થિયેટરમાંથી ચાર કલાકની ભારે મહેનત પછી થાકી ગયેલી.થાકી ગયેલી હાલતમાં ડોક્ટર બહાર આવ્યા.

બહાર આવીને રામના પિતા ચંદ્રસિંહને કહ્યું,”બાપુ,રામની જાન તો બચી ગઈ પણ તેની બંને આંખોની રોશનીના દીવડા હંમેશને માટે બુઝાઈ ગયા છે.

ડોક્ટરની વાત સાંભળતાં સાથે જ રામની માતા ગીતાબા પછડાતી ખાતા રડવા લાગ્યા.” મારા દીકરા,હજુ તો તારે ઘણું જોવાનું બાકી છે, ડોક્ટર સાહેબ મારી આંખો મારા દીકરાને આપી દ્યો તેને દુનિયા જોવાની બાકી છે.”

આ દુખદાયક દ્રશ્ય જોઇને સામેના બાંકડા ઉપર બેઠેલી શાલુ ઉભી થઈ ગીતાના ખભે હાથ મૂકી બોલી ” બહેન હિંમત રાખો ઈશ્વર ઉપર ભરોશો રાખો,જેણે જીવત દાન દીધું છે તે ચક્ષુદાન પણ અવશ્ય અપાવશે.”

અને એ જ સમયે એક ડૉકટર આઈસીયુ રૂમમાંથી ડોક્ટર બહાર આવ્યા,અને ગમગીન અવાજમાં સાગરનાં પિતાને કહ્યુ,”સોરી….., મહેતા સાહેબ,સાગર ઇઝ નો મોર નાઉ….હવે સાગર આપણી વચ્ચે નથી.”

શાલુ મહેતા અને શરદ મહેતા કેટલીય વાર સુધી હૈયાફાટ રૂદન કરતા રહ્યા.અને ચારેબાજુ ગમગીની છવાઈ ગઈ.અચાનક આંસુઓના બંધને રોકીને શાલુ ગીતા પાસે આવી ” બહેન તારા દીકરાને ભૂરી આંખો ચાલશે ? શરત બસ એટલી કે મને એની આંખોને દુનિયા બતાવવાનો એક મોકો આપજે ”

એક પગલાં જીવન ભણી મંડાયા, બીજા પગલાં મૃત્યુધરામાં સમાઈ ગયા …..ડોક્ટરો નર્સો સહીત હોસ્પિટલની દીવાલો ફરસ બધું એક સાથે નીતરી રહ્યું !!!!

રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ )

 

Leave a comment