મિત્રો “ફિલિગ્ંઝ” મેગેઝિનનાં મે-૨૦૧૪નાં અંકમા પ્રકાશિત થયેલો મારો એક નાનો લેખ.
આ લેખને પ્રકાશિત કરવા બદલ શ્રી વિજય રોહિતનો આભાર માનું છું.
—————————
પોતાનુ વતન છોડીને જયારે પણ કોઈ વ્યક્તિ પરદેશ જાય છે ત્યારે તેની દશા કૈક અંશે એવી જ હોય છે જાણે માનો હુંફાળો ખોળો છોડીને નાનું બાળ ઉખળ ખાબળ જમીન ઉપર પહેલા ડગલાં ભરે છે.
તરક્કી અને ઉજ્જવળ ભવિષ્યના તે સપનાઓ પુરા કરવા દેશ છોડી પરદેશ જાય છે.ત્યારે
પરદેશમાં પોતાનું કહી શકાય એવું ઘર નથી હોતું.ત્યા રહેતા સબંઘીઓનો થોડા દિવસ સાચવે છે પણ પછી તો એને દેશમાંથી લાવેલી બે બેગોમાંથી સંસાર શરુ કરવાનો હોય છે
બીજી તરફ નોકરી સોઘવા ચોતરફ ભટકવું પડે છે..પગભર થવા માટે અજાણ્યા દેશમા થતો આ સઘર્ષ એની સહનશીલતાની પરીક્ષા સતત લેતો રહે છે..અધુરામાં પુરું અહી પણ રંગભેદનું પ્રમાણ ઓછા વાધતા અંશે જોવા મળે છે
શરુવાતની અહીની જોબમા અનસ્કિલ્ડ હોય એવી લેબર જોબ મળતી હોય છે.આપણા ગુજરાતી ભાઈ બહેનો નોકરીના સ્થળે પોતાની સારી છાપ બનાવવા માટે તેઓ જરૂર કરતા પણ વઘુ કામ કરતા હોય છે.બાર બાર કલાકની જોબ કરી રાત્રે જ્યારે થાકીને લોથપોથ થઈ ગયા હોય અને શરૂઆતી દિવસોમાં કાર ના હોવાંથી ઘર સુધી પહોચ્વા લોકલ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડે છે.
મોટે ભાગે પતિ પત્ની બંને કામ કરે ત્યારે માંડ બે છેડા ભેગા થાય છે.આ સમયમા કોઇ અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે તેની લાચારી આંખોમાં છલકી ઉઠે છે..આવા કટૉકટીના વખતે દેશમાં રહેતા સગા સબંઘીઓ પૈસાની મદદ માગે.અને પરદેશમા રહેતા આ લોકો જો થોડા ઘણી મદદ કરે તો તેમની હાલત “એક સાંઘતા તેર તૂટે ” જેવી હાલત થઇ જાય છે. અને જો તેઓ પૈસાની માટે નાં કહે તો દેશમાં રહેતા એ સ્નેહીઓને દુઃખ થાય છે તરત કહી દે કે,”તમે ડૉલરમા કમાણી કરો છો,થોડી ઘણી મદદ કરશો તો તમને શું ફર્ક પડે છે…હા ભાઇ હા..પરદેશની હવા લાગી ગઇ છે..”જેવા અનેક ટૉણાનો સામનો કરવો પડે છે..
અને હક્કીત એ છે કે માણસ નથી બદલાતો પરંતુ તેની વિષમ પરિસ્થિતિ તેને ઘણોખરો બદલી નાખે છે …..
જે લોકોને અમેરિકામાં બહાર ખુલ્લામાં કામ કરવાનું હોય છે તેમની દશા ખરેખર દયાનીય બની જાય છે, શિયાળો કાતિલ હોય ત્યારે.બહાર ઝીરો કરતા પણ ઓછું ટેમ્પરેચર હોય છે.અને આવા વખતે જો ગેસ સ્ટેશન સેલ્ફ સર્વિસનાં હોય ત્યારે અહી કામ કરતા આપના દેશી ભાઈયોને આવતી જતી દરેક ગાડીઓમાં પેટ્રોલ(ગેસ)ભરી આપવો પડે છે… વિચારવા જેવી વાત એ છે કે કાતિલ થંડીમા એક મિનીટ પણ બહાર નીકળવાનું મન નાં થાય ત્યારે આવી રીતે ખુલ્લામાં કામ કરવું કેટલું મુશ્કેલી ભર્યું હોય છે એ તો કામ કરતા આપણા હિંદુસ્તાની ભાઇઓ જ સમજી શકે છે.કે એના પર શું વિતે છે.
આમ દેશથી દુર થયેલા સ્વજનો માટે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપતા પહેલા તેની મજબુરી પહેલા સમજવી જોઈએ
-રેખા પટેલ (વિનોદિની )
ડેલાવર (યુ એસ એ )