નાનેથી પગભર થાય ત્યા સુધી બાળકો માટે બલિદાન આપે એ મા-બાપ
પોતે ભૂખ્યા રહીને બાળકોને જમાડે એ મા-બાપ
પોતે ભીનામાં સુઈ બાળકોને સૂકામાં સુવાડે તે માં-બાપ.
પોતાનું સંતાન જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી માં-બાપ પોતાની જરૂરીયાત ઉપર કાપ મુકીને સંતાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે દીવસ રાત કરે છે..અને પાઇ પાઇ એના સંતાનો પાછળ ખર્ચી નાખે છે..અભ્યાસ ખતમ થતા દેશમાં સારી નોકરી કે ધંધો મળી જાય તો સંતાનો માબાપની નજર સામે રહે છે..પણ જ્યારે નાછુટકે પોતાના સંતાનના સપનાને પુરુ કરવા ખાતર પરદેશ મોકલવા પડે ત્યારે,
આ સંતાનને જીવનભરના એ ત્યાગની કિમત પરદેશમાં ઠરીઠામ થઇ જતા સમજાય છે ખરી?
એટલે કે કેટકેટલા દુખોને હસતાં મુખે સહન કરી માબાપ તેમના કાળજાના કટકાને ઉજ્જવળ ભવિષ્ય માટે પરદેશમાં આંખોથી દુર મોકલવા તૈયાર થાય છે પણ તેમના હૈયાથી દુર નથી કરી શકતા.આવી પરિસ્થિતિમાં પરદેશ જઇને થોડા સમયમા ઠરીઠામ થયેલા દીકરા દીકરીઓની પાસે પોતાનું વતન છોડીને પરદેશમાં એના સંતાનોનાં ઘરે આવી જાય છે.
અહીં પરદેશમાં મોટાભાગના વૃઘ્ઘો આવે છે તેઓને શરૂઆત જે તે દેશના રીતરીવાજો આબોહવા અને જીવન શૈલીમાં પોતાને ઢાળવામાં મને કમને સક્ષમ બને છે..પરંતુ બાકીની રોજિંદી પરિસ્થિતિ બહુ દયાજનક બની જાય છે
દરેક મા-બાપને એમની પાછલી ઉંમરે સંતાનો,અને પૌત્ર-પૌત્રી સાથે રહેવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. પરતું આ ઈચ્છાને પૂરી કરવા તેમને પાછલી ઉંમરમાં મોટું બલિદાન આપવું પડે છે.,તેમા જો પતિ પત્ની બેમાંથી કોઈ એક પાત્ર હોય તો એ પાત્રને તદ્દન એકાકી જીવન બની રહે છે..
પરદેશમાં આવેલા દાદા-દાદી કે નાના-નાનીની હેલ્થ સારી હોય.અને સંતાનોના પૌત્ર પોત્રીઓ જ્યાં સુધી નાના હોય ત્યા સુધી વૃદ્ધોની જરૂરીયાત પ્રમાણે તેમનું માન બરાબર જળવાય છે..કારણકે મોટા ભાગે પારકા દેશમાં વહુ દીકરો બંને કામ કરતા હોવાથી આવા વડીલોની હાજરીના કારણે ઘરની અને નાના બાળકોની સાચવણીની જવાબદારીમાંથી મુકિત મળે છે,અને આ વડીલોની હાજરીના કારણે ઓવર ટાઈમ જોબ કરીને થોડા વધું વિદેશી નાણા કમાઇ શકે છે.
હવે આ બાળકો નાના હોય છે ત્યારે દાદા દાદીની આજુબાજુ ઘૂમતા હોય છે..તેમની બનાંવેલી રસોઈ પ્રેમથી જમતા હોય..દાદા દાદીનો હાથ પકડી વોક કરવા જાય અને સાંજે આવેલા દીકરા વહુને પણ ઘરકામનું ટેન્શન ના હોવાથી થોડો સમય વડીલો સાથે વિતાવી શકે છે..
પણ આ બધી સહુલિયત વડીલો માટે બાળકો દસ બાર વરસનાં હોય ત્યાં સુધી તેઓને મળે છે,એમના પોતા-પોતીઓને સાથે રહેવાની મજા માણી શકે છે.પછી ધીરે ધીરે આ પરિસ્થિતિ બદલવા લાગે છે. હવે ટીનએજર પોતાપોતીઓને દાદીની રસોઈમાં કે વાતોમાં રસ નથી હોતો.. અને દાદા સાથે વોક ઉપર જતા હવે શરમ આવે છે..અને આ સમય આવતા સુધીમા દાદા દાદી પણ વઘુ વૃદ્ધ થઇ ગયા હોય છે
અને કરુણ સમયની શરૂવાત જ અહીથી થાય છે.ખુદના સંતાનો પહેલાથી જ ખૂબ વ્યસ્ત જીવન જીવતા હોવાથી અને જોબ ઉપરના વર્ક લોડના ટેન્સનમા રહેતાં હોય છે.મોટા ભાગે એ લોકો સવારે ઘેરથી નીકળી જતા હોય અને સાંજે મોડાં પાછાં ફરે છે.આવીને એમના બાળકોમાં અને બાકીના સમયમા પોતાનામાં બીઝી રહેતા હોય.અને રજાના દિવસો હોય ત્યારે પાર્ટીઓ અને સોપીંગમાં બીઝી હોય છે.. ઘણા પરિવારોમાં સવારે ‘બાય’ અને સાંજે ઘેર પાછાં ફરે ત્યારે ‘કેમ છો’ સિવાય ખાસ બીજા કોઈ સંવાદ મા-બાપ અને એમના સંતાનો વચ્ચે બનતા નથી.
આ પ્રકારની માનસિકતાં એકલતા વૃદ્ધત્વને વધુ જોરદાર ઝાટકાથી તોડી નાખે છે..પારકો દેશ કંઇ આપણું હિંદુસ્તાન નથી કે ઘરમાં અને અડોશ પડોશમાં લોકો વાતો કરવા માટે મળી આવે..અને અહી વિદેશમાં આજુ બાજુ બધા પોતપોતાના કામની લાળથી બનાવેલા કોશેટામાં ભરાએલા હોય છે.
વતનમાં પોતાની મરજી મૂજબ રહેલા વડીલો જાય તો ક્યા જાય ?પારકા દેશમા ગલીનું નાકુ કે ગામનો ચોરા જેવી વડીલોનો સમય વિતિ શકે એવી જગ્યાઓ હોતી નથી
આવા માહોલમાં રોજની એક એક ઘરેડમા જીવાતી જિંદગી વડીલો એકલતા અનુભવે છે. અને તેમને માનશીક રીતે નબળા કરી નાખે છે..અને આવા સમયે તેઓ ડીપ્રેશનની લાગણી અનુભવવા લાગે છે.સવાર સાંજ ઘરની ચાર દીવાલો તેમની માટે એક સહુલીયત ભરી જેલ બનીને રહી જાય છે,આખો દીવસ આ લોકો તરસતા હોય છે કે કોઈ આવી બે વાત કરે..પ્રેમથી આવીને,”કેમ છો પૂછે એવુ પૂછે..તમને કાંઇ તકલીફ કે દુઃખ જેવું કાંઇ નથી ને.” કોઈ હાથ ઉપર હાથ મૂકીને પૂછે….પણ વડીલોની આવી આશા ઠગારી નિવડે છે અને આવું કશુજ બનતું નથી. જે સંતાનો માટે જિંદગીના વરસો ઓછા અને કમાણી વધુ કરી હોય એ સંતાનો તેમના મા-બાપને વૃદ્ધત્વના આરે એકલા મુકી દે છે ત્યારે એ લોકોને સહન કર્યા સિવાય બીજો કોઈ છુટકો રહેતો નથી.
ઘણાં એવા ઘણા સ્વાર્થી લોકો મારી નજરે જોયા છે.. જે માબાપને નકામા ફર્નીચર જેમ ઠેબે ચડાવતા હોય છે. આ પ્રકારના સ્વાથી સંતાનોને એના મા-બાપની હાજરી પણ તેમને ઘરમાં ખુચતી હોય છે.પરિણામે વૃધ્ધ માબાપ પોતાને પરાધિન અને પરવશ અનુભવે છે. પારકા દેશમાં તેમને જવા કોઈ જગ્યા નથી હોતી કે તેઓ જઈને દુઃખ ઓછું કરે આવી સ્થિતિમાં ઘરના એમનાં સંતાનોના ઘરના એક ખૂણાના આંસુ સાસરવા સિવાય કોઈ રસ્તો હોતો નથી.
કેટલીક જગ્યાએ વહુઓ કમાતી હોય એનું બહું અભિમાન હોય છે.અને પોતે કમાઇ છે એવા નારા લગાવતી જાય અને ઘરડાં માં બાપને તતડાવતી હોય છે.ત્યારે જે દીકરાને મોટો કરવા માં બાપે રાત દિવસ નથી જોયા તે જ દીકરો કાનમાં રૂ ખોસી આરામથી બેઠો હોય ત્યારે પેલા ઋજુ હૈયા ભાગી જતા હોય હોય છે..કારણકે એની પત્ની કમાઇ છે એટલે માંડ બે છેડા ભેગા થાય છે…ત્યારે વડીલની આંતરડી કકડી જાય છે અને મનોમન પોતાની જાતને ભાંડતા હોય છે આના કરતા દેશનાં બે ટંકનો બટકુ રોટલો સારો હતો…
એક બીજી બાબત એક સ્ત્રી તરીકે મારી નજરમા આવી છે…સામાન્ય અને નોકરીયાત વર્ગમાંથી આવતી છોકરીઓએ હિંદુસ્તાનમા ફોરેનના દેશ જેવી આઝાદી,છુટછાટવાળી રહેણીકરણી અને મુકત માહોલ જોયો ના હોવાથી..અહીં આવ્યાના બેચાર મહીનામાં પોતાની જાતને ગોરી મેડમ સમજવા લાગે છે..વિદેશી રહેણીકરણીથી મોહિત થયેલી આ સામાન્ય પરિવારની છોકરી પોતાના સંતાનો અને પતિ પ્રત્યે દુર્લક્ષ સેવતી થઇ જાય છે…તો એના પતિના માબાપની આશા રાખવી સાવ નકામી છે.માબાપના ઘરે સાઇકલ પર સ્કુલે જતી છોકરી પાસે ફોરેન આવતા ઇમ્પોર્ટેડ કાર આવતા હવામા ઉડવા લાગે છે..
ક્યારેક તો સંતાનો એમના વડીલોને ને સવારથી નજીકના મોલમાં મૂકી આવે છે.. જ્યાં તેઓ આખો દિવસ કોઈ પણ ઉદ્દેશ વગર ફર્યા કરે અને સાંજે તેમન સંતાનો જાણે ઉપકાર કરતા હોય તેમ આવીને લઇ જાય છે..ત્યારે મને ભારતના ગામડામાં પેલાં રબારીઓ યાદ આવે છે જ્યાં આપણે સવારથી આપણી ગાય ભેશ ચરાવવા આપી દઈએ અને છેક સાંજે આવીને ખીલે બંઘાય જાય … બહુ દુઃખ થાય છે માં બાપની આવી દશા જોઉં ત્યારે
જોકે બધા સંતાનો આવા નથી હોતા..ઘણા સંતાનો ફોરેનમા આવીને માબાપના સંસ્કારોને ભૂલતા નથી.અને એનાંથી શક્ય હોય એટલું એમના માં બાપને સાચવવા પ્રયત્ન કરે છે..એક એવો વર્ગ પણ છે જે પોતે ગમે તેટલા દુઃખ સહન કરે તકલીફ વેઠે પણ માં બાપને પોતાના બાળકો કરતા વધુ સાચવે વધુ મહત્વ આપતા હોય છે. તેઓ સમજતા હોય છે કે આ ભારત નથી કે તેઓ બહાર જઈ પોતાનું મન હલકું કરે આને આથી કરી સતત તેમની સાથે શક્ય હોય તેટલો સમય માબાપ સાથે વિતાવે છે..પોતાના પ્રોગ્રામ કેન્શલ કરી તેમને મંદિર કે તેઓને આનંદ આવે તેવી જગ્યાઓ ઉપર અવારનવાર લઇ જાય છે..એટલે સુધી માબાપ બિમાર હોય તો તેમની નાના બાળક જેવી સાચવણી કરે છે.કારણકે અહી નોકરો કે કામવાળી બાઇઓ મળતી નથી , બધાને કઈ આયા કે કામ કરનાર બાઈ પોસાય નહિ.આવા સમયે ઘરની વહુ હસતા મ્હોએ બધું કામ કરે છે આવા પણ દાખલા ફોરેનમાં ભર્યા પડ્યા છે..
હું તો બસ આટલુજ કહું છું કે તમે શું આચરણ કરો છો તે તમારી આવનારી પેઢી એટલે કે તમારો સંતાનો તમારૂ આ આચરણ જુએ છે..શી ખબર!તમારા જ સંતાનો જ તમે વૃદ્ધ થતા,તમે જે રીતે તમારા માબાપને જેમ સાચવ્યા હોય એમ સાચવે..માટે કમસે કમ તેમના સારા શિક્ષણ માટે અને તમારા પોતાના ઘડપણને સુધારવા અત્યાર થી આંખો અને હૃદય ખુલ્લા રાખો…અને પરદેશમા પણ આપણા દેશના મુલ્યો અને સંસ્કૃતિ અને સંસ્કારની ગરિમાને ગૌરવપૂર્ણ આગળ વધારો..
-રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ.એસ.એ )