RSS

“શંકા,એટલે,વિચારશક્તિને થયેલો લકવો !

08 Jul

Displaying IMG20150201223440.jpg

“શંકા,એટલે,વિચારશક્તિને થયેલો લકવો !

“શંકા,એટલે,વિચારશક્તિને થયેલો લકવો
બે માણસો એ  હૃદયથી એકબીજાને ચાહવાનું શરૂ કરવું એટલે પરસ્પર દિલથી એકબીજાના દિલમાં હળવું ભળવું  અને એક સહિયારી સમજથી પરસ્પર એક બીજામાં વિશ્વાસનું કેળવવું.. હવે જ્યારે આ ભાવનામાં થોડી ધણી ઉણપ આવે અને ઝંખનામાં વધારો થાય છે ત્યારે શંકાનો જન્મ થાય છે.
જ્યારે શંકાના બીજ રોપાય છે ત્યારે સ્પષ્ટ દીવા જેવી વસ્તુ પણ અસ્પષ્ટ અને ઝાંખી દેખાય છે.ઘણું મેળવવા છતાં પણ માણસને તૃપ્તિ ના થતી હોય ત્યારે તેની આ સતત ઝંખનાની અપૂર્ણતા અને અસંતોષ તેને સીઘો શંકા તરફ દોરી જાય છે .અને આ શંકા એક કીડા જેવું કામ કરે છે, જે માણસની અંદર રહેલા પ્રેમ અને વિશ્વાસ અને સારપને દિલ દિમાગથી કોતરી ખાય છે અને કતરણો રૂપે છોડી જાય છે દુઃખ,કલેશ,અથડામણ અને નાના મોટા કડવા ઝઘડાઓ.જ્યારે કોઈ વ્યકિત આપણને  પોતાનું ગણીને આદર સાથે માનસન્માન અને પ્રેમ આપે ત્યારે આપણને તે ગમેં છે.પરિણામે આપણે પણ ધીમે ધીમે એ વ્યક્તિને બદલામાં પ્રેમ સાથે આદર અને છેલ્લે અઘિકાર આપીએ છીએ.પરંતુ જ્યારે આદર,પ્રેમ,આગળ વધી અધિકારભાવ ઉપર પ્રભુત્વ વધારે છે અને સાથે  સાથે તમારા ઉપર તમારા વિચારો ઉપર હાવી થાય છે ત્યારે એક અણગમતી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.અને શરૂવાત થાય છે એક સંધર્ષની….અને આ સંધર્ષ મહદઅંશે માનસિક સ્થિતિ ,મનોબળ અને લગાવનાં પાયાને હચમચાવી નાખે છે.અને શંકા નામના છોડને જાણે અજાણે અવિશ્વાસ અને કટુતાના ખાતર  પાણી મળી જાય છે..
કોઈ પણ વ્યક્તિને બીજા માટે નિર્દોષ લાગણી હોય ત્યાં સુધી વાંધો આવતો નથી પણ લાગણીમાં થોડે વત્તે અંશે માગણીઓ ઉમેરાય છે ત્યારે આ લાગણીઓ એને ઉશ્કેરે છે. ત્યારે બંધનનો ભાવ વધતો જાય છે , જે વસ્તુ આપણી પાસે છે તેને આપણી જ કરી રાખવાના મોહમાં આપણે તે વસ્તુને મુઠ્ઠીમાં જકડતા જઈયે છીએ અને ભૂલી જઈયે છીએ વધુને વધુ જકડાતી જતી વસ્તુ તેનો મૂળ આકાર અને ભાવ ખોઈ બેસે છે..અહી વાત નિર્જીવ વસ્તુની નથી , આ વાત સબંધો અને લાગણીઓ સાથે જોડાએલા જીવંત ભાવની છે. જો શંકા અને અવિશ્વાસની ભીંસ આપવામાં આવે ત્યારે  જે વિશ્વાસનો ફૂલ જેવો કોમળ ભાવ હોય છે તે અતિસય દબાણના કારણે ચીમળાયેલા ફૂલ જેવો થઇ જાય બાહ્ય દેખાવમાં જે રૂપાળુ લાગતું હતું એનો દેખાવ બેડોળ થઇ જાય છે

 શાને અમોને તાર તાર કરો છો?
શંકા કરી ઘા જોરદાર કરો છો.
મ્હો ઉપર કેવી તરસને છલકાવી ,
કડવા વેણે કેવો એ પ્યાર કરો છો.સહ્યું તમારું મૌન રોજ મજાનું
વાતો કરી ખોટી ને ઠાર કરો છો.

દિલનો ખૂણૉ કાફી છે આપના કાજે
મારા નયનમા કેમ ભાર કરો છો?
આંખે ભર્યુ છે વિશ્વ આપનુ આખુ
મારી છબીમાં આખ ચાર કરો છો.
કાવ્યો ગઝલના શબ્દથી શું ભળીએ?
શબ્દો વડે બેફામ ઘાર કરો છો.
રેખા પટેલ(વિનોદીની)
આપણે જાણીએ છીએ કે ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી.અને જે તમારું છે તે ક્યાય જવાનું નથી..છતાં પણ જ્યારે શંકા નામની ડાકણ વારંવાર ટકોર કરતી રહે છે,”જે તમારૂ છે એ ધીરે ધીરે તમારાથી દૂર જઇ રહ્યુ છે ત્યારે શંકાનો કાલ્પનિક ભય માણસમાં અસલામતીની ભાવના સતત પેદા કરે છે.જ્યાં હકીકતમાં આવું કશુજ અને તેવા સંજોગોમાં મીઠા સબંધીમાં ઝેર ભેળવાઈ જાય છે .
સામાન્ય રીતે આપણે બધા વિચારીએ છીએ કે મને શંકા ના થાય.પરંતુ દરેક વખતે આ સાચુ નથી હોતું. ક્યારેક સંજોગ એવા આવે કે શંકા આવી જાય છે.બસ આવા સમયે તમારી જે વ્યકિત માટે લાગણી છે એમા વિશ્વાસનો વ્યાપ વધારતા રહેશો.તો આ નાની એવી શંકા વિશ્વાસના વ્યાપ સામે આપોઆપ હારી જશે.
એક પતિ પત્નીનો દાખલો અહી રજુ કરું છું.આ વાત બહુ સમજવા જેવી છે.
શરદ અને શ્વેતાના લગ્નને આઠ વર્ષ થયા. પતિ પત્ની વચ્ચે અખૂટ પ્રેમ અને વિશ્વાસ હતો.એક વખત યોગાનું યોગ શ્વેતાના જુના મિત્રોને મળવાનું થયું.એ સમયે  શ્વેતાનો ખાસ મિત્ર રોહન પણ તેની પત્ની સાથે આવ્યો હતો.બધા ભેગા થઇ કોઈ હિલસ્ટેશ ઉપર બે દિવસ ફરવા ગયા.આખા દિવસની ઘમાલ મસ્તીમાં દિવસ જોતજોતામાં પસાર થઇ ગયો.જે હોટલમાં ઉતાર્યા હતા ત્યાં શરદ અને શ્વેતાના રૂમની બાજુના રોહનનો રૂમ હતો.
જગ્યા બદલાવાને કારણે કોણ જાણે તે દિવસે શ્વેતાને ઉંધ આવતી નહોતી. કલાકો સુધી એ પથારીમાં પડખા ફેરવતી રહી. છેવટે થાકીને રૂમની બહાર મુકેલા બાંકડા ઉપર ખુલ્લી હવામાં તે બેસવા આવી.ત્યારે યોગનુંયોગ રોહન પણ બારી પાસે ઉભો હતો.તેને શ્વેતાને આમ અડઘી રાત્રે બહાર બાકડા ઉપર બેઠેલી જોઇને તે પણ બહાર આવી શ્વેતા પાસે બેઠો. અને બંને વાતો વાતોમાં જુના સંસ્મરણો મમળાવવા લાગ્યા આમ કલાક નીકળી ગયો છેવટે બંનેની આંખો ભારે થતા પોતપોતાના રૂમમાં પાછા ફર્યા.
બંને વાતોમાં મશગુલ હતા તે દરમિયાન શરદની નિંદર ઉડતા શ્વેતા નજર ના આવી એટલે તેણે બારીમાંથી બહાર નજર નાખી તો જોયું કે શ્વેતા અને રોહન વાતોમાં મશગુલ હતા તે ફરી પાછૉ સુઇ ગયો.
શરદ સમજદાર પતિ હતો..શરદે સવારે શ્વેતાને આ બાબતે પૂછપરછ કરી તો જવાબમાં શ્વેતાએ રાતે જે બન્યું એ કહી દીઘું.બસ શરદને તેના પ્રેમ ઉપર સંપૂર્ણ ભરોસો હતો.જે અહી દેખાઈ આવ્યો.શ્વેતાએ કહેલી આખી વાતને કોઈ સવાલ જવાબ વિના શરદે વિશ્વાસપૂર્વક સહર્ષ માની લીધી ,શરદના આ અટલ વિશ્વાસની શ્વેતાના મન ઉપર બહુ ઊંડી અસર થઇ.એણે  વિચાર્યુ કે સામાન્ય રીતે બીજો કોઈ પતિ હોય તો જરૂર શંકા કરે.પણ શરદ બીજા કરતા સાવ અલગ લાગ્યો.પરિણામે શ્વેતાનો એના પતિ માટે પ્રેમ અને આદર બેવડૉ થઇ ગયો.
હવે વિચારો કે આ જ્ગ્યાએ જો શરદે શંકા કરી હોત તો,બંને વચ્ચે સવાલ જવાબથી શરુ થયેલી નાની વાતને મોટા ઝગડાનું સ્વરૂપ ધારણ કરતા વાર ના લાગે.. વિશ્વાસના પાયા પર ઉભા થયેલા સંબંધને કદી શંકા નામનો કાટ ચડવા ના દેવો..જિંદગી બહુ નાની છે..જે આપણુ છે એને મુકતતાનો અનૂભવ કરાવતા રહો..જ્યા વિશ્વાસ અને પ્રેમ સાબુત હોય ત્યાં જકડી રાખવાનો સવાલ જ ઉભો નથી થાતો…આ વૃક્ષો જેવું છે..સાવ બાજુ બાજુમાં બે વૃક્ષો વાવો ત્યારે એનો વિકાસ જોઇએ એવો થતો નથી…પણ અમુક અંતર રાખીને બે વૃક્ષો વાવો તો એનો ઝડપી વિકાશ થશે..ફળથી લચી પડશે..છતને ટેકો આપવા માટે પણ બે પિલ્લર વચ્ચે એક માપસરની જગ્યા હોય છે.
“શંકા,એટલે,વિચારશક્તિને થયેલો લકવો !”
“શંકા બુરી બલાકા નામ હૈ “
” શંકા સુલાગાવે લંકા “
આ બધું તદ્દન સાચું છે ,શંકા સંઘરી રાખવા જેવી ચીજ નથી એ સાજા નરવા માણસને તન મન થી પાયમાલ કરી મારી નાખે  છે. માટે શંકાને ઉગવા  જ ના દેવી. ગમે તેવી શંકા જન્મે તો તેને જન્મતાં સાથે જ મારી નાખવી યોગ્ય છે તેનું ગળું દબાવી દેવાને બદલે એ શંકાને જડમુળથી કાઢી નાખો.
અને તે માટે પરસ્પર વાત કરવી એકબીજાને સાંભળવા અને સમજવા જરૂરી છે.આવા સમયે સાથીદાર વિષે જે કાઈ અણગમતી વાત હોય એનું તાત્કાલિક સમાધાન થાય એવું વલણ અપનાવવું જોઇએ.બસ સમજીને તે વાતનો નિકાલ લાવો ,શંકાનાવેલાને વધવા દેશો નહી.નહીતર તે તમારી સાથે તમારી આજુબાજુના વાતાવરણને પ્રદુષિત કરી નાખશે.
સવાલો-જવાબોનો અર્થ એ નથી કે તમે એકના એક સવાલો વારંવાર કર્યા કરો.જો આમ કરશો તો તેનો સાદો અર્થ એ થશે કે શંકાનો કીડો હજુ પણ છુપી રીતે સળવળે છે. તમારા સમાધાન માટે તર્કથી નહી પણ તમારા હ્રદયથી કામ લો..અને દિલથી વિચારશો એ બાબતનું હમેશાં પોઝિટીવ જ આવશે.
શંકાના ઘણા પ્રકારો છે જેમ કે સબંધોમાં પ્રેમ અને લાગણીની શંકા. કાર્યકારીઓની કાર્યદક્ષતા ઉપર શંકા, ભાગીદાર સાથે સંપતિ બાબતે શંકા, બાળકો માટે જાણે અજાણે મા બાપથી છુપાવીને કરતા કામ વિષે શંકા,અને આ બધાથી વધુ ખતરનાક છે કોઈના ચારિત્ર્ય ઉપરની શંકા.
સ્ત્રી હોય કે પુરુષ જો તે સાચા હોય તો આ મારની અસર તેમને સહુથી વધુ લાગે છે  !
કેટલીવાર સાભળ્યું છે કે આવા ખોટા આક્ષેપો સહન ના થતા કોઈએ કરેલી આત્મહત્યા।
વધુ પડતાં શંકાશીલ અને અવિશ્વાસુ સ્વભાવનાં લોકોને વારંવાર ગુસ્સે થઇ જવાથી અને માનસિક તણાવમાં રહેવાથી ‘ડિમેન્શિઆ’ ચિત્તભ્રંશ થવાનું જોખમ રહે છે.અને તેઓ પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવતા જાય છે અને તેમનાં સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થાય છે
માટે “જીયો ઓર જીને દો”ની થીયેરી અપનાવી અને નકામી શંકાને અલવિદા કહી દો.જે તમારી આસપાસ છે.તમારુ પોતાનું છે તેને પ્રેમથી હસતા હસતા અપનાવો.કારણકે જે તમારૂ છે એ તમને છોડીને ક્યાય જવાનુ નથી.
જીવન બહુ સુંદર છે તેને પ્રેમ અને વિશ્વાસના જળસિચનથી સતત ફૂલોની ક્યારી જેવું મહેકતું રાખો.અને થોડે થોડે સમયે એમાં વિશ્વાસનું ખાતર નાખતાં રહો..એટલે તમારો જીવનબાગ લાગણીઓની ખૂશ્બૂથી તરબતર રહેશે.
-રેખા પટેલ(વિનોદિની)
 ડેલાવર (યુએસએ )
Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: