RSS

“પ્રેમ એ ઇશ્વરીય અહેસાસ છે,એક કોમળ અનુભૂતિ છે,”

02 May

Displaying photo.JPG

પ્રેમ એક એવી કોમળ અનુભૂતિ છે,
પ્રેમ અમૂલ્ય છે જે પૈસાથી ખરીદી શકાતી નથી.
પ્રેમ એટલે આત્માનુ સમર્પણ
પ્રેમ એટલે બે હ્રદયનુ એક થવું
પ્રેમ એટલે સુખનું વહેતું ઝરંણું
પ્રેમ એટલે ફલાણુ ઢીકણુ….વગેરે વગેરે..

પ્રેમ વિશે લાખો રીતે લાખો લોકોએ પોતપોતાની સમજણ મૂજબ જેટલો પ્રેમ જેને અનૂભવ્યો હોય એ રીતે એમની સમજણ પ્રમાણે અભિવ્યકત કર્યો છે…આજની તારીખે દર દસ પુસ્તકોમાંથી પ્રેમ વિશે બે પુસ્તકો પ્રકાશિત થતા રહે છે.

પણ પ્રેમ હક્કીતમાં શુ છે?એ કોઈ વ્યક્તિ છે?શું તે દેખાય છે તે ગોરો છે કે કાળો છે?શું તેને શરીર છે કે આત્મા છે?

આ પ્રેમ છે કોણ ? શું ચીજ છે જેની પાછળ દુનિયા પાગલ છે.પ્રેમ ઉત્પન્ન થતા કોઈએ જોયો નથી પણ જેના દિલમાં ઉત્પન્ન થાય છે તે આપમેળે જ સમજી શકે છે કે મને આ માણસ પ્રત્યે પ્રેમ થયો છે..આપણે કહીએ છીએ પ્રેમ ઇશ્વરીય તાકાત કે અનૂભૂતિ છે..પ્રેમની શરૂઆત બહુ સરળ,રોમાંચકારી અને દિલને ખૂશહાલીની મૌસમ જેવો લાગે છે..પણ સમય જેમ જેમ વિતે છે એમ સરળ લાગતો અને વિસ્મય જગાવતો પ્રેમ ક્યારેક અઘરો અને અટપટો લાગે છે…છતા પણ પ્રેમ એ પ્રેમ છે..દર્દ હોય કે સુખ..પ્રેમમાં મળતું બધુ સ્વીકાર્ય હોય છે…જો દર્દ અને સુખનો ભાવ પ્રેમમાં ના મળ્યો હોય તો આટલી ગઝલ,નઝમ,કવિતાઓ અને વાર્તાઓનું સર્જન જ ના થઇ શકે…પ્રેમની નક્કર અનૂભૂતિ વિનાનું સાહિત્ય હમેશાં બેજાન લાગશે..

એટલે તો ઘણા કહે છે પ્રેમ એ ભૂત જેવો હોય છે..કોઇએ જોયો નથી..પણ એની કલ્પના કરી શકે છે.. અને આ વાત પણ સાચી છે.સાચો પ્રેમ મરતો નથી અને છોડતો પણ નથી.સામી વ્યક્તિની હયાતી હોય કે નાં હોય પ્રેમની ભાવના માં કોઈ ફેર નાં પડે તો સમજજો તેજ સાચો પ્રેમ છે..એટલે તો પ્રેમને લોકો પૂજા પણ કહે છે…

જિંદગીની સફરમાં કોઇ હમસફરનો સાથ અધવચ્ચેથી છુટી જાય છે..કોઇનાં પ્રિય પાત્રનું અચાનક ફાની દુનિયા છોડીને ચાલી જવુ..કોઇ મજબૂરીના કારણે પોતાના જિવથી વ્હાલા સાથીનુ જીવનમાંથી બાકાત થઇ જવું…છતા પણ પ્રેમ જો સાચો હશે તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જે જિવનમાં નથી એ પાત્રની સામેનો પ્રેમી પૂજા કરતો રહે છે…

જો આ ધટના જીવન પહેલા પ્રેમની સાથે બને ત્યારે એની દર્દનાક હક્કીતને વર્ણન કરવા માટે શબ્દો મળતા નથી…અને આજ સુધી દુનિયામાં મોટે ભાગે બનતું આવ્યુ છે ઘુટન,વ્યથા,દર્દ,રૂદન,એકલતા,સતત છુટી ગયેલા પ્રિય પાત્રની તરસ માનવીમાં એક કલાકારને જન્મ આપે છે….અને આ જ કલા પ્રિય પાત્રને ગુમાવ્યા પછી આવેલા ડીપ્રેસનમાંથી મુકિત આપે છે…અને આ જ કલા જ્યારે વિશ્વ સામે આવે છે..વાંચનારની આંખનો ખૂણો ભીનો કરે છે અથવા હોઠો પર સ્મિત લાવી દે છે…

પ્રેમમાં માત્ર પામવું એ જ જરૂરી નથી પણ પ્રેમ એટલે મબલખ આપતા રહેવું એ જરૂરી છે..સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયાની એક વિરલ ઘટના છે.. પોતાના પ્રિય પાત્રને આપીને જો આનંદ થાય તો માનજો આ જ સાચો પ્રેમ છે…અને સામેનું પાત્ર કાંઇ પણ આપવા જે તે સંજોગોમાં સક્ષમ નથી અથવા પરિસ્થિતિના કારણે એ મજબૂર છે..અને ત્યારે તમે એમ વિચારશો કે હું જે કાંઇ પ્રેમના નામે કરૂ છુ સામે એ મારી દસમા ભાગની અપેક્ષા સંતોષી શકતી નથી…તો વિચારજો કે તમારા પ્રેમમાં એક કમી આવી ગઇ છે..કારણે કે પ્રેમના નામે સામેના પાત્ર પાસે કંઇક અપેક્ષા રાખે એ સાચો પ્રેમ ના હોઇ શકે..કોઇ ફળની આશા વિના કર્મ કરો સિધ્ધાંત સાચા પ્રેમને પણ લાગુ પડે છે…અને એ જ સાચો પ્રેમ છે.

પ્રેમના અહેસાસનું જતન કરવું ખૂબ જ જરૂરી છે.આ માટે ક્યારેક અંતરની અવ્યક્ત લાગણીઓને વ્યક્ત પણ કરાવી જોઈએ..જો મનમાં ખુશી હોય અને તેને બહાર લાવવામાં આવે તો તેની સુગંધ ચારેકોર ફેલાય છે.બસ તેવી જ રીતે પ્રેમને અંતરમનમાંથી બહાર ફેલાવો તો તેની સુવાસ તમને પણ મહેકાવી જશે..મનમાં પ્રેમ હશે તો પાનખરમાં પણ વસંતનો અહેસાસ થશે.પણ જો દિલમાં પ્રેમનો અહેસાસ ન હોય તો મનને કોઈ ખુશી સ્પર્શતી નથી. બધું હોવા છતાંય જીવનમાં એક અજીબ ખાલીપો વર્તાય છે…

આ જ વસ્તું સામેનાં પાત્રને પણ લાગુ પડે છે..તમારા દિલમાંથી નીકળતા પ્રેમના પ્રવાહોને અને દિલનાં તંરંગો તમારા પ્રિય પાત્રને અડકી ના શકતા હોય ત્યારે મુકત મને એની સાથે ચર્ચા કરો…કારણકે પ્રેમનાં એક લાંબાં સમયગાળામાં દરેક પ્રેમિના જીવનમાં આ તબક્કો અચુક આવે છે…..આ પ્રક્રિયાને સંબધોનો થાક કહેવામાં આવે છે..જેમ અવિરત ચાલતી ગાડીનાં એન્જીનને થંડુ કરવા માટે બંધ કરી દેવી પડે છે..આખુ વરસ કામ કરીને થાક ઉતારવા આપણે લાંબી રજા લઇને પ્રવાસે જઇને થાક ઉતારીએ છીએ…તો જ આ વસ્તું સંબંધના થાકને પણ લાગુ પડે છે…થોડો વિસામો એને પણ જરૂરી છે…અને આ સમય દરમિયાના તમારા પ્રિય પાત્રને પુરતી મોકળાશ અને એને મનગમતું એકાંત મળે એ માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે..

અને સંબંધોના થાક ઉતાર્યા પછી એ વ્યકિતમાં બદલાવ આવે તો એને એ બદલાવ સાથે સ્વીકારવાની ભાવના તમારામાં હોવી જોઇએ..કારણકે પ્રેમનો પહેલો નિયમ છે..સામેની વ્યકિતને જે તે સમયે જેવી હોય એવી સ્વીકારવી…વરસોપહેલા એક કિસ્સો વાંચેલો હતો..પત્રમૈત્રી દ્રારા રચાયેલા પ્રેમ સંબંધમા સામેનું સ્ત્રી પાત્ર અપંગ હતું અને વ્હિલચેરમાં જ કાયમી સહારો હતો..પ્રેલો પ્રેમી જ્યારે પણ એને મળવા આવે એના માટે ગુલદસ્તો લાવે અને એની પ્રેમિકાને બાગમા વ્હિલચેરમા બેસાડીને ફરવા લઇ જાય..અને ફૂલ તોડીને એના બાલોમાં પોતાના હાથે સજાવી આપે….એટલે તો કહે છે “પ્રેમ એ ઇશ્વરીય અહેસાસ છે.”

મોટા ભાગના પ્રેમ સંબંધો ટુટવાની પાછળ મોટે ભાગે આવી ધટનાઓ જવાબદાર હોય છે..જ્યારે સામે વાળા પાત્ર તરફથી તમારા પ્રેમની સામે એનો પ્રેમ ઓછો લાગે કે અથવા તમારા પ્રત્યે થોડો અલિપ્તતાનો ભાવ આવી જાય છે..ત્યારે સામે વાળું પાત્ર જો પુરતું સમજદાર ના હોય તો દિલની બદલે મનથી વિચારીને નિર્ણય લે છે અને સામે વાળા પાત્ર પર દોષારોપણ શરૂ કરી દે છે…જ્યારે આ સમયે સામે વાળા પાત્રએ આવું શા માટે કર્યુ એ જાણવા માટે એને પુરતા વિશ્વાસમા લેવું જરૂરી છે અને આ ઘટના પાછળ કયું તત્વ જવાબદાર એ જાણવાની પૂરે પૂરી કોશિશ કરવી જોઇએ…અને સામે વાળાને પાત્રને આવા કટોકટીના સમયે એ અહેસાસ સતત આપતો રહેવો જોઇએ કે હું હમેશા તારી સાથે જ છુ.એટલે તો કહે છે એ પ્રેમ આંધળો છે…સામે વાળી વ્યકિત ગુણ અને દોષ સહિત અપનાવી લેવી એટલે પ્રેમ…કારણકે પ્રેમ કરનારને પોતાના પ્રિય પાત્રના કદી દોષ દેખાતા નથી..

અને સાચો પ્રેમ હોય તો યાદ રાખજો..જે તમારૂ છે એ તમારૂં જ રહેવાનું છે અને તમારી પાસે મુળ સ્વરૂપે પાછું આવવાનુ છે…અને જો ના આવે તો માની લેજો કે તમારા પ્રેમમાં કાંઇક ખામી છે..
જે તમારું છે તેને પ્રેમ આપવામાં અને પ્રેમ માગવામાં કદીયે કચાશ ના રાખશો”હક આપો છો તો તમે એની પાસેથી વણમાગે લેવાનો અધિકાર ધરાવો છો” પ્રેમ,એ તો આરાઘના છે તેમાં ડૂબી જાઓ તો જ તેની મહત્તા સમજી શકો…આ સંબધોની ચરમસિમાં સુધી પહોચવા કેટલીએ મુસિબતો અને વિકટ રાહમાંથી પસાર થવુ પડે છે

પ્રેમના તો ઘણા પ્રકારો છે,જરૂરી નથી કે પ્રેમ અલગ બે વિજાતીય વ્યક્તિ વચ્ચે જ શક્ય બને છે…એ પ્રેમના એક અલગ પ્રકાર છે એને કહે છે સ્નેહભાવ…આ સ્નેહભાવ પુરુષ પુરુષ વચ્ચે,સ્ત્રી સ્ત્રી વચ્ચે અને સ્ત્રી અને પુરુષ વચ્ચે જન્મી શકે છે..

કહે છે સંબંધ એ દુનિયાનું મહેકતું ઉપવન છે.માટે સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે..જેમ પાણી વગર ગમે તેવું વટ વૃક્ષ પણ સુકું થડિયું બની જાય છે..એ જ રીતે સ્નેહ સિંચન કાયમી નહી થતુ હોય તો ગમે તેવો સ્નેહ સબંધ નીરસ બની જશે.તો આવા વખતે,”લાગણીનો મીઠો ઝરો ધીમે ધીમે સુકાતો જાય છે આથીજ દરેક પ્રેમ સબંધમાં મીઠાસનું ખાતર પાણી જરૂરી છે,લાગણીઓનાં જે રીતે થવા જોઇએ એવા પરસ્પર આદાન પ્રદાનમાં કંજુસાય ના કરવી જોઇએ..અને લાગણીઓ જો અતિરે થાય તો સામે છેડે મુશ્કેલી સર્જી દે છે..

અને આ માટે જરૂરી છે વિશ્વાસ અને સંવાદ….કારણ કે પ્રેમ સંબંધોમાં ફિલ્મની જેમ પહેલેથી લખેલા સંવાદો કામ આવતા નથી….એ તો જે તે સમયે પોતાના પ્રિય પાત્ર સાથેની પળે આપો આપ દિલથી નીકળતા હોય છે….અને જો સંવાદોમાં વિશ્વાસની થોડી ખામી જણાશે તો ધીમે ધીમે અરસિકતાની રાસાયણિક પ્રક્રિયા સંબંધોમાં દુરત્વ પેદા કરે છે..સામેનું પાત્ર સંવાદોમાં વિશ્વાસનો અહેસાસ ના કરાવી શકે તો માની લેવું સંબધોમાં દૂરતા બહુ નજીક આવી ગઇ છે..

અને અવિશ્વાસ અને ભરોસોના કમી એટલે કે જાણે ઉકળતા મીઠાં દુઘમાં ચમચી ખટાસ જે દુઘ અને પાણી અલગ કરે છે”

અને જયારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે,સબંધોનો નાજુક છોડ સંબધો બાંધ્યા સાથે ખીલી ઉઠતો નથી.એ છોડ આંબાની કલમની જેમ તમારા વર્ષો અને ધીરજની કસોટી કરે છે તેનેહમેશાં લાગણીનું ખાતર અને ધીરજનુ પાણી આપી માવજતથી ઉછેરવો પડે છે..અને જ્યારે આ છોડ વિકસીને ઝાડ બની જાય ત્યારે સંબધોની મીઠાસનાં ફળો ઉગવા માંડે છે…અને એની મીઠાસ આજીવન માણવા મળશે..

ક્યારેક અવું પણ બને છે,બે સાથી મિત્રોમાંથી કોઇ એક જરૂર કરતા વધું પડતી આત્મીયતા દર્શાવે તો એ સબંધો જાણે અજાણે મધુપ્રમેહ જેવા રોગનો ભોગ બની તૂટી સકે છે..માટે હમેશાં સામેના પાત્રને તમારી બેફામ લાગણી પચાવવાની કેટલી ક્ષમતા છે એનો પહેલા ક્યાસ કાઢવો જરૂરી છે..કારણકે આ પ્રક્રિયા ભૂખ લાગી હોય એવી છે…જેટલું માણસ પેટ ભરવા ખાઇ શકે એટલુ જ એ જમવાનો છે….માટે લાગણીને સામે વાળાને જેટલી જરૂર હોય ત્યારે હમેશાં તાજી પીરસો..

પ્રેમ સંબંધોમાં લાગણી અને સંવેદનાનો અતિરેક થતો રોકવો બહુ જરૂરી બને છે,કારણકે દરેક જગ્યાએ લાગણીનો ઘોધ પાત્રની ક્ષમતા ચકાસ્યા વિના વહાવી દેવાય નહી..”જેમ અતિ વરસાદ લીલો દુકાળ ભેટમાં ઘરે છે”..ધરતી પર નદી નાળા તળાવો અને માણસોને જોઇએ એટલુ પાણી વરસ્યા પછીનો વરસાદ કશા કામનો નથી..અને એ વરસાદનું બધું દરિયામા જવાનુ છે..કારણકે નદી તળાવો કે ધરતી હવે પાણીને સમાવી શકે એવી ક્ષમતા ધરાવતા નથી..આ જ વસ્તું અહીંયા લાગુ પડે છે..આપણે જૅટલા સંવેદનશીલ હોઇએ તો એટલા જ આપણી આસપાસના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય એ જરૂરી નથી?અને તમે તમારી લાગણી અતિરેક કરતા રહો અને સામેથી જયારે તમારા જેમ લાગણી વરસે નહી તો વખતે પથ્થર સાથે માથું અફળાયું હોય એવો આઘાત લાગે છે…

એક પક્ષીય પ્રેમમાં હંમેશા દુઃખ મળવાનું છે આવા પ્રેમથી દુર રહેવું જોઈએ કારણકે આવા સબંધોમાં આપણી ઈચ્છા મુજબનું ક્યારેય મેળવી શકતા નથી અને આવા વખતે નાશીપાસ થવા સીવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી આજકાલ આવા લોકો ડીપ્રેશનનો ભોગ બની પોતાની જિંદગી હાથે કરી ખરાબ કરે છે..
દરેક સબંધની પ્રેમની એક આગવી ગરીમા હોય છે..આ ગરીમાને જાળવી અને સમજીને સમાજના દાયરામાં રહીને જીવવામાં આવે તો..એવા સબંધો મહેકી ઉઠે છે.પછી તે ગમે તે સ્વરૂપે હોય..”સાચી સમજ સાથેના સબંધો કે વેદનાઓ તમને ઉચી જગ્યા ઉપર પહોચાડી શકે છે. અને તેનાથી વિરુદ્ધ રીતેની સંવેદનાનો અતિરેક જીવનમાં ખાનાખરાબી સર્જે છે.

“તમારી સંવેદના સામેના પાત્ર માટે ગૂંગળામણ ન બની જાય તેનો ખ્યાલ રાખજો.પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. પ્રેમને એટલો મુકત ના રાખો કે હવામાં ઓગળી જાય અને એટલો બંધનમાં પણ ના રાખો કે એનો શ્વાસ ગુંગળાઈ જાય અને બંધ કુવાની જેમ સંબધોની મીઠાસ ગંદકીમાં ફેરવાઈ જાય..માટે હમેશાં પ્રેમ અને લાગણી જ્યારે જરૂરત હોય ત્યારે તાજા જ પીરસવાનો આગ્રહ રાખો.
જેને પ્રેમ કરતા હોત તેને કદી નીચો પાડવાની ભૂલ નાં કરાવી જોઇએ અને સાથે સાથે તેની મહત્તા જરાય ઓછી નાં આંકવી જોઇએ..કારણકે સાચા પ્રેમમાં જેને તમે પ્રેમ કરો છો એ દિનિયાની શ્રેષ્ઠ વ્યકિત છે એવો ભાવ એના પ્રત્યે હોવો અંત્યત જરૂરી છે..કોઇ પણ રાજા જ્યારે કોઇ દાસીના પ્રેમમા પડે છે ત્યારે એને એ દાસીમા રાધાના દર્શન થશે અને કોઇ પણ રાજકુમારી એના સેવકના પ્રેમમા પડશે તો એ સેવકમાં પણે એને ક્રિષ્નાના દર્શન થવાના છે.માટે જે તમારા દિલમાં છે તેને જો તમે નહિ સાચવો તો તે આખરે તૂટી જશે અને તેની તૂટેલી કરચો તમારા જ દિલને વાગશે આ વાત યાદ રાખવી જરૂરી છે….મુરલીનો સાદ અને રાધાની પ્રિત તો જ અકંબંંધ રહેશે..માટે તમારા દિલમાં રહેનારી વ્યકિત માટે વૃદાવન જેવુ હમેશાં બનાવી રાખો…જ્યા એ આરામથી ખૂશી ખૂશી રહી શકે..

પ્રેમમાં મુખ્ય આધારસ્તંભ છે વિશ્વાસ..”પ્રેમ અને વિશ્વાસ.”લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઘણી સમજુતી કરવી પડે છે,પણ જ્યાં પ્રેમ અને વિશ્વાસ હોય…એના માટે માત્ર સમજુતી તો જ કોઇ પણ પ્રકારનુ બલિદાન હસતા મુખે આપતા અચકાવુ ના જોઇએ.. પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેની સમજ બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એક પણ થવું જરૂરી છે..અહી બંને વ્યક્તિઓ વચ્ચે સમજણ સેતુથી પરસ્પરને જોડી રાખે છે.. અને ત્યારે પ્રેમમાં એકતા વધે છે…અને આવા પ્રેમમાં સ્થળ જે કાળનું કોઇ મહત્વ નથી…વિશ્વનાં કોઇ પણ વસતા બે માણસ વચ્ચે આ વિશ્વાસ અને પ્રેમના કારણે સમજણ સેતું બધાય શએ..આપણે ઘણી વાર વાંચીએ છીએ..વિશ્વના બે અલગ અલગ દેશની બેવ્યકિત સોશિયલ નેટવર્કમાં મળી અને એક થઇ ગઇ..

પ્રેમની સંવેદના ખૂબ નાજુક અને અંગત અનુભૂતિ છે.તેની પ્રદર્શન કદી ના કરવું જોઈએ
આજકાલના યુવાનોમાં ફેશન બની ગઈ છે કે પોતાના મિત્ર વર્તુળમાં મોટાઈ બતાવવા પોતાના પ્રેમની સાથે વિતાવેલી અંગત ક્ષણોનું અને તેમાં કરેલા કારનામાઓને મસાલા ભભરાવી ચટાકેદાર બનાવવા વાતને વધારી કહેતા હોય છે.આમ કરવામાં તેઓ ભૂલી જાય છે કે તેના સાથી મિત્રની લાગણીઓનું ઠંડા કલેજે કતલ કરી રહ્યા છે ,આ એક વિશ્વાસઘાત કહી શકાય..

સામાન્ય રીતે હું પ્રેમમાં વિશ્વાસઘાતને માનતી નથી,જો સાચો પ્રેમ હોય તો ત્યા “વિશ્વાસધાત એ બેવફાઇ જેવા શબ્દને કોઈ અવકાશ નથી હોતો

“પ્રેમ જો હોય છે તો બસ પ્રેમ જ હોય છે,અને નથી હોતો ત્યાં કશુજ નથી હોતું ના વિશ્વાસ ના વિશ્વાસઘાત ”

હા એકબીજાથી દુર થવામાં કે અમુખ થવામાં કોઈ કે કારમી ક્ષણ કે વિપરીત પરિસ્થિતિ અવશ્ય ભાગ ભજવતી હોય છે..આવા વખતે જેતે સાથી ઉપર સંપૂર્ણ દોષ દેવો ઉચિત નથી ,જો પ્રેમમાં અલગ થવાની સ્થિતિ આવે તો એકબીજા ઉપર દોષારોપણ કરવાને બદલે મીઠી યાદો સાથે લઇ છુટા પાડવામાં પ્રેમની મહતા અને મીઠાસ જળવાઈ રહે છે ,જો અલગ થવાનું નિર્માયું હોય તો કડવાશ લઈને શા માટે?

જીવન બહુ ટુકું છે…માટે હમેશાં સર્તક રહો કે તમારા જીવનમાં આવેલું પાત્ર તમારા જીવનમાંથી વિખુટુ ના પડે…જે તકદીરમાં લખાયેલુ છે એને કોઇ રોકી શકવાના નથી..પણ તમારૂં વર્તન સામે વાળા માટે એવું ના બનવુ જોઇએ કે તકદીરને એમ લાગે,-હા!અહીંયા બરોબરનો મોકો છે આ બંને પાત્રને વિખુટા પાડવાનો…તકદીરને એનું કામ કરવા દો..અને પોતાનાં પ્રિય પાત્ર માટે ભગવાનને પાર્થના કરતા રહો કે કદી પણ મારા વર્તન કારણે મારૂ પ્રિય પાત્ર મારા જીવનમાથી ચાલ્યુ નાં જાય..

અને જો તકદીર ના હોત તો દ્રારીકાંમાં ભગવાન શ્રી કિષ્ના સાથે રાધા ગઇ હોત અને દ્રારીકાં ચક્રધારી ક્રિષ્નાની બદલે બસીધર ક્રિષ્નાનું રાજ હોત.

વરસમાં એક મૌસમના પણ ત્રણ રંગ છે..આ જ વસ્તું સંબંધોને લાગું પડ છે..જેમ મૌસમ,જિંદગીમાં ઉતાર ચઢાવ આવે છે એમ સંબધોમાં પણ ઉતાર ચઢાવ આવે છે…જગતમાં કશું અંતિમ નથી…તમારા શ્વાસ સુધ્ધા કાયમી નથી..સંબંધોનાં શ્વાસ લાંબા સમય સુધી ચાલતા રહે માટે સંબધોને હમેશાં પ્રદુષણ મુકત વાતાવરણ પુરું પાડો..સંબંધોમાં ઉતાર ચઢાવની પ્રક્રિયાને કુદરતી ગણીને ચાલશો. ઠંડી,ગરમી અને વરસાદની અનૂભૂતિ સંબધોમાં માણતા રહો..કાયમી ગરમી નથી…ઠંડી નથી..વરસાદ નથી…સંબંધ એક દુનિયા છે

કાલ કોઈએ જોઈ નથી તો શા માટે દ્વેષ રાગમાં જીવન જીવવાની બદલે પ્રેમમય બની પોતાના પ્રેમની એકરૂપતા જીવન ટકી રહે એવી પ્રેમની પ્રવૃતિમાં સદા પ્રાથનામય રહો..

હે સબસે ઉચી પ્રેમ સગાઇ ”
-રેખા પટેલ ( વિનોદિની)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: