આપણા સમાજમાં લગ્ન એટલે સ્ત્રી અને પુરુષને તન,મન અને ઘનનું એકત્વ બનવું અને બે માણસ એકત્વ બનવુ એટલે લગ્ન..આજનાં યુગમાં માત્ર સ્ત્રી પુરુષનું સાથે રહેવું કે શારીરિક એક થવું એ લગ્ન નથી…….
લગ્ન એટલે શુ?.. લગ્ન એટલે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ અગ્નિની સાક્ષીએ ચારફેરા ફરે કે મૌલવી પાસે “કુબૂલ હે” કહીને કે ચર્ચમાં ફાધરની સામે ‘આઈ ડુ’ના શપથ લઈને કે પછી કોર્ટમાં મેરેજના પેપેર ઉપર સહી કરી સિવિલ મેરેજ કરીને.સહજીવન દરમિયાન એકબીજાના સુખ દુઃખમાં જિંદગીભર સાથે રહેવાનું વચન આપીને એકબીજાને મન વચન કર્મથી અપનાવે છે.આ પવિત્ર ગણાતી લગ્ન વ્યવસ્થામાં પતિ પત્ની બંને જિંદગીની આખરી ક્ષણ સુઘી એકમેકને અનુકુળ બની પોતાની અગવડને અવગણી પ્રથમ પોતાના પ્રિય પાત્રના સુખની ચિંતા કરે છે.જ્યાં સ્વાર્થનું પ્રમાણ નહીવત હોય છે .
આજકાલ જગતમાં લગ્નવ્યવસ્થા ડામાડોળ થતી જાય છે આ બાબતની સહુથી વધુ અસર યુરોપમાં જોવા મળે છે અને ત્યાર બાદ અમેરિકામાંનો નંબર આવે છે.છતા પણ યુરોપ કરતા અહી સ્થિતિ થોડી સારી ગણી શકાય. જ્યારે આ બધાની સરખામણીમાં ભારતમાં લગ્નવ્યવસ્થા એકંદરે મજબૂત છે.
વર્ષો પહેલા અમેરિકામાં કોઈ યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો ચર્ચાનો વિષય બની જતા તેમાય સિંગલ પેરેન્ટ્સ ખાસ જોવા મળતા નહી.
આમ જોવા જઇયે તો અમેરિકામાં અલગ અલગ દેશમાંથી આવીને વસેલી પ્રજા છે.આથી આ દેશમાં અલગ અલગ રીતી રીવાજો અને પરંપરાઓ જોવા મળે છે.તેના કારણે બ્રિટન કરતા આ દેશની નૈતિકતા પ્રમાણમાં મજબુત છે છતાય ભારતના પ્રમાણમાં અહી લગ્ન સબંધોમાં ભંગાણ વધુ જોવા મળે છે.
આજ કાલ શિક્ષિત અને સુધરેલા લોકોમાં લિવ-ઈન રીલેશન બહુ ચલણ જોવા મળે છે. જેમાં સ્ત્રી-પુરુષ પરંપરાગત લગ્નને માળીયા ઉપર ચડાવી બંને એક સાથે ઘરસંસાર માડે છે.જ્યાં પરસ્પર સમજુતી અને અનૂકૂળતા જોડાયેલી હોય છે.ઉપરાંત બનેનાં કામ પણ વહેચેલા હોય છે.જેમાં એક બીજાનો અહં ના ઘવાય તે રીતે આ સબંધ જોડાએલો હોય છે.
ધારો કે કોઈ કારણસર આમાં ભંગાણ પડે તો જાણે કોઈ લેવાદેવા નાં હોય તેમ કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે.અલગ થવું બહુ સરળ હોય છે.આથી આજના યુવક અને યુવતીઓમાં આ વ્યવસ્થાં બહુ અનૂકૂળ આવે છે.
હવે તો આ મૈત્રીકરારના નામે આ વ્યવસ્થા ભારતમાં પણ કેટલાક મોટા શહેરોમાં જોવા મળે છે.અને આ કરાર દ્રારા જન્મેલું બાળક હોય અને થોડા વરસો પછી એક બીજાને અનૂકૂળ ના આવતા જ્યારે આ યુગલમાં ભંગાણ પડે છે ત્યારે તેમના બાળકની ખાસ કરીને મા બાળકની જવાબદારી સ્વીકારે લે છે અને સિંગલ પેરેન્ટસની શરૂઆત થાય છે.મોટે ભાગે તમોને “સીંગલ મધર”ની સંખ્યા સૌથી વધું જોવા મળશે.જ્યારે “સીગલ ફાધર”જેવો શબ્દ પણ ભાગ્યે જ કાને પડે છે.
હવે કોઈ સિંગલ પેરેન્ટ જોવા મળે તો કોઈ નવાઈ નથી પામતું.આજ કાલ એકલા હાથે બાળકોનો ઉછેર કરવો તે હવે એક સામાન્ય વાત બની ગઈ છે.જોકે સિંગલ પેરેન્ટના કારણે બાળકોનો જે રીતે જોઈએ એવો વિકાસ થતો નથી.કારણકે મા કે બાપ જે પણ એકલા હાથે બાળકને ઉછેરે છે એને ઘરનું અને બહારનું કામ એકલા હાથે કરવું પડે છે.તેથી બાળકને જરૂરી સમય આપી શકતા નથી.આવી પરિસ્થિતિમાં બાળ સહજ ઉછેર યોગ્ય રીતે થઈ શકતો નથી.આવા વાતાવરણમાં ઉછરેલુ બાળક બહુ સહજતાથી ખોટા માર્ગે ઘકેલાઈ જાય છે ક્યારેક તો પ્રેમની ભૂખ તેને ડ્રગ્સ અને બીજી બદીઓ તરફ કાચી યુવાન વયે ઘકેલી દે છે.
આ સિંગલ પેરેન્ટ્સહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ અને માનશીક અસ્થિરતાનું પ્રમાણ વધી ગયું છે.
આજ રીતે એકલા રહેતા સ્ત્રી કે પુરુષના જીવનમાં પણ સાચા પ્રેમનો અભાવ અને હંમેશની તાણ હોવાને કારણે શારીરિક અને માનસીક સંતોષના બહાના હેઠળ તે પણ ડ્રગ્સ કે નશાની આદત વધતી જાય છે..અને ધણી ડીપ્રેસનમાં જીવતા જોવા મળે છે.
મૂળ અમેરિકનો અને આવીને વસેલી પ્રજા કરતા અહી અમેરીકામાંવસતા ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું હોય છે તે સ્વાભાવિક છે.કારણ કે આપણી માનસીકતા અને સામાજિક ડરના કારણે ડિવોર્સ અને લીવ ઇન સબંધો ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે શરુઆતથી જ પતિ પત્ની એકબીજાને અપનાવી શકતા નથી.પણ સમાજના ડરનાં કારણે કે માતાપિતાના દબાવના કારણે પરસ્પર સમજુતીથી મન મારીને જિંદગી કાઢી નાખતા હોય છે.જ્યારે અમેરિકામાં આવું બનવાની શક્યતાઓ નહીવત હોય છે.અહી ના ફાવે તો તરત રસ્તા અલગ થઈ જતા હોય છે.હવે તો આપણા ભારતીય યુવાન યુવતીઓને પણ આવા અણગમતા સબંધમાં બંધાઈ રહેવા તૈયાર હોતા નથી માટે છુટાછેડાના દાખલા દિવસેને દિવસે વધતા જાય છે.આમાંથી બચવા યુવાનો લગ્ન માટે સાથીની પસંદગીમાં બહુ ચોકસાઈ થી કરવા માગે છે.બંનેના શોખ અને આદતો સરખી હોય તેવા સાથીનો શોધમાં રહે છે.
સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નપછી પતિપત્ની બંને એકબીજાને અનુકુળ થવા પ્રયત્ન કરે છે અને થાય છે પરંતુ અહી અલગ અલગ રીતે ઉછરેલા બે જણ પહેલા જ દિવસથી એકરૂપતા અને વિચારોની સંગતતા શોધે છે.આ કાર્ય જોઇએ એટલું સહેલું પણ નથી હોતું.અને આ જ કારણે યોગ્ય સાથીની શોઘમાં ઉમંર વધતી જાય છે। જ્યાં પહેલા બાવીસથી પચ્ચીસ વર્ષની વચ્ચેની ઉમરમાં લગ્ન થઇ જતા હતા.જ્યારે આજે અ જ લગ્ન માટેની ઉમર આજે ત્રીસથી આડત્રીસની વર્ષની વય મર્યાદા પહોચી ગઈ છે.અને પાકટ વયે ભેગા થયા પછી વિચારોની પરિપકવતા બહુ સજ્જડ થઈ જાય છે ત્યાં એકબીજા માટે બાંધછોડ કરવું મુશ્કેલી ભર્યું બની જાય છે.આના કારણે હવે અમેરિકામાં મોટી માત્રામાં પરણવાની ઉંમર વટાવી ચુકેલા ભારતીય યુવાન યુવતીઓ જોવા મળે છે
બીજું એક કારણ એ છે માં બાપની રૂઢિચુસ્તતા યુવાન થતો દીકરો કે દીકરી તેમના અભ્યાસ દરમિયાન જો કોઈ સાથી શોધી લે અને જો એ પાત્ર પરજ્ઞાતિનું હોય તો મા બાપ મંજુરી આપતા નથી.આના કારણે મનગમતો સબંધ બંધાતો નથી અને પછી ઉપર દર્શાવેલું ચક્ર શરુ થઈ જાય છે.
અહીયા વસતી પચરંગી પ્રજાના કારણે ભારતીય યુવાન કે યુવતી જો શ્વેત,અશ્વેત કે હિસ્પેનિક લોકો સાથે સબંધ જોડી દે છે ત્યારે આખા કુટુંબમાં તણાવ ફેલાઈ જાય છે.કારણકે સાવ અલગ રહેણી-કરણી વાળા સાથે જીવન વિતાવવું બહુ અઘરું હોય છે.જેથી આ પ્રેમીઓને શરૂઆતમાં ભાન હોતું નથી પરંતુ માંબાપને સતત ભય સતાવે છે કે આ લગ્ન સબંધ ગમે ત્યારે તૂટી પડશે.અને તેની સહુથી માઠી અસર તેમના જન્મેલા બાળકો ઉપર પડશે અને તેઓ આ લગ્ન માટે મંજુરી આપતા નથી.
જો કે દરવખતે આપણે વિચારીએ તેવું બનતું નથી.અહીયા ઘણા કિસ્સઓ એવા પણ જોયા છે કે જ્યાં પોતાનો સગો દીકરો તેનામાં ભારતીય સંસ્કારો ભરેલું લોહી દોડે છે તે પોતાના માં બાપને જાકારો આપે છે અને એક પરદેશી બીજા ધર્મનો યુવાન પોતાની પત્નીના માતા પિતાનો સંપૂર્ણ બોજો હસતા મ્હોએ ઉઠાવી લેતો હોય છે.
અમેરિકામાં એક મોટી સમસ્યા આ છે કે હવે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું નથી.ભારતમાં તો સંયુક્ત કુટુંબની પ્રથા સૈકાઓથી ચાલતી આવી છે.અને આજે પણ લોકો મને કમને ભેગા રહે છે. જેમ કે પિતાને જો ધંધો હોય તો પિતાના ધંધામાં પુત્ર જોડાય છે.ત્યાં સુધી તેની પાસે પોતાનું કહી શકાય એવું મકાન કે ખાસ કોઈ મિલકત હોતી નથી.એક સામાન્ય નોકરીથી આ મોઘવારીમાં ઘર અને આખો જીવનનિર્વાહ ના ચાલી શ કે માટે મન મારીને પણ તેને સાથે રહેવું પડે છે.પણ મોટે ભાગે ભારતનાં પરિવારમાં વડીલનાં મૃત્યુ પછી તેનાં સંતાનો મોટે ભાગે મિલકતનાં ભાગ પાડી અને છુટા પડી જાય છે.
જ્યારે અમેરિકામાં મધ્યમ કમાણીએ સ્વતંત્ર રહેવું ભારત કરતા ઘણું સહેલું છે.અહી પતિપત્ની સાથે કામ કરીને ભાડે ઘર રાખી શાંતિથી એકલા રહી સકે છે.આજકાલના યુવાનોને લગ્ન પછી માં બાપનું બંધન સ્વીકાર્ય નથી.અહી ઘણા એવા યુવાનો યુવતીઓ જોવા મળે છે કે જે લગ્ન પહેલા જ માબાપથી જુદા રહેવા જાય છે.એક જ ગામ અને શહેરમાં અલગ ઘર રાખે છે.અને જ્યારે પણ સારું ખાવાનું મન થાય ત્યારે તે માનો પાલવ પકડવા ઘરે આવે છે.મનગમતું ભોજન જમીને પાછા પોતાના માળાની એકલતામાં પહોચી જાય છે..સારું છે કે ભારતમાં હજુ આ આધળી ફેશન આવી નથી .
મારા મત પ્રમાણે સારું છે કે લગ્ન પછી સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા અહી અમેરિકામાં નથી.કારણકે અહીની યુવતીઓને ખાસ રાંધતા આવડતું નથી અને તેમને બહારની નોકરી કરવી જ પસંદ હોય છે જે થી તે મરજી પ્રમાણે જીવી શકે.
આવા સમયે ઘરકામની બધી જવાબદારી માતા ઉપર આવી જાય છે.જેને અડધી જીંદગી છોકરાને જમાડીને તેને સાચવવામાં પૂરી કરી તેને હવે ઢળતી ઉંમરે એને વહુ અને તેમના છોકરાઓને સાચવવામાં પૂરી કરવી પડે છે.અધુરામાં પુરું,અહીયા ભારતની જેમ ઘરકામ માટે કામવારી હોતી નથી. ભલે મશીનથી કપડા વાસણ સાફ થતા હોય છતાય બાકી એવું ઘણુ કામ હોય છે.જેનાં માટે શારીરિક શક્તિ વપરાય છે.
આટલું કરતા પણ તેમની સ્વતંત્રતા નાં જોખમાય તેનો ખ્યાલ મા બાપે રાખવાનો હોય છે. આમ ભારતીય અમેરિકન વહુ દીકરાને સાથે રાખવા ઘીરજ અને દાદ માગી લે તેવા હોય છે.આથી મારા માટે સહુ પોતપોતાની જીંદગી અલગ રહીને પોતાની મરજી મુજબ જીવે તો એકબીજા સાથે વધારે સુખ અને પ્રેમ જળવાઈ રહે છે.
રેખા પટેલ (વિનોદિની)