આ ડીસેમ્બર મહિનાની કાળજું કંપાવતી ટાઢ ,
ઠંડીની અસર શું આ બંધ મકાનોવાળાને પણ આટલી બધી નડતી હશે?
સવારના પ્હોરથી રસ્તા સુમસાન,આખો દિવસ મજૂરી માટે હું અહીંતહીં ભટક્યો પણ કોઈ કામ ના મળ્યું. સાંજ પડતા સુધીમાં તો પેટની આગે મગજને ગરમી આપવા માંડી, છેવટે બેચાર જગ્યાએ હાથ લાંબો કરી જોયો ,તોય કઈ દિવસ ના ફળ્યો!કોકવાર તો થઇ આવતું ક્યાંક ભીખ માગીને પેટ ની ખાડો પૂરી દઉં આવા આખા શરીર વાળાને ભીખ પણ કોણ આપે?
દિવસ પૂરો થવા આવ્યો કંઈક પ્રકાશ કંઈક અંઘકાર એ બેની મેળવણી માં આ ખાલી પેટ અને એમાય ઓછું હોય તેમ ઉમેરાતી કાતિલ ઠંડી ભલ ભલાને પછાડી નાખે .કોઈ પોતાનું કહી સકાય તેવું અંગત હોય તો તેની જોડે આ એકલતા પણ વહેચી લેત હૈયાની ભૂખ તો ભાંગત.પણ આ આગળ ધરાર નહિ પાછળ ઉલાર નહિ જેવા જુના ડામચિયા ને કોણ હાથ આપે ..
શહેરની બહાર આવેલા એક જુના જીર્ણ મંદિરની પાછળ ની નાનકડી સાંકડી ગલીમાં મારો આવાસ હતો આજુ બાજુ ઠંડીમાં ઠુંઠા થયેલા ઝાડ ઉપર બેચાર લટકતા ખખડતાં પાનાં મારી લાચારી ઉપર હસતા અને નરી ભયાનકતા ઉભી કરતા હતા
જ્યારથી ગામડે એકના એક ખોળિયે આગ લાગી અને એકલપંડ હું શહેરમાં આવ્યો ત્યારથી રોજ આજ મોકાણ છે. ક્યારેક ભરેલા પેટે,ક્યારેક ખાલી પેટે હું ,મારી ગોદડી,એક માટલું અને જૂના મંદિર પાછળ સાંકડી ગલીમાં આશરો લેતા અહી સવાર સાંજ એક ઘરડાં પુજારી બે ચાર જીંદગી ને ઠેબે ચડેલા વૃધ્ધો અને પ્રસાદ ની લાલચે આજુ બાજુ નાં છોકરાં આવી જતા …
ટાઢથી બચવા વ્હેલો આવી ગોદડી પાથરી ભૂખ્યા પેટે લંબાવ્યું અને દુઃખી બની આગળ રહેતા ઉપરવાળાને બે ચાર ચોપડાવી દીધી …”તને તો માથે છત છે અને સવાર સાંજ તૈયાર ખાવાનું પ્રસાદના નામે મળી જાય છે! તું શું કામ મારું વિચારે??”
સ્હેજ આંખ મીંચાવા આવી ત્યાંતો કડકડતી ઠંડીમાં ગરમાવાનો અહેસાસ થયો લાગ્યું કો’ક જોડે આવી ભરાણું. કોણ ભરાણું. મેં બૂમ પાડી…એક સહેમી ગયેલો નાજુક અવાજ સંભળાયો…’’આજની રાત અહી સૂવા દયો બહુ ટાઢ છે અને બહુ થાકી છું ક્યા જાઉં?’’-
હું પણ કઈ ના બોલ્યો! મેં મનોમન ઉપરવાળા નો આભાર માન્યો ! લે..બહુ જલ્દી મારું સાંભર્યું તે તો! હવે એક નહિ તો બીજી ભૂખ તો વહેલી મોડી ભાંગશે !!!!
કદાચ તારી નજીક રહું છે એટલે જ ને ?
રેખા પટેલ
ડેલાવર ( યુ એસ એ ) 10/26/13
ભૂખ
29
Oct