RSS

રૂપ એજ અભિશાપ ( published in margi magazine – Jan-2014 )

19 Jan

રૂપ એજ અભિશાપ (પાંચમી વાર્તા )

————————————-
રાનીપુર એટલે ખોબા જેટલું ગામ.શહેરની હવાથી દૂર કુદરતની ગરીમાને સાચવતું ગામ..લીલીકુંજાર કેડીઓ અને માટીની મ્હેક,હર્યાભર્યા ખેતરો અને મહેનતકશ ખેડુતોનુ ગામ. 
પણ આ ગામની એક બીજી ઓળખ હતી “રૂપા” 

રૂપા,એટલે એક ગરીબના ખોરડામાં સોનારૂપાની ઝણસ,એની ઉગતી જવાની એટલે સુર્યના કીરણો પાણીમાં પડે અને જે ચમક દેખાય એવી ચમકીલી,કોઇની પણ આંખો અંજાય જાય એવી પાણીદાર અને આવી ચમક થોડી ઢાંકી એ છતાં ચમકી ઊઠે.અને આ ગરીબની છોડીનું થનથનગતું પાણીદાર વછેરી જેવું યૌવન જોઇને યુવાનો તો ઠીક ચાર્-પાંચ દશકા વટાવી ગયેલા પાકટ પુરુષોને અસ્વારી કરવાનાં સપના આવતા હતાં 

ગરીબાઈમાં રૂપ બહુ મોઘું પડતું તે ગરીબ માં બાપ જાણતા હતા પણ આ ઉછરતી વછેરીનું યૌવન હણહણાટી કરતું હતું.
રૂપાને સમજાતું નહી કે માં એની કૅડ ઢંકાઇ જેટલી લાંબી પછેડી ને ઓઢણું પણ માથા ઉપર રખાવે છે ,કેમ કુવે પાણી ભરવા વહેલી સવારે મોકલે કાં છે,જ્યારે બધી સખીઓ તો દી’ ચડે પછી જાય છે?
રૂપાને વિચાર આવતો,”મારો ફૂમતાં ભરેલો કમખો ઢંકાઈ જાય ને,મારા કેડનો કંદોરો એમાં સંતાઈ જાય છે!!!

રૂપાની માં મંગુ જાણતી હતી કે એની છોડી સાપનો ભારો બની ગઇ છે,ગામના બજાર વચ્ચોવચ બેસતા નાના મોટા સહુની નજરમાં વાસના અને લોલુપતાનાં સાપોલિયાં સળવળ થતા એ જોતી હતી,ને એમાંય ગામનાં જમીનદારનો છોકરો તો એના બાપ કરતાય ચાર ડગલા આગળ હતો! મંગુ જ્યારે નવી નવી પરણીને આવી ત્યારે જમીનદાર નજર બગાડી બેઠો હતો.જમીનદાર મુઓ ના ફાવ્યો તો જાણે એનો બદલો લેવો હોય એ રીતે જમીનદાર છોકરો ખાઈ-ખપુચીને રૂપાની પાછળ પડ્યો હતો.
રસ્તામાં,ગામનાં પાદરે ઇંધણા વીણવા જતી ત્યારે,ખેતરે એનાં બાપુને કામમાં હાથ દેવા જાતી ત્યારે,જમીનદાર છોકરાએ આંતરી છે,નાં સંભળાય એવા બોલ રૂપાને બોલ બોલી જતો. 
રૂપના આ ઉગતા યૌવનના સુરજને એકા’દી વાદળીની ઓથે ક્યાં સુધી સંતાડી શકો..ને એવામાં શ્રાવણ મહીનો આવ્યો.ને ગામના પાદરથી બે ગાંઉ છેટે વહેતી રાની નદીના કિનારે આવેલા રામજીના મંદિરનાં પટમાં મેળો ભરાયો !!!

શ્રાવણીયો મેળાની ગામનાં છોકરા છોકરીઓ કાગનાડૉળે રાહ જોતા હોય,સતર વરસની રૂપાનું મન મેળામાં મહાલવા લલચાયું.પહેલા તો મંગુએ મોરા વરસનું બહાનુ કાઢીને મેળામાં જવાની ના પાડી…પણ બહેનપણીઓની વાતો સાંભળીને મંગુએ, રૂપાનાં બે ભાઈઓ સાથે મેળામાં જવાની છૂટ આપી! મંગુએ કડક ચેતવણી આપી કે,”સાંજ પડે પેલા કાશીની હાયરે ઘરે પાછી આવતી રે’જે..ને ઓઢણું માથે ઢાંકીને રાખજે ને છેડૉ કેડમાં સરખો ભરાવીને રાખજે”…..મેળામાં જવા માટે રૂપાનું થનગનતું મન મગુંની વાત સાંભળી ના સાંભળી…”હા,માં”…..”હા,માં’ કહેતી રૂપા મંગુની આંખો સામેથી ઓઝલ થઇ ગઇ. 

જતા જતા તેની માંએ ફરી ટોકી ” છોડી માથે ઓઢણું રાખજે 

ગામડા ગામનો મેળો એટલે જુવાન હૈયાઓને વરસદાડે મનગમતા સાથીદાર શોધવાનો રૂડો અવસર… 

“યૌવન હિલોળે ચડ્યું હોય.. આ નિર્જન પ્રદેશમાં ભરવાડ ને રબારીઓ આવે.ભરવાડણ અને રબારણ આંખી રાત રાસડા લે.નક્ક્કર ધીંગી કાયાઓનાં કામણ રેલમછેલ થતા હોય..જાણે એક રૂપનગરી.તસતસતા કાપડા ને કસો,લાલ રંગે રંગાયેલા દાંત, બલોયા,કાંબી ને કડલા હાંસડી ને પોખાનિયુ પહેરીને રંગબેરંગી લિબાશોમાં ગામડાગામ છોડીયું અને બાયુ હેલારે ચડી 
હોય.જેની રગોમાં જુવાન લોહી ફાટાફાટ થાતું હોય એ રૂપાનો જીવ ચકડૉળે ચડ્યો…એનું તો મન બસ મેળામાં જ ભળી ગયું.

સાંજનો પ્હોર માથે ચડી આવ્યો..સૂરજ નારાયણ એનો સંતાપ ઓછો કરીને સુલુણી સંધ્યાને હવાલે પહોર ધરી દીધો. 
રૂપાના નાના ભાઇઓ થાક્યા અને કાશીને પણ ઉતાવળ થવા લાગી..એટલે રૂપાનો હાથ જાલીને કહે છે,”હાલ્ય મારી માડી,હવે ઘર ભેગા થાય,ઘીરે પોગતા પોગતા રાત પડી જાશે..”

રૂપાનું મન મેળામાં અટવાય ગયું હતુ,રૂપા વળતો જવાબ દેતા કહ્યું,”કાશી,તું ને બેઇ ભાઇ નીકળૉ હું મારી બેનપણી હાયરે આવી જઇશ..” કાશીએ ધણી મનાવી પણ રૂપા એકની બે ના થઇ..

સાંજ ઠળી ગઇ..રૂપા એની ગામની એની બીજી બેનપણીને શોધે…ગામની એકેય છોકરી દેખાણી નહી ફફડતા જીવે રૂપા એકલી ઘરે જવા નીકળી.. 

રાતના ઑળાની જેમ રૂપાની પાછળ પાછળ ત્રણ ખેચાતા જતા હતા..રૂપા બીચારીને ભાન પણ ક્યાં હતી…થોડા વાર પછી એના શા હાલ થવાના છે? 

એક નિર્જન કેડી આવતા અચાનક રૂપાના મોઢા પર ડુચો દઇને કંઇ સમજે તે પહેલા તો એને ત્રણ માણસોએ ઉચકી લીધી અને બાજુનાં નિર્જન ખેતરમાં પડેલા સુકા ઘાસ ના ભારા 
ઉપર પટકી….રૂપા કંઇ સામનો કરે એ પહેલા ત્રણે જણા એનાં ઉપર બાજની જેમ ઝપટી પડયા….રૂપાનાં મોઢા ઉપર એની પછેડી કસીને બાંધી દીધી….તરફડીયા મારૂતું યૌવન ખીલ્યા પહેલા પીંખાય ગયું…ત્રણે નરાધમો એની હવશ સંતોષી અંધારામાં ઓગળી ગયા..

માંડ માંડ હોંસ આવતા રૂપાં ઉભી થઇ..ઘાસમાં વીખેરાઇ ગયેલા ફૂમતાનાં મોતી…ફાટેલી ઓઢણી,તુટેલી બંગડીની કરચો જોઇને મોટેથી પોક મુકી….આ નિર્જન વગડામાં એની ચીખ કોણ સાંભળે….ઢસડાતી ઢસડાતી લોહીલુહાણ હાલતમાં રૂપા ઘરે પહોચી અને આંગણા ફસડાય પડી..

ધબ્બાક અવાજ સાંભળાત જ મગું દોડતી આવીને દીકરીને કેડેથી જાલીને બાથમાં લઇ લીધી….અને રૂપાને બાપુને બોલાવતી કાન ફાડી નાખે એવી ચીસ નીકળી ગઇ

“રૂપાનાં બાપુ……..” 

રૂપાનાં બાપુ અને બેઇ ભાઇ હાફળા ફાફળા મંગુની ચીસ સાંભળીને બહાર આવ્યા…

ગામમાં કોઇને ખબર ના પડે એ રીતે રાતોરાત રૂપાને બાજુનાં શહેરની હોસ્પીટલમાં લઇ ગયા….ચાર દાડા પછી રૂપા ઘરે આવી……દેખાવ તો એવો ને એવો જ હતો..પણ અંદરથી તુટેલા કાચની કરચો જેમ વિખેરાઇ ગઇ હતી…….આંખો દિવસ ધરના એક ખૂણામાં સૂનમૂન બેસી રહેતી….મન પડે તો મંગુને ક્યારેક કામમાં હાથ બટાવતી..ઘણીવાર અડધી રાતે ઉંધમા “બચાવો-બચાવો”ની બુમો પાડતી રૂપા સફાળી જાગી ઉઠતી અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડતી..કુમારીકાના કુમળા માનસ પર અસહ્ય પીડાદાયક ઘટનાની ગહેરી ચોટ લાગી હતી….જે એને શાંતિથી ઉંઘવા નહોતી દેતી. 

માં હોવાના લીધે મંગુથી રૂપાની આ હાલત જોવાતી નહોતી. 

મંગુ અને તેના વર બંને નક્કી કર્યું કે વાત બહાર જાય એ પહેલા રૂપાને પરણાવી દેવી !!
થોડા દિવસમા રૂપાના ભાઈની મહેનતથી ઓછા સમયમાં અને સાવ લેણદેણ ઓછી કરવી પડે એવો એક બીજવર મળ્યો…અને ઝટપટ રૂપાને વળાવી દેવાની તૈયારી શરૂ કરી દીધી 

ગામનાં લોકોને કોઇ અણસાર આવે એ પહેલા તો રૂપાની જાન ગામમાં આવી પહોચી..અને ગામ આખામાં ચણભણ શરૂ થઇ ગઇ કે ગામનાં જુવાનીયા મરી ગયા હતા કે રૂપનાં કટકા જેવી રૂપાને એક બીજવર સાથે પરણાવી છે… 

અને બીજવર કેવો?રૂપાથી અઢાર વર્ષ ઉમરમાં મોટૉ..રૂપાનો કોઇ પ્રતિકાર જ ના થયો…એ ગભરૂ તો એમ જ માનતી રહી કે મારા બા-બાપુ જે કાંઇ કરે છે એ મારા સારા માટે જ કરે છે.. 

જાનને વિદાઇ થયી જોઇને કોક બોલ્યું કે,”ખાધે પીધે રૂપાનો વર સુખી લાગે છે”

એક ખાટસ્વાદીયો બોલ્યો,જે થતું એ સારૂં થયું,આપણા ગામમાંથી એક ભાર ઓછો થયો.” 

બીજા એક જણાએ ટાપસી પૂરાવતા કહ્યું,”આખો દાડૉ નવરાં છોકરા રૂપાના ધર પાસે આટાફેરા મારતા હતા એના લીધે આપણા ગામની છોડીઓ બદનામ થતી હતી!”
રૂપાના બા-બાપુએ અને ભાઇઓએ રાહતનો શ્વાસ લીધો…અને ઉપરવાળોનો આભાર માન્યો.

આ બાજુ રૂપાની સુહાગરાતની તૈયારી હતી.રૂપા માટે તો એક કટોકટી ભરી રાત હતી..એક વાર પુરુષના હાથે પીંખાઇ ગયેલા દેહમાં પુરુષના પડખા સેવવાના વિચારથી શરીરમાં ભયનું લખલખુ પસાર થઇ જાય.રૂપા માટે સુહાગરાત નું સુખ તેના માટે અભિશાપ હતું,થરથર કાપતું મન અને તન લઈને રૂપા ઓરડાના એક ખૂણામાં ટુંટયું વાળીને થરથર કાંપતી હતી.

શંકર બારણા વાટે અંદર આવ્યો અને બારણું વાંસ્યુ.એની નજર પંલગ પર પડતા પલંગ ખાલી જોતા ઓરડાની ફરતે ફરી વળી.રૂપાને ખૂણામાં ભરાએલી જોઈને પાકટ વયનો શંકર સમજી ગયો કે સમજાવટથી આ કાંચી કુવારી છોડી સાથે કામ લેવું પડશે.

રૂપાની લગોલગ બેસીને એના બરડે હાથ ફેરવીને કોઇ નાના બાળકને સમજાવવાની કોશિશ કરી…..પુરુષનાં સ્પર્શથી ફફડી ઉઠેલી રૂપાની આંખમાં બોરબોર જેવાં આંસુડા દડી પડયા ને મોટેથી પોક મુકી…પાકટ અને ઠરેલ મગજનો શંકર પણ સમજી ગયો અને રૂપાને એક મૃદુ અવાજમા કહ્યું,” “જો રૂપા તું ગભરાઈસ નહી તને ઠીક ના લાગતું હોય તો સુઈજા આપણે કાલે વાત કરીશું”

રૂપાનો કશો પ્રતિભાવ ના મળતા છેવતે શંકર રૂપાને ત્યાં જ ખૂણામાં બેસવા દઇને,પોતે પંલગ ઉપર સુવા ચાલ્યો ગયો…..એક કુંવારી છોકરી જેનું શીયળ નરાધમો લૂટીં લીધું હોય એને ક્યાંથી પંલગ ઉપર એક પુરુષનું પડખુ સેવવાવાનાં ધખારા હોય…..જેનાં થનગનાં અરમાનોની કૃપણૉ ઉગતાની સાથે મસડી નાખી હોય,એને પુરુષનો હાથનો પાણીદાર સ્પર્શ થાય તો એને વિકસવાના કોડ ક્યાંથી જાગે…….એક કૃપણ જેને મુળસોતી ઉખેડી નાંખી હોય એ થોડી બીજી ધરા પર ઉગવાની છે..?

આમને આંમ રૂપાએ ખૂણામાં પડી રહીને અર્ધજાગૃત અવસ્થામાં રાત ગુજારી નાખી. 

સવારે શંકરની આંખો ખુલી અને ખૂણામાં જોયું તો રૂપા ત્યાં ના હતી.શંકરે ઓરડાની બહાર નીકળી જોયું તો રસોડામાં રૂપા સ્ટવ પાસે બેસી ચા મુકવાની કોશીસ કરતી હતી અને બાજુમાં બેઠા બેઠા ફોઈબા તેને સલાહ સૂચનોના ફૂલો ચડાવતા હતા 

શંકર મનમાં હસ્યો,”ચાલો ફોઈબાને એક નવું કામ મળ્યું.

ત્યા તો શંકરના પહેલા ઘરવાળા થકી જન્મેલો દીકરો સની તેની હાફ ચડ્ડીમાં ત્યાં આવી પહોચ્યો અને બોલ્યો,”બા મારી ચા ક્યા છે?”

ફોઈબા બોલ્યા “હવે આ તારી નવી માંને પૂછ હું તો આવતા અઠવાડિયે જાત્રા કરવા જાઉં છું …”

રૂપા એ માથે ઓઠેલી સાડીનો છેડૉ સરખો કરતા સની સામેં જોયું અને એના હાથ પગ ગભરાહટના કારણે ધ્રુજવા લાગ્યા,હાથમાં સાંણસી હતી એ છુટી ગઇ અને તરફડીયા મારતી એક ઘવાએલી હરણીની માફક ત્યાજ ઢળી પડી.

શંકર અને ફોઇબાને કશું સમજાયું નહી કે રૂપાને અચાનક બેહોશ થઇ જવાનું કારણ શું હશે? જ્યારે યુવાનીમાં પગ મુકી ચુકેલા સનીના પગ તળેથી જમીન સરકવા લાગી.સની તો ચા પીધા વીના સડસડાટ એના ઓરડા તરફ વળ્યો..રૂપાનાં સભાળવાના કામમાં સનીની આ હરકત તરફ ફોઇબા કે શંકરનું ધ્યાન ના ગયું. 

દીવસ દરમિયાન રૂપાની હાલત ઠીક થતા સાંજની વેળાએ ફોઇબા મંદિરે જવા નીકળ્યા અને શંકર કોઇ કામસર ગામાં ગયો..એ દરમિયાન સની રૂપાનાં ઓરડા તરફ વળ્યો..સનીને જોતા રૂપા કબુતરીની માફક ફફડાવા આગી અને એક દમ જોરથી ચીલાઇ ઉઠી….”મહેરબાની કરીને મારાથી આધા રેજો….નહીતર જોર જોરથી બુમો પાડીને બધાને બોલાવીશ.”

સની ઝડપથી રૂપાનાં પગ પાસે ગોઠભેર બેસી ગયો અને બે હાથ જોડી,રડમસ ચહેરે રૂપાને આજીજી કરવા લાગ્યો,”મહેરબાની કરીને મારા બાપુ કે ફોઇબાને મેળા વારી વાત ના કહેતા,મારા ભાઇબંધોની ઉશ્કેરણીથી તમારી સાથે હું ના કરવાનું કરી બેઠૉ”
રૂપા જડવત બનીને સની સામે જોવા લાગી,આંખોમાં લાલાશ ઉભરી આવી,શરીર આખું ખેંચાવા લાગ્યુ…..અને સની ગોઠણભેર બેઠો હતો એને લાત મારીને કહ્યું,”નાલાયક મારી નજર સામેથી આધો ચાલ્યો જા….અને ફરીથી ક્યારેય મારી સામે આંખ ઉંચી કરીને જોયું છે તો તારા બાપુ ને ફોઇને બધી વાત જણાવી દઇશ….”

રૂપા મનોમન પોતાના ભાગ્યને કોશવા લાગી…..હું દુનિયાની કેવી સ્ત્રી છુ,જેનો દેહ પોતાના ઘણીના પહેલા ઘણીના સંતાન ચુથીને ભોગવ્યો હોય…..આ કઈ જાતની રમત આદરી છે ઇશ્વર તે મારી સાથે…દ્રૌપદીને પાંચ પતિ હતા…એ સતી તરીકે પુજાય છે..અને મારી વાત જાહેર થાય તો લોકો મને”કુલટા”,”હલકટ”,રાંડ જેવા કેવા કેવા નામ આપવામાં આવશે…..શું સ્ત્રીના ચરિત્રની કિંમત કાંઇ જ નહી…”

પોતાની જાતને અને પોતાનાં ભાગ્યને કોશતી રૂપા અંદરથી આપમેળે થોડી ઉભી થઇ…એને સમજણ અચાનક આવી ગઇ કે મારે બેધારી તલવાર પર ચાલવાનું છે..

આમને આમ સમય વીતવા લાગ્યો,રામપુર આખામાં રૂપાના રૂપની ચર્ચા થવા લાગી.જરૂરવાળા તો ઠીક,જરૂર વગરનાં માણસો પણ હવે શંકર નાં ઘરે આવતા જતા થયા 
અચાનક સનીના મિત્રોની આવન જાવન ધરે વધવાલાગી..સની અને રૂપા વચ્ચે એક ઊંડી ખાઈ હતી ,છતાય સનીની નજરો રૂપાની સતત ચોકી કરતી રહેતી.જમાના ની ખાધેલ ફોઈબાની આંખો આ બધું જોતી હતી..માટે હંમેશા રૂપાને ટોક્યા કરતી માથે ઓઢેલું રાખો, કામ વગર ઓશરીમા બેસવાનું નહી,ને બને ત્યા સુધી વહુવારૂઓએ એના ઓરડામા જ રહેવાનું….ને કામ હશે તો હું બોલાવી લઇશ..”
એક દી તો ફોઇબાએ રૂપાને ઠોકીવગાડીને કહી દીધુ,”આ સનીડાને તો તારાથી આધો જ રાખજે,ને રખેને કાંઇ આડુઅવળું થયું તો તમારી ખેર નથી..જુવાન વહું છો, જાતને સાચવીને રે’તા શીખો..” રૂપા બીચારી શું બોલે….નીચું મો રાખીને ચેતવણી સાથે ફોઇબાનાં ઠપકાને નીચી આખે પચાવી ગઇ. 

રૂપાની હાલત ઘરમાં જ કેદી જેવી હતી..એક જ સહારો હતો. એ હતો શંકરનો સુંવાળો સ્વભાવ અને એની સમજદારી ભરી રૂપાની સંભાળ….શંકરના સતત સારપભર્યા સહવાશના કારણે રૂપા પણ થોડી જીવન અને સમાજની નજીક આવતી ગઇ. 

પણ અંદર લાગેલા કાંટા ચુભતા હોય એવી વેદના થતી હતી…સતત સનીની ચોકી કરતી નજર અંદરથી અકળાવતી હતી..બને ત્યાં સુધી પોતાની જાતને એકલી ના પડવા દેતી…પરિણામે જ્યારે ફોઇબા મંદિરે જતા ત્યારે એ પણ ફઇબા સાથે જવા લાગી…અને ફઇબાને આટલું જ જોઇતું હતું.. 

રૂપાના કારણે ઘરમાં સુખ શાંતી,અને થૉડી ચહલ પહલ જેવું થવા લાગી…રૂપાએ ઘરનું મોટાભાગનું કામ પોતાના ઉપર લઇ લીધું હતું…શંકરને હવે તન અને મનથી રૂપાએ સ્વીકારી લીધો હતો,પરિણામે રૂપાનાં શરીર ઉપર અસર દેખાવા લાગી….પણ ઇશ્વરે કાંઇક જુદો જ ખેલ વિચાર્યો હતો….જાણે રૂપા અને નસીબને દુશ્મની હોય એ રીતે.એકદીવસ રૂપાના દુશ્મન એના નસીબે પોતાનો ખેલ કર્યો.

લગ્નના બરાબર બે વર્ષ થયા હતા અને માર્ગ અકસ્માતમાં શંકર બુરી રીતે ધાયલ થયો..જે હોસ્પીટલમાં બધા ઘાયલો અને મૃતકો રાખ્યા હતા,ત્યાં રૂપા,ફોઇબા અને સની તાબડતોબ પહોંચી ગયાં,હાફળાફાફળા માંડ શંકર સુધી પહોચ્યા તો રૂપાની માથે જાણે તૂટી પડયું….રૂપા એ જોયું તો લોહી નીંગળતી હાલતમાં શંકરનો દેહ હોસ્પીટલનાં ઓપરેશન થીયેટર બહાર સ્ટ્રેચર ઉપર તરફડીયા મારતો હતો..છતા પણ મજબૂત મનનો શંકર પોતાની જાતને સતત ભાનમાં રાખવાનો પ્રયાસ કરતો હતો..ઘરના સભ્યોને જોતા શંકરમા જાણે જાન આવી હોય એ રીતે સ્ટ્રેચર પર બેઠો થઇ ગયો..જેવી રૂપા એની નજીક ગઇ,શંકરે રૂપાનો હાથ પકડી લીધો….જાણે એને ખબર પડી ગઇ હશે કે આ મારી આખરી ઘડીઓ ગણાઇ રહી છે…..

તૂટક તૂટક અવાજે રૂપાના હાથમાં ફોઇબા અને સનીનો હાથ મુકીને કહે કે”હવે હું આ જગતમાં રહુ કે ના રહું તમારે ત્રણેએ સાથે મળીને રહેવાનું છે.”

રૂપાને ઉદેશીને કહે કે,”હું ના હોઉ તો મારા સની માટે તારા જેવી જ રૂપાળી ને ડાહી વહુ લઇ આવવાની તારી જવાબદારી છે..”

આટલીવાત કરી ત્યાં તો શંકરને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યો…ડૉકટરોની કલાકોની મથામણ પણ શંકરનો જાન બચાવી ના શક્યાં..

શંકરના પાર્થિવ દેહ સ્મસાનમાં અગ્નિદાહ દીધા પછી ડાઘુઓ બધા ધરે પાછા વળ્યા..આને રૂપાને તો હવે ધર જ સ્મસાન જેવુ લાગવા મંડ્યું….ત્રણ મહિના પછી શંકરની વરસી વાળવામાં આવી…આ બાજુ સનીની કોલેજ નિયમિત થઇ ગઇ..ખાધે પીધે સુખી ઘરમાં રૂપાને અન્ય વસ્તુઓની કમી નહોતી…..પણ જે હતી કમી હતી એ ખલતી હતી શંકરનો હેતાળ સ્વભાવ અને બાળકની જેમ સાચવણી કરવાની આવડત….છતા પણ કાળજુ કઠણ રાખીને રૂપાને બધું ભૂલીને જીવનને સામાન્ય બનવાવવાની કોશિશ કરતી રહી..
રૂપાની ખરી કસોટીની શરૂઆત થઇ .કેળનો કંદોરો,ફૂમતાવાળા ભરેલા કમખા અને કસો,હાથની બંગડી,પગનાં રણઝણતા ઝાંઝરા,લાલ ચટાક ચાંદલો,અને રંગબેરંગી કાપડાઓ એના માટે ભૂતકાળ બની ગયા હતા…..એ ભૂતકાળ ના દેખાય માટે બરફ જેવી, એષણા અને શરીર બંનેને ઠંડીગાર રાખે એવી વૈધ્વયની સાડી રૂપે ચાદર ચડી ગઇ હતી.

શ્રીંગાર હોય કે વૈધ્વય હોય…..જે રૂપની માલિકણ હોય એ બંને સ્વરૂપના રૂપમાં આંખે અડકતું હોય છે…શંકરની વિદાઇ પછી રૂપાની ખબરખત લેવાવાળા લોકોને રૂપાને પુછવાનો મોકો ચુકતા નહોતા..રૂપા હવે પુરુષોનાં લહેકાની પાછળ મર્મને ઓળખતા શીખી ગઇ હતી…કોઇ જ્યારે એમ કહેતું કે,”કાંઇ કામ-કાજ હોય તો અડધીરાતે યાદ કરજો હું હાજર થઇ જઇશ.. 

આ સમય દરમિયાન ઉમરમાં નહીવત ફર્ક હોવાનો લીધે સનીની અંદર રહેલો પુરુષ રૂપાની એકલતાનો જોઈ ઉશ્કેરાતો હતો…..પરિણામે રૂપાને કોઇ પણ બહાને રીઝવવા માંગતો હતો…..બસ એમાં બાધા હતી તો એ ફોઇબા. 

એક દિવસની વાત છે.રૂપા નહાવા ગઈ હતી,ફોઈબા દેવસેવામાં તલ્લીન હતા,સની ઉઠીને આવ્યો,અંદર નો ઉછરતો યુવાન તેને પેલા દિવસની જેમ જ ઉશ્કેરી રહ્યો હતો અને તેને બાથરૂમનાં વેન્ટીલેસનને ઉચું કરી અંદર રૂપાને જોવા માટે કોશીસ કરી ત્યા જ,દેવસેવાંમાંથી પરવારેલા ફોઈબાનું ત્યાંથી પસાર થવું..ફોઇબાની અનુભવી આંખો સનીની આ હરકત જોઇને ચોકી ગઇ..
સનીને આડે હાથે લીધો અને કહ્યું કે,”શું હળાહળ કળજુગ આવ્યો છે,આજનાં છોકરાઓને માંના દેહ અને ગામની છોડીનાં દેહ વચાળે કાંઇ ફર્ક નથી દેખાતો…ક્યાં તારા બાપ શંકરની ખાનદાની અને ક્યાં તું…ખબરદાર બીજીવાર આવું કરતા જોયો તો તારી ખેર નથી….સની સમયને પારખીને ફોઇબા પાસે માફી માંગી અને કહ્યું કે એ બીજી વાર આવું નહી કરે…

પણ જમાનાની ખાધેલ ફોઇબાએ સાચી સજા તો રૂપા માટે નક્કી કરી લીધી..

એક દીવસ રૂપાની લટ ઉતારવાની વિધિ કરવાની બાકી રહી ગઇ છે એવું કહીને રૂપાને કહ્યું કે,”રૂપા વહું પાટલે બેસો એટલે તમારી લટ ઉતારવની વિધિ બાકી છે એ પુરી કરીએ..”

આ વિધિથી અજાણ રૂપા તુરત પાટલે બેસી ગઇ અને ફોઇબાએ રૂપાનાં લાબા વાળને પકડીને કાપડ કાપવાની કાતરથી આખા જથ્થાને પળભરમાં માથા પરથી અલગ કરી નાખ્યો….પોતાનાં વ્હાલસોયા લાંબાવાળને જમીનદોસ્ત થયેલા જોઇને રૂપાનાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ અને કાંપતા અવાજે બોલી,”બા…..આ શું કર્યુ,મારામાં સૌથી વધું એને ગમતા લાંબા વાળને જ મારાથી અલગ કરી નાખ્યા…”

ફઇબા એના અસલ ગામડાશાહી મિજાજમાં રૂપાને બાવળેથી પકડીને કહે,”મારા છોકરાને તો તું ભરખી ગઇ ચુડેલ,હવે મારા પોતરાને પણ તારે ભરખી જાવો છે….ભારે પગી છે તું..” આટલું કહીને રૂપાને હડશેલો મારી,માસી બબડતા નીચે પડેલા રૂપાને વાળ પર પગ મુકીને ચાલતા થયા…

રડતી રડતી રૂપા પોતાના ઓરડા તરફ દોટ મુકી અને અરીસા સામે ઉભી રહીને પોતાના વૈધવ્યને ક્ષુબ્ધ થઇને જોતી રહી……..મિનિટૉની ખામોશી પછી રૂપાએ ચીસ નાંખી…ફોઇબા સાંભળે એ રીતે,”હું શું તમારા પોતરને ભરખી જવાની હતી,મારા લગ્ન પહેલા જ તમારા પોતરાની અંદર રહેલા હેવાન મને ભરખી ગયો હતો….પુછો ફોઇબા તમારા વ્હાલા પોતરાને…..”

રૂપાના રૂમની બહાર ફોઇબા અને સની ચુપ ઉભા હતા….
અંદર રૂપા ફરી એ જ ખૂણામાં ટુટયુ વળીને પડી હતી,જ્યારે લગ્નની પહેલી રાતે પડી હતી એ રીતે….ફર્ક એટલો જ રહ્યો…ત્યારે એ દુલ્હનના જોડામાં હતી અને વૈધ્યવમાં ખોળામાં

-રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર(યુએસએ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: