જીવન ની સફરમાં …
ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે, અને જીવનપંથ પર આગળ વધવામાં આત્મવિશ્વાસ અને સાથ આપે છે
પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ અને હાથવગું સાધન છે. કેટલાકનું માનવું છે કે સતત તલ્લીનતા થી અભ્યાસ કરતાં મનુષ્યને જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય છે……
” એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાના હતાં, પરંતુ એને માટે તેમણે ડોકટરને ના પાડી અને કહ્યું, “મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડોકટરોએ ઓપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, ( ક્યાંક વાચેલું ) ”
પ્રગતિશીલ જીવનમા ઉચ્ચ વિચારો સચોટ માહિતી ધરાવતા પુસ્તકો જીવનમાં પ્રેરણાદાયક બની રહે છે.
તમે જ્યારે પણ કોઈ એક સારા પુસ્તકને વાંચો ત્યારે તેમાં કેટલીક હદે ઓતપ્રોત થઇ જવું પડે છે અને જો આમ ના થાવ તો તેના ભાવ અને તેના તથ્ય સુધી પહોંચી શકાતું નથી , આમ વાંચતી વખતે આપોઆપ આપણે એ લેખકને તેના વિચારને તેની લેખનકળાને તેટલા સમય માટે આપણામાં અનુભવીએ છીએ , માટેજ સારા પુસ્તકોનો સાથ વ્યક્તિને બીજા સામાન્ય મનુષ્ય કરતા અલગ પાડે છે
જેમ સત્તા, સંપતિ,વઘે તેમ જીવન જીવવાની શૈલી બદલાય છે , તેમજ જેમ જ્ઞાન વધતા એક કુદરતી નમ્રતા વાણી અને વિચારોમાં પડઘાય છે.અને કીર્તિ પણ આપોઆપ વધે છે તેની માટે દેખાડા કે આડંબરની જરૂર પડતી નથી
ક્યારેક કોઈ લેખની માટે અભ્યાસી અનુભવસ્થળ ઉપર પહોચવા આપણે શક્તિમાનનાં હોઈએ તેવી સ્થિતિમાં પુસ્તક વડે પ્રવાસ કરી લેવાય છે
આથીજ સાહિત્યને જ્ઞાનનું હાથવગું હથિયાર કહી સકાય છે …
સાહિત્યની સફર હવે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર ના કારણે વિશ્વવ્યાપી બની ગઈ છે અને આજ કારણે જે વાંચન મેળવવું અઘરું હતું તે હવે આજે ઘર આંગણે પીરસાવવા લાગ્યું છે તો જ્ઞાનની આ વહેતી ગંગામાં ડૂબકી લગાવવામાં ખચકાટ શા માટે રાખવો ?
મને નાનપણ થી વાચનનો બહુ શોખ હતો ,પહેલા ટુકી વાર્તા પછી નોવેલ વગેરે બહુ ગમતું ,21 વર્ષની ઉમરે થી અહી અમેરિકા આવી ગઈ પણ શોખ હજુ પણ તેજ હતો પરંતુ અહી લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ક્યાય જોવા મળતા નહિ , એક સમય હતો કે મારે કોઈ પણ પુસ્તક માટે વર્ષો રાહ જોવી અને તેપણ ઇન્ડીયાથી લાવીએ ત્યારે વાંચવા મળતું। પણ આ ઈન્ટરનેટ ના કારણે હવે કોઈ પણ વાચન સામગ્રી હાથવગી લાગે છે …..
બટકબોલા વાત વાત માં વ્યંગ કરીને બીજા કરતા પોતાની જાતને વધારે આગળ છે તેમ બતાવતા લોકો સાવ અલગ તરી આવે છે … આવા લોકો પોતાની વાણીનો ઉપયોગ લોકોનું દિલ દુભાવવા માટે વધારે કરતા હોય …તો ઓછાબોલા ,મિતભાષી લોકો,પણ જયારે બોલે ત્યારે ખુબ સમજી વિચારીને બોલે …એમના શબ્દોનું મહત્વ લોકો સુધી પહોચે છે તેમનું બોલાએલું કામનું ગણાય છે. આ ગુણ પણ વાંચન થી વિકસે છે !!
જે કોઈ વ્યક્તિ નાનપણથી બહુ ગુસ્સે હોય જેને આપણે સોર્ટ ટેમ્પર કહીએ છીએ ,તે પણ તેની રોજીંદા કાર્ય સાથે વાંચનની કળા જો વિકસાવે તો તેના આ દુર્ગુણ માંથી તે જલ્દી છુટકારો મેળવી લે છે ,બીજાને સાભળવા સમજવાની શક્તિમાં નોધપાત્ર વધારો થયેલો જોવા મળે છે
એનું જીવંત ઉદાહરણ હું પોતે છું , નાનપણ થી મને ગુસ્સો બહુ જલદી આવી જતો નાની વાતને હું મન ઉપર લઇ લેતી , પરંતુ સતત વાંચન ના કારણે મારી સમજ શક્તિ એટલી હદે વિકસી છે કે હવે ખાસ કારણ વગર ગુસ્સો નથી આવતો , કોઈના કહ્યાની મન ઉપર ઝાઝી અસર પણ નથી થતી ,હું હવે મારી જાતને બરાબર સમજુ છું અને આથી કરીને આજુબાજુના પરિબળો મારી માટે ગૌણ બની ગયા છે
સફળતાની એક બીજી ચાવી છે આત્મવિસ્વાસ;
આપણો જેવો દ્રષ્ટિકોણ હોય જેવા વિચારો હોય તેવુજ વાતાવરણ આપણને મળે છે ઘણીવાર અઘરા લાગતા રસ્તા ઉપર ચાલવાનું શરુ કરીએ ત્યારે સમજાય છે કે કેટલો સરળ રાહ મળ્યો છે ,કારણ શરૂવાતથી આપણ ને જાણ હતી કે આ માર્ગ અઘરો છે , પરંતુ જો સાવ સીધો સરળ રસ્તો માની ચાલવાનું શરુ કરીએ અને વચમાં જરા અડચણ આવી જાય ત્યારે નાની અડચણ બહુ મોટી લાગે છે
મુશ્કેલીઓ માંથી પાર ઉતારવા સંઘર્ષ જરૂરી છે ,પરંતુ સમજ્યા વિનાનું સંઘર્ષ મહેનત બધું નકામું છે ,ક્યારેક બળ થી ની કળથી કામ સરળતાથી પાર ઉતરે છે। આત્મવિસ્વાસ સાથે માનસિક સંતુલન જરૂરી હોય છે ક્યારેક આધળું સાહસ વિનાશ નોતરે છે
હમેશાં તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. જો તમે શ્રેષ્ઠ ન બની શકો કઈ વાધો નહિ પરંતુ બીજા કરતાં થોડા અલગ જરૃર બનો…..
સકારાત્મક ઉન્નતિ માટે પોતાના નિર્ણયો જાતે લેતા શીખવું જોઈએ એક ભૂલમાંથી તમને આગળ વધવાનો સહેલો માર્ગ જાતેજ સમજાઈ જાય છે ,ડાહ્યા માણસો ભૂલનું પુનરાવર્તન થવા દેતા નથી કારણ દરેક વખતે જીંદગી બીજા બીજા ચાન્સ નથી આપતી
દરેક વ્યક્તિએ આત્મવિશ્વાસ અને વધારે પડતા આત્મવિશ્વાસ વચ્ચેની ભેદરેખા સમજવી જોઈએ,ક્યારેક આ નાનકડી વાત તમને જીવન નો મોટો પાઠ ભણાવી જાય છે..
આજે મારો પોતાનો અનુભવ અહી મુકું છું
ત્રણ વર્ષ પહેલાના ઉનાળાની આ વાત છે , મારા ઘરની નજીક એક રેલ્વે ટ્રેક જાય છે જ્યાં ફક્ત માલગાડી કે ઓઈલ ટેન્કરજ પસાર થાય છે તે પણ મોટાભાગે રાત્રેજ , અહી ફાટક જેવું ખાસ હોતું નથી બસ ટ્રાફિક લાઈટ ને ફોલો કરવાની હોય છે
મને આજ પહેલા ક્યારેય અહી લાલ લાઈટ નડી જ નહોતી તેથી હું પુરેપુરી કોન્ફીડન્ટ હતી કે અહી લાઈટ નડેજ નહિ
બપોરમાં 1 વાગ્યો હતો માથા ઉપર તપતો સુરજ અને મારી ખોટો વિસ્વાસ મેં લાલ થયેલી લાઈટ સામે જોયુજ નહિ અને ફાટક ઉપર મારી કાર આવી ત્યાજ ઘસમસતી આવતી ટ્રેનનો હોર્ન સંભળાયો હું પાટો ક્રોસ કરુના કરું ત્યાજ પાછળ થી સડસડાટ ગાડી નીકળી ,હું બેક મિરરમાં જોતીજ રહી ગઈ,
એક ઘાત આવીને પસાર થઈ ગઈ પણ મને શીખવી ગઈ ક્યારેય વધારે પડતા આત્મવિશ્વાસ માં નાં રહેવું જોઈએ।
કોઈ પણ બનાવને હળવાશથી લઇ હકારાત્મક વલણ અપનાવી હસતા હસતા જિંદગી જીવી લ્યો અને જાત પર વિશ્વાસ મૂકીને આગળ વધશો તો ક્યાંય દુઃખ નહિ રહે.પ્રગતિ અને ખુશી કદમોમાં હશે
રેખા પટેલ ( વિનોદિની )