“આવ” મે એક મીઠો આવકારો આપ્યો,
“પણ કેમ આજે આટલી મોડી પડી?”
તરત પ્રશ્ન સર્યો …
“ઓહ આજે હું થાકી ગઈ છું જરા આરામ કરવા દે!”
તેના મુખેથી એક મીઠો ટહુકો ઝર્યો।
“ઓહ! પ્રિયે આવ મારી હથેળીને ઓશિકું બનાવીને સુઇ જા”
અને એ મારી લંબાવેલી હથેળી ઉપર
તેનું કમળ જેવું સ્નિગ્ધ મુખ છુપાવીને ચુપચાપ સુઈ ગઈ,
એની કમળની પાંખડી જેવી બે આંખો બિડાઈ ગઈ
અપૂર્વ શાંતિ તેના ચહેરા ઉપર છવાતી હતી,
એક સંતોષની આભા એના ચહેરા પર તરવરતી હતી.
એના ચહેરા પર અજબ સુખનું ઐશ્વર્ય છલકતું હતું.
હું પણ ખુશ હતો કારણકે એ જ્યારે પણ થાકી જતી
ત્યારે મારી પાસે આવી આ રીતે થોડી વાર સુઈ જતી
મારી હથેળીમાં તેને મળતું સુખ મારું અહોભાગ્ય હતું,
હું તેને અમીનેષ જોયા કરું છું
ફેલાયેલા વાળની વચ્ચે ગૌર ચહેરો
ગુલાબની પાંખડી જેવા સ્નિગ્ધ હોઠ
આસ્તે રહી જાણે કાળા વાદળોમાં છુપાયેલો
પુનમનો ચાંદ ડોકાય એમ જ એની બિડેલી આંખો ધીમેથી ખુલે છે,
અને પુનમી ચાંદ જેવી કીકીઓમાંથી વર્ષે છે અનરાધાર અમીવર્ષા
જેમાં હું નખશિખ ભીજાતો રહું છું.
અને આ અનૂભૂતિનો હું એકલો માલિક છું
એને આળસ મરડી અને મારી આસપાસ ખૂશ્બૂ ફેલાય ગઇ
અને પછી શરૂ થાય આખી રાત પ્રેમભરી વાતોનું સંવનન,
છેક સવાર સુધી મખમલી અહેસાસોની આપલે થતી રહે છે
બારી વાટે વહેલી પરોઢે બાળસુર્યના જ્ન્મ થતો દેખાય છે
એને જવાનો સમય થાય છે ……..
જાતી વેળાએ ફરી એકના એક શબ્દોનું અનેકવાર ઉચ્ચારણ થાય છે.
“જાવાનું મન નથી, જા નથી જાવું ” તેની એક મીઠી હઠ
“તારે જાવું તો પડશે ને! તું જઈશ તો જ પાછી આવશે ને !”
“સપનાંઓને બંધ આંખોમાં રાતે જ રહેવાની છૂટ હોય છે,
અને સવાર થતા આંખને છોડીને એને જવુ જ પડે છે”
મારા સ્વરમાં પ્રેમ સાથે ટપકતી મજબુરી તે સમજી ગઈ
બસ પાછું જોયા વિના
મારા હાથમાં સરકતી એની હથેલી,
મારી આંગળીઓનો છેલ્લો સ્પર્શ આપી સરકવા માંડી
ત્યાજ મારા મુખે થી શબ્દો સારી પડ્યા.
“પ્રિયે આમ આવતી રહેજે રોજ આંખો વાટે
મારા જિંદગીમાં જીવનરસ ભરવા,
મારા એકાંતને ખૂશ્બૂદાર બનાવવા
કિસ્મતથી આગળ બે ડગલા વધીને
મારી સુની હથેળીને સજાવવા “
તું આવતી રહેજે પ્રિયે…..
રેખા પટેલ (વિનોદિની)