અમેરિકા “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’
લોકશાહી મતલબ પ્રજાતંત્ર ,પ્રજાના અવાજનુ એક વજન જે તે દેશની રાજકીય વ્યવસ્થા પર પડે છે.લોકશાહીએ આપેલી સહુથી મોટી ભેટ એ દેશની પ્રજાને વાણી સ્વતંત્રતા અને વૈચારિક સ્વતંત્રતા.
સ્વતંત્રતાને નામે કોઈની લાગણીઓ ના દુભાય એવી રીતે વાણી સ્વાતંત્રતાની માનસિકતા વિચારસરણીનું ઘડતર કરે છે.અને તેનો યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે તો ગમે તેવા જટિલ લાગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.લોકશાહી ધરાવતા ધણા દેશ આ દુનિયામાં છે…આજે અમેરિકાની વાણી સ્વતંત્રા વિશે થોડી વાત કરવી છે.જેને પશ્ચિમનાં દેશોમાં એને
“ફ્રીડમ ઓફ સ્પીચ”કહે છે
અમેરિકાનું એક સહુથી મોટું જમા પાસું હોય તો એ છે.”ફ્રીડમ ઓફ સ્પીચ”
અહી વસતી નાની હોય કે મોટી દરેક વ્યક્તિને પોતાના વિચારો રજુ કરવાનો સમાન હક છે.અહીં વાણીસ્વતંત્રા બાબતે અમીર કે ગરીબનો કોઇ ભેદ નથી.એક સામાન્ય માણસ પણ ઉચી પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીને પોતાની વાત અને વિચારોને બેધડક એની સમક્ષ રાખી શકે છે.
આ સવલત આપણા ભારત દેશની લોકશાહીમાં શક્ય નથી.મોટા ભાગે આપણે ત્યાં નાનો ગરીબ માણસ જો ભૂલથી પણ કોઈ અધિકારીને તુકારો કરે કે તું નકામો છે.એવું કહે તો બિચારા તે ગરીબ માણસને એના વર્તન બદલ કેટલાય કડવા અનુભવોનો સામનો કરવો પડે છે.આ જ વાત ભારત અને અમેરિકાનાં ગરીબ અને અમીર વચ્ચેનો ફર્ક બતાવે છે.
જ્યારે અમેરિકામાં અહી કોઈ સામાન્ય માણસ પણ જો અધિકારી ફોલ્ટમાં”વાંકગુનામાં ” આવે તો યુઝલેસ એટલે કે “નકામો” છે એવું એની સમક્ષ કહે તો.અને બદલામાં જે તે અધિકારી “થેક્યું” કહી ચુપ રહે છે.
લોકશાહીએ દેશની દરેક વ્યકિતને એ અબાધિત અધિકાર નથી આપ્યો કે,કોઈના દિલને ઠેસ પહોંચે,પરંતુ કોઈના અભદ્ર વર્તન કે દાદાગીરી સામે પડકાર ફેકવો જરૂરી છે જે અમેરિકાનાં દરેક નાગરીકને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અબાધિત અધિકાર આપ્યો છે.અહી નાનામાં નાના માણસની વાતને ધ્યાનમાં લેવામાં આવે છે.જે અમેરિકા જેવા દેશમાં જ શક્ય બને છે.
અમેરિકાનું એક બીજી જમા પાસુ એ છે કે અમેરિકાને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’ પણ કહે છે.
એનું ખાસ કારણ એ છે કે,અહી ભલેને ખાલી ખીસ્સે ભલે આવ્યા હોય.પરંતુ જો તમારામાં આવડત હોય અને કામ કરવાની તાકાત હોય તો ખિસ્સાને ભરાતા વાર લાગતી નથી.
એવા તો હજારો ઉદાહરણ જોવા મળે કે ખાલી હાથે આવનારા માણસો આજે મોટી મોટી કંપનીના માલિક બની ગયા છે કે મોટી ફાઈવસ્ટાર હોટલોના માલિક બની ગયા છે.આ બધું આ જ દેશમાં શક્ય બને છે.
જ્યારે આપણા દેશમાં ખાલી હાથે ગામડામાંથી શહેર આવેલો સામાન્ય માણસને બે ટંક રોટલા અને એક છત મેળવવા માટે આખી જિંદગી પૂરી કરી દેતો હોય છે.જ્યારે અહી સાવ પારકા દેશમાં પારકી ભૂમિ ઉપર આવેલો માણસ જેની ભાષા રહેણી કરણી બધુ જ સાવ અલગ છે.છતા તે અહીંયા બહુ જ થોડા સમયમાં અહીનો થઈને રહી જાય છે અને ભળી જાય છે જાણે દૂધમાં સાકાર હોય તેમ…. આનું કારણ છે કે આ દેશ જુદા જુદા દેશમાંથી આવેલા અલગ અલગ જાતના અને અલગ ધર્મના માણસોને પણ પ્રેમથી અપનાવી લે છે.
જ્યારે આપણા દેશમાં ગામ આખું હિંદુઓનું ગામ હોય ત્યા જ કોઈ પર જ્ઞાતિ અથવા મુસ્લિમ સમાજનું કોઈ આવે કે મુસ્લિમ સમાજમાં કોઈ હિંદુ આવીને વસે કે કોઈ ધંધો કરે તો સામાન્ય રીતે બહુમતી ધરાવતા સમાજને અંદરથી નહીં ગમે.જ્યારે અહીયાં તો સાવ અલગ ખંડમાંથી આવેલા લોકોને પણ પ્રેમ અને આદરથી અપનાવી લેવાય છે.અને એટલુ જ નહી,એને ડૉલર કમાવાની પુરેપુરી છૂટ આપવામાં આવે છે
અમેરિકા એક એવો દેશ છે જ્યાં ઉંચ નીચ જેવું કઈ નથી.અલગ અલગ દેશોની પ્ર્જાતિ વાળા લોકો એક સાથે રહેતા હોય છે.આ દેશ પાસેથી અલગ અલગ પ્રાંતો માટે લડતા લોકોએ આ શીખવા જેવી બાબત છે.
અહી ઝીરોમાંથી સર્જન કરવું હોય તો શક્ય બને છે,એનું કારણ એ છે કે અહી કોઈ પણ કામ કરવામાં નાનાપ અનૂભવવી પડતી નથી.એટલે સુધી કે આપણા દેશમાંથી આવેલો માણસ ત્યાં ગાડી અને ડ્રાઈવર રાખી ફરતો હોય છે.પરંતુ અહી આવી નવેશરથી જીવન ગોઠવવા માટે મોટેલમાં કામ કરવું પડે તો તે બેધડક કરે છે. મોટેલમાં કામ કરવું એટલે રૂમની સફાઈથી માંડી બાથરૂમ સાફ કરવાથી લઇ કચરો કાઢવાનું દરેક કામ આવી જતું હોય છે ,આ કામ કોઈ જાતની શરમ વગર તે કામ કરી શકે છે.
જ્યારે આપણા દેશમાં સમાજ શું કહેશેની બીક હોય છે એવી બીક અહી હોતી નથી.અને આ જ પહેલું પગથીયું છે મનમૂકીને અમેરિકામાં કામ કરવાનું.
અમેરિકાના મોટામોટા સ્ટોરના માલિકો પણ પોતાના સ્ટોરનેમાં જાતે સફાઈ કરે છે.એટલે સુધી કે માણસ કદાચ નાં આવ્યો હોય તો બહાર પાર્કિંગલોટ પણ જાતે સાફ કરી નાખે છે આ કામમાં શરમ હોતી નથી.
જેમ આપણા દેશની માફક અમેરિકામાં સરકારી કે અર્ધ સરકારી ઓફિસમાં કોઈ પ્યુન કે નોકર જેવું સ્થાન હોતુ નથી. અહીના દરેક કર્મચારીને પોતાના કામ જાતે કરે છે.પાણી પીવું હોય કે કોફી કે ચા પીવી છે તો જાતે જઇને લઇ આવવું પડે છે.જ્યારે આપણા દેશમાં મોટો માણસ એની નીચેનાં કર્મચારીઓનો સાહેબ બની જાય છે.પાણીનું સ્ટેન્ડ પાસે હોવા છતાં એક ગ્લાસ પાણી માટે બીજા માણસને બુમ મારીને બોલાવે છે.” પોતાના કામ જાતે કરતા સીખીયે તો સારું”.પણ એક રીતે જોઇએ તો આપણા દેશમાં આ બહાને ઓછું ભણેલા કે અભણ માણસોને રોજી રોટી તો મળી રહે છે.
એવી જ રીતે અહીંના ઘરોમાં કામવાળી બાઇઓ કે રામા નથી હોતા.. મિલિયોનર કહી શકાય એવા માણસને પણ પત્નિ સાથે ખભેખભા મિલાવીને ઘરનાં મોટા ભાગનાં કામ જાતે જ કરવા પડે છે.જ્યારે અહીંયા ભારતિય નારીની જેમ ધરનાં કામ નારીએ જ કરવા પડે એવું નથી ,એનું કારણ પણ છે મોટે ભાગે અહીયાં પતિ પત્ની બંનેએ ઘર ચલાવવા નોકરી કરવી પડે છે.સમયનો અભાવ અને ફકત સ્ત્રીઓને પુરતી સ્વતંત્રતા મળે એ બહાને અહીના પુરુષોનાં ઘરનાં કામ કરવામાં નાનપ અનૂભવતા નથી.
જોકે હવે ભારતમાં પણ મોટા શહેરોમાં જ્યાં પતિ પત્ની બંને કામ કરતા હોય ત્યારે એકબીજાના સાથ સહકાર થી ઘરકામ કરતા જોવા મળે છે.
સ્ત્રી અને પુરુષો વચ્ચે જાહેર કે ખાનગી ઓફિસમાં આપવામાં આવતી સમાનતા અમેરિકાનું એક જમા પાસુ છે અહી નોકરી કે કામ માટે સ્ત્રી અને પુરુષોને સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે હવે દરેક જગ્યાએ સ્ત્રીઓ પુરુષોને સમોવડી ગણાય છે છતાં પણ ઘણા એવા દેશ છે.જ્યાં પ્રમોશનની વાત આવે ત્યારે પુરુષોને આગળ રખાય છે તેમની કાર્યદક્ષતાને અંકાય છે.
જ્યારે આ દેશમાં આ પ્રકારની સવલત પુરુષ કર્મચારીઓને મળતી નથી. સ્ત્રીઓને પણ પુરુષોના સમાન હોય એવા તમામ હક આપવામાં આવેલા છે.
અમેરિકામાં રીટાયરમેન્ટની ઉંમર ભારત કરતા લાંબી હોય છે.અને રીટાયરમેન્ટ પછી માણસ સશ્કત હોય અને શારીરિક અને માનસિક રીતે કામ કરી શકે એવો હોય તો સામાન્ય રીતે કંપનીઓમાં ઉંમરલાયક થવા છતાં કામ કરી શકે છે. મહેનત અને લગન આ દેશનું પહેલું સુત્ર છે.
ધારો કે અમેરિકામાં તમારી પાસે ખાસ મૂડી ના હોય તો પણ તમે આસાનીથી બેંકમાંથી લોન લઇ પોતાનો કોઈ ધંધો શરુ કરી શકો છો.અહી લીગલ એટલે કે અમેરિકન નાગરીકતા મેળવેલ દરેક વ્યક્તિને સોશ્યલ નંબર આપવામાં આવેલા હોય છે.જેથી કોઈ પણ સ્ટેટનાં કોઇ પણ શહેરમાં એ નંબર નાખતા કોમ્પ્યુટરમાં જે તે વ્યક્તિની સંપુર્ણ માહિતી મળી આવે છે.અને તેનાં ઉપરથી તેને નાની લોન તરત મળી જાય છે.જો કે હવે છેલ્લા કેટલાક સમયથી ચાલતા રીસેશનના(નાણાકિય કટૉકટી)કારણે લોન મળતા તકલીફ પડે છે. છતાં પણ ભારત કરતા વધુ આસાનીથી અને ઓછા વ્યાજે લોન મળી શકે છે.
પહેલા ભારત દેશમાં વ્યાજનાં દર બહુ ઉંચા હતા.એક સમયે બેંકમાં વાર્ષિક ચોવીસ ટકા જેવું વ્યાજ વસુલ કરવામાં આવતા.ધીરે ધીરે વ્યાજ દર ધટતા આજે દસથી પંદર ટકાના દરે લોન મળી રહે છે.છતાં પણ સામાન્ય માણસને લોન આપવામાં ધીરાણ સંસ્થાઓ આજે પણ ગલ્લાતલ્લા કરે છે.જ્યારે અમેરિકામા સામાન્ય માણસને લોન લેવી હોય અને ધંધો કરવા માટે એને સ્વપ્ન હોય ત્યારે સામાન્ય માણસને અહીની ધીરાણ સંસ્થાઓ આસાની લોન આપી શકે છે, અહી લોન પણ માત્ર પાચ ટકા વ્યાજના ધોરણે મળે છે.
અમેરિકામાં જુદા જુદા દેશના લોકો આવીને વસ્યા છે.અલગ અલગ સંસ્કુતિથી બનેલો આ દેશ ઉદારવાદી નીતિ અપનાવે છે.અહી આવેલા બધાને અપનાવી પોતાના બનાવી લેવાની કળામાં આ દેશ માહેર છે. તેથી જ બહારના દેશોમાંથી ભણેણું યુવાધન અમેરિકામાં રહેવાનું કે સ્થાઈ થવાનું પહેલું પસંદ કરે છે.અહી તમારી બુદ્ધિનું અને હોશિયારીનું પૂરેપૂરું વળતર મળે છે. જો કોઈ માણસ કોઈ નવીન વસ્તુની શોધ કરે અને તેની પેટર્ન બનાવે તો આ દેશમાં તેની શોધ અને પેટર્નનું નામ સાથે એને વળતર મળે છે.
આપણા દેશમાં ભણેલા તેજસ્વી લોકોને તેમના ભણતરનું કાબેલીયતનું એટલું વળતર મળતું નથી જેટલું અમેરિકામાં મળે છે.આથી સાયન્ટીસ્ટ હોય કે ડોક્ટર્સ હોય તેમની નજર અમેરિકા જેવા ધનાઢ્ય દેશો તરફ જ દોડતી હોય છે.અમેરિકામાં નવી નવી પ્રેક્ટીસ શરૂ કરતા ડોક્ટરો પણ વર્ષે દહાડે એક લાખ ડોલર એટલે પચાસ લાખ રૂપિયા આસાનીથી કમાઈ શકે છે.આટલી કમાય ભારતમાં શક્ય નથી. આજે અમેરિકામાં કુલ જેટલા ત્રીસ ટકાથી વધુ ડોક્ટર્સ ભારતીય છે.જે ભારતિય લોકો માટે એક ગૌરવ પણ કહી શકાય.માઇક્રોસોફટ જેવી ગ્લોબલ કંપનીમાં ભારતિય લોકોનાં એક મોટૉ હિસ્સો કામ કરે છે.
આ રીતે લેન્ડ ઓફ ઓપરચ્યુનીટી કહેવાતા અમેરિકા જે તે દેશનું સાચું ઘન ઘસડી જાય છે અને આ ખોટ જે તે દેશ માટે મોટી કહેવાય છે.હવે ધીમેધીમે ભારતમાં પણ ઘણા સુધારાઓ થવા લાગ્યા છે.જે સામાન્ય જનતાના હિતમાં હોય છે.આ સુધારા જરૂરી છે.નહી તો દેશનું યુવાન શિક્ષિત ઘન બહુ આસાનીથી પરદેશમાં જઈને વસી જશે.અને આનો ફટકો દેશને પડતો રહેશે.
Citizenship is the common thread that connects all Americans. We are a nation bound not by race or religion, but by the shared values of freedom, liberty, and equality.
-રેખા પટેલ
ડેલાવર(યુ.એસ.એ )