અમેરિકા એટલે સુખ સમૃદ્ધિ અને સપનાંની દુનિયા
-અમેરિકા એટલે સુવિકસીત માળખાગત સુવિધા ધરાવતો દુનિયાના દરેક દેશની પ્રજાને આકર્ષતો દેશ.આકાશની ઉચાંઇએ અડતી ઈમારતો, અતિ આધુનિક કહી શકાય એવી હાઈટેક સુવિધાઓ ધરાવતો દેશ.સંસ્કૃતિનાં બંધન વિના વિશ્વભરની આધુનિકતાને સ્વેચ્છાએ અપનાવતો દેશ..હાઈટેક જીવન અને સ્વચ્છતાનો આગ્રહી દેશ.કાળા લીસા કાચની ઉપમા આપી શકાય તેવા ચોખ્ખા પાનની પિચકારી વિનાના સ્વચ્છ રસ્તાઓ અને બંને બાજુ ઉભેલા મકાનોમાં જીવાતા શિસ્તબદ્ધ જીવનનો દેશ…અને ભારતિયોને સૌથી મોટુ આકર્ષણ એક ડોલરમાં રૂપિયાનો એકસઠ રૂપિયાની આસપાસ ભાવ.
વિચારવામાં આ બધું બહું રૂપાળું લાગે છે.એટલે તો આ દુરથી ચમકતું સોનું ભલભલાને તેમની તરફ આકર્ષે છે. એટલા માટે જ દરેક દેશનું સાચું યુવા ઘન આ ચમકથી અંજાઈને દેશ છોડી પરદેશ જવા તલપાપડ થતું જોવા મળે છે.અને હક્કીતમાં આ વાત સાચી છે.અહી બધુજ છે ખનખનતા ડોલર.અહીં આઘુનિક જીવનમા જ્યાં દરેક પોતપોતાનામાં મસ્ત થઇને જીવે છે.આવતી કાલની ચિંતા મુક્ત જીવન.અને મુકત જીવનશૈલી..આ બધું હોલીવુડની ફિલ્મો અને ટીવી ચેનલોમાં જોઇને દરેક દેશના યુવાદિલમાં અમેરીકા જાણે એક સપના દેશ હોય એ રીતે જોવાતો હોય છે.
પરતું કહેવત છે કે”પીળું એટલુ સોનું નથી હોતું” અંદરખાને જુઓ તો અમેરીકા માટે આ કહેવત સાચી ઠરે છે.
અહી પરદેશમાં પોતાનું એક ઘર વસાવવા માટે જે રીતે આપણા દેશમાં મજુરી કરવા માટે માઠે બે ગાંસડી મૂકી જેમ આદિવાસી મજુરો આવે છે.. બસ આવી જ દશા પરદેશમાં જનારા આપના દેશી ભાઈ બહેનોની હોય છે..દેશમાં કહેવાય કે પરદેશ ગયો એટલે હવે તેમને લહેર… પણ ક્યારેક પાસે બેસાડી હકીકત પૂછો તો જાણવા મળશે કે બે છેડાં ભેગા કરવા માટે કેટલી તકલીફ માંથી તેમને પસાર થવું પડે છે.અહીયાં રોજ કમાવું અને રોજ ખાવું.કેટલાક લોકોનો વહેલો જોબ શરુ થાય તે છેક રાત્રે પૂરો થાય છે.કોઇ બાર બાર કલાક કામ કરે તો કોઈ ફેકટરીમાં કે કોઈ દુકાનોમાં કામ કરે છે.અને આ બધા માટે સૂર્યનો તાપ જોવો એક લ્હાવો બની જાય છે.
ક્યારેક તમે આવા લોકોને પૂછજો કે સગવડ અને જલસા કોને કહેવાય ?
આજે અમેરિકાની કેટલીક જાણીતી કેટલીક છુપાતી વાતો જે ક્યાયને ક્યાંક બનતી હોય છે તે એક સ્ત્રીની નજરે વર્ણવું છું…..
પતિ સાથે લગ્ન કરી એક જ્યારે નવવધુ આ દેશમાં પગલું મુકે છે ત્યારે કેટકેટલા સ્વપ્નાનું ભાથું એની પોટલીમાં બાંધીને સાથે લઈ આવે છે.જો કે જોવાતા આ બધા સ્વપ્ના કઈ હકીકતમાં નથી બદલાતા,પરંતુ તેને સાચા કરવા માટે તનતોડ મહેનત અને યુવાનીના એક પ્રિમિયમ ટાઇમ કહી શકાય એ ટાઇમનું બલિદાન આપવું પડે છે.
એક કોડભરી કન્યા અમેરીકા એટલે આવી હોય કે અહીંયા આવીને સુખ સાહ્યબીમા જીવન જીવવા મળશે.એક મોટું ધર હશે..અને એ ઘરમાં બધી સગવડતાના સાધનો હાજર હશે.. આધુનિક મોટરકાર હશે..પણ જ્યારે અહીં આવી પરમેનેન્ટ સિટીઝનશીપ મળતા કોઇ સ્ટૉર્સ કે મોલ કે એને જે લાગું પડતી હોય એવી નોકરી કરવી પડે છે અને એ પણ ઓવરટાઇમની સાથે…અને નોકરીની સાથે ધરની જવાબદારી પણ સંભાળવાની હોય ત્યારે આ કોડભરી કન્યાના અમેરીકાના સપના ચકનાચુર થઇ જાય છે..અને બસ પછી બાહ્ય રીતે અમેરીકન હોવાની દેખાવ જારી રાખીને અંદર એક નખશિખ ભારતિય કન્યાને ઢાકી રાખે છે.
આપણા દેશમાં કોઈ સ્ત્રી માતા બનવાની હોય ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન તેની કેટલી કાળજી રાખવામાં આવે છે.જ્યારે અહીયા ગર્ભવતી થયેલી સ્ત્રીઓનાં ડીલીવરીના છેલ્લા દિવસોમાં પણ આઠ આઠ કલાક ઉભા રહીને કામ કરતી જોવા મળે છે.જ્યારે ડીલીવરી પછી જ્યારે આપણા દેશમાં મહિનો બે મહિના સુધી અડદિયા ગુંદરપાક ખાઈને માથે સ્કાર્ફ પગે મોજા પહેરી ફરતી જોવા મળે છે.જ્યારે આ દેશમાં બાળકના જ્ન્મ પછી અઠવાડીયા કે બે અઠવાડીયા પછી નવજાત બાળકને કોઈ કેરટેકર(બાળસંભાળ ગૃહ)પાસે મુકીને કામ ઉપર નીકળી જાય છે..અને એ બાળક ભુખ્યું કે માના દુધથી વંચિત નાં રહે તે માટે છાતીએ મશીન લગાવી. પોતાના જ દુઘને બોટલોમાં ભરીને કામ ઉપર જવા નીકળી જાય છે
દેશ હોય કે પરદેશ માની મમતા બધેજ સરખી હોય છે.બસ આ મજબુરી મનને મક્કમ બનાવે છે..છલકતી આંખે અને છાતીએ પથ્થર મુકીને જ્યારે મા બહાર કામ કરે ત્યારે તેની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે એક વાર વિચાર કરી લેજો કે ત્યારે તમને દેશમાં બેઠા બેઠા પણ પરદેશની આ માં બહેનો વિષે અનુકંપા જાગી ઉઠશે.
છતા પણ એનો અર્થ એ નથી થતો કે બધા અહી દુઃખી હોય છે..જ્યારે આટલું સહન કર્યા પછી કોઈ પણ મહેણા ટોણા વિનાનો સંસાર ઝોળીમાં આવે છે ત્યારે દરેક સ્ત્રી બધું ભૂલી સુખનો કોળીયો ભરે છે… બાકી દેશમાં પ્રવર્તતી અજ્ઞાનતા અને અંધ શ્રધ્ધા ના કારણે કેટકેટલી સ્ત્રીઓ દુઃખી હોય છે એ પ્રકારનું માનશીક પીડન અહી હોતું નથી.અને”હું ભલી ને મારું ઘર ભલું ” આ અહીનું મારું એક મનગમતું વાક્ય છે.
કામ કરતી સ્ત્રી એટલે વર્કિંગ વુમન તરીકે અહીયાં સ્ત્રીઓની દશા વધુ દયનીય બની જતી હોય છે.ખાસ તો નાના બાળકો હોય ત્યારે મા તરીકે જવાબદારી સાથે નાના બાળકોને બીજાને હવાલે કરી આખો દિવસ કામ માટે બહાર દોડવાનું સાંજે ઘરે આવતા બાળકોને પીક અપ કરી આપણી ગુજરાતી કે ભારતિય રસોઈ બનાવાવની હોય જે બીજા અમેરિકન ફૂડ કરતા વધુ સમય લેતી હોય છે.વળી ભારતીય સંસ્કારો ભરેલા પતિદેવ જે હમેશા પત્ની ઘરનું કામ કરે તેવી આગ્રહ રાખતા હોય છે.એટલે આવી પરિસ્થિતિમાં સ્ત્રીને પોતાની માટે સમય રહેતો નથી …..
હા અહી વર્કીગ વુમનને એક વાતની શાંતિ રહે છે.કે આપણે ત્યાં જે છેડતી કે કામ ઉપર શારીરિક કનડગત નો ભોગ બનવું પડે છે તેવું અહી ખાસ હોતું નથી.અહી સ્ત્રીઓનું માંન સચવાય છે બરાબરીનો હોદ્દો અપાય છે.આપણે ત્યાં બજારમાંથી પસાર થતી સ્ત્રી ને કેટલીય નજરો તાકી રહે છે પછી ભલેને તેનું આખું શરીર ઠંકાએલું હોય.પણ અમેરિકામાં ભલેને ટુંકા વેસ્ટર્ન કપડા પહેર્યા હોય પણ સ્ત્રીને એવી ખરાબ નજરે કોઈ જોતું નથી
અહી ઘરે રહેતી સ્ત્રીઓ જે હાઉસ વાઇફ છે..જેના પતિ એટલા સધ્ધર હોય કે જેને બહાર કામ કરવાની જરૂર હોતી નથી..એવી સ્ત્રીઓની સ્થિતિ કઈક અલગ જ હોય છે. ઘરના સભ્યો બહાર પોતપોતાના કામોમાં બીઝી રહેતા હોય છે.આ સમયે ઘરમાં સ્ત્રી એકલતા અનુભવે છે.કેટકેટલા સ્વપ્નાઓ લઈને તેને આ ઘરતી ઉપર પગ મુક્યો હોય છે અને જ્યારે આ સ્વપ્નાઓ નંદવાઈ જાય છે ત્યારે તેની અસર શરીર કરતા મન ઉપર વધુ થાય છે ત્યારે મેન્ટલી ડીસ્ટર્બ પણ થઇ જતી હોય છે.અધુરામાં પુરું અહીનો કાતિલ શીયાળૉ..ચારથી પાંચ મહિના ચારે તરફ બરફની ચાદર સિવાય કશું નજરે ચડતું નથી.અને મોટે ભાગે અહીંયાં કાતિલ શીયાળા દરમિયાન ઘરમાં રહેતી સ્ત્રીઓની માનસિક સ્થિતિની પરિક્ષા થાય છે.
જ્યારે આપણા દેશમાં હંમેશા પોતાના લોકો વચ્ચે ઘેરાયેલી રહેતી સ્ત્રી હંમેશા ઉલ્લાસ પૂર્વક જીવતી હોય એવી સ્ત્રી અહીયા આવી એકલતા અનુભવે છે..જ્યારે દેશમાં વારેવારે આવતા તહેવારો હંમેશા તન અને મનને જીવંત અને તરોતાજા રાખે છે.આપણા દેશમાં દરેક પ્રસંગોમાં કપડા દાગીનો શોખ પુરો થાય છે.એ જ સ્ત્રીઓનો સૌથી મોટો આ શોખ કપડા અને દાગીનાનો અહીની બીઝી લાઈફમાં ક્યાય ખોરવાઈ જાય છે.
પણ ધીરે ધીરે અહી દિવસો બદલાયા છે.હવે અમેરિકામાં પણ એક મીની ભારત ઉભું થઇ ગયું છે.અહીંયા દરેક તહેવારો નાના મોટા પાયા ઉપર ઉજવાય છે.પણ જેમની પાસે સમય અને પૈસા હોય તેમને આ બધો શોખ પોસાય છે.પણ સ્ટ્રગલ કરનારા અને નાની મોટી જોબ કરનારા માટે આ બધું સ્વપ્ન સમાન રહે છે. પરદેશમાં શરૂવાતમાં જ્યારે જીવન નિર્વાહ માટેની દોડાદોડી હોય અને બે છેડા માંડ ભેગા થતા હોય ત્યારે અહીયા ઉજવાતા તહેવારોમાં ભાગ લેવાનું ક્યાંથી વિચારાય.. બસ આ મનની વાત મનમાં રાખી જીવવુ પડે છે.
એક બીજી બાજુ એ પણ એ છે કે,આ દેશમાં એક અલગ પ્રકારની માનસિક શાંતી અવશ્ય મળે છે.અહી કુટુંબના નાના મોટા પ્રશ્નો માટે સવાલ જવાબો આપવા લેવાના ખાસ હોતા નથી આથી સ્ત્રીનું સ્વાતંત્ર જળવાઈ રહે છે,અહી એનું માન પણ સચવાય છે.અને મોટે ભાગે સાસુ અને નણંદના કે ઘરના સભ્યોનાણ મેણાટૉણા સાંભળવા પડતા નથી.કદાચ આજ કારણ હશે કે આટલી વિટંબણા ઓ વચ્ચે પણ સ્ત્રીઓ અહી ખુશ રહે છે.આ દેશના ઉધાર પાસા સામે આ જમા પાસું બહુ મોટું ગણાય છે.
છતા પણ સાવ એવુ નથી..હજુ પણ અમેરીકા બહું જુજ ઘરો એવા છે..જ્યા સાસુઓની અને જેઠાણીઓની ઇજારાશાહી ચાલી આવે છે..અને એક બીજી વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે..એ છે ધાર્મિકતા…એ અમેરીકા હોય કે ભારત…એક સરખી જોવા મળે છે..ઉલટાનું અહીંયા લોકો વધુને વધું ધાર્મિક થતા જોવા મળે છે..
તે છતા “જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા એક ગુજરાત” કંઇક મેળવવા કંઇક ગુમાવવુ પડે એ સુત્ર યાદ રાખીને દુનિયાના કોઇ પણ ખૂણે વસતો ગુજરાતી જે તે દેશની પરિસ્થિતિ અને સંસ્કૃતિને અનૂરૂપ ઢળીને જીવન જીવે છે….
રેખા પટેલ (વિનોદિની
ડેલાવર ( યુએસે)————————————————————-