RSS

“ન્યાયતંત્ર” ..અમેરીકા-અમેરીકા …લેખમાળા લેખનં-૪

28 Jun
અમેરિકાનું  ન્યાયતંત્ર સામાન્ય રીતે ભારત કરતા સુવ્યવસ્થિત અને કડક વલણ અપનાવનારું છે, આ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી …..
યુનાઇટેડ સ્ટેટ્સ,ઓફ  અમેરિકા પચાસ રાજ્યોની બનેલી ફેડરલ( સંઘીય ) ગવર્મેન્ટ છે ,અહી સરકારી માળખાનું બંધારણ પ્રજાસત્તાક છે. અને સામાન્ય રીતે અધિકારીઓની નિમણૂંક વહીવટી તંત્ર  દ્વારા થાય છે અને તેને સેનેટ/ કોંગ્રેસ મંજુરી આપે છે, તેમ છતાં કેટલાક રાજ્યોમાં ન્યાયમૂર્તિઓ અને અધિકારીઓ લોકોના મતથી પણ ચુંટાય છે.
આમ જોવા જઈયે તો આર્થિક વિકાસ માટે લોકશાહી રાજકીય પદ્ધતિ શ્રેષ્ઠ છે કારણ કે તેમાં લોકોને સંપૂર્ણ સ્વતંત્રતા અને અધિકારો અને  સામાજિક ન્યાય મળે છે.
મોટાભાગના વિકસિત દેશો લોકશાહી દેશો  છે તેના પરથી પણ સિદ્ધ થાય છે કે લોકશાહી પ્રથા દેશના આર્થિક પ્રશ્નો ઉકેલીને ઝડપી વિકાસ કરવા માટે  અનુકૂળ છે.

ભારતમાં જેમ સંસદ સર્વોપરી છે અને સંસદમાંથી જ સરકાર બને છે , તેમ અમેરિકામાં પ્રમુખશાહી લોકશાહી, વ્યવસ્થા છે તેમાં પણ પ્રમુખને આપખુદ સત્તા નથી તેમને પણ સંસદ દ્વારા મંજૂરી અને સ્વીકૃતિ મેળવવી જરૃરી છે.અહી પણ  ડેમોક્રેટીક અને રીપબ્લીકન બે મજબુત પક્ષો છે, જે તે પોતાની બહુમતી સરકાર રચવા હમેશા એક બીજાને પછાડવા યોગ્ય અયોગ્ય પ્રયત્નો કરતા હોય છે

લોકશાહી દેશોમાં લાગવગ, સગાવાદ,  લાંચ-રૃશ્વત સૌથી મોટું દુષણ છે જે ભારત અને  પૂર્વના દેશોમાં ઘણી હદ સુધી પ્રવર્તતું જોવા મળે છે
છતા પણ અમેરિકામાં આ બધી બદી બીજા દેશોની સરખામણીમાં ઘણા ઓછા અંશે જોવા મળે છે . અહીનું ન્યાયતંત્ર ઝડપી અને સ્પષ્ટ હોય છે,
સહુ પ્રથમ નંબરમાં અહીની પોલીસ વ્યવસ્થા આવે છે …. અમેરિકા જેવા દેશમાં પોલીસતંત્રની વ્યવસ્થા અને તેનું નેટવર્ક એટલું સક્ષમ અને સુબદ્ધ રીતે રચાએલું છે કે ક્યાંય પણ કોઇ દુર્ઘટના ઘટે કે પાંચમી મિનિટે પોલીસ હાજર થઈ જાયછે . મોટાભાગના ઘરોમાં જ્યાં એલાર્મ સિસ્ટમ નખાએલી હોય છે ત્યાં એલાર્મ અમુક સેકન્ડ કરતા વધુ સમય માટે ચાલુ રહે તો તરત તેમના કાર્યાલય માંથી ફોન આવી જાય છે અને જ્યાં સુધી પોલીસ તમારા ઘરે નાં પહોચે ત્યાં સુધી તે ફોન લાઈન તમારી સાથેનો સંપર્ક ચાલુ રાખે છે , જેથી તેમને પળેપળ ઘટતી વાત વિષે ખ્યાલ આવી શકે અને વધુમાં વધુ પાંચ ,સાત મીનીટમાં તો પોલીસ ઘટના સ્થળે આવી પહોચે છે
આટલી બધી શિસ્તબધ્ધતા અહીજ શક્ય બને છે.

અમેરિકાની ટ્રાફિક વ્યવસ્થા બીજા દેશોની સરખામણીમાં બહુ વ્યવસ્થિત અને સુરુચિ પૂર્વકની હોય છે અહીના રસ્તાઓ ની બાંધણી અને રચના એવી હોય છે કે તમે 100 માઈલ ની ઝડપે જાઓ તો પણ પેટનું પાણી ના હલે છતાય સામાન્ય કક્ષાના માણસથી લઇ મોટા મીલીઓનર સુધીના કે એક અદના માણસથી લઇ મીનીસ્ટર નાં હોદ્દા સુધીના દરેક સ્પીડ બાબતે ખ્યાલ રાખતા  હોય છે  અને રસ્તાની બાજુમાં મુકેલા સ્પીડ લીમીટનાં  પાટીયાને અનુસરીને કાર ચલાવે છે .

તેનું  કારણ એજ કે અહી જગ્યા જગ્યા ઉપર પોલીસની કાર સ્પીડ મોનીટર વડે દરેક કારની સ્પીડ જોતી હોય છે ,જરૂર કરતા વધારે ઝડપથી કોઈ કાર ચલાવે તો તરત કાર ઉપર આવેલી લાલ ભુરી લાઈટો ચાલુ કરી તેને ત્યાજ રસ્તાની સાઈડમાં રોકી લેછે અને દંડ રૂપે મોટી રકમ વસુલ કરે છે . વાત આટલેથી અટકતી નથી આ ટીકીટની અસર તેના કાર ઇન્સ્યોરન્સ ઉપર પણ પડે છે ,તેનો ઇન્સ્યોરન્સ મળતી દર ટિકિટે મોટા આકડે વધે છે અને આવી ત્રણ ટીકીટો મળે તો તેનું લાયસન્સ પણ અમુક સમય માટે રદ કરી દેવાય છે . અહી કાર વિના દરેક ની હાલત અપંગ જેવી થઈ જાય છે માટે બધાજ આ બાબતે બહુ સાવચેતી રાખે છે  જેથી નકામા એકસીડન્ટ નિવારી શકાય છે.

હવે તો ભારે ટ્રાફિક વાળા જંકશનો ઉપર છુપા કેમેરા પણ ગોઠવાએલા જોવા મળે છે જે તમારી જાણ બહાર તમારી સ્પીડને કેમેરામાં આબાદ રીતે પકડી શકે લે છે અને નક્કી કરેલ ટીકીટ તમારા ઘરે મેલ દ્વારા આવી જાય છે .
 આથી દરેક આપમેળેજ પોતાની કારની સ્પીડ જાળવી રાખે છે ,આ ઉપરાંત દરેકને પોતાની લાઈનમાં રહીને જ કાર ચલાવવાની હોય છે જો કોઈ આડેઘડ કાર ચલાવે તો તેને પણ આવીજ ટીકીટ મળી શકે છે
જોકે હવે આપણા દેશમાં પણ બહુ લાઈન વાળા એક્સપ્રેસ હાઈવે બન્યા છે બસ ત્યાં જરૂર છે આવીજ કઇક ટ્રાફિક વ્યવસ્થા ઉમેરવાની.
આવી વ્યવસ્થા જો  દેશમાં કરવામાં આવે તો ટ્રાફિકના ઘણા પ્રોબ્લેમ્સ અને તેમાં થતા અકસ્માતો નિવારી સકાય ,પરેતુ આ  વ્યવસ્થામાં પોલીસ તંત્રનું પ્રમાણિક થવું બહુ જરૂરી છે.
હવે વાત આવે છે રસ્તાઓ ઉપર થતા એકસીડન્ટ વિષે ….  સામાન્ય રીતે આપણાં દેશમાં જો રસ્તા ઉપર કોઈ અકસ્માત થાય તો આવતા જતા લોકો ખાસ દરકાર કરતા નથી કારણ તેમને નકામી ઝંઝટમાં પડવું ગમતું નથી .  તેનું મોટું કારણ છે આપણા દેશનું પોલીસતંત્ર,  જે કઈક અલગ દિશામાં જ કામ કરે છે. જ્યાં જરૂરી નથી હોતું  ત્યાં કારણ વગર સખ્તાઈ થી વર્તે છે…ઘાયલની યોગ્ય સારવાર પ્રથમ જરૂરીયાત છે ત્યારે તેને બદલે પોલીસકેસ ની પંચાતમાં ઘણો સમય ગુમાવે છે તેમની પૂછપરછમાં તેને લઇ આવનાર સામાન્ય માણસ પણ અટવાઈ જાય છે, આ બધી તપાસ જરૂરી હોય છે પરંતુ તે ઘાયલને સહુ પ્રથમ ડોકટરી સારવાર આપ્યા બાદ પણ કરી શકાય છે.

અમેરિકામાં નાનો કે મોટો કોઈ પણ એકસીડન્ટ થાય છે તો ત્યાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિ તરત સાઈડમાં કાર પાર્ક કરી 911 ને ફોન કરી દે છે અને ગણતરીની ક્ષણોમાં તો એમ્બ્યુલન્સ સાથે પોલીસ કાર અને જરૂરીયાત પ્રમાણે ફાયરબ્રિગેડ પણ હાજર થઇ જાય છે ,વધું ખરાબ એકસીડન્ટ લાગે તો હેલીકોપ્ટર દ્વારા ઘાયલને હોસ્પિટલ પહોચાડી દેવાય છે …આ બધું સાવ ગણતરીની ક્ષણોમાં બની જતું હોત છે ,આ સારવાર દરમિયાન  અહી જોવામાં નથી આવતું કે ઘાયલ કોણ છે તેની પાસે આ ખર્ચને ભરવા જોગવાઈ છે કે નહિ કે તે અહીનો રહેવાસી છે કે નહિ?. આ બધી બાબત એક જિંદગી આગળ ગૌણ બાબત બની જાય છે. જોકે અહી મોટાભાગે થતા કાર ના અકસ્માત કાર વીમાં કંપનીઓ ભરપાઈ કરતી હોય છે માટે અહી દરેક વાહન ચાલકે કારનો  વીમો એટલેકે કાર ઈન્સ્યોરન્સ લેવો જરૂરી બને છે ,

જોકે હવે ભારતમાં પણ આ બાબતે સુધારો આવતો જાય છે હવે અહી પણ મોબાઈલ વેનની વ્યવસ્થા ઉપલબ્ધ બની છે જેના કારણે તાત્કાલિક રીતે ઈજાગ્રસ્તોને સેવા ઉપલબ્ધ થાય છે,છતાં પણ આ સેવાઓ બધે ઉપલબ્ધ નથી હોતી પરિણામે બચાવી લેવાય તેવી જિંદગીઓ પણ કમોતે મરી પરવારતી હોય છે
આમાં ફક્ત સરકારને દોષી નાં ઠેરવતા લોકોએ પોતાની જવાબદારી જાતે સમજવી જરૂરી છે ,કારમાં બેસનારે સીટ બેલ્ટ અને ટુ વ્હીલર વાળા દરેકે માથે હેલ્મેટ પહેરવી કાયદાની રુએ જરુર્રી હોવા છતાં લોકો આ કાયદા સામે આડી નજર રાખે છે , જયારે અમેરિકામાં આ બાબતે કોઈ બાંધછોડ કરી શકાતી નથી .
હવે બીજુ મહત્વનું  પાસું છે અહીના ન્યાયતંત્ર વિષે ……
જ્યાં ભારત અને અમેરિકાની કોર્ટ અને ચુકાદા વચ્ચે એક મોટો તફાવત જોવા મળે છે .જેમકે વ્યક્તિગત ઝગડો હોય કે સિવિલ સુટ (દીવાની દાવો )નો દાવો હોય અમેરિકાની કોર્ટમાં આનો નિવેડો બહુ જલ્દી આવી જતો હોય છે
માલમિલકત ની ભાગીદારી ની વાત હોય કે ઘંઘાકીય મતભેદો માં થતા ઝગડાઓ હોય આ બધાનો ઉકેલ અહી બહુ જલ્દી આવી જાય છે , જેમકે મકાનમાલિક ધંધા માટે પોતાની જગ્યા કોઈને લીઝ (ભાડા )ઉપર આપે છે અને તેની સમય મર્યાદા પૂરી થતા તે કોઈ પણ મુદત કે ઝગડા વિના ભાડુવાતને ખાલી કરાવી શકે છે અને જો વાત ભૂલ થી પણ કોર્ટ સુધી જાય તો કોર્ટના આદેશ મુજબ ત્યાર સુધીનું ભાડું તે પણ પેનલ્ટી (દંડ)સાથે તુરત ભરવું પડે છે અને આવા કેસનો નિવેડો પણ બહુ ઓછા સમયમાં આવી જાય છે
જ્યારે ભારતમાં આવી રીતે કોઈને ઘર ખાલી કરાવવું પડે તો મકાનમાલિકને નાકે દમ આવી જાય છે અને જો કોર્ટમાં કેસ ચાલે તો નિવેડો આવતા વર્ષો લાગી જાય છે ક્યારેક તો એમ પણ બને કે કેસ નોઘાવનાર સ્વર્ગવાસી પણ બની જાય છે ,ક્યારેક સામસામી ભાડુતી ગુંડા પણ રોકાવાય છે , આ બધું આજના પ્રગતિશીલ ભારત માટે કલંકરૂપ લાગે છે . ન્યાયને સમય ગુમાવ્યા વિના તોળવો જરૂરી છે.
ભારતમાં મોટાભાગે બળવાન જીતે છે અને અમેરિકાના ન્યાય તંત્રમાં સાચો જીતે છે.

ક્યારેક વધારે પડતી ન્યાયપ્રિયતા સમાજમાં મુશ્કેલી પણ લાવી દેતી હોય છે.
જેમકે આપણે ત્યાં નાના બાળકોને તેમના ભલા માટે માં બાપ થોડી ઘોલ ધપાટ કરે તે સ્વાભાવિક છે તેમાં કાયદો વચમાં પડતો નથી.

પરંતુ અમેરિકાના કાયદા પ્રમાણે તમે બાળકો ઉપર હાથ ના ઉપાડી શકો, જરૂર કરતા વધુ સખ્તી અહી ગુનો ગણાય છે અને આ વાત નાના બાળકોને સ્કૂલ માથી જ સમજાવવામાં આવે છે જેના પરિણામે સાવ નાના બાળકો પણ જો માબાપ ઘમકાવે તો સામે કહેતા સંભળાય છે કે હું  911 ને ફોન કરી દઈશ , આ ફક્ત અમેરિકન બાળકો કહે છે તેવું નથી તેમને જોતા સમજતા આપણા દેશી પરિવારોમાં પણ આવું બને છે…….અને આવા વખતે બાળકોના ઉજવ્વળ ભવિષ્ય માટે રાત દિવસ એક કરતા મા બાપ ના મન ઉપર ઊંડી અસર કરી જાય છે .
આવા કાયદા સામે ક્યારેક નિર્દોષ પણ દંડાઈ જાય છે , તાજેતરમાં બનેલો એક બનાવ હું અહી રજુ કરું છું .
ડેલાવર સ્ટેટ માં રહેતા એક ગુજરાતી પરિવારમાં ચાર વર્ષનું નાનું બાળક જે તેના મા બાપની આંખનો તારો હતો ,એક દિવસ તેની મમ્મી નહાવાના ટબમાં પાણી ભરી તેને રમાડતી હતી ત્યાજ કઈક કામ યાદ આવતા તે કિચનમાં ગઈ અને અણસમજુ બાળકે ભૂલ થી ગરમ પાણીનો નળ ખોલી નાખ્યો .
અહી ગરમ પાણીનો નળ ખોલતાં તરત બહુજ ગરમ પાણી આવી ગયું , આવું ઉકળતું પાણી એ બાળક ઉપર પડતા તેનો પાછળનો ભાગ દઝાઈ ગયો , અને તે ચીસ પાડી રડવા લાગ્યો ત્યાજ તેની મમ્મી દોડતી આવી તરત બહાર કાઢ્યો અને પાવડર લગાવી કપડા પહેરાવી દીધા.
તે વખતે તો તેમને ખબર ના પડી કે બાળક આટલું દઝાયો છે ,પરંતુ તેનું રડવાનું બંધના થતા તેની મમ્મીએ  કપડા ઉતારીને જોયું તો દાઝેલા ભાગમાં ફોલ્લા નીકળી આવ્યા હતા તે તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.
અહી હોસ્પીટલમાં ડોક્ટર અમેરિકન હતો તેને લાગ્યું કે તેની મોમની લાપરવાહી ના કારણે આવી દશા થઈ છે
તેમને નાના બાળકને ફેરવી ફેરવી સવાલો કર્યા ,નાનું બાળક માંડ અંગ્રેજી સમજતું હતું મોટાભાગના સવાલોમાં તે તેની મમ્મીનું નામ લેતું હતું આથી શંકાસ્પદ લાગતા ડોકટરે પોલિસને ફોન કર્યો અને તે આવીને બાળકને ગવર્મેન્ટ દ્વારા ચાલતા ચાઈલ્ડ કેરમાં લઇ ગઈ ,ત્યાંથી મા બાપને બાળક પાછું ઘરે લાવતા બે દિવસ નીકળી ગયા તેની માટે વકીલ પણ રોકવો પડ્યો
આવા વખતે થાય કે  દેશમાં સારું કે આપણા બાળકોને કેવી રીતે ઉછેરવા તે આપણે નક્કી કરી શકીએ છીએ
છતાં પણ એક જોતા અહી બાળકોની શોષણ થતું નથી આ વાત નોઘવા જેવી છે ,બાળકો તેમનું બાળપણ પૂરી આઝાદી અને આનંદ થી જીવી સકે છે ,બાળમજુરી અહી જોવા મળતી નથી આ વાતનો મને પૂરો સંતોષ છે , અહી ચાઈલ્ડ વેરફેર પ્રોગ્રામ બહુ મહત્વનો છે જ્યાં ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો માટે અને ખાસ તો તેમના બાળકો માટે ગવર્મેન્ટ સારો એવો વાર્ષિક ખર્ચ માથે લેતી હોય છે.કારણ અહી માનવામાં આવે છે આજના બાળકો આવતી કાલ નું ભવિષ્ય છે
આ વાત આપણા દેશવાસીઓએ તથા દેશ ચલાવવા ખુરશીઓ ઉપર બિરાજમાન સત્તાધારીઓએ સમજવા જેવી છે.
આપણે ભારત વાસીઓ હંમેશા મહાત્મા ગાંધીજીની અહિંસાને ગળે વળગાડી ચાલીયે છીએ તે સારું છે છતાં પણ જ્યાં જરૂરી હોય ત્યાં માથું ઉચકવું આવશ્યક બની જાય છે  . અમેરિકાની નીતિ આ જોતા આપણે પણ એક વાત સમજવી જોઈએ કે ન્યાય અને દેશના ગૌરવ  માટે  ધર્મયુધ્ધો લડવા પડે તો તે માટે તૈયારી રાખવી જોઈએ,  શાંતિપ્રિય હોવું સારું છે પણ ઘરમાં ઘુસી આવતા અનિષ્ટો  સામે ના લડવામાં કાયરતાના દર્શન થાય છે .
હાલ ભાજપની  મોદી સરકાર આવ્યા પછી ઘણા હકારાત્મક ફેરફારો નોધાયા છે ,જેમાં ઔધોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ અર્થે  સુધારા કર્યા થયા છે. દેશમાં મુડી રોકાણ માટેનાં આકર્ષણ વાળી યોજનાઓ મુકાઈ રહી છે. દેશમાં વિદેશી મૂડી રોકાણ માટેનું જરૂરી વાતાવરણ પૂરું પાડવાના પ્રયત્નો થઇ રયા છે અને રોકાણને લગતા અવરોધો દૂર થાય તે માટે શ્રી નરેન્‍દ્ર મોદી સરકાર પણ બનતા પ્રયત્નો કરી રહી છે
છતાં પણ સહુથી મહત્વની નોધ લેવા જેવી બાબત છે કે આપણા દેશના કેટલાક કાયદા અને આપણું શીથીલ ન્યાયતંત્ર વિદેશી મૂડી રોકાણકારો નાં માર્ગ અવરોધે છે . આ બાબત ખાસ ઘ્યાનમાં લેવા જેવી છે.
હવે દેશમાં ખાસ કરીને ગુજરાતમાં સરકાર દ્વારા ઓનલાઇન સર્વિસની શરૂવાત થઇ છે જ્યાં સામાન્ય જનતા ઓનલાઈન સર્વિસ ધ્વારા પોતાની તકલીફોને કાર્યકર્તા  સુધી પહોચાડી શકે છે અને આમ કરવાથી તેમના પ્રશ્નો નું ઝડપી નિરાકરણ શક્ય બને છે,ગુજરાતમાં મુખ્ય મંત્રી શ્રીમોદી દ્વારા શરુ કરાયેલ  ‘ઓનલાઇન જનફરીયાદ નિવારણ પ્રોજેકટ ” દ્વારા ઘણાના વણ ઉકલ્યા પ્રશ્નો નું સમાધાન થયું છે .
પરંતુ આ સેવા ત્યારેજ સંપૂર્ણ રીતે સફળ બનશે જ્યારે જનતા સાથે અધિકારીઓ પણ પોતાની જવાદારી સમજે ,કેટલાક જવાબદાર કાર્યકરો તો આ સેવાને માત્ર કાગળ ઉપર છપાવી રાખે કે પછી પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે ,આમ ના કરતા દરેકે પોતાના હોદ્દાને અનુરૂપ જવાબદારીઓ નિભાવવી જોઈએ ,જો દેશનો સાચો વિકાસ કરવો હોય તો બધાએ યોગદાન આપવું જરૂરી બને છે માત્ર એક સરકાર દેશને ચલાવવા સમર્થ નથી હોતી …….
“જય હિન્દ , ગોડ બ્લેસ અમેરિકા ”
 રેખા વિનોદ પટેલ
ડેલાવર યુએસે
Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: